"એલા હમણાં ભારે ઉથલપાથલ થઇ હો..!" કહેતાંક ને મેં વાડીયે એક અલગ ખૂણે જઈને ચિલમ ચેતાવતા, ગજાને ડાયલ કરતા ફોન ખભેથી ટેકો કરીને કાને રાખ્યો. એલા ગજે કોલરટ્યૂન રાખી.. "તુજે દેખા તો એ જાના સનમ, પ્યાર હોતા હૈ.." "..હેલો"
"ગજા, ક્યાં એલા?"
"બસ ત્યાં જ, જ્યાં મારી હૃદય-સામ્રાજ્ઞિ તણી સ્મૃતિઓ ના અવશેષો સચવાયેલા છે."
"સીધું કેને એલા ધોબીઘાટે.. જ્યાં તને લૂગડું જાણીને ધોઈને લીરા કરી નાખ્યા'તા.. ન્યા શું દાટ્યું તારું અટાણમાં?"
"એવું ન કહેશો, એ આપને મન હાસ્યાસ્પદ હશે, મને તો મારી પ્રિયના સ્પર્શના સ્પંદનો અહીં અનુભવાય છે."
"આયા આવ એલા, ઘડીક સુવાણ્ય કરવી."
"એટલે મારે ત્યાં આવવું પડશે?"
"હા, એલા ને તને ગજી વેરે જોવા આવ્યા છે તે આયા વાડીયે જ ગોઠવ્યું છે, તે ગુડા જલ્દી."
"પણ એમ નહીં, હું નો આવું તો નો હાલે?"
"જો એલા, હમણાં ઘડીક તારા તમામ હથોડા ન્યાં ઘાટે દાટી આવ, ને ઝટ આવ. મેહમાન ને બોવ વાટ્ય નો જોવડાવાય."
"પણ એમ નહીં, એ મને જોવા આવ્યા છે તો મારે દેખાવું જ પડે? હું નો આવું તો નો હાલે?"
"ગજા, આવી જા, લપ લીધા વિના, પયણવું હોય તો.!" ને મેં ફોન કાપી નાખ્યો.
મેહમાનને ઢોલિયો ઢાળી ને ચા-પાણી કરાવડાવ્યા. ત્યાં બાજુની વાડી વાળા અજાભાઈનો આંટાલુસ ઉદો આવ્યો. "બાપાએ કીધું છે ખંપારી આપો."
"કાં ઉદા, અટાણ માં શું કામ પડ્યું? જો વાં ગમાણ પાંહે પયડી, લઇ જા."
ખંપારી લેતા ઉદો કે, "કાંઈ નહીં આતો બાપા કેતા'તા કે માથા માં ખોડો થિયો સે તે ઈ હાટુ."
મેહમાન ડોળા ફેરવતા કે, "ઓહો, અઘરા માણહ હો તમારા ગામમાં."
હું મનમાં કહું, તયે તો જોવા-કરવાનું આ ગામ બારોબાર ગોઠવ્યું. એટલા માં, ફોનની રિંગ વાગી, "હા, કેટલે પૂગ્યો ગજા?"
"પણ હું એમ પૂછતો'તો કે હું ન આવું તો ન ચાલે? એમાં જોવાનું શું હોય, તમને ભલે ને જોઈ લે!"
"એલા મૂરખા, ચીલો હોય એમ ચલાય, તું ઝપાટે ગુડાને આંય." કહીને ફોન કાપ્યો.
એટલા માં ડાઘીયો આવ્યો, "હૂંહ! માણસજાત."
"બેહ બેહ ડાઘીયા, જો આ મે'માન આપણા ગજા ને જોવા આવ્યા ઈ."
ડાઘીયા એ કતરાતા કીધું, "બીજું કોઈ મધુરભાષી મળ્યું નહીં?"
પેલા તો મેહમાન આ બોલતું કૂતરું ભાળીને જ થોડાક તો મુંજાણાં, ને પાછું ગજાને મુદ્દે સમાચાર કરતુ એટલે વધુ આશ્ચર્ય સાથે મારી સામું જોઈ રહયા.
"એલા મુંજાવ માં, આ અમારે બેકરીવાલને ઓણ ગુજરાતમાં ફ્રેન્ચાઇઝી ખોલવા નો મળી તે, થોડુંક હરખ સાથે ઘેલું પણ થયું છે. એને માણહવાળી જીભ છે તે આપણી જેમ જ વાત્યું કરે, પણ માણહને વગોવવાની ટેવ છે તે ધ્યાનેનો લેતા."
"હા, કરો અવગણના માણસજાત.. પાંચ દી પેલા અરુણાચલમાં થયું એ જાણ્યું ને? છસો ચીનકા ચડી આવ્યા'તા તે ધોકા ખાઈને ગયા, દસ આપણા ને દસ એના ઘવાણા છે પણ.. રંગ રાખ્યો હો આપણે."
"એલા ડાઘીયા, તબિયત ઠીક છે ને? તું અમારી કોર્ય બોલ્યું. પણ તને આવી લપ માં કેદુનો રસ આવવા લાગ્યો?"
"એમાં શું, આ ભૂમિ અમજેવા પ્રાણીઓની પણ એટલી જ માતૃભૂમિ છે, જેટલી તમ જેવા સામાજિક પ્રાણીઓની."
"હા, ડાઘીયા ઈ સાચું હો, વાયુસેના એ તત્તણ વાર ઉડાનો ભરી લીધી'તી, જ્યારે તવાન્ગ માં ચાઈનીઝ ડ્રોન ભારત તરફ આવતા હતા. પણ આ ઝીણી આંખ્યું વાળી મા'શી ટીનટીન હદ છે હો, એને ન્યાંની પ્રજા કાંક ઉપાડો લે એટલે આ સરપભખો તાઇવાન, વિયેતનામ, ને ભારત કોર્યા બચકા ભરવા માંડે. એની ન્યા કોરોનાના લોકડાઉનથી કંટાળેલી પ્રજા હાથમાં કોરા કાગળ રાખીને વિરોધ પ્રદર્શન કરે છે, કંટ્રોલ થાતો નથી તે, ધ્યાન-ભંગ કરવા આ મેનકા ભારતની સીમા એ નાચે છે, એને બાધવું તો હતું હો, છસો આયવા'તા, પણ અડીખમ ભારતીય થલસેનાને વાયુસેનાનો તત્કાલ પ્રભાવ જોતા મુંજાઈ ગઈ. ચાઈનીઝ સીમા પર ગોળીબારી ન કરવાનો કરાર છે તે ઢેબરા ગલવાન જેવા વાયર વાળા ધોકા લઇ આવ્યા'તા એવું જાણ્યું, પણ આપણા આ મહાવીરો એ ઇના ઈ ધોકા થી એના ને એના જ વાંહા રંગ્યા એ જાણ્યું.. તે હવે લગભગ ઘણા ટાઈમ સુધી શાંતિ રહેશે, ને એનું ગ્લોબલ ટાઈમ્સ હજી મૂંગું-મંતર છે એલા."
"બસ એય, થવાની ય ખબર રેવી જોઈએ.. હૂંહ માણસજાત."
"એતો ઠીક છે એલા, પણ આ પાકલાવ.. સરખા સૂડી વચાળે સોપારી થીયા.. બહુ તાલિબાન તાલિબાન કરતા'તા.. ઈ તાલિબાને પાક સેના ને જબર ઠમઠોરી હો..એક તો ઈ તાલિબાન પાકલાવને સીમા ઉપર તારબંધી કરવા દેતા નથી, પાછા 'છ' બોમ ઝીંક્યા હો બોર્ડર માથે.. તે હવે તાલિબાન ના તળિયા ચાટો નપાકો.. પાકિસ્તાન તો પાકિસ્તાન છે એલા.. ઓનીપા કવેટા-બાલોચિસ્તાન પાક સેનાને મારે, ઓલી કોર્ય અફઘાન-તાલીબાન બૉમ્બ ઝીંકે છે, આનીપા ભારતીય સેના લમધારે, ને એના જ દેશ ની અંદર TTP (તહરીકે તાલિબાન પાકિસ્તાન).."
"એલા બસ કરોને એ ય માણસજાત.. બે શબ્દો બોલવાના કીધા હોય ત્યાં બબ્બે મણ નો ઠલવાય."
એટલામાં મારા ફોન ની રિંગ વાગી.."એલા ગજા, ક્યાં રહી ગયો ઝટ આય્વ એલા.."
"પણ હું એમ પૂછતો'તો કે, ઈ મને જોવા આવે છે તે એમણે મને પેલાય કેટલીય વાર જોયેલો તો છે, તો હવે ફરીથી શું કામ જોશે?"
"એ જોવાનું એટેલ તારું ડોહું સગાઇ નું નક્કી કરવાનું હોય એમ."
"તો એમ ચોખ્ખું કહોને, તો નવા કપડાં પહેરીને આવું કે આના આ હાલે?"
"એલા ભભૂતિયો બાવો થઇ ને આવીશ તોય હાલશે પણ આ તારા સગા વયા જાય ઈ પેલા આયા પુગ." કહીને મેં ફોન રાખી દીધો.
મહેમાન કહે, "આમ આ ગજાભાઈનો સ્વભાવ વેગેરે કેવો ?"
"જુઓ ને વડીલ, આમતો અમારો ગજાને મોઢા માં જીભ નહીં હો, જ્યાં બેઠો હોય ન્યા ટાઢા ઠીકરાની જેમ પડ્યો રે, પુછીયે એટલો જવાબ દે."
મહેમાન : "ઓહો, નકર આજકાલ ના જુવાનિયા તો તમે જોવો.. લપીયા બોવ હો. આ ગજાભાઈના ઘરમાં કોણ કોણ?"
"જુઓને વડીલ, આમતો અમારા ગજાને અમારી બાજુ માં હવેલી હતી, પણ હમણાં થોડુંક રીનોવેશન કરવું'તું, તે ઈને પાડી ને ઝૂંપડું વાળ્યું છે."
મહેમાન : "હા, જુના ઘરને સમયાંતરે સરખું કરતું રેવું જ જોઈએ, જમીન તો હશે ને એમને? કેટલી છે?"
"જુઓને વડીલ, આમતો અમારા ગજાના બાપ-દાદાઓને ગામ-ધણીએ બારસો વીઘા ગિરાસની પાઘડી બંધાવી'તી, હજી ગિયા વરહે જ ગજાને તેંતાળીશ
હજાર ને બસ્સો સેકન્ડ હાલે એટલો પાક આવ્યો તો..!!"
"હૂંહ, માણસજાત.."
"એલા ઘડીક તુંય, ફૂટેલ હાંડા જેમ ક્યાંક લૂગડું લેવા જેટલું તો ઉપયોગી થા.. આ મહેમાનને ગજાની વાતું કર્ય, ત્યાં હું ઓલા અજાભાઇને ન્યાંથી ખંપારી પાછી લેતો આવું.." ને મેં બીજે શેઢે જઈને પાછો ગજા ફોન જોડ્યો..!! "ક્યાં એલા, આંય વરહ આખાની ફેંકણ્યું મારે એક જ દી માં વર્તવી પડે ઈ પેલા આયા આય્વ, નકર રહી જાઈશ..!!
"ઠીક છે હું આવું છું, બસ રસ્તામાં જ છું. સત્તર વાર જોયેલા ને જોયા વિના રહી જતા હોય જાણે..!!"
"એલા ઈ બધું કરારનામું જેવું થાય પછી જ વેવાર થાય, તું જાજી લપ માં ઉતર્યા વિના આવ્ય ને.."
"બુટ પેરવા જોઈશે કે...?"
"એલા તું તળિયા વિનાના ખાંહડા પેરી આય્વ પણ ઝટ આય્વ હવે..!!" ફોને કટ કરી વળી પીપળ હેઠે પૂગ્યો ત્યાં ડાઘીયો એકલો બેઠેલો.
"મેમાન ક્યાં એલા.."
"ઈ તો તમારી વાંહો-વાંહ અજાભાઈની વાડી કોર્ય વળ્યાં'તા."
ધોડીને અજાભાઇને ન્યાં પૂગ્યો, અજાભાઈને મહેમાન સામસામું ઓહો ઓહો કરી કરીને વાત્યું કરે, મહેમાનને ઉદો આજ્ઞાકારી લાગ્યો, બાપની આજ્ઞાનું તત્કાળ અક્ષરસહ પાલન કરનારો, સત્યભાષી અને સારો લાગ્યો. એટલે આ સાડી ત્રણસોમી ગજીનું માંગુ અજાભાઇના આજ્ઞાકારી આંટાલૂસ ઉદા વેરે નક્કી થિયું, એમના રિવાજ પ્રમાણેની વિધિઓનું અનુસરણ થયું. એટલા માં ગજો પણ ટાયટમાયટ તૈયાર થઇ ને આવ્યો, રાતો બુશર્ટમાં સોનેરી ઝરીની ડિઝાઇન, પાછું આછું કથ્થાઈ રંગના પાટલુનને ડુંટી સુધીનું ઇનશર્ટ કર્યું.. પાયસા સે'જ ઊંચા હતા એમાં એણે ગુલાબી રંગના મોજા પેર્યા'તા ઈ ડોકિયું કરી લેતા, પગમાં બ્રોઉન બુટને પૂર્ણ અવગણના સાથે કાળું પોલિશ કર્યું હતું એટલે ચટ્ટા-પટ્ટા ચળકતા'તા, વળી ચમેલીના તેલના ટીપણામાં માથું બોળીને આવ્યો હોય એમ કપાળ ઉપર તેલ ના રેગડા નીતરતા'તા, ને ડાબી બાજુ પાથી પાડીને ઓળવેલી એની જુલ્ફો તેલનો ભાર નો ઝીલાતા માથા સાથે ચિપ્પો-ચિપ ચોંટી ગઈ હતી. અને નેવુંના દાયકા ની હિરોઈનને વિરહ દુઃખ ઉપજે એમ મોઢા આડો હાથ દઈને ગજો દોડ્યો હો, પીપળ હેઠે ઢોલિયે ઊંધું માથું નાખીને પાડો ગાંગરે એમ રોયો હો..!!
*****
(બાકી યુટ્યુબ પર ચાઈનીઝ અથડામણના વિડિઓ આવ્યા છે, ભારતીય સેનાએ જે ઢીબ્યા છે, વાક્યુદ્ધ(ગાળા-ગાળી) સાથે સાથે આપણા વાળા ધોકા ઉપર કાંટાળા તાર વીંટેલા સાથે રાખેલા, ને ધબાધબી બોલાવી છે, અને છેલ્લે ઓલ્યા ચીબલા ભાગ્યા બાદ જે વિજયઘોષ કર્યો ત્યારે ખરેખર હૃદયમાં એક શૌર્ય ભાવ સાથે મારા તો તમામે રૂંવાડા બેઠા થઇ ગયા.)
જય હિન્દ
જય હિન્દ ની સેના