ફાગણ વદ અમાસ, ૨૦૭૯.
વ્હાલા હૃદય,
ઊર્મિની અછત આવી છે તને? હા, સર્વ સમય સમાન નથી હોતો પણ.. તેથી કંઈ આમ નિઃરસ થઈ બેસી શકાશે.. ઉદ્યમ વિના કશું શક્ય નથી..! ન શોખ, ન વાંચન, ન જીવન..! જીવવું એજ આમ તો ઉદ્યમ છે, પણ જીવવા માટે પણ અન્ય ઉદ્યમો આદરવા જરૂરી છે.
કલાપીના પત્રો વાંચતો હતો તેથી જ તો આ સંબોધન અને શૈલી આજે મેં પણ અપનાવી છે. કલાપીનું હૃદય કેટલું સહનશીલ હશે? એક રાજા હોવા છતાં જો તેઓ પોતાની ઈચ્છાઓની આપૂર્તિમાં તમામે બળ વાપરવા બાદ્ય થયા હોય, કે વારેવારે ચિરાતા હૃદયને ફરી સાંધી, ફરી ચિરાય ને ફરી સાંધી શકતા હોય તો.. તું કોણ? હા, હૃદયમાં ચીરો પડ્યો છે, તેથી શું? એ ઘા પણ ભરાશે.. કાળક્રમ તેને પણ સાંધશે. હા! માનું છું ત્યાં નિશાન રહી જશે, પણ તેથી શું એ નિશાનને ઘસ્યા કરતા ત્યાનું ત્યાં જ અટકી રહેવું?
બે દિવસથી અહીં માવઠાએ કૃષકોને મોં બગાડવા વિવશ કર્યા છે. આ મેહના કોઈ માન નથી. આનો આ મેહ અષાઢમાં આવે તો એના આદરમાન કંઈ ઓર હોય.. પણ અટાણે? ચા ભેળું ગુલાબજાંબુ પીરસ્યું હોય તેવું..!
તું આહત છો, તેથી જ આ ગમ્મત કરી હતી. કાલે હું અને ગજો વાડીએ બેઠા હતા, અને વાતમાંથી વાત નીકળતા, મારે મોઢેથી નીકળી ગયું કે, "ભાઈ ગજા, આ સંસારમાં સ્ત્રી જ ન હોત તો કેટલું સરળ હોત, ન હોત વિષમ જાતિ પ્રત્યેનો પ્રેમ, 'ને ન હોત પીડા.." ને વચમાં જ ગજો બોલ્યો, "ને ન હોત તમે." (આજકાલ ઘણો પ્રચલિત શબ્દ) હાયપોથેટિકલ (સમજાય તેમ કહું તો કાલ્પનિક) સૃષ્ટિનો વિચાર કર જ્યાં સ્ત્રી જ ન હોય.. મને સ્ત્રીદ્વેષી ન માનીશ.. આતો તારું ધ્યાન અન્યત્રે વાળવા જ પૂછ્યું.
પત્ર ઘણો લાંબો થતો જાય છે, પણ ભલે..! ડાયરીમાં ક્યાંક લપાઈને બેસી રહેશે.
ખરેખર કહું? આજ ખટકે છે..! તેની છબી જ્યારે જ્યારે મારા આંખ કનેથી પસાર થાય છે, કે પછી ક્યારેક ઓચિંતા જ મનસપટલ પર તેની સ્મૃતિઓનું વહેણ આવી ચડે છે, અને પછી ખુલ્લી આંખે ધૂંધળું દેખાવા લાગે છે. મનોદશા પર કોઈ અજાણ્યા આઘાતો થાય છે, પીડા ઉદભવે છે.. હવે તો આ પીડાના પંથનો જ પથિક છું. આંખોથી વહેલી ખારાશે મને એટલો ક્ષારયુક્ત કર્યો છે કે હવે તો કદાચ અગરિયાના પગની માફક રૌરવની અગ્નિ પણ મારા ચક્ષુઓ સંપૂર્ણપણે બાળી શકશે નહીં..! કહે છે આશા અમર છે, પણ ના.. એ આશાની અમરતાની પણ અવધિ છે. મર્યાદાના બંધનોથી એ પણ બાદ્ય છે. કદાચ મૃત્યુ બાદ 'એ' આવી મળે તો મારે શા કામનું? ખરેખર જેને હું મેળવી નથી શક્યો, પામી નથી શક્યો, તેના હૃદયની લાગણી નથી સમજી શક્યો, વળી જેના ગૌર બાહુબંધમાં આલિંગીત હતો હું, તેનું મન ન માગી શક્યો. કદાચ મારા ખુલ્લા હૃદયનો ધોધ તેના હૃદયનું બંધ કમાડ ન ખોલી શક્યો. મારી ઈચ્છાઓ - અપેક્ષાઓ કરતા તેના મનની મુરાદ વધી ગઈ, અને ખંડિત થયું તો બસ તું જ મારા હૃદય.. તું ભૂલી જા, બધું જ ભૂલી જા, ચાહે તો તુજની અંદર બળતા તણખાને જ્વાળામુખી સમો ભડકાવ, તું ત્રાડ નાખ, રાડ નાખ, ગગન ગજાવ, તારી સીમાઓનું વિસ્તૃતિકરણ કર, ભીંસાયેલ તારા કાળજાને છૂટ દે, તારી શાખ વધાર..! હું જાણું છું, સહેલું નથી, વાતો સહેલી છે.
અમાસ જેવું અંધારું તે ભીતર સંગ્રહિત કર્યું છે. કરોડો તારલાઓ ટમટમે છે, પણ તેથી તેઓ ચંદ્રિકાની તોલે તો નહીં આવે એ હું પણ જાણું છું..!!!
લી. મનહીન મનમોજી
ખૂબ સરસ લેખ સાહેબ મારા કલાપી પેજ પર આપના નામ સાથે પોષ્ટ કર્યો છે.
ReplyDeletehttps://www.facebook.com/100050486949952/posts/pfbid02p81mYDujWtVVS9Gntd7qJoghkVfdtQU3kD2ej4EGQBkMrxhbuU8j8Fvyz8y1WwSul/?d=w&mibextid=DcJ9fc
ખુબ ખુબ આભાર..!!
Delete