બ્લોગર અને ટ્રાફિક..
નાનપણમાં પકડા-પકડી રમતા એવી જ આ પકડાપકડીની રમત જેવું કામકાજ એક બ્લોગર અને એની સાઇટ પર આવતા ટ્રાફિકનું છે. કોઈ એક લક્ષ્ય નિર્ધારિત કરીને લખવા માટે એક બ્લોગ બનાવ્યો, સારા સારા લેખો લખીને એ બ્લોગ પર પબ્લિશ પણ કરી દીધા પછી અઠવાડિયું રહીને ચેક કરો ને તો ગણીને દસ જણાવે એ બ્લોગ પર આંટો ન માર્યો હોય એટલે થઈ રહ્યું.. બધીય આશાનો બંગલો કડડભૂસ...
હવે થોડોક ટાઈમ જાય એટલે ધીરજ માંડે ખૂટવા..! પછી ચારેકોર ફાંફા મારો, ગૂગલ સર્ચ કરો એટલે આપનણે પોતે ટ્રાફિક તરીકે બીજાની સાઇટ માં જઈએ જ્યાં લખેલું "શું તમારા બ્લોગ પર ટ્રાફિક નથી આવતું, શું તમારા બ્લોગ પર ટ્રાફીક ન આવવાને કારણે બ્લોગ ટ્રેન્ડ નથી થઈ રહ્યો?, આ પાંચ ટ્રીક અપનાવો અને અગણિત ટ્રાફિક તમારા બ્લોગ પર લઈ આવો.." વગેરે વગેરે.. એટલે આપણે વળી ઇ બધું વાંચીએ, સમજીએ, એમાં થોડુંક સમજાય થોડુંક નો સમજાય, કિવર્ડ્સ, SCO ને એવી એવી કેટલીય લમણાંઝીંકથી થાકીને અડધું-પડધુ ન સમજાયયેલું જાણવા પાછા યુટ્યુબના માર્ગ પર "એકલો જાને રે" એમ આ ટ્રાફિકનો સળગતો મુદ્દો સર્ચ કરો એટલે બંબા વાળાઓની જેમ, "क्या आपके ब्लॉग पर ट्रैफिक नही आ रहा? कही आप ये गलतिया तो नही कर रहे? सिर्फ ये दो काम कर लीजिए और फिर देखिए कितना ट्रैफीक आपके ब्लॉग पर आएगा.." એવા એવા Thumbnails સાથે ચૌદ-પંદર મિનિટના વિડીઓ આખા ઘણી જ ગંભીરતા-પૂર્વક, અને ઊંડી સમજણની અનુભૂતિ સાથે જોયા બાદ એમ થાય કે... "એલા આટલી બધી લપ કોણ કરે, આપણે ઝીંકા ઝીંક કરો, એક ને એક દી તો ટ્રાફિક એની મેળે આવશે..!
મારો એક બીજોય બ્લોગ છે, ઓલ્યો કપિલ શર્મા કે'ને કે 'બીજી ચેનલ' એમ મારે બ્લોગર સિવાય બીજા પ્લેટફોર્મ માથે છે, એટલે એની આંય ખોટી પબ્લિસિટી કરવી? તે વાત ઇ કરતો'તો કે મેં ૨૦૧૫ માં ઇ બ્લોગ ચાલુ કર્યો તો, પહેલા તો હું એમાં મારે મન પડે એવી વાત્યું લખતો, પછી મારા અમૂક વાંચનોને આધારે હિન્દી અનુવાદ કરીને એમાં મુકતો, પછી ધીમે ધીમે જેમ સમય જવા લાગ્યો એમ એમ સમયના જ અભાવે વોટ્સએપ માં આવતું સાહિત્ય ય ન્યા મુકવા માંડ્યો, તયે મને એમાં કાઈ ભીખોભાઈ ટ્રાફિકને ટ્રાફિકનો તંબુરો ય ખબર પડતી નહિ, એતો ખાલી મેં નાનકડી સાહિત્ય-સેવા, અને શોખ ખાતર શરૂ કર્યો'તો. ને ધીમે ધીમે એમાં તો ટ્રાફિકની ધબ બોલી હો, હમણાં ગયા મહિને એમા ટોટલ 1M વ્યૂ થયા..! પણ શું ફેર પડે એનથી? ફ્રી બ્લોગ છે, ન અંગત ડોમેન છે, ન બીજું કાંઈ, એટલે ઇ પ્લેટફોર્મવાળા મારી સેવા ના મેવા મફતમાં આરોગે છે..!! ને આપણે રહ્યા દાતારનું ડીંટિયું તે જાજી કોઈ ઊંડી લપમાં ઉતરતા નથી..!! ને એલા ઉતરવું હોય તોય આવડત હોવી પડે? ને ઇ આવડત લેવી હવે પાકા ઘડે કાંઠો ચડાવ્યા બરોબર છે..!
પણ સાંભળ્યું છે, એડસેન્સ વગેરે બ્લોગર માં આવતા ટ્રાફિક બદલ વળતર આપે છે, એટલે મારા જેવા વગર અનામતના જનરલ કેટેગરીના માણસો આમાં ય દોડાદોડી કરે.. કરોળિયાની જેમ ગુંથે, પછડાટયું ખાય, પડે-ચડે-ફરી પડે-અને ચડે..!
આશા અમર રાખવી ભાઈ.. નકર તોડીય શું લેવું, ગૂગલ હાર્યે બાધવા જાવું કે, ભાઈ તારા સર્ચ એન્જીનમાં કોક 'કલમ નો ક' લખે એનેય ઉલાળીને મારા બ્લોગમાં ઘા કર્ય, સુંદર પીચાઈ ભલે ભારતીય મુળનો હોય પણ એમ કાંઈ આપણા સાટું નોકરી થોડો જોખમમાં મૂકે? આ બ્લોગને ય ઘણો ટાઈમ થયો ને હજી હજારેક વ્યૂ આવ્યા છે એમાંથી નવસો નવ્વાણું તો લગભગ મારા જ છે એલા..! એટલે એડસેન્સ વાળાવે મારા આ બ્લોગને તો દૂર થી સોસીયલ ડિસ્ટનસિંગ જેવા નમસ્કાર કરી લીધા છે..!
હુંય એલા કોમ્યુટર એન્જીનીયર બનવા ગ્યો'તો, પણ કરમની કઠણાઈ તે અડધો બન્યો, ને પછી અડધો એકાઉન્ટન્ટ બન્યો..! ઈય ઓછું હોય એમ વળી આ લખવાનો શોખ જાગ્યો તે.. જોવો ને.. ટાઢા પોર્ય ના મન પડે એમ ઝીંકુ છું.. !