આજ કાંક લખું.. પણ શું લખું? વિષય? આમ તો પર વિનાના વિષય છે.. હમણાં જ sco મિટિંગ યોજાણી ગોઆ માં.. એના ઉપર લખું? કે પછી ઓલ્યા રશિયા વાળાએ યુક્રેનનો ઝંડો તાણીને બે ઢીકા ખાધા ઇ લખું? કે પછી ક્રેમલીન - જ્યાં પુતીનના કાયમના બેસણાં છે ન્યાં - ઉપર એક ડ્રોન ઘા ઝીંકી ગયું ઇ લખું? કે પછી આ પાકિસ્તાનની બીલ્લો SCO - The Shanghai Cooperation Organisation ની ગોઆ ની મિટિંગમાં ધમકી દઈ ગઈ એના વિશે લખું? કે પછી ડૉ. એસ જયશંકરે તેલ માં પલાળી પલાળીને મારેલું વાક્-જુત્તી લખું? કે પછી લાહોરમાં રોડ વચાળે ગોળીયું મારીને પરમજીત પંજવારને લાંબો કરી દીધો ઇ લખું? કે પછી આ બધુંય લખું? શનિવારી બજાર ભરાય એમ..!
ધ શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન ટૂંકમાં sco ની સ્થાપના આમ તો 1996માં ચીન, કઝાખસ્તાન, કિરગિસ્તાન, રશિયા અને તાજીકિસ્તાન આ પાંચ દેશોએ "શંઘાઇ V" નામથી કરી'તી. પણ 2001માં ઉઝબેકિસ્તાન ને પણ આમા જોડીને "શંઘાઇ VI" કર્યું. પછી શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન માં 2016માં ભારત અને પાકિસ્તાન પણ જોડાયા. આ યુરેશિયામાં રાજનૈતિક, આર્થિક અને સૈનિક સંગઠન છે. ચાલુ વર્ષ 2023માં ભારત આ સંગઠનની મિટિંગ્સનો યજમાન દેશ છે. એટલે ગોઆમાં આની મિટિંગ્સ હતી જેમાં બધા વિદેશમંત્રીઓએ હાજરી આપી'તી. કાશ્મીરમાંથી ધારા 370 અને 35A હટાવી ત્યારથી પાકિસ્તાન આમતો ટાયડું હાલતું'તું, પણ sco ની મિટિંગ્સમાં એના ગોડફાધર ચીને ઘચકાયવું હશે તે પૂંછડું પટપટાવતું પુગી ગયું'તું. બિલાવલ ભુટ્ટો ઝરદારી બે વાર જયશંકર સાહેબને ઝુક્યો પણ જયશંકર સાહેબની બોડી-લેન્ગવેજ જોવો, જાણે "આમ હાલતીનો થા ને.." નો કીધું હોય..! ઇ પછી આખી વાત માંડી ને કરું પણ પેલા... એક વિડીઓ જબરો વાઇરલ થયો છે એલા, બ્લેક સી કોન્ફરન્સમાં યુક્રેનિયન ઇન્ટરવ્યૂમાં રશિયા વિશે બહબહાટી બોલાવતો'તો, એટલામાં એક રશિયને જઈને યુક્રેનનો ઝંડો આંચકી લીધો પછી તો બેય ઢીકે-પાટે આવ્યા હો..!!
આપણે આયાં રાષ્ટ્રપતિ ભવન છે, એમ રશિયામાં ક્રેમલીન છે, રુસી સામ્રાજ્યથી માંડીને આજદી સુધી ક્રેમલીનમાંથી રશિયન ફેડરેશન નું સંચાલન થાય છે..! હવે એક ડ્રોન કોણ જાણે ક્યાંકથી આવ્યું ને ક્રેમલીનના ગુંબદ ઉપર એક વિસ્ફોટક ઘા કરતું ગયું..! વિચારવા જેવું છે, ડ્રોન કોઈ મોટું નહોતું, નાનું અમથું હતું..! ઇ ડ્રોન ઉડયું ન્યા મોસ્કો માંથી જ હોય, નકર કીયેવ અને મોસ્કો વચાળે પલ્લો તો ઘણો લાંબો હો.
આ પાકિસ્તાનનો વિદેશ મંત્રી, બિલાવલ ભુટ્ટો ઝરદારી.. આજે મીમ મટેરિયલ બન્યો હતો હો..! નામ તો એનું બિલાવલ ભુટ્ટો ઝરદારી છે, પણ ઓળખાય છે બીલ્લો રાની ને નામે..! મૂળ આ બીલ્લો દેખાવમાં બાઘડ-બિલ્લા જેવો લાગે પણ કાંક બોલે તયે ચિલ્લર ખરી પડે..! પાકિસ્તાનની પૂર્વપ્રધાન મંત્રી બેનઝીર ભુટ્ટો અને પ્રેસિડેન્ટ આસિફ અલી ઝરદારીનું ફરજંદ એટલે આ બિલાવલ. થોડાક ટાઈમ પેલા આણે લગભગ યુએન ની બારે જ પ્રધાનમંત્રી મોદીને અપશબ્દો કીધા'તા. પણ આ પ્રજામાં આત્મસમ્માન જેવું હોય નહીં હો. શાહબાઝ શરીફે એક દી નહોતું કીધું, beggars can't be choosers.. સીધે-સીધો અનુવાદ કરું તો ભિખારીઓ ચયનકર્તા હોતા નથી. એક વખત એવો હતો કે ગૂગલ માં ભિખારી સર્ચ કરો એટલે પાકિસ્તાની ભૂતપૂર્વ પી.એમ. ઇમરાન ખાનનો ફોટો આવતો, ને 'ડોગ' લખો તો પાકિસ્તાનનો નકશો આવતો..! તો હા, એક બાજુ આ બીલ્લો, બીજી બાજુ શાહબાઝ, ત્રીજી કોરી મુનીર બધી દિશામાં કટોરો લઈને ધોડ્યે જાય છે, આ બીલ્લો ય ઇ હાટુ જ આયવીતી પણ પેલા ના ટાઈમે કોક ઉઘડમમથ્થો સામો ભાટકે ને માણહ અભડાય એમ જયશંકર સાહેબે આને જોતા મોઢું બગાડ્યું, તે ઈ બચાળે કાંઈ માંગવા જીગર નો કરી, બાકી પ્રેસ કોન્ફરેન્સમાં એકાદ જણે પૂછ્યું કે હવે ચૂંટણી કે દી કરાવો તમારે ન્યા, તયે તરત બોલી, રૂપિયા ઘટે..! તોય આ બીલ્લો એક ધમકી દેતી ગઈ છે હો.. કે G20 પેલા એક કોઈદી નહિ ભુલાય એવો રિસ્પોન્સ કરશું. એલા પેલા તમે પૂરતી ભીખ ભેળી કરી લ્યો, G20 ને તો હજી જાજી વાર છે..!! પછી તો મીમરો ને મજો પડી ગયો, ટ્વિટરમાં ને બધે બસ આ બીલ્લોના જ ફોટા ફરતા'તા.
જયશંકર સાહેબને કોકે પાકિસ્તાન બાબત કાંક પૂછી લીધું, પછી તો ઘરનું જ ગ્રાઉન્ડ ને ઘરની જ ક્રિકેટ, સાહેબ તો શોટ ઉપર શોટ માર્યા, ઇન્ડસ્ટ્રી ઓફ ટેરરીઝમના સ્પોકપર્સન તરીકે બિલ્લોની ઓળખ કરાવી, વાતે વાતે પાકિસ્તાન દ્વારા ફેંકાતું વિકટીમ કાર્ડ જયશંકર સાહેબે ફાડી નાખ્યું..! બકલ ઉઘડી જાય એવા ચાબખા સાહેબે માર્યા છે.
હવે એક આ વચ્ચે બહુ ઠેકડે ચડ્યા'તા, ઇ ખાલીસ્તાની.. ભારત પાસેથી પંજાબની ખાલીસ્તાન તરીકે માંગ કરતા આતંકીઓ માં એક એટલે આ પરમજીત પંજવાર.. મૂળ તો તરણતારણ ના પંજવાર માં જન્મ્યો'તો, પછી ખાલીસ્તાની મુવમેન્ટ માં જોડાયો, ને ભારતમાં ભીંહ પડી તયે ભૂંડળું વાડ માં છીંડું કરીને બીજી કોર્ય નીકળી જાય એમ સરહદ સરહદ ટપીને લાહોર પુગી ગયો, હવે પાકિસ્તાનને તો આવા નંગ ભેળા કરવાનો ભારી શોખ, તે આનુય ગાડું રળ્યું.. આ પરમજીત ડ્રગ્સની હેરાફેરી કરતો. જે ખાલીસ્તાન એને જોતું છે ન્યાની પ્રજાને જ નમાલી કરવી ઇ આનું કામ..! અમેરિકા એ સ્વીકૃત કરેલા આતંકીઓમાં આનુય નામ સામેલ હતું હો..! એને શનિવાર તા. 06/05/23 ના સવારે મોર્નિંગ વોક કરવા નીકળ્યો તયે કોક ટપકાવી નાખ્યો..! ઓપરેશન બ્લુ સ્ટાર વખતે આર્મી ચીફ જનરલ અરુણ વૈદ્ય ની હત્યામાં ય આનો હાથ હોવાનું નીકળ્યું હતું. હવે અમુક બાંધી મુઠીમાં એમ પણ કે છે કે ખુદ આઈએસઆઈ એ આને ઉડાવી દીધો...
બાકી લ્યો નથી લખવું, નથી સૂઝતું કરતા કરતા ઘણી વાતું કહેવાય ગઈ..! બાકી હાલો કાંક ઉપડશે તો કહીશ બાકી, હરિ હરિ કરો...!!