એ રામ રામ મોટા, શું હાલે મોજ ને?
હમણાં થોડીક બીજી જ ભાત્યની ભાગદોડ છે, તી લખવાનો પોરો લીધો છે.. પણ તમે આ પુસ્તકપ્રેમી લઇ આવ્યા, તે થયું આજ કાંક ઝીંકવી.. જાજા દી થિયા તમને ધોડવ્યે..
તે કાલ એલા આભમાં લીંબુ-મરચાની જોડ્ય જેવો જગત-મામો ચાંદો ને એની હેઠે શુક્ર આભને કોઈની નજર નો લાગે ઇ હાટુ ઉયગા'તા.. ને મોટા કેવો આહલાદક દેખાવ, અમારે આયાં તો ખટારાવે ધુમાડો છોડી છોડી ને આભ કાળું કરી રાખ્યું'તું તોય ઇ જોડ્ય ભાળી'તી હો મેં ય.. એક આ ખાલીસ્તાની ધોડા-ધોડ થયા છે, આ ગધના ગોરા તેદીએ ભરોસો કીધા જેવા ન્હોતા ને આજેય નથી. ઇ ગોરાવના ગામ લંડનમાં ભારતની એમ્બેસીને ખાલી બે પોલીસ વાળાઓ જેટલી સુરક્ષાય નો દે, આંય દિલ્લીમાં તો બેરીકેડ વાળી સુરક્ષિત ગલીનો અખંડ ભોગવટો ધરાવતા'તા. આ ખાલીસ્તાનીયાવ ઠેકડા દે, તિરંગા હાર્યે છેડછાડ કરી જાય તોય ઓલ્યો દાઢી વાળો સૂતો રે ? આ ખાલીસ્તાનીયુનું પરાક્રમ નથી, પણ રાઈટ વીંગ વાળાઓની સખત હાર છે, ડાબેરીઓ તો ઓમેય લિબરલ છે. ભારત સરકાર વધી વધીને યુકેની એમ્બેસીની ભારત સરકાર તરફથી અપાતી સુરક્ષા હટાવી, એનથી વિશેષ શું કર્યું? ઓલા ખાલીસ્તાની આતંકવાદીઓની જો ભારતમાં સંપત્તિ હોય તો જપ્ત કરો, ભારત માં એના તમામ છેડાઓ ફાડી નાખો, ભારત સરકારે રશિયન તેલમાં ઘણું કમાયું છે, તમે સીધા પગલાં ન લઈ શકો તો કાઈ નહી, ગુપ્ત અભિયાન કરી ને ઇ એકેએક (ખાસ ઓલ્યો થાંભલે તિરંગો તાણવા ચડ્યો'તો) ની સુપારીયું આપી દ્યો, સરકાર નમાલી થઈને બેસી ગઈ? છપ્પનની છાતી માં હવે બુઢાપાની ખાંસી ગળી ગઈ લાગે, બીજી વાર આ લોકો એ તિરંગા ઉપર હાથ નાખ્યો છે, સાલું ઇઝરાઇલી મોસાદની જેમ વીણી વીણી ને ઠાર કરો, કેજીબી ની જેમ પકડી પકડીને ત્રીજે માળે થી ઘા કરી દ્યો.. (પુસ્તકપ્રેમ લખવાનો હતો કાં એલા?)
પણ મોટા, પુસ્તકપ્રેમ હવે પેલા જેવો રિયો હોય એવું લાગતું નથ, ઔડીયો-બુક નામે નવો ચીલો પડ્યો છે તી ઘેલડું માણહ માથું નીચું કરીને ગોઢલા ધોયડા જાતા હોય એમ હાયલા જાય છે.. વાંચીને આંખ્યુંને તસ્દી દેવા કોઈ રાજી નથી એલા..! મનેય એક દી ચસ્કો ચડ્યો તે અખતરો કર્યો પણ જાજુ જામ્યું નહિ એલા.. પોડકાસ્ટ ને એવું બધું ક્યારેક ક્યારેક હુંય સાંભળું પણ બેઠક કરીને વાંચવાની જે મજા છે ઇ મને આ ઓડિયો-બોડીયામાં ખાસ આવી નહિ..! ઇ એય ને તમે પૂંઠા ઉઘાડોને એમાંથી કાગળ ની જે એક અલગ જ જાયતની સોડમ આવે એલા.. એનો નશો જ જુદો છે.. પછી ઍયને લેખકની કલમ હાર્યે ઉથલા દીધે જાવી..!
ઇ પૂંઠા, પછી પેલા પાને નામ લખાતું.. કાં તો કોઈએ આપી હોય ને ઈય જો સાહિત્ય રસિક હોય તો ભેટ તરીકેની વળાંકવાળા અક્ષરો વાળી નોંધ વધારાની આવતી.. બીજા પાને આમતો પ્રકાશકનું ઠામ-ઠેકાણું હોય એટલે લગભગ ખાલી જેવું જ હોય, મારા જેવા વાંચકો એ ખાલી પાનાંનો સદુપયોગ (અથવા તો પુસ્તકની દશા બગાડવા અથવા તો એ ઘણી ગંભીરતાપૂર્વક વાંચ્યું છે એવો દેખાડો કરવા પણ) એ પુસ્તકમાંથી પરંમ્-પ્રિય પંક્તિ, વાક્ય, કે નોંધ ટપકાવવા જ કરે..!
મોટા આ દસ આંગળનું ડબલુ ય (મોબાઈલ) આજકાલ ભારી ભીંસ કરે છે હો.. ઇ-બુક્સ નો જમાનો આયવો છે ને એમાંય ઈન્ટરનેટ આર્કાઈવ જેવી ખીણ માં દાટેલા જથ્થાબંધ ચોપડા, જયે ધારો તયે ખાબકો, ને અનંત રસની છાકમછોળમાંથી નીતરતા નિસરો ઇ દ્રશ્ય જ એટલું આહલાદક છે..! (થોડીક શિષ્ટતા આવી ગઈ નહિ લખાણમાં?) કલાપી ઉપર થોડુંક ખાંખાખોળા કરતો'તો, તે કલાપીના 144 પત્રો - મુનિકુમાર સંકલિત વાંચી.. કલાપીના મિત્ર કાંત, અને ઇ કાંતના દીકરા એ મુનિકુમાર, ગજબ હો એલા.. ઇ ભૂંસાઈ ગયેલી પત્રલેખન પદ્ધતિ, ઇ પત્રોમાંથી ઉદભવતી ઉત્કંઠા, અને ધીરજ આ બધું હવે કાલ્પનિક જ રિયું છે મોટા, મને પાછું કાંક વાંચતા વાંચતા એમાં કાંક વર્ણન આવે એટલે હાર્યોહાર ઈય જાણવાની તાલાવેલી જાજી..! જેમ કે કલાપીના ઇ પત્રોમાં આવતા પાત્રો, મણિશંકર રત્નજી એટલે કાંતનું નામ આવ્યું એટલે પાછું સાઈડ માં ગૂગલ કરીને કાંતની વિશે ય જાણી લીધું, વળી વચ્ચે નામ આવ્યું ગોવર્ધનરામ ત્રિપાઠી, આમને તો ગૂગલ કરવાની જરૂર નહોતી, વળી કલાપીનું "કોર્યમોર કાઠીને વચમાં લાઠી" અને કાંતના ચાવંડમાંય મેં ઘુમરો મારેલો છે એટલે થોડોક વધુ રસ આવે, આ બધા પત્રો વાંચ્યા પછી થોડીક કસર રહી હશે તે જુનવાણી વિવેચક (ગુજરાતીમાં કહું તો એલા ક્રિટીક) અને પાછું 'પોણીપચીસ' જેવું સાવ અલગ જ ઉપનામ રાખનારા નવલરામ ત્રિપાઠીની લઘુકથા કલાપી વાંચી, વળી પાછું યાદ આવ્યું, મારા નાનકડા સંગ્રહમાં કલાપીનો કેકારવ જ નથી.. એટલે ઈય ઓર્ડર કર્યો, ને પાછું એક-બે જણા વાંચવાનું કહીને લઈ ગ્યા'તા એણે હજી ડોકિયું કર્યું નથી તે ઈનેય મેસેજ નાખ્યો કે એલા કા તો ચોપડી દઈ જાવ ને કા તો રોકડા દ્યો પ્રભુ.. (મજાક એલા હો..)
તે મોટા મને પ્રેમ તો નથી પણ પુસ્તક પ્રત્યે થોડીક અલગ લાગણી જરૂર છે, ક્યાંક વાંચ્યું હતું એલા, પુસ્તકો વાંચો નહિ તો કઈ નહિ ખરીદવાનું રાખો.. એટલે આપોઆપ ક્યારેક વાંચવાની ય મતિ આવશે..!!