શબ્દોનું વાવેતર, વસમી વિદાય

1
શબ્દોનું વાવેતર, વસમી વિદાય
બપોરનું ટાણું છે, પૂર્વોત્તર પવનોને શું થયું હશે કે બસ ઉતાવળે ફૂંકાયે જાય છે, સાથે કોઈ શેઢે થી સુકાયેલ છોડના શવની હાંસી કરતો હોય એમ, એને પણ ઢસડી જતો હતો..! કારતકની ઠંડીની હજુ શરૂઆત જ થઈ રહી હોય ત્યારે મધ્યાહનનો સૂર્ય ગરમ તો લાગે જ ને..!

સમીરના સુસવાટા સિવાય આખી સીમમાં સુનકાર હતો..! એવે ટાણે વાડીએ અવળી કોદાળી કરીને મનમોજી ઢેફા ભાંગતો હતો.. અચરજ તો એ હતી કે અકેક ઢેફા ને ભાંગતા બારાખડી બબડયે જતો હતો..! એની પ્રિય પીપળ વસંત ની જેમ ખીલેલ હતી, ને ત્યાં જ કોઈ પુરાતન કાળનું આધિપત્ય જણવતો હોય ડાઘીયો ચકળવકળ ડોળા ફેરવતો બેસી રહ્યો હતો..! મારી પ્રિય, ગજી રિસામણે છે, કારણ બસ મેં તેણે પ્રેમથી બનાવેલ અનાનસના ભજીયા ખાધા નહોતા..!!

વાડીની વચ્ચોવચ્ચ એણે હાથવા એક ખાડો કર્યો. પાઘડીના છેડે એક આંટી સહેજ ઊંચી કરી, ત્યાંથી કાંક ચબરખી જેવું કાઢ્યું, અને એને ખાડા માં પધરાવી માથે ધૂળ વાળી દીધી.. પાંહે પડેલ ટીપણા માંથી એકાદ લોટો એ બુરેલ ખાડા ઉપર રેડયું..! હું ને ડાઘીયું એક-મેક સામે સાશ્ચર્ય જોતા રહ્યા અને વિચારતા રહ્યા ત્યાં તો મનમોજી અમારી પાસે આવી પહોંચ્યો..!

"એલા ગજા, કેમ અટાણે?"

"મારું છોડો, તમે આ શું કાંક કાળી વિદ્યા જેવું કર્યું?"

ખડખડાટ હાસ્ય સાથે, "એલા કાળી વિદ્યા નહોતી એ.."

ઉત્સુકતાના અતિરેક માં ડાઘીયે વચ્ચે જ વાત કાપતા કહ્યું, "માણહજાત, ધતિંગની શોખીન છે."

મનમોજી : "એલા તું બિસ્કિટ બટકાવ, મગજ નહિ.."

વળી મુદ્દો પુનઃસ્થાપિત કરવા મેં જ કહ્યું, "અરે છોડો એ પ્રાણીને, તમે કહો તો ખરા એ કરતા'તા શું?"

"કાંઈ નહિ એલા..! મોટા એ શબ્દોનું વાવેતર કરવા કહ્યું હતું."

હું ને ડાઘીયો સામ-સામું જોઈને પેટ પકડીને હસ્યા..! ફરી ગંભીર થઈ ને મેં મનમોજીની મુખમુદ્રા સામું ધ્યાનથી જોયું કોઈ મજાક કે કટાક્ષ તો નથી ને? મૂછ પકડીને પણ ઊંચી કરી જોઈ કે મૂછ માં મલકાટ હોય.. મૂછ પકડતા ખભે ચાર આંગળની છાપ થઇ પણ જાણવું જરૂરી છે એટલે એને પ્રાધાન્ય આપતા અન્ય ગૌણ ગણીને અવગણી..!

"તમે આજ મોટાભાઈની વાત અક્ષરસહ કેમ માની?"

"બસ મારી મરજી."

"શું વાયકયુની વસમી વિદાયથી આહત છો?"

"એલા હોય કાંઈ?"

ત્યાં જ વચ્ચે ડાઘીયું બોલ્યું, "હૂંહ માણહજાત, નબળી, નકલી દુનિયાની લાગણીઓના પ્રવાહમાં તણાઈ જનારી..!"

"આ સારમેયની સત્તરમી પેઢીનો શિષ્ય મને જ કાં ભટકાણો?" કહેતા, મનમોજીએ છપરા ઉપરથી નેતરની સારી એવી સોટી હાથમાં લીધી, અને ઢોલિયો ઢાળી ને બેસ્યો. "ગજા, ગજી કેમ છે?"

"એ છોડો, પણ તમે આ ચિઠ્ઠી દફનાવી.."

"તારી સગી વાયવી છે ઇ, ન્યાં નાની એવી કૂંપળ ઉગશે, પછી એક દી' ઇ વિશાળ ઘટાટોપ ભાષા-વૃક્ષ બનશે, એમાં સ્વર-વર્ણોની ડાળીઓમાં કાના-માતરના પાંદડા આવશે, અને ફળ સ્વરૂપે શબ્દો સર્જાશે.. એ શબ્દના ગર્ભમાં રહેલું બી ખરશે, ફરી જમીનમાં ઉગશે.. અને બનશે આખા વાક્યો.. તેના ફળના બીજો ખરીને ઉગશે ત્યારે બનશે ફકરાઓ.. એ ભાષાનું ઉપવન બનશે, ત્યાં નાના કાવ્ય પુષ્પ સ્વરૂપે ઉગશે, સોડમ પ્રસરાવશે, વાતાવરણને મધુર બનાવી આપશે.."

"અને પછી તમારા જેવો કોઇ ખેડુ એ મૂળ સ્વરૂપને ઔર સુધારવાને નામે કલમ કરશે..! ભાષા માં અન્ય ભાષી શબ્દો ભેળવીને..!"

"હૂંહ માણસજાત..!! મૂળભુતમાં ઉત્ક્રાંતિને નામે, મનુષ્યો! નવી શોધને નામે, નવતર પ્રયોગો કરીને સરળતાને નામે, સમયની સાચવણને નામે, જીવનશૈલીમાં નવીનતમ સુધારાને નામે નકામો થઈ પડ્યો છે ને સવારે જિમને નામે પરસેવો વહાવી ગર્વ લેતો થઈ ગયો છે..!"

"સહમત ડાઘીયા," સોટીને છપરે ચડાવતા મનમોજી "પેલા માણહની જીવનશૈલી જ એવી હતી કે આ જિમમાં જઈને પરસેવો નો પાડવો પડતો. હવે તો બાજુની દુકાનેથી બિસ્કિટ લેવાય સ્પ્લેંડરિયાં દોડાવે છે."

"તો કબૂલ કરો તમે સર્વનાશી છો..!!"

"આનું ચાલુ થયું એલા" મનમોજીએ મારી તરફ જોતા કહ્યું, "તે કીધું નહિ, કેમ હાલે છે હંધુય, ગજી નું ઓહાણ રે'તું લાગતું નથી તને?"

"અરે કાઈ નથી, બસ.. જુઓ આ વાયકયુંની ડૂબતી નૈયા દેખીયે છીએ.."

"ગજા! તને નથી લાગતું તારે હવે આજનો આ બબડાટ બસ કરવો જોઈએ?"

અને મેં, રામ રામ.. કરીને ત્યાંથી ચાલતી પકડી..!!

લી. ગજાનંદ ઉર્ફે ગજો આજે.

Post a Comment

1Comments
Post a Comment