"મુકો સલ્તનત તમારી એક છાબડે છતાં,
વજન મારી રખડપટ્ટીનો વધારે લાગશે..!"
કચ્છડો ખરેખર એક સમૃદ્ધ સંપદા ધરાવતો પ્રદેશ છે. કચ્છ પાસે શું નથી? પહાડો, નદીઓ, ઝરણાઓ.. દૈવી સ્થાનકો, કુદરતી સ્થાનકો, ઐતિહાસિક સામ્રાજ્યના અવશેષો.. ધીકતું બંદર, સમૃદ્ધ વ્યાપાર..! આમ તો કામથી કંડલા અવારનવાર જવાનું થાય છે, અને સમય મળે એટલે જાગૃત થાય સુષુપ્ત શોખ રખડવાનો.. મોટરસાઇકલ લઈને નીકળી પડવાનું..! સાહસ સાથે એક રોમાંચક અનુભવ થાય. નવું જાણવા પણ મળે, શીખવા પણ.. આમ તો મારી પ્રકૃતિ એવી છે કે કોઈ પૂછે એટલો જ હું જવાબ આપું છું, પણ આમ રખડપટ્ટી માં હું બહાર નીકળું ત્યારે તમામ બંધનોને ત્યાગવાની કોશિશ કરતો હોઉં છું. કચ્છની કુદરતને ખોળે બેઠેલ એક પ્રાચીનતમ દૈવીય આસ્થાનું સ્થાન એટલે હબાયના ડુંગરની તળેટીએ બેઠેલ વાઘેશ્વરીમાં નું સ્થાનક.
શિવરાત્રીનો દિવસ હતો. સવારમાં સર્વપ્રથમ સ્નાનાદિથી નિવૃત થઈને પાસેના એક શિવમંદિરમાં શિવ આરાધવા હું પહોંચ્યો. સૂર્યના સોનેરી કિરણો નંદીના વિશાલ શૃંગોની મધ્યમા થઈને પૂર્વાભિમુખ બેઠેલ શિવલિંગ પરથી પરાવર્તિત થઇ ગર્ભગૃહને ઉજાયમાન કરતા હતા. કદાચ આઠ વાગ્યા હશે છતાં હજી મંદિરમાં ભક્તોનો ધસારો થયો નહોતો તેથી ઘણી જ ઉમંગપૂર્વક શમ્ભુને જળ ચડાવ્યું, ત્રુટક આવડતા બે-ચાર મંત્રોને ઉચ્ચારીને ગર્ભગૃહમાંથી બહાર આવ્યો ત્યાં, બાવાજી પ્રસાદી લઇ આવ્યા. મહાદેવની પ્રિય રાત્રિનો આ પ્રસાદ ચૂકાય? "નમો નારાયણ" કહીને ભાંગની નાનીશી પ્યાલી રૂપી પ્રસાદને ગ્રહણ કરીને બાવાજીના ચરણે ઝૂકી આશીર્વાદ લઇ નિત્યક્રમમાં પ્રવૃત થવા મંદિરથી બહાર નીકળ્યો.
ઓફિસે કાંઈ ખાસ કામ હતું નહીં. વળી મુન્દ્રા બંદરે આયાત થયેલ કોઈ વિશાળ ફેકટરીના મોટા મોટા સ્પેર-પાર્ટ્સને પુલરો મહામહેનતે તાણી જતા હતા. આ પુલરો અને તેની પાછળ લાગેલી અસંખ્ય ટાયરો વાળી ટ્રોલી જતી જોઈએ એટલે હાથી-ગાડી જતી હોય તેવું લાગે. આ વિશાળ સ્પેર-પાર્ટ્સ દસ કી.મી. પ્રતિ કલાકની ગતિથી આગળ વધતા હોય છે, અમુક વખત તો તેમને ત્રણસો કી.મી. નું અંતર કાપવામાં પણ વર્ષ વીતી જતું હોય છે. આ મશીનરીને ટ્રાન્સપોર્ટ કરતી વખતે રોડ તોડવા, નવા બનાવવા, વીજળી કાપવી, જોડવી એ તમામે ઘણું સામાન્ય ગણાય છે. શિવરાત્રીની રજા હોવાથી પુલરો આ મહા મશીનોને લઇને આગળ વધી રહ્યા હતા, પાછળ ચાર કી.મી નો ટ્રાફિક-જામ સર્જાયો, અને લાઈટ પણ ગઈ. જેમ-તેમ ટ્રાફિકમાંથી પસાર થઈને ઓફિસ પહૉચયો, જાણ્યું લાઈટ નથી, એટલે બસ, ક્યાંક રખડવા માટે અચાનક જ અનુકૂળતા આવીને જાણે ભેટી પડી. મોટરસાઈકલને કિક મારી, ગાંધીધામ-ભચાઉ હાઇવે પર પેટ્રોલપમ્પમાં જઈને સ્પ્લેન્ડરને ગળા-ડૂબ તેલમાં તરબોળ કરી દીધી. કાળા કેડા પર સ્પ્લેન્ડર દોડવા લાગ્યું.
મોડવદર, અજાપર, લાખાપર, આંબાપર, રાપર, અને પછી આવે કનૈયાબે. નજીક નજીકના અંતરે જ વસેલ આ કચ્છના ગામડાઓ, ખેતી અને ઉદ્યોગોની વચ્ચે ગજબનું સામંજસ્ય સાથે ધબકતા રહે છે. કનૈયાબે ગામ પાસે ફરી ભચાઉ-ભુજ હાઇવે આવી મળે છે. કનૈયાબેથી ડાબે ભુજ તરફ આગળ વધતા ક્યારેક તો પાકેલ જીરાના ઉભા મોલની આવતી સુગંધ, તો ક્યારેક આધુનિકતાને સંતોષવા કાળો ધુમાડો ઓકતી ચીમનીઓથી ઉપજતી ગંધ, ક્યાંક આ પાનખરને લીધે ઉભેલ સૂકા ઠુંઠાંઓ, તો ક્યાંક એરંડાના મબલખ પાકને લીધે લચકતા છોડની લીલોતરી નજરે ચડે છે.
લગભગ ત્રીસેક કી.મી.નુ અંતર કાપ્યા પછી જાણ થઇ કે ફોનની બેટરી પણ ત્રીસેક ટકા જેટલી જ બચી હતી. વળી ઈન્ટરનેટ અને GPS ચાલુ હોવાથી સાપસીડી માંહે 99માં અંક પર બેઠો સાંપ ગળીને 10માં અંક પર ઉતારે એમ સડસડાટ બેટરી ઉતરી રહી હતી. સાડા અગિયાર-પોણા બારેક વાગ્યા હશે. સૂર્યનારાયણ પોતાના તેજનું પ્રમાણ વધારી રહ્યા હતા. મને શિયાળામાં ઠંડી ઓછી લાગે છે પણ ઉનાળામાં અસહ્ય ગરમીનો અનુભવ થાય છે. આ વખતેતો ગરમીની અસર શિવરાત્રીના જ વર્તવા લાગી હતી. ખુલા હાથની ચામડી પર આવતા સૂર્યના કિરણો ચૂભી રહ્યા હતા, એમાં પણ મારો કાળો વાન, રશ્મિઓને સામેથી આવકારતો હતો. કનૈયાબેથી ડાબે ભુજ તરફ જતા ધાણેટી ગામથી એકાદ-બે કિલોમીટર પહેલા જ જમણે નડાપા ગામ બાજુ એક રસ્તો જાય છે. ખરેખરો સંઘર્ષ આ નડાપા સુધી પહોંચવામાં જ છે. ધાણેટીથી નડાપા વચ્ચેનું આ સાત-આઠ કિલોમીટરનો રસ્તો ઓહોહો... જાણે સ્વર્ગમાં ઉતર્યા..!! અરે મજાક મજાક... ખરેખર તો ધાણેટી થી નડાપા જવામાં જો પવન ફૂંકાતો હોય તો ધોળા ધફ થઈને નીકળો. રસ્તાની બંને તરફ જમીનનું ખનન થાય છે. સફેદ ચાઈના ક્લે જેવી માટી અને અમુક મિનરલ્સ ત્યાંથી નીકળી આવે છે તેથી રસ્તો આખો સફેદ માટીથી ભરેલો છે. વળી આ ખનીજની હેરાફેરી કરતા માલવાહક ટ્રકો પરથી ઢોળાતી આ ધોળી ધૂળ રસ્તા પર ઢોળાયેલી હોવાથી મોટરસાઇકલ ઘણી જ ધ્યાનથી ચલાવવી પડે.. નકર પારકે પાદર ધૂળમાં આળોટતા સારા થોડા લાગીયે. પણ હા, નડાપા પાર કર્યા બાદ એક ઠેકાણે જમણે હાથે વણાંક આવે છે. એ વણાંક પાર કરતા જ જે નજારો નજરે ચડે છે.. ગજબ ગજબ ને નકરું ગજબ..!!!
આંખોમાં ધોળી ધૂળ તથા વિવિધ ખનીજો આંજીને જેમતેમ આ નડાપા ગામને પસાર કર્યું. અને અચાનક જ નાનીમોટી ટેકરીનો એક વિશાળ પટ પથરાયેલો લાગ્યો. ઘણા કિલોમીટરમાં પથરાયેલી આ ટેકરીઓ આવતા ઉનાળાના મધ્યાહ્ને પણ ઠંડા પવનોને આવકારતી હતી. જાણે એક ઝાટકે આખો મોસમ બદલાઈ ગયો. ત્રણ રસ્તા આવ્યા. નડાપા બાજુના રસ્તેથી તો હું આવ્યો જ હતો, ટેકરીની સાથે સાથે જમણી તરફનો રસ્તો જાય છે ધ્રંગ-લોડાઇ.. કચ્છના પ્રખ્યાત સંત મેકરણદાદાનું ધ્રાંગ લોડાઇ.. અથવા તો 2001ના ભૂકંપનું એપિસેન્ટર એટલે ધ્રંગ લોડાઇ.. એ જમણે વળતો રસ્તો લોડાઇ, ધ્રાંગ, કોટાય (જ્યાં એક પ્રાચીનતમ સૂર્યમંદિર આવેલું છે.) અને કુનેરીયા થઈને રુદ્રમાતા રિઝર્વોયર પાસેથી ભુજ તરફ રસ્તો જાય છે. એ ત્રણ રસ્તાથી ડાબી તરફ હબાય, ઝીક્ડી અને ભુજ રસ્તો જાય છે. મારે તો હબાય જવું હતું. ડાબે વળતા થોડું જતા જ હબાયનું પાટિયું આવ્યું, જમણે વળતા જ હબાય ગામમાં દાખલ થયો. ગામને પાર કરતા જ વાઘેશ્વરીમાંનું પ્રમાણસર નાનું પણ શિખરબંધ અને ભવ્ય મંદિર નજરે ચડે છે. માતાજીના પગ માંથી એક પાણીની અખૂટ ધારા પ્રવાહિત થાય છે. તેનો એક નાનો કુંડ બનાવ્યો છે. આજુબાજુના ગામની આ કુળદેવી છે. ગુજરાતના પ્રખ્યાત રાજવંશો માંહેનો એક વાઘેલા રાજવંશની પણ આ કુળદેવી છે. માતાજી ની પ્રસાદી, ભોજન, જેવી વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી છે. માતાજીના દર્શન કરીને મંદિરની બહાર નીકળ્યો. ત્યાં ચા નો કીટલો રાખી મુક્યો હતો. પાણી પી ને ચા નો રસાસ્વાદ માણતા માણતા બાજુમાં એક ભાભા ઉભા'તા, તે મેં વળી પૂછ્યું,
"કાકા, ડુંગરા માથે રામદેવપીરને ન્યાં જાવું હોય તો?"
પણ કમનસીબે કાકાને કચ્છી બોલી જ આવડતી હતી, ને એ "કુરો ભા.. કેડા ભા" કરતા રહ્યા ને હું માથું હલાવતા આગળ વધી ગયો.
ગૂગલ મેપ શરુ કર્યું. ફોનનું વીસેક ટકા આયુષ્ય હજુ વધ્યું હતું. ગામમાંથી એક રસ્તો ડુંગર પર જાય છે. તે શોધ્યો, અને સ્પ્લેન્ડરની ટાંકી થાબડતા પહાડ ચડવાની શરૂઆત કરી. આ અમુક લેહ-લદાખ ના કાચા રસ્તાઓને વખાણે છે, કહે છે એડવેન્ચર છે, પણ મને તો અહીંયા જ અનહદ એડવેન્ચર મળી ગયું. બિલકુલ કાચો રસ્તો, ક્યાંક ક્યાંક પથ્થરની કપચીને લીધે ટાયર સ્લીપ પણ થાય, પહેલા ગિયરમાં પોતાનું પૂરું જોર અજમાવતું સ્પ્લેન્ડર બળ કરી રહ્યું હતુ, અને માથે પ્રભાકર પણ પોતાનું તેજ વધારી રહ્યા હતા. એક ઠેકાણે તો એકદમ હૈરપીન બેન્ડ પણ છે, લાગતું હતું કે બાઈકથી નીચે ઉતરીને ધક્કો મારતા ચલાવવું પડશે પણ જુનવાણી સ્પ્લેન્ડર આશા કરતા વધુ બળુકું નીવડ્યું હો..!! આખરે દસેક મિનિટ ની ડ્રાઈવ બાદ એ ડુંગરના શિખર પર રામદેવપીરના સ્થાનકની સામે હું અને હાંફતું સ્પ્લેન્ડર ઉભા રહ્યા. પણ ચારે તરફ નજર દોડાવતા જ તમામે હાંફ, ઉત્સાહનો અતિરેક, અને આ ડુંગરો ચડવામાં થયેલ માનસિક તણાવ શિથિલ થવા લાગ્યો.. દૂર દૂર સુધી વિસ્તરેલો કચ્છડાનો ભૂભાગ નજરે ચડતો હતો પણ ઝાંખો.. બપોરનો એકાદ વાગ્યો હતો પણ દૃશ્યતા (ગુજરાતીમાં કહું તો વિઝિબિલિટી) ઘણી જ ઓછી હતી. લોકદેવતા રામાપીરના દર્શન કર્યા.. રંગબેરંગી પણ લીલો નેજો પવનની લહેરખીઓ સાથે રમત કરતો હોય એવું દ્રશ્ય ઉભું થતું હતું. દૂર દૂર સુધી જાણે બપોરે એકે વાગ્યે પણ ધુમ્મસના પડદાથી વીંટળાયેલા દ્રશ્યો આંખમાં એક નવી જ ઉર્જા ભરતા હતા. ડુંગર પરથી દૂર દૂર નાના નાના ગામડાઓ દેખાતા હતા. ડુંગરની પાછળ જ સ્થિત ધ્રાંગ ગામમાં કોઈ પ્રસંગ હશે તો તેમાં ગાજતું મ્યુઝિક સિસ્ટમનો અવાજને પવન અહીં સુધી તાણી આવતો હતો. શિવરાત્રીનો ઉપવાસ હતો એટલે રામદેવપીરની પ્રસાદીને માથે અડાડીને મોટરસાયકલને કિક મારી.. પણ ઉતરાણ હતું, અને એકદમ જ ઢાળ હતો, એટલે સ્પ્લેન્ડરનું એન્જીન બંધ રાખીને જ રસ્તા પર દોડવા લાગ્યું. બંને બ્રેક દાબી રાખી હોવા છતાં પણ એક ઠેકાણે ગતિ મંદ ન થતા પહેલા ગિયરમાં નાખીને બાઈક થોભાવવી પડી.. અને એક મોટો પથ્થર કૂદતાં જ ચેઇન કવરમાં કડાકો બોલી ગયો..!!!
અડધો ડુંગર તો ઉતરી ગયો હતો પણ અડધું ઉતરાણ હજીય બાકી હતું.. બીક ખાલી એક જ હતી ચેઇન ઉતરી ન જાય.. નકર મારા જેવા આળસુ જીવને ભૂખ્યા પેટે સ્પ્લેન્ડર ઢસડીને લઇ જવું મહા કષ્ટદાયક થઇ પડેત..!! જેમ જેમ ટાયર ફરે તેમ તેમ હવે તો ચેઇન માંથી કડાકા બોલવા લાગ્યા.. તળેટી સામે જ દેખાતી હતી.. બિલકુલ ધીમી 20-30ની સ્પીડમાં હબાય ગામથી બહાર નીકળતા રસ્તે પહોંચ્યો.. એક ખેતમજુર જેવા દેખાતા માણહ ને પૂછ્યું, "એલા ભાઈ આંય આટલામાં ક્યાંય ગેરેજ છે?"
"આગે સીધે ચલે જાઓ, હૈ તો સહી, લેકિન આજ ચાલુ હોગા યા નહીં વો પતા નહીં."
ને ભોળાનાથને યાદ કરતા આપણે તો ધીમી ગતિ એ વધવા લાગ્યા.. જેમ જેમ ગતિ વધતી જાય તેમ તેમ ચૈન કવરમાંથી આવતો અવાજ ઊંચો થતો લાગતો હતો. અમુક વખતે તો એવું લાગતું હતું કે જો હજી સ્પીડ વધશે તો કદાચ ચૈન - ચૈન કવર તોડીને બહાર નીકળી જશે. પણ ના.. ભોળાનાથે લાજ રાખી.. એક પંચરવાળાને ત્યાં પહોંચ્યો.. "ભાઈ જરીક ચેઇન ટાઈટ કરી દેજો ને..!"
"ટુ-વ્હીલરકા કામ મેં નહીં કરતા.."
ખબર નહીં પણ એણે ધડ દઈને ના પાડી દીધી.. જેવી શિવેચ્છા જાણી આપણે વળી ધીમી ગતિએ, સ્પ્લેન્ડર દોડાવવું ચાલુ રાખ્યું.. જેમ તેમ કરીને ધાણેટી ત્રણ રસ્તા પહોંચી ગયો, ત્યાં એક ગેરેજ વાળાને બાઈક દેખાડ્યું.. તેણે ચેઇન ટાઈટ કરીને ટાયર ફેરવ્યું તોયે કડાકા બોલતા હતા.. માથું ખંજવાળતા અવાજ ક્યાંથી આવે છે એ શોધતો હતો.. એણે ચેઇન કવર ખોલ્યું.. ટાયર ફેરવ્યું.. ચેઇન ટાઈટ હતી અવાજ આવતો નહોતો.. ચેઇન કવરની અંદર જોયું તો અંદરથી બેન્ડ-વળી ગયું હતું.. મને યાદ આવ્યું, ડુંગર ઉતરતા એક ઠેકાણે મોટો પથ્થર કુંડાવ્યો હતો, એ પછી થી જ ચેઇનફરતી વખતે કવરમાં ટકરાવાથી અવાજ આવતો હતો.. પકડ વડે તેણે કવર સરખું કરીને પાછું ફિટ કરી દીધું.. અને મારી રિટર્ન-જર્ની ફરી શરુ થઇ ગઈ.. એનો એજ રસ્તો પાછો લેવો નહોતો એટલે, વળતા ધાણેટી થી કનૈયાબે, કનૈયાબે થી રાપર, અને રાપર થી જમણે વળતા ખોખરા ગામ વાળો રસ્તો લીધો, જે ઝરું (ગામ) થઈને અંજાર પહોંચાડે..!!
અંજાર પહોંચીને એક જ્યૂસવાળાને ત્યાં ધામા નાખ્યા, શેરડીના રસના બે ગ્લાસ પીધા, પણ શેરડી કરતા તો લીંબુ શરબત જેવું વધુ લાગ્યું.. એને ત્યાં ભીડ હતી, એટલે અડધો ગ્લાસ બરફથઈ ભરીનેબકીનામાં શેરડી અને લીંબુનો મિશ્ર રસ ભરીને દીધે જતો હતો.. જેવી શિવેચ્છા ધારી આગળ કંડલા તરફ પ્રવાસ શરુ કર્યો.. માર્ગમાં એક સારું એવું શિવાલય ફરી આવ્યું.. બપોરે ત્રણ વાગે ફરી શિવની સન્મુખ થયો.. બે-ત્રણ સોશિયલ મૂળિયાં/મીડિયા વાળા ખાલી દેવાલયમાં રીલ્સ બનાવતા હતા.. નંદી કદાચ શિંગડું ઝીંકી લેત, પણ મહાદેવ મૌન હતા એટલે નંદીએ પણ સ્થિરતા જ સેવી.. બહાર નીકળ્યો ત્યાં ભાંગનો પીપણો(મોટું ટાંકી જેવું વાસણ) હતો.. તળિયે વળિયારી અને ધતુરાના પાનનો ડૂચો જ વધ્યો હતો, તોય ત્યાં પણ બાવાજીએ સામું ધર્યું તો ના ન પાડતા, એક નાની પ્યાલી ગટગટાવી.. બાવાજીને ય કાંક મોજ આવી હશે તે મને કહે, "કિધર સે આયા હૈ.."
"મેં ઇધર કુછ કામ સે કંડલા આયા થા, લેકિન કામ હુઆ નહીં તો, હબાય દર્શન કરકે આયા હું.."
"અચ્છા હૈ, લો, ભોલા કા પરસાદી લો..!" કહેતા તેમણે એક અલગ પ્યાલી મને પકડાવતા કહ્યું, ને હું એ પણ ગટગટાવી ગયો. "નમો નારાયણ" કહી બાવાજીની વિદાય લીધી. હવે તો બહુ દૂર જવાનું નહોતું.. પણ બે-ત્રણ કી.મી. જ ચાલ્યો હોઈશ અને જાણે આખું શરીર હળવું-ફૂલ લાગવા લાગ્યું. શરીરમાંથી પ્રસ્વેદની બૂંદો નીકળવા લાગી, અને તેના પર ચાલુ મોટરસાયકલ પર વાતો વાયરો શીતળ અને ઉષ્મ વાતાવરણ હોવાની અનુભૂતિ કરાવવા લાગ્યો. દ્રષ્ટિ થોડી ઝાંખી થવા લાગી પણ સમજણ અને સભાનતા પુરેપુરી હતી. શરીર પર નિયંત્રણ પૂરું હતું, છતાં એવું લાગતું હતું કાંઈક તો અલગ અનુભવ થઇ રહ્યો છે. અવર્ણનીય અનુભવ થતો હતો જે કદાચ હું અહીં શબ્દોમાં લખવા અસમર્થ છું. મુન્દ્રા અને કંડલા ને જોડતા આ નેશનલ હાઇવે પર ટ્રકોની ભરમાર દોડતી હતી.. અને હું પણ મારા ગંતવ્ય સ્થાનને પહોંચવા સ્પ્લેન્ડર દોડાવી રહ્યો હતો.. ઑફિસે પહોંચીને પાછળ જ આરામ માટેનો રૂમ છે.. તેમાં લંબાવ્યું પણ.. સળંગ એકસો-વીસ જેવા કી.મી. ની મુસાફરી કર્યા બાદ અને આ ભોલાની ભાંગને પચાવવા આરામ કરવો હતો પણ.. લાઈટ આવી ગઈ હતી, મોબાઈલ 4 ટકા બેટરી સાથે પર વેન્ટિલેટર પર હોય તેમ તમામ ફંક્શનો બંધ હતા, સ્ટ્રેચર પર લઇ જવાતા દર્દી માફક મેં મોબાઈલને ચાર્જિંગ પોઇન્ટ સુધી પહોંચાડ્યો અને જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ મોબાઈલે ચાર્જિંગ થવાની નોટિફિકેશન જારી કરી.. અને હું મારા ઑફિસના અમુક કામો માં વળગ્યો.. અને હા,પુરેપુરો સભાન અવસ્થામાં જ હો..!!