એકલતાનો અનુભવ

1
કારતક ગયો, માગશર પણ ગયો.. પોષ ની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે હું ઝંખું છું હાડ થીજાવનારી ટાઢ. કારણ પણ છે મારી પાસે, યાદ છે તમને? પોષ નો જ મહિનો હતો એ, કડાકાભેર ઠંડીનું ચોતરફ એકછત્ર સામ્રાજ્ય જામ્યું હતું, ઝાંકળના તો જાણે પડ પથરાયા હતા. સવાર નો ઊગેલ સુરજ તે દિવસે સાંજ સુધી મેં તો જોયો નહોતો, રોંઢા જેવું ટાણું થયું હતું ને મને યાદ છે, હું નીકળ્યો હતો બસ રખડવા.. એક ચા નો આશિક ચાને માણવા, સગો હાથ ન દેખાય એવા ઝાંકળના જાગતા-અંધારે ખીચોખીચ ને દેકારા કરતુ આ શહેર પણ કોઈ ધ્યાનમગ્ન યોગીની માફક શાંતિને શરણ થયું હતું. કોઈ એકલદોકલ મારા જેવા રખડુ અને ઢોર સિવાયના રસ્તા પર સુનકાર હતો. ત્યાં જ સૂર્યના એક કિરણે કોઈ ચળકતી સપાટી પર થી પરાવર્તિત થઇ ને મારી આંખને આંજી. આવડા અફાટ ઝાંકળકોટને ભેદીને આવતો એ ચળકાટ એ વખતે મને ખરેખર અચંબામાં મૂકી રહ્યો હતો અને હું તાકી રહ્યો હતો એ અજવાશના ઉદગમસ્થાન સમું તમારા કાનનું કુંડળ.. 

આજ આ ચોક માં ચણતા કપોતોની મધ્યમાં ઓલ્યું કદાવર છાતી ફુલાવીને ચાલતું કપોત ડોક ધુણાવતું જાણે પોતાના વર્ચસ્વનો ઉદ્દઘોષ કરતું હોય તેમ ઘૂઘવાટો કરી રહ્યું છે… એના પ્રત્યેક ઘૂઘવાટા મારા હૃદયમાં આંદોલનો ઉઠાવી રહ્યા છે. તમારી યાદો એ પણ આક્રમણ કરતું કોઈ ગજ-સૈન્ય પાછળ રગદોળાયેલ ઘાસના તણખલા શેષ રાખી આગળ વધુ વિનાશ વેરવા વધતું રહે એમ પ્રત્યેક રક્તકોશિકાઓને પણ ભેદી હોય એમ ભાસે છે. આ જ ચોક પાસેથી એક વખત તમે પસાર થયા હતા, આ જ રસ્તો, આ જ શેરી.. અને તમારા કાનમાં એજ ઝળકતું કુંડળ, ફરી પાછો ઝળકાટ, અને ફરી પાછા આપના દર્શન અને એકાએક તમારી અને મારી નજરનો ટકરાવ થયો, આપનું તો નથી જાણતો પણ મારું.. જાણે કરોડો કટારીઓ મારા તેત્રીસ કરોડ રુંવાડા મારફતે શરીરના પ્રત્યેક અંગને વિચ્છેદતી આરપાર થવા મથતી ન હોય, અથવા તો એમ કહું કે એક આકાશમાં ગાજતી સહસ્ત્ર વીજળીઓની પ્રચંડ ગર્જનાથી કંપાયમાન થઈને જૂનું વૃક્ષ ધરાશાયી થઈને તૂટે પડે તેની જગ્યા એ કોઈ નવી નાની અને નાજુક કૂંપણ ફૂટે અને લીલી સોડમ પ્રસરાવે.. કે પછી એમ કહું કે કૃતિકામાં વરસેલ આભના અમીનાં બે ફોરાં પણ જેટલા કલ્યાણકારી નીવડે તેટલા જ તમારા ચક્ષુઓનો એ દૃષ્ટિપાત મને નીવડ્યો..!

કદાચ એ સ્મૃતિ વિસ્મૃતિ ન થઈ જાય તેથી જ તો એ કુંડળની સાથે લાગેલ ઝૂમરની એક સેર આજ પણ મારી પાસે સંગ્રહિત છે, લીલા-પીળા ઝીણા એવા એ મોતીઓ જેણે કાયમ તમારા સાદા શણગારની શોભામાં મને મનપસંદ આકર્ષણનો ઉમેરો કરેલ. તે ચોક પાસેથી તમારું નીકળવું, એકાએક બધા કબુતરો ઉડવું, અને ફફડેલા કપોતોના ઉડવાના થયેલ શોરથી તમારું ફફડવું, અને ભયગ્રસ્ત થઈને તમે તમારી આંખ આડે આવેલ ઝુલ્ફોને કાન પાછળ કરતા અજાણ્યે જ એ કુંડળની એક સેરનું તૂટવું.. આજ પણ તાદ્રશ્ય જાણે મારી નજર સામે તરવરી રહ્યું છે.

આજે આ ડાયરીનું પાનું બોલે છે, હું સાંભળું છું.. સહસ્ત્રો સીતારોના રણઝણતા તાર થકી ઉત્પન્ન થયેલ રાગ દીપક થી દાઝેલા દેહને જરૂર છે તો તમારા મલ્હાર મુખદર્શનની..! એ દીપકે ઉત્પન્ન કરેલ જ્વરનો ઉપચાર મને તો સંજીવનીમાં પણ કળાતો નથી.. કદાચ તમારા ઓષ્ઠ ખૂલેને મારા નામ નો ઉચ્ચાર થાય તે મારી શ્રવણેન્દ્રિય વડે હૃદય સોંસરવો ઉતરે અને ટાઢક થાય તો ભલે..! કદાચ સંગીતના સપ્તમ સુરના કેન્દ્રમાં તમારું જ નામ ગુંજાયમાન થઈ રહ્યું છે, કાં તો પછી મારી શ્રવણેન્દ્રિયોને બસ એ એક જ નામ સિવાય અન્ય સ્વર સાંભળવાની સહેજેય ઇચ્છા નથી.

યાદ છે તમને? અરે! ક્યાંથી યાદ હશે? આ મારા ભાવો મેં તમારા સુધી પહોંચવા જ ક્યાં દીધા છે? મારા જ હૈયામાં એ યાદો તણી ક્રાંતિના બ્યુગલો ફૂંકાય છે, અને હું જ મને સ્વયંને નવીન છતાં વારંવાર વાગોળાતી પુરાતન સ્મૃતિઓ સ્વરૂપી સત્તાને શરણ થવા દઉં છું. આ દુર્બલ દેહ હવે ખાટલેથી ખડો થવા સમર્થ નથી. નાભીના ઊંડાણથી ઉઠતી ખાંસીએ ખખડાવી નાખ્યો છે. આ કલમ પણ વારેવારે ચીલો ચુકીને ત્રાંસી લીટીઓ તાણે છે.. સાંભળ્યું છે, શિયાળો દુર્બલોને ઘાતક હોય છે, એની હાડ થીજવતી ઠંડી કદાચ મારી અંદર ઉઠતા જ્વાળામુખીને ઠારી શકે..!! જો, હવે તો, શિશિરનો વાયરો ફૂંકાઈ રહ્યો છે. આ વૃક્ષો પણ પોતાનો વેશ બદલશે.. પણ નહીં બદલે તો બસ એ જ.. તમારી યાદો, ખાંસતો હું, અને આ ટેપરેકર્ડરમાં વાગતું ગીત..
"घर से निकलते ही, कुछ दूर चलते ही, 
रस्ते में है उसका घर..

Post a Comment

1Comments
  1. વર્ણન હંમેશાની જેમ જોરદાર, પણ દયનીય છે લેખકની હાલત ,
    સૌ સારા વાના થાય

    ReplyDelete
Post a Comment