મૃત્યુદાયી કલ્પનાઓ..!!

0
મિલો-કારખાનાનો આ ઘોંઘાટ.. કેવો છે? સુવિધાઓના ઉપભોગ સાટુ કુદરતની કેડે બેઠેલા આપણે તેની છાતી ચીરી, અને ઉત્પન્ન થયો ચિત્કાર... આ મોટા મોટા મશીનોમાં સામસામા ઘસાતા ધાતુના મોટા મોટા પડો દ્વારા ઉદ્ભવતો આ કર્કશ અવાજને હું હ્ર્દયમાં ભરતો બેસી રહ્યો છું. એક હાથમાં ચા નો પ્યાલો છે, આંગળીમાં ખોસેલી સિગરેટ.. હા... માંડ છોડી હતી, ફરી શરૂ થઇ ગઈ.. (મોતની કામના શું કરવી?, તને આ જ કારણ કહેવા જેવું છે હાલ તો મારી પાસે..)
જે કવિ કે લેખક, માત્ર કલ્પનાનો આધાર કરીને લખે છે તે સારો કે પછી હકીકત ને ચીતારે/ઉતારે છે તે? આમ તો તને ખબર નથી હું તને ઉદ્દેશી ને લખું છું એ, અને તે વાંચ્યું કે જાણ્યું પણ ક્યાંથી હોય? હકીકત અને કલ્પના માં તુલના કરું તો.. તું મારા માટે હકીકત છો, પણ તને મેં કલ્પનામાં પણ ધારેલ છે. હકીકતે તે મારી સાથે કરેલ વ્યવહાર અને મેં ઘડેલ કલ્પના બંને માં ફેર જોવા જાઉં છું તો, મને સમજાય છે, હકીકત કરતા કલ્પના માં ઘડેલું દુઃખ વધુ પીડાદાયક છે. દુઃખ છે એ માત્ર એક ભાવના નથી. એ જનની છે. તેના ગર્ભમાં કેટલાય પ્રસંગો ઉછરે છે. એ દુઃખની પીડા જે કવિ કે લેખકે અનુભવી એ એની કલમ દ્વારા છલકાય ત્યારે એક અદભુત સૃષ્ટિ નિર્માણ પામે છે. અથવા તો તે આપેલ સુખમાં પણ હું જયારે કલ્પના ભેળવું ત્યારે ઉત્પન્ન થતો રસ કદાચ આ બ્રહ્માંડ માં ગાજતો અનહદ નાદ સાથે તોળાતો હોય તો પણ ના નહીં.

યાદ છે તને? મેં કહ્યું હતું હું સાગરપેટો છું. તે દિવસે મેં અહંકારમાં કહ્યું હતું કદાચ, પણ પ્રસંગોપાત મેં જાણ્યું છે. બધા જ સાગરપેટા છે, છીછરું કોઈ નથી. તળિયું કોઈનું ય દેખાતું નથી. બધા જ પોતાની અંદર અમૃત અને વિષ સંગ્રહિત કરી બેઠા છે. તફાવત માત્ર એટલો છે કે કોઈને નાભિ એ છે, કોઈને કંઠે. વલોવો ત્યારે કોઈને અગત્સ્યની જેમ કશું બહાર નથી નીકળતું, તો કોઈ તો દુર્વાસાની જેમ ચાલતા ઓકી દે છે. પણ હું.. મારા વિશે કહું..! ના નહીં કહું, કદાચ તું આ ડાયરીનું પાનું વાંચી લે અને ભેદ જાણી જાય તો?

ઇતિહાસને પાને અંકિત એક પ્રસંગ યાદ આવે છે. સૌરાષ્ટ્રના સૌથી જુના બહારવટિયા હતા, જેસોજી અને વેજોજી, શાખે સરવૈયા, એમની ભેળા એમના દાદા હતા ગંગદાસ, એમને પીઠ માં ઘા પડ્યો હતો, ઘા માં કીડા પણ થયા હતા, પણ તોય એ એંશી-નેવુંની ઉમરનો બુઢો બહારવટિયો લોટ નો પિંડો કરીને પીઠના એ ભાઠામાં ભરતા. કારણ, એ કીડા ઓ એમના આશ્રિતો હતા, અને આશ્રિતોને અન્ન ભરવું એ ધર્મ છે. કદાચ કોઈ કીડો ખરીને પડી જાય અને ખબર પડે તો એને ઉપાડી ને પાછા પીઠના એ ઘાવ માં મૂકી દેતા. કેવડી સહનશક્તિ હશે હેં? દેહમાં એકીસાથે હજારો કીડાઓ માંસ ભક્ષણ કરતા હોય ને મોઢે થી ઉંહકારો ન નીકળે? અરે ઉંહકારો તો દૂર છે, સતત ઘોડે સવાર રહી ને બહારવટું ખેડવાનું..!! મને પણ ઘાવ પડ્યો છે, 'ને મને પણ મારી સહનશક્તિ પર અભિમાન હતું.. પણ... સાચી વાત છે, સંઘર્ષ વિના મળેલ વસ્તુના મૂલ્યાંકનમાં બધા જરૂર થાપ ખાય છે. મેં જનોઈવઢ ખાધો. તારો એ ઘા મારી છાતી ન ભેદી શક્યો. અધકચરું જ્ઞાન, અધકચરું ભોજન અને અધકચરો ઘા નથી મૃત્યુ દેતો કે નથી જીવન, એ મઝધાર માં જ ઝોલા ખવડાવે.. આજ મારી છાતીમાં પણ કીડાઓ ખદબદે છે. હું અનુભવું છું, મારા કુણા માંસ પર બેસતી અસંખ્ય દંતાવલીઓ, જે ધીમે ધીમે મારા દેહ માંથી માંસ તોડી તોડીને ખાઈ રહી છે..

અરેરે.. જો આ મશીનોનો ઘોંઘાટ ફરી શરૂ થયો. હવે હું - ઈચ્છાહીન દેહ - ફરી ભૂલી જઈશ મારા ઘાવો, તારા પ્રહારો, અને મારી મૃત્યુદાયી કલ્પનાઓ..!!



Post a Comment

0Comments
Post a Comment (0)