આ યુક્રેન આમ તો રશિયાના હાથે કુટાય છે ઈ જ સારું છે..! જો કે જીઓપોલિટિક્સ માં કોઈ પરમેનન્ટ મિત્ર હોતું નથી કે શત્રુ હોતું નથી, માત્ર પરમેનન્ટ ઇંટ્રેસ્ટ (લાભ) જ હોય છે. આપણે અહીંયા રશિયાનું નામ સંભળાય એટલે ચેહરા ઉપર કેવો એક મિત્રતાનો ભાવ આવી જાય, જાણે ભેરુ મળ્યો. પણ હકીકતે એ મિત્ર નથી, અમેરિકા પણ ભારતને પાર્ટનર કહે છે, વળતા ભારત એવું કોઈ સંબોધન કરતુ નથી..! આ પાકિસ્તાન.. હાલતા-ચાલતા ભારત ઉપર પા-પા કિલોના ન્યુક્લિયર સ્ટ્રાઇકની ધમકીયુ દીધા કરે તોય, દવાયું ભારત પાસેથી લે, બીજે ક્યાંય મળે નહીં ને..! ભારત મેડિસીનનો બહુ મોટો નિર્યાતક છે. પાછા ઈ પાકલા આપણે ન્યાંથી દવાયું લે, પણ રૂપિયા દેતા નથી..! હા તે વાત હું યુક્રેનની કરતો'તો. હમણાં યુક્રેની ડીફેન્સએ ટ્વિટરમાં એક પોસ્ટ અપલોડ કરી, ટૂંકમા બે ફોટો હતા, એક તો ક્રાઈમીયાંમાં થયેલ ઓઇલ ટેન્કર બ્લાસ્ટનો હતો, જેમાં ન્યુક્લિર વિસ્ફોટ જેવો આગનો ગોળો સર્જાયો હતો, અને ફરતે ધુંવાડાનું વાદળ બન્યું હતું. એક તો આ યુક્રેનિયનો નાની અમથી વાતમાં સેલિબ્રેશન બહુ મોટું કરે, મૂળ ક્રાઇમિયાંમાં રશિયન ઓઇલ ટેન્કર્સ હતા, જેને કદાચ યુક્રેનિયનોએ ઉડાવી દીધા. હવે એ બ્લાસ્ટ માં ઈ અડધી બુદ્ધિની આઠમે મહાકાળી માતાનો ફોટો સેટ કર્યો Marilyn Monroe જેવો. હવે આ Marilyn Monroe ઈ અમેરિકન અભિનેત્રી હતી જેનું નામ અમેરિકાના રાષ્ટ્રપતિ કેનેડી સાથે જોડાયેલું હતું, એનો ઉડતા ફ્રોક વાળો ફોટો બહુ વાઇરલ હતો. આ યુક્રેનિયનો એ ઈ ધુંવાડાના વાદળ માં મહાકાળી માતાજી નો ફોટો એડિટ કર્યો, અને વર્ક ઓફ આર્ટના નામે એની ડિફેન્સ મિનિસ્ટ્રીએ ટ્વિટર પર શેર કર્યો.
પછી તો જો કે ઘડીકની વારમાં જ ભારતીયોએ યુક્રેનનો ટ્વિટર ઉપર જ ઉધડો લીધો, ત્યાં તો યુક્રેનિયન્સનું પાદણ માંડ્યું છૂટવા, ને થોડીક વારમાં ઈ પોસ્ટ ડીલીટ કરી નાખી. એક તો ઈ લોકોને આપણી પાસે થી હ્યુમેનીટેરિયન એઇડ પણ જોતી છે, ને બીજી બાજુ હિન્દુઓની આસ્થાનો મજાક પણ ઉડાવવો છે. ભારત સરકારે અમુક સ્કૂલ બસ એમને એઇડ તરીકે આપી છે, પણ હવે કાંઈ આપવું જોઈએ એવું મારા અંગત વિચારોથી મને તો લાગતું નથી. હિન્દૂ ધર્મ પ્રત્યે ઘણો ઉદાર છે. સહિષ્ણુ પણ. આપણે એવું વિચારીયે છીએ કે, આપણે તેત્રીસ કોટી દેવને માનીયે છીએ તો એક બે વધુ એમાં શું.. પણ સામે અન્ય ધર્મો માં એવું નથી. આ યુક્રેને કરેલી હિન્દુઓની મજાક અક્ષમ્ય છે. વારે-ઘડી શા માટે હિન્દુઓની આસ્થા પર જ પ્રહાર થાય છે? હિન્દુફોબિયા છે આ બધો. એક ઓલી ક્યાંની હતી ઈ એડ યાદ નથી પણ ઈ એડ માં ગણપતિને ઘેટાનું બચ્ચું આરોગતા દેખાડ્યા છે. નટરાજની મજાક ઉડાવે છે, મહાકાળીની બાબતે તો વારે-તેવારે આ લોકો ઉભા ને ઉભા..! આ બાબત ઇશનિંદા / બ્લાસફેમી કહી શકાય છે.
મુસ્લિમ દેશોમાં ઇશનિંદા પ્રત્યે મૃત્યુદંડ સુધીની જોગવાઈઓ છે. પણ ભારત ધર્મનિરપેક્ષ દેશ છે એટલે અહીંયા? ઇશનિંદા બદલ કોઈ પણ નિયમ નથી. પણ હા, ભારતીય દંડ સંહિતા (I.P.C) માં એક ધાર્મિક સમૂહના અપમાન અથવા સાંપ્રદાયિક તણાવ તથા હિંસા માટે પ્રાવધાન છે, જેમાં ધારા 154, 295, 295A , 296, 297, અને 298, એક વર્ષ થી ત્રણ વર્ષ સુધી જેલ ની સજા છે. પણ એ ઇશનિંદા બદલ તો ન જ કહી શકાય. આ પડોશી પાકિસ્તાન, ઇશનિંદા બદલ મૃત્યુદંડ પણ કરે છે, હમણાં થોડાક ટાઈમ પે'લા જ એક ચાઇનીઝને જેલ-ભેગો કર્યો, ઇય હાઈ-સિક્યુરિટી વાળી જેલ. સાદી જેલમાં તો એને કોક પાકિસ્તાની ફૂટી નાખે તો ચાઈનાને જવાબ દેવો અઘરો પડી જાય. જો કે પાકિસ્તાન જેવા દેશ માં તો ઇશનિંદા નિયમ નો ઉપયોગ લઘુમતીઓને દબાવવામાં જ કરે છે. કોઈ પાકિસ્તાનીને ત્યાંના હિન્દુનું ઘર ગમી જાય તો બસ.. ઈ હિંદુએ ઇશનિંદા કરી હતી..! લઘુમતીઓની સ્ત્રીઓનું હરણ કરવામાં ય ઇશનિંદા, જમીનો દબાવવામાંય ઇશનિંદા.. જેવો તેવો હક થોડો છે આ..! આપણે અહીંયા એટ્રોસિટી જેવો..! એટ્રોસિટી નો પણ ઘણી વાર દુરુપયોગ થયો છે. પણ ઠીક છે એમાં તો કોર્ટે કાંક સુધારો કર્યાના સમાચાર હતા થોડા ટાઈમ પે'લા.
એક આ "ધ કેરલા સ્ટોરી" વિવાદમાં ઉડી છે. કાશ્મીર ફાઇલ્સ માટેય ઘણા લોકો ઠેકડે ચડ્યા'તા. ને હવે કેરલા સ્ટોરી માટે. ટ્રેલર જોયું'તુ મેંય. કાંઈ ખાસ નવું નહોતું, જે કાયમી સમાચારોમાં વાંચીયે છીએ ઈ જ.. લવ જેહાદ.. કેરળ હાઇકોર્ટે જ કીધેલું છે કે લવ જેહાદ થાય જ છે, અમુકને એવું લાગે છે કે આ એક સમુદાય વિશેષની પ્રતિષ્ઠા ઉપર પ્રહાર છે. એલા એવું નથી..સુદીપ્તો સેને ખાસી એવી રિસર્ચ કરીને બનાવી છે. તોય બોર્ડએ એને 'A' સર્ટિફિકેટ આપ્યું છે. ટ્રેલર માં મથલ એમ છે કે, ચાર મહિલાઓની વાર્તા છે, હિંદુ અને અન્ય ધર્મોની કન્યાઓને ઇસ્લામમાં કન્વર્ટ (ધર્માંતરણ) કરવામાં આવી, સામ-દામ-દંડ-ભેદ જેમ બને એમ ધર્માંતરણ કરવામાં આવ્યું, અમુકની સાથે શારીરિક સંબંધો બનાવીને પણ ઇસ્લામ સ્વીકારાવ્યો, અમુકની સાથે જો-જબરજસ્તી, અમુકને ફોસલાવીને, ઇસ્લામ ધર્મમાં કન્વર્ટ કરાવીને પછી આઈ.એસ.આઈ.એસ. (ISIS) જોઈન કરવા મોકલવામાં આવી. પછી એ મહિલાઓને ભારત પરત ફરવું છે એની લપ છે. ફિલ્મ પ્રમાણે 33000 મહિલાઓને કન્વર્ટ કરીને ત્યાં મોકલી હતી, એટલે આ આંકડા બાબતે પણ ડિબેટ થઇ રહી હતી.. હવે સેન્સર બોર્ડે આ સર્ટિફિકેટ આપવા સાથે અમુક કાપ-કૂપ પણ કરી, એક ડાયલોગ હતો કે, "વાયા પાકિસ્તાન ઉનકો પૈસો કી મદદ અમેરિકા ભી કરતા હૈ" આ ડીલીટ કરાવવામાં આવ્યો, એક ડાયલોગ "કમ્યુનિસ્ટ પાર્ટી હિન્દૂ રીતિ-રિવાજોને માન્ય નથી કરતી" એવી વાત પણ હટાવવામાં આવી. પછી અમુક જગ્યા એ "ઈન્ડિયન કમ્યુનિસ્ટ પાર્ટી" શબ્દ હતો એમાંથી ઇન્ડિયન શબ્દ હટાવવા નિર્દેશ કર્યો, અને એક ફોર્મર ચીફ મિનિસ્ટર ઑફ કેરળનું ઇન્ટરવ્યૂ પણ ડીલીટ કરવા સજેશન કર્યું છે. ટૂંકમાં હિન્દુઓની આસ્થાને જો સિનેમા ઠેસ પહોંચાડે તો ચાલે, પણ ઈતર-ધર્મીઓ બાબત બિલકુલ નહીં..! લ્યો ને ઈજ વાત થઇ કે "તોડા કુત્તા ટોમી, સડ્ડા કુત્તા કુત્તા.."
બાકી હાલો અટાણે આટલું ઘણું. વળી કાંક ઉપડશે એટલે ઉભરો ઠાલવવા આયાં જ ગુડાઉ છું.