હૈદરાબાદ અને ઓપરેશન પોલો || Hyderabad and Operation Polo ||
નોંધ : જો એલા, આપણી લખવાની રીત જુદી છે, આડેધડ ઝીકમઝીંક કરવી ઈ આપણું કામ..!
પોણી પૃથ્વીની રાણી એટલે ઇંગ્લેન્ડ વાળી કવીન એલિઝાબેથ, શશી થરૂર કે' એમ દુનિયાનું સૌથી મોટું ચોર બજાર ક્યાં? તો કે', લંડનનું મ્યુઝિયમ, જ્યાં આખી દુનિયાની મૂલ્યવાન વસ્તુઓ સંઘરી છે. ઈ કવીન એલિઝાબેથના મુગટમાં જડેલો વિશ્વપ્રસિદ્ધ હીરો એટલે કોહીનુર, આ કોહિનૂર મૂળ ગોલકોંડાની ખાણમાંથી નીકળ્યો'તો. એક ટાણે વિશ્વ પ્રસિદ્ધ હીરાઓ આ જ ખાણમાંથી નીકળેલા..! લગભગ ઈ.સ. 1512 આસપાસ આ ગોલકોંડામાં કુતુબશાહી રાજવંશનું આધિપત્ય હતું, મુહમ્મદ કુલી કુતુબ શાહે હૈદરાબાદ નગરનો પાયો નાખ્યો'તો...! બીજી બાજુ દિલ્લી માં ઔરંગઝેબ ગાદીએ આવ્યો, ને ઔરંગઝેબનું કામ-કાજ આજના ચાઈના જેવું હતું, આ મારું, ઓલુય મારું, હંધુંય મારું.. બસ.. બીજી વાત નહીં.! ઔરંગઝેબે ઈ.સ. 1687ની આસપાસ હૈદરાબાદ કબ્જે કર્યું, ને ન્યાં પોતાનો સૂબો નિયુક્ત કર્યો. ડેક્કન નો સૂબો કે'વાતો ઈ. પછી લગભગ ઈ.સ. 1724માં મીર કમરુદ્દીન ખાન ઉર્ફે અસફ જાહ પ્રથમે, સુબેદારી માં પ્રતિદ્વંદીને હરાવીને હૈદરાબાદનો સ્વતંત્ર રાજા બન્યો. પાછી ઓલી મુઘલિયા સલ્તનત નબળી પડી, ને આ બાજુ મરાઠાઓનો ઉદય થયો.. કદાચ કોઈ હાથીનું ધણ હાલ્યું જાતું હોય એમ મરાઠાઓ દોમ-દમામ સાથે પુરા લાવ-લશ્કર હોત નીકળતા ને ચોથ(TAX) ઉઘરાવતા. નિજામેય ચોથ દેવાનું કબૂલી લીધું'તું..! બાકી મરાઠા સોજવાડી દેતા હો.. નિઝામ ભારતનો પેલો રાજા હતો જેણે અંગ્રેજોની સાથે સંરક્ષણ બાબત પેલો-વેલો કરાર કર્યો તો. પાછું અંગ્રેજોના સૈન્ય ખર્ચ ને પહોંચી વળવા મૈસુરના પોતાના પ્રાદેશિક લાભો અંગ્રેજોને હાથ દઈ દીધા..! હવે આવું બધું તો ઘણુંય છે.. પણ હવે છેલ્લો નિઝામ મીર ઉસ્માન અલી ખાન "નિઝામ ઉલ મુલ્ક આસફ જાહ સપ્તમ" નામ ધારણ કરીને ઈ.સ. 1911માં ગાદીએ બેઠો.. પણ આની તો શું વાત કરવી એલા...!!
આ છેલ્લા નિજામ માટે એમ કેવાય છે કે એક ટાણે ઈ આખા વિશ્વનો સૌથી ધનાઢ્ય માણસ હતો. હોય જ ને, એની આવકનો મુખ્ય સ્ત્રોત ગોલકોંડા માઇન્સ માંથી નીકળતા હીરાઓ ઉપર મળતું રાજસ્વ. જો કે આ નિજામની દૌલતની હાર્યોહાર એની કંજુસાઈ પણ એટલી જ ફેમશ (પ્રખ્યાત) હતી..! બસ્સો એંશી કેરેટનો હીરો તો એને મન પેપરવેટ હતો. એક વાર એને પ્રજા દ્વારા ભેટ-સૌગાત અપાતી હતી, આમ તો બીજે ઠેકાણે એવું હતું કે રાજાઓ પ્રજા દ્વારા અપાયેલી ભેટ હાથમાં લઈને પાછી ઇના ઈ ભેટ દેનાર ને આપી દેતા પણ નિજામ રાખી લેતા એલા, જે ભેટ મળે ઈ નિઝામ પોતાની પાસે ખુરશી માં રાખે, એમાં એક સોના-મહોર ખુરશીમાંથી સરકી ગઈ, ને નિજામ તો ચાર-પગે ઈ સોનામહોર પાછળ દોડ્યા હો..! FREEDOM AT MIDNIGHT ના લેખક લેરી કોલિન્સ અને ડોમિનિક લેપૈયર લખે છે જેનો ગુજરાતીમાં અનુવાદ અશ્વિની ભટ્ટે કર્યો "અર્ધી રાતે આઝાદી" નામે, એમાં આ નિજામની કંજુસીના કાંઈ વર્ણનો દીધા છે એલા..! આપણી અક્કલ કામ નો કરે, મહેલોના માલિક નિજામ પોતે એક નાની એવી રૂમમાં ગંધાઈ ગે'લી ખાટલીમાં ગોદડી ઓઢીને પડયા રહેતા, કોક ભૂરો અંગ્રેજ મળવા આવ્યો હોય તો એના માટે એક કપ ચા, એક જ બિસ્કિટ, અને એક સિગરેટ જ મુકાતી. નિજામ પોતે બચેલી સિગરેટ ના ઠૂંઠાનોય કસ કાઢી લે..! ઈ વખતે નિજામ બજારમાં નીકળે ને કોક ઘણી સારી ગાડી દેખાય જાય, તો નિજામ ઈ ગાડી માલિકને પત્ર લખતો, "આ ગાડી નિજામ ભેટ તરીકે સ્વીકારવામાં ખુબ જ હર્ષની લાગણી અનુભવશે." આમ ભેટ-ભેટમાં મફતમાં નિજામે ઢગલો-એક ગાડીયું ભેળી કરી લીધી'તી.! તોય આ નિજામ માટે એવુંય કે'વાય છે કે ભારત-ચીન યુદ્ધ બાદ ભારત સરકારને પાંચ ટન સોનુ દાન સ્વરૂપે આપ્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ પછી જયારે આ ભુરીયા બ્રિટિશરો નબળા પડ્યા ને ભારતને આઝાદ કરવાનું જાહેર કર્યું ત્યારે પેલા તો ભારતના બે ટુકડા થયા, બે ભાગમાં એક ટુકડો ઓલ્યા જીન્નાએ ધરાર લીધો..! બાકી બચ્યું ઈ ભારત. એટલે જાતા જાતા આ ભુરીયા દીવાસળી મુકતા ગયા, કે ભલે ભડકો થાતો..! રાજાઓને કીધું કે તમારે જેનીપા જાવું હોય એની છૂટ છે, ભારતમાં ભળવું હોય તોય ભલે, પાકિસ્તાનમાં જાવું હોય તોય ભલે, ને સ્વતંત્ર રે'વું હોય તોય છૂટ છે. ભાવનગરના પ્રાતઃસ્મરણીય મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પે'લા પોતાનું રજવાડું ભારત સરકારને સોંપ્યું ને પછી તો એક-એક કરતા બધા રાજવીઓ ભારતમાં ભળી ગયા. બાકી રયા ત્રણ બાજકણાં.. જમ્મુ કાશ્મીર, જૂનાગઢ ને હૈદરાબાદ..!
જમ્મુકાશ્મીર તો ઓલી બાજુ થી પાકિસ્તાની સેનાએ કબાઇલીના વેશમાં આક્રમણ કર્યું એટલે તરત ભારતમાં ભળી ગયું, જૂનાગઢને આરઝી હકુમતે ભારતમાં ભેળવ્યું. ને હૈદરાબાદમાં સૈન્ય પ્રયોગ કરવો પડ્યો'તો.. ઈ સૈન્ય પ્રયોગ એટલે જ "ઓપરેશન પોલો"..!
પૈસાદાર માણહ ધારે ઈ કરે ઈ હિસાબે હૈદરાબાદી નિજામે તો ધડ દઈને ના પાડી દીધી કે, "ના ભાઈ, આપણે નોખા હો..!" હવે હૈદરાબાદ માં ઈ ટાણે, લગભગ 70 ટકા હિન્દૂ, ને 30 ટકા મુસલમાન હયશે, ને, દેશના ભાગલા જ ધર્મ ને આધારે થયા'તા, જિન્નાહે માંગણી જ એ કરી'તી કે મુસલમાનો આ દેશમાં સુરક્ષિત નથી. ને હૈદરાબાદ માં થયું એવું કે હિન્દૂ વસ્તીનો મુસલમાન રાજા, ને પાછી એની વસ્તી ભારતમાં જોડાવા માંગતી'તી. જિન્નાહે હૈદરાબાદ નિઝામને સૈન્ય-સંસાધનો પુરા પાડવા મંડ્યા, હવે ચારેકોરથી ભારતથી ઘેરાયેલુ ઈ હૈદરાબાદ સ્વતંત્ર રહે તોય ભવિષ્યમાં ડખો ઉભોને ઉભો.. આતો કેવું થાય, કે આખું ઘર વેંચ્યું પણ આઠમની દીવાલમાં લાગેલી ખીલ્લી નો વેચી..! એટલે ઈ ખીલલોનો માલિક હાલત ઘર ખખડાવે..! બેયને માથાકૂટ, તે નક્કી કર્યું કે હૈદરાબાદને ચાહે ઈ ભોગે ભારતસંઘમાં ભેળવવું.!
નિઝામને અંદેશો તો આવી ગયો તો, કે ભારત હાર્યે બાંકા-ઝીંક તો બોલશે જ..! ને પાછું હૈદરાબાદમાં હિન્દુઓએ બળવો કર્યો હતો. નિજામની પાસે સેના તો મૂળ 24000 માણહ ની જ. એમાં થી સારા માહ્યલા તો ખાલી 6000 જ. ભારતની સેના સામે પુગી વળાય એમ હતું જ નહીં એટલે નિઝામે તરત કાસીમ રઝવીને એક સ્વૈચ્છીક લશ્કર બનાવવાની મંજૂરી આપી, પરિણામે, રઝવીએ 2,00,000 ની સંખ્યાબળ વાળું સૈન્ય ઉભું કર્યું, ઈ સૈન્ય રઝાકાર તરીકે ઓળખાયું.! આ બધી જીન્નાની ઇચ્છાએ થતું'તું. નિઝામની સેનાનું નેતૃત્વ મેજર જનરલ એલ એડ્રુસ પાસે હતું, રઝાકારનું કાસીમ રઝવી પાસે. ભારત સરકારે પહેલા તો હૈદરાબાદમાં દાખલ થવાના તમામે માર્ગો પર થાણાં બેહાડી દીધા. ચકલુંય નજરે ચડ્યા વિના અંદર ગળે નહીં. આર્થિક ભીંહ પડી. ઓપરેશન પોલો ગોડાર્ડ પ્લાન હેઠળ થવાનું હતું.
આ આખા સૈન્ય અભિયાનની કમાન્ડ હતી લેફ્ટેનેન્ટ જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજાના હાથમાં. આ રાજેન્દ્રસિંહજી જાડેજા, મૂળ નવાનગર રજવાડાં (જામનગર) ના સરોદરમાં જન્મ્યા હતા, અને સેનામાં જોડાયા હતા. બીજા વિશ્વયુદ્ધમાં આફ્રિકામાં હતા, ન્યાં જીતીને આવ્યા પછી ઈ પ્રથમ એવા ભારતીય બન્યા જે અમેરિકામાં મિલિટરી અટૈચી તરીકે 1945-46માં પદભાર સંભાળ્યો હતો. ઓપરેશન પોલો વખતે લેફ્ટેનેન્ટ જનરલ હતા, પછીથી ભારતીય સેનાનું સર્વોચ્ચ પદ જનરલ પણ બન્યા હતા. તેઓ ભારતીય સેનાના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા, અને ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પા પછી બીજા ભારતીય, ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા.
ગોડાર્ડ પ્લાન પ્રમાણે હૈદરાબાદને બે મોરચે ઘેરવાનું ચાલુ કર્યું, સોપલાપુર બાજુથી મેજર જનરલ જયંતોનાથ ચૌધરી ચડ્યા, વિજયવાડા બાજુથી મેજર જનરલ અજિત રુદ્ર. 13મી સપ્ટેમ્બર 1948, ના પરોઢિયે 4 વાગ્યે નલદુર્ગમાં પહેલી લડાઈ થઇ, બાકા-ઝીંક બોલી, ઘડીકની વારમાંતો નળદુર્ગ પડ્યું, ન્યાંથી સેના આગળ વધી, જલકોટ થઈને ઉમર્ગા સુધી બપોરે સવા ત્રણ વાગ્યા સુધીમાં હૈદરાબાદ રજવાડાંમાં સાઈઠ કી.મી. અંદર પુગી ગયા. તુળજાપુર ને લોહરામાં ધબ બોલાવી દીધી, રઝાકારો આવતા ગ્યાં એમ એમ ઉપડતા ગયા..! ઉગમણી કોર્ય પણ સારા-માંહ્યલો મામલો મચ્યો'તો. લેફ.જન. અજિત રુદ્ર ને શરૂઆતમાં જ સામી મળી હૈદરાબાદ સ્ટેટ ફોર્સ, એમણે ઘડીક તો ટક્કર ઝાલી, પણ સાડા આઠ સુધીમાં ઈ બધાને સુવડાવીને કોદર સુધી પુગી ગ્યા'તાં. હોસ્પેટ અને તુંગભદ્ર પણ કબ્જે કર્યું.
બીજે દીએ 14મી સપ્ટેમ્બરે આથમણેથી હૈદરાબાદી છાપાં-માર કરતા'તા તે હૉકર ટેમ્પેસ્ટ થી એર સ્ટ્રાઇકુ દીધીયું ને પછી તો લટાર મારતા હોય એમ બપોર સુધીમાં રાજેશ્વર કબ્જે કર્યું. ઉગમણી કોર્યથી સૂર્યપેટ બાધણ હાયલી, ઉસ્માનાબાદ, ઔરંગાબાદ (આજનું છત્રપતિ સંભાજીનગર) પણ કબ્જે કર્યા, હા, ઔરંગાબાદ પાંહે જાલના માં હૈદરાબાદી ફોર્સે થોડીક ટક્કર દીધી.
ત્રીજે દી, 15મી સપ્ટેમ્બરે ભારતીય સેનાએ એ જાલના, લાતુર અને મોમીનાબાદ લીધા. સુરીયાપેટમાં હવાઈ હુમલાઓ કર્યા, ને નર્કટપલ્લીમાં રઝાકારોનો સફાયો કરવામાં આવ્યો.
ચોથે દી 16મી સપ્ટેમ્બરે મૈન તો ઝાહીરાબાદ ને એની આજુબાજુ માં બઘડાછટ્ટી બોલી.
પાંચમે દી 17મી સપ્ટેમ્બરે ભારતીય સશસ્ત્ર દળો બીડરમાં ઘુસી ગયા'તા. ચીટયાલામાં એક સૈન્ય જથ્થો હતો, જયારે બીજાએ હિંગોળી શહેરનો કબ્જો મેળવી લીધો..! પાંચમે દીએ બપોર સુધીમાં તો નક્કી થઇ ગયું'તું કે હૈદરાબાદી સેના અને રઝાકારો તમામ મોરચે ભારે જાનહાની સાથે પરાજિત થઇ ગયા હતા, ને સાંજે પાંચ વાગ્યે તો નિઝામે હાર માનીને યુદ્ધવિરામની ઘોસણાં કરી દીધી, અને આમ સશસ્ત્ર કાર્યવાહીનો અંત આવ્યો.
નિઝામના વડાપ્રધાન મીર લિયાકઅલી અને તમામે મંત્રીમંડળના રાજીનામાં લેવાણાં, ભારતના હૈદરાબાદમાં એજન્ટ જનરલ કનૈયાલાલ માણેકલાલ મુન્શીએ હૈદ્રાબાદની પ્રજાને સુરક્ષિત રાખવા સાલ-સૂચનો કર્યા. ભારતીય સેનાના જનરલ ચૌધરીએ લગભગ સાંજે 4 વાગ્યે હૈદરાબાદમાં સશસ્ત્ર દળનું નેતૃત્વ કર્યું. 18 સપ્ટેમ્બરના રોજ અને મેજર જનરલ અલ એડરોસની આગેવાની હેઠળ હૈદરાબાદની સેનાએ આત્મસમર્પણ કર્યું. જો કે પછીથી હૈદરાબાદ પ્રાંતમાં સાંપ્રદાયિક હિંસાઓ થઇ હતી, જેને ભારત સરકારે યોગ્ય પગલાં લઇ ડામી હતી.
1956માં ભાષાકીય આધારે હૈદરાબાદ રાજ્યના ભાગલા થયા, શરૂઆતમાં આંદ્રપ્રદેશ અને બોમ્બે રાજ્યમાં ભેળવવામાં આવ્યું. 1960માં ફરી ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગ થયા, અંતે હૈદરાબાદ રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ માં વિઘટિત થયું. વળી પાછું જયારે તેલંગાણા ની માંગ ઉઠી ત્યારે 2014માં હૈદરાબાદ શહેર તેલંગાણા રાજ્યનું પાટનગર બન્યું.
એટલે એલા ભારતીય સેના સામું જેણે જેણે બાયું ચડાવી, એના હાથ હતા-નતાં કરવાનું કામ ભારતીય-સેના ઘણી સારી રીતે કરી લ્યે છે. બાકી નિઝામનીય પોપ્યુલારિટી(ફેમશતા ।। અરે લોકપ્રિયતા) જેમ-તેમ નહોતી..! નિઝામના મૃત્યુ સમયે અંતિમ સંસ્કારમાં શહેરમાં પગ મુકવાની જગ્યા નહોતી. હાલો બાકી વળી ક્યારેક કાંક સુઝશે તો પાછું લખીશ..!