"ડાયરીનું દસમુ પાનું!"
શિશિરનો આ વાયરો જાતી શીતળતા અને આવતી ઉષ્માને સાંધતો ફૂંકાય રહ્યો છે. બે મહારાજાઓ સીમા પર આવીને સંધિ કરે અને જૂના કરારો પર નવી મહોરો મારે તેમ બદલાતી આ ઋતુમાં વૃક્ષો પોતાના પર્ણો બદલી રહ્યા છે..! ધીમે ધીમે તેમાં નવી કૂંપણો ફૂટશે.. નાની નાજુક કળીઓ ખીલશે.. અને ધીમેથી ફાલશે ઘેઘુર ઘટા..! તેની હેઠે કોઈ દાઝેલા હૃદયને પુનઃ દઝાડશે આવતો ગ્રીષ્મનો વાયરો..!
મારી મુઠ્ઠીમાંથી ઘણું બધું સરકી રહ્યું છે. એક વખત હતો કે હું ઇચ્છતો હતો, આખી જિંદગી મુઠ્ઠીની રેત માફક સરી જાય.. પણ.. અત્યારે કચકચાવીને બાંધેલી મુઠ્ઠીમાંથી પણ આપમેળે બધું સરી રહ્યું છે ને હું કોઈ પણ શ્રમ વિના તાકતો બેસી રહ્યો છું. દિવસ વીતતા ભાવ બદલાય છે, એ અહીં જ કળાઈ ગયું, પ્રથમ ફકરો ગત રાત્રીએ લખ્યો હતો, અને આ ફકરો બીજા દિવસે લખાઈ રહ્યો છે, ત્યારે વાંચતા બંને તદ્દન જુદા જુદા ભાવો તરવરે છે એવું ભાસે છે..! પણ ફિકર નહિ, આ પાનું - તું તો નહીં જ વાંચે..!!
'પ્રેમ' - આ એક એવું તત્વ, ભાવ કે માયા છે જેના પર કદાચ કોઈનું એ આધિપત્ય નથી.. નથી મારું કે નથી તારું..! કદાચ પ્રેમ એ કોઈ સરોવર હશે, જ્યાં પ્યાસીઓ પોતાની ઇચ્છાનુસાર તૃષા છીપાવતા હોવા જોઈએ કાં તો કોઈ કામધેનુ હશે કે જેનું ક્ષમતાનુસાર દોહન કરી લેતા હશે, કે પછી કોઈ પારિજાત હશે કે પારસમણી? કારણ.. આ બધું અનંત છે.. સતત ચાલતી પ્રક્રિયા.. અથવા તો એક પુનરાવર્તિત થતું અનંત માયા ચક્ર..! હા! માયાચક્ર જ હોવું જોઈએ. આમ તો પ્રેમ અને પીડા પર્યાયવાચી હોવા જોઈએ, અથવા તો એકબીજા ના પૂરક..!
*****
અમુક વખતે મને એવો ભાસ થાય છે કે મારા મધ્યમાંથી બે ટુકડાઓ થશે..! હું બે ભિન્ન - વિરુદ્ધ દિશાઓમાં ખેંચાઈ રહ્યો છું. મારી જાતને પૂર્ણ સ્થિર ટકાવી રાખવા મથું છું. થાકું છું, વિરમું છું, અને ફરી પાછો ખેંચાઉ છું.
*****
હોળી ગઈ, પ્રગટી પણ હતી અને સળગી પણ..! લગભગ એકાદ વાગ્યો હતો રાત નો.. હોળીની મધ્યમાં ગોઠવેલું થડનું ઠૂંઠું એકલું અંગારા ઓકતું ઉભું હતું..! ક્યારેક ક્યારેક પવનની એકાદ લહેરખી તેની છેડતી કરતી અને એ ઠૂંઠું બે-ચાર તણખા એની પાછળ વહેતા કરી દેતું. ચારેકોર સુમસાન હતો.. હોળીમાંથી એક અડધા સળગેલ છાણાની કોરે બાજેલ અંગારા વડે સિગરેટ સળગાવી અને એને પાછું ઠૂંઠાને હૂંફ દેવા હતું ત્યાં મૂકી દીધું..! બાજુમાં જ એક કાળમીંઢ પાણો પડ્યો ત્યાં બેઠો.. અને એક લાંબો કસ ખેંચી તેની ધૂમ્રશેરો આભ સામું મોં કરી છોડી.. ત્યાં નજરે ચડ્યો પૂનમનો ચંદ્રમાં..! ઘણી રાત વીતી હતી, ચંદ્ર પૂર્વમાંથી મધ્ય આકાશે આવી ઉભો હતો.. સંધ્યા કાળે થયેલ શુક્ર અને ગુરુની યુતિ હવે તો અસંખ્ય ટમટમતા તારાઓ વચ્ચેથી કદાચ આથમી ચુકી હતી.. અને મારું મસ્તિષ્ક પાછું અનરાધાર વિચારો માં વ્યસ્ત થઈ ગયું.. અને કદાચ અઢી વાગ્યે હું ઘરે પરત ફર્યો હોઈશ.
હોળીને ધુળેટી વચ્ચે જે ધોકો હતો.. શુદ્ધ ભાષામાં અથવા તો માનભેર કહેવું હોય તો પડતર દિવસ.. સાવ નકામો ને મૂલ્યહીન દિવસ.. તહેવારોની રંગ માં ભંગ પાડનારો દિવસ.. મને તો એવું લાગે છે કે આપણી વચ્ચે પણ આવો પડતર દિવસ આવી ઉભો છે, એટલે જ તો ઉત્સાહ અને ઉમંગ માં ટેપ-રેકાર્ડરમાં કેસેટ ચોંટતી એમ જિંદગી ચોંટી છે..! અંધારી એકમનો ચાંદો જોયો'તો? રાતો ચોળ હતો. રામજાણે પણ રાતો તો કાં શરમ માં થાય કાં ક્રોધમાં..!
આ દિશાહીન લેખન છે..! ડૂબતો માણસ જેમ હવાતિયાં મારે એમ જ આ એક જ લેખન માં કેટલીય દિશાઓમાં મેં પગફેરો કર્યો છે. આ ડાયરીનું દસમુ પાનું છે.. કદાચ આપણાં ભવિષ્યનો કોઈ ફેંસલો અહીંયા જ સંગ્રહિત કરું તો? રાત્રે થોડું વધું થયેલ મદ્યપાન માટે સવારે ન મળેલ ઉતારથી અંગની નાડીએ નાડી તણાતી હોય, અને બોટલમાં બચેલ એક જ છેલ્લો ઘૂંટડો જે રાહત આપે.. કદાચ એવડી જ રાહત તને પામ્યાંથી મને થશે..! પણ અફસોસ.. આ બધું ખુલ્લી ડાયરીમાં છે.. જેને કદાચ તું જ વાંચશે નહિ..!