તારો પત્ર...

0
અહાહા, કેવડી ઉથલપાથલ કરી છે મેં! તને કેન્દ્રસ્થાને સ્થાપીને લખેલી મારી વાતો તારી ફરતે પરિક્રમાં કરે છે અને જયારે સમરેખ આવીને ઉભી રહે છે ત્યારે જ તારી પરિભ્રમણની પ્રક્રિયા શરૂ થાય છે. છે ને અટપટું? બસ આવી જ અટપટી જિંદગી છે. મને જિંદગી વિશેની એક ઉપમા અતિ પસંદ છે, જિંદગી છે એ શેરડીના સાંઠા જેવી છે, જ્યાં માંડ મજા અને રસ આવવાનું શરુ થાય ત્યાં ગાંઠ આવીને ઉભી રહે. પણ આ ગાંઠ ને ટપીને અનંત રસના ઘૂંટડા લેવા એનું જ તો નામ જિંદગી છે.

તને ખબર છે? ઘણા સમયથી હું એક ઘાતક મનોમંથન માંથી પસાર થઇ રહ્યો છું. નખશીખ એક જ્વાળ વ્યાપી છે. ફિનિક્સ તો એ જ્વાળમાંથી પુનઃસર્જન થઇ જાય છે પણ હું.. ના.. અવશેષો જ શેષ રહે. હું આથમ્યા પછી કદાચ કરોડરજ્જુના કોઈ એકાદ મણકાને જો વાચા ફૂટે તો એ પણ તને ધુત્કારશે. આવડી પ્રતીક્ષા ? પ્રતીક્ષાની પણ અવધિ હોવી જોઈએ. એક નિશ્ચિત સમયબંધ. મારી તો એવડી ક્ષમતા પણ નથી કે હું માંગડા ની જેમ ભૂત સરજાઉ અને એ પ્રેતયોનિમાં ભટકતો તારી અનંત વાટ જોયા કરું. કે પછી કુંવર પાછળ રાણાની જેમ દેહના ચૂરા કરું? બોલ તું કહે એમ કરું..!!

આ સવાર સાંજનો રોજનો જીવનનો નિત્યક્રમ હું ભંગ કરવા ચાહું છું. ઈચ્છું છું કે બસ એ કલ્પના સૃષ્ટિ માં હું ખોવાયેલો રહું અને આ આખું આયખું મુઠ્ઠીની રેત માફક સરી જાય. ઈચ્છાઓ અનંત છે.. પણ એ ઈચ્છાઓને અનુસરવા અનુકૂળ સમય નથી. મૃત્યુશૈયા પર ક્યારે પોઢી જવું પડે કોને ખબર છે ? રખડપટ્ટીનો હું શોખીન જીવડો, તે બાંધેલ એક રેશમી દોર મને હવે સાંકળ સમી લાગી રહી છે, જાણે તે કેદ કર્યો છે મને. તારાથી દુર જવું હોય તો પણ એ દોર વડે તું ફરી મને તારા પાશમાં પકડી લે છે. કા તો હું દુર્બલ છું કાં તો તારા કામણ...!! પણ એ દોર ની ગાંઠ ખુલી રહી છે.. કદાચ હું સ્વતંત્રતાની સોડ ઓઢી શકીશ..

***

એ વ્યક્તિત્વ પૂર્ણ નથી જેમાં વેરની જ્વાળા ન જલતી હોય. જેણે વેર શું હોય એ જાણ્યું નથી તેનો પુરુષાર્થ અધુરો છે. મને દઝાડતી જ્વાળા હું વર્ણવી શકતો નથી.. પણ હા ! હું અસમંજસ માં તો છું જ, કે ધીમે ધીમે મારો શ્યામ અને શુષ્ક થતો આ દેહ વિરહાગ્નિ થી બળે છે કે વેરાગ્નિથી?

***

તારો એ છેલ્લો પત્ર આજ પણ સાચવી રાખ્યો છે મેં..! જેમાં તે લખી હતી વિરહ ની વાત.. સદા નો વિયોગ.. અનંત અંતરાલ.. કાયમનો કે'ર.. વેદના અને વલોપાત.. જખમ અને ઝંખના..! શું કહું? એ સંકેલેલો પત્ર આજ પણ એ ડાયરીના દસમા પાને મેં સાચવી રાખ્યો છે. ભલે! સળ પડ્યાથી ચાર ટુકડાઓમાં એ ખંડિત થઈ ગયો છે પણ એમાં લખેલ વાત હજુ પણ અખંડ છે. આજ આટલા વર્ષે પણ એ પ્રથમ વાર વાંચેલ પત્ર અક્ષરસહ મને યાદ છે.. કિનારે પહોંચીને ડૂબતી નૌકામાં કોનો દોષ કહેવો? જળનો, પ્રવાહનો, કિનારાનો, આવડતનો કે ભાગ્યનો..! જે હોય તે પણ પરમ સત્ય એ જ છે કે જેને પ્રેમ ભાવ સમજવામાં આવે છે એ જુદા જુદા ભાવોને નવું આવરણ ચડાવીને પ્રેમના નામે ખપાવવામાં આવે છે.. ક્યાંક જરૂરિયાત છે, તો ક્યાંક જવાબદારી છે.. બસ આ જ છે..!!

Post a Comment

0Comments
Post a Comment (0)