અલકમલકનો ગજાલાપ ભાગ - ર || GAJALAP PART - 2 ||

0


એલા તાપ તો જો, તુંબડા તોડી નાખે. આમ તો હારું છે, ધરતી જેટલી તપશે એટલી ફળદ્રુપ થાહે..! જેટલો મે' જરૂરી છે એટલો તાપેય તે.. તે બસ આવું આવું મન-મથામણ કરતો હું પીપળ હેઠે ઢોલિયો ઢાળીને ઢેફાંને પાણાં મારતો તો, ને ન્યાં સામે શેઢે થી ગજો આવતો દેખાણો..! થઇ રહ્યું બસ..! બસ એક કોર્ય આ ગરમી, ને બીજી કોર્ય ગજાના પ્રવચનોથી ઝરતી આગ માં ભડથું થવાનું નક્કી જ હતું.

"શું કરો છો મનમોજીજી..?" આવતાવેંત, જોવે છે તોય પૂછે છે ગજો બોલો..!

"કાંઈ નહીં એલા, હડમાને ડુંગરની ટૂંકયુ ઘા કીધી'તી, હું ઢેફાંને, બોલ આનીપા કેમનો ભૂલો પડ્યો આજ?"

"અત્યંત તો કશું નહોતું, બસ ઘણા દિવસોથી તમારી ભેટ નહોતી થયી તેથી થયું તમને મળું આજ."

"કેમ એલા, ઘણાં દી ની નિરાંત આજ એક હાર્યે ભાંગવી તારે?"

"જુઓને, આમ તો હરિદ્વાર થઇ આવ્યો ત્યારથી તો બસ પ્રિય પ્રાણેશ્વરીની પ્રશસ્તિમાં જ સમય ગાળતો હતો."

"તો આજ મારા કાનમાં સીસું રેડવા કાં આયવો?"

"અરે હોય કાંઈ, શું મારા શબ્દો તમને એટલા આઘાત કરનારા છે? શું મારા શબ્દોમાં કોઈ મૃદુતા નથી? શું મારા વાક-વચનો તમને કર્ણપ્રિય નથી?"

"એલા એક તો તારો લોટા માં કાંકરો નાખીને ફેરવો એવો અવાજ, એને મારે કર્ણપ્રિય કેમ કે'વો? આયવો કા ઈ કર્યને, બાકી લપ જાવા દે તું..!"

"કશું નહીં મિત્ર, આજ મારા હ્ર્દય સામ્રાજ્ઞિ તેના પિતૃગૃહે ઉનાળું દીર્ઘાવકાશે ગયા છે, અને તેના વિરહમાં મારા હ્ર્દયની પ્રત્યેક ધમનીઓ જાણે હાંફળ-ફાંફળ થતી હોય તેમ મને અંદેશો આવતો હતો, મારા ચક્ષુને સ્થાને મારા પ્રત્યેક રોમે-રોમથી જાણે ઉના આંસુઓ વહી નીકળ્યા હોય ને, કદાચિત રત્નાકરનું ક્ષારયુક્ત-નીર મારે અંગે-અંગથી ઝરણ સ્વરૂપે ચાલ્યું જતું હોય.."

"તારો ડોહો એને પરસેવો કેવાય, શું દીધા-દીધ થયો છો તે.." એની વાત વચ્ચે થી કાપતા મેં એને વાર્યો પણ આ અખંડ હથોડો નિર્બાધ્યપણે મને ઘા કરવાનો હતો ઈ નક્કી..!

"ઠીક છે, પણ મારી શૈલી તો આપ જાણો જ છો.! મારા હ્ર્દયમાં ઉઠતા તમામે તરંગો હું આ સુચારુ સ્વરૂપે કથન કરું છું તે."

"તારું કથન મારી કઠણાઈ છે.. ઠીક છે, તો આગળની અધૂરી માંડ્ય, ઓમેય મારેય ઘણી વાત્યું તને કે'વી છે.."

"તો તમે જ શ્રી ગણેશ કરો.."

(સ્વગત : આના હથોડા આપણને ઘા કરે ઈ પેલા આને જ આપણી ઝીકમઝીકથી બઠ્ઠો કરી દે'વી તો.. તે મેં તો આદરી હો..) "ભાઈ ગજા, હમણાં તો દેશ-દુનિયામાં જે બાંકા-ઝીંક બોલે છે, વાત જવા દે..!"

"હા તો જવા દો, હું કહેતો હતો કે.."

"જાવા ક્યાંથી દે એલા સાંભળ તો ખરો.. સુદાન હાટુ ભારત સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું હો, કેવું પડે બાકી ભારત સરકાર, ઓપરેશન ઘા-એ-ઘા કરી નાખે હો, આવડી ઝડપ તો દાક્તરેય નથી કરતા..! યાદ છે એલા, ઓપરેશન ગંગા, યુક્રેનમાં આપણા વિદ્યાર્થીઓને લેતા આયવા'તા, ભેળા પાકિસ્તાનીય ભારતનો ઝંડો ઝાલીને વયા આયવા'તા, ઓપરેશન રાહત - યમનમાં ઘર ધુંવાડે ચડ્યું ત્યારે થયું'તું, પછી ઓલ્યું ઓપરેશન વંદેભારત - કોરોના માં બહારના દેશો માં જેટલા ભારતીયો સલવાણાં તા ઈ હંધાય ને હેમ-ખેમ આયાં સાજા-નરવ્યા લેતા આયવા'તા, પછી તાલિબાન ટાણે ઓપરેશન દેવશક્તિ કર્યું'તું જો ને,   ને સૌથી પેલું ઓપરેશન તો વાં કુવૈત ઉપર ઇરાક વાળા ચડી આવ્યા'તા તયે ભારતના વિમાનો ધોડા-ધોડ થિયા'તા, ઓલ્યું એરલિફ્ટ ફિલમેય એની માથે જ બનાવ્યું'તું ને..!"

"અરે એવા જ કંઈ કંઈ સંચાલનો મારી ભીતર થઇ રહયા છે, મારું મન મારા પરમ સ્નેહી ની પાછળ પાછળ તીવ્ર ગતિથી ભમી રહ્યું છે, મારા શ્વાસો સાથે નદી ના ધબકારાઓ સમકાલીન નથી થઇ રહ્યા.."

"તો એલા ડોક્ટરને દેખાડ, જોજે હવે તો ઉગતા માટીને - જેને હજી મુંછનો દોરો ફૂટતો હોય એવાને ય- હ્ર્દયના હુમલા થાય છે હો.. હુમલા થી યાદ આવ્યું એલા, આ ન-પાકિસ્તાનનો ભૂતપૂર્વ આર્મી ચીફ જાડી કમર ને ખાલી નામનો બાજવા, (બાકી હરામ ક્યાંય બાજવા ગયો હોય તો) ઈ કમર બાજવા હમણાં પાછો ચર્ચા માં આવી ગયો એલા.. આણે એને ન્યાંના એક મીડિયા વાળાને એમ કીધું'તું કે પાકિસ્તાન પાસે એની ટેન્ક માં ભરવા હાટુ ડીઝલેય નથી, લ્યો ને આમને કાશ્મીર જોતું છે, પાકિસ્તાનની ખાલી પંદરસો જેટલી ટેન્ક જ બાધવા ટાણે કામ આવે એમ છે..! ને ઓમેય એલા એમની ટેન્કે તો અબ્દુલ હમીદ ના ઘા ચાખ્યા છે અસલ ઉત્તર ટાણે.. પણ કેવું કેવાય નહીં, ભૂતપૂર્વ આર્મી ચીફ જો આવી જાંઘુ ઉઘાડે તો આમને તો ક્યાંય આબરૂ ધૂળ-ધાણી કરાવવા નો જાવું પડે, અંદરો-અંદર જ આબરૂના કાંકરા કરી લ્યે છે.. અટાણે પાછું ઓમેય ફફડે છે, ઓલ્યો જમ્મુ-કાશ્મીરના પૂંછમાં વાંહે ઘા કરી ગ્યાને, ને મોદી સરકાર તો ઘા સામો ઘસરકો ચોક્કસ તાણે જ છે, તે ઈને મનમાં એમ છે, કે પેલા એક વાર ઉરી ટાણે જમીન માર્ગે આયવા'તા, પછી પુલવામાં ટાણે ઉડીને વાડ ઠેકી ગ્યા'તાં, તે હવે ખબર નહીં દરિયાઈ માર્ગે ક્યાંક ત્રાટકે નહીં..! ફુલ્લી એસી માંય બેઠાં બેઠાં શરીફ ને, મુનીર ને ઈ બધા નીતર્યે જતા હશે.."

"અરે રેબઝેબ તો હું થઇ રહ્યો છું કે જલ્દી થી આ અવકાશ નો અંત આવે અને ફરી હું અને મારાં પ્રિયતમા એક-મેક માં ખોવાઈ જઈએ.. મેં મારું સર્વસ્વ એને સોંપ્યું છે, મારા હ્ર્દય માં બાંધેલ વિશાલ મહેલમાં તેનું એકછત્ર સામ્રાજ્યનો એકમાત્ર હું જ ઉપભોક્તા છું..."

"મહેલ? એલા, ઝુંપડી હશે, ઝુંપડી..! મહેલ તો બનાવ્યો કેજુકાકાએ.. આપણા ડાઘીયાના બેકરીવાલે..! પિસ્તાળીશ કરોડને પાણીની જેમ વાપર્યા છે..! સેલી વાત છે કાંઈ, મારે ખાલી બારની વંડીયે ચાર-પાંચ ફૂટમાં ટાઇલસુ ચોડવી છે તોય વેંત ટૂંકી પડે છે, તો વિચાર તો કર્ય, પિસ્તાળીશ કરોડ કેને કેવાય..! એલા ટાઈમ્સ નાઉમાં કેતા'તા, સવા કરોડ તો ખાલી રસોડાં ના સમાન માં વાપર્યો છે, ઈતો ઠીક છે પણ સાડા આઠ લાખની તો સંડાસની સીટુ બેહાયડી છે..! બોવ કરી હો બેકરીવાલે..!"

ત્યાં તો પીપળની વાંહે, હું હું કરતુંક ડાઘીયું ઘૂરકયું.. "હૂંહ માણહજાત..! કીધી એટલે થઇ રહી જો.. આમ તો બેકરીવાલ મીડિયા હામું સાડી-ત્રણસો વાળો બુશર્ટ પેરે છે, ને મળત્યાગના મામલે સીધા સાડા-આઠ લાખ...! મારા બિસ્કિટ ના રૂપિયા આયાં જ વાયપરા લાગે કાં? ઓલું વચ્ચે સાંભળ્યું'તું દિલ્લી વાળાની મફતની લાઈટુ બંધ કરી, ઈ રૂપિયો ય આંયાં જ ધરબ્યો હશે કાં?"

"થાય ડાઘીયા થાય.. સંસાર છે હાલ્યા રાખે, તું હતું ક્યાં ઈતો કે..?" મેં પૂછ્યું 

"આયાં પીપલ હેઠે કાનમાં રૂના પૂમડાં નાખીને સૂતું'તું, પણ બેકરીવાલનું નામ રૂના પૂમડાં ભેદીને મસ્તિષ્ક જાગૃત કરી ગયું..!" ગજા જેવો ડાઘીયે હથોડો ઘા કીધો.

"ગજા ભેળું ઓછું રે એલા, આ શું મસ્તિષ્ક ની જાગૃતિ..?" મેં કીધું.

"તમે શું જાણો હ્ર્દયના તંતુઓને, ઢેફાંથી ખરબચડાયેલા હાથ, કોમળતાને શું જાણે, ચાહે શબ્દોની કોમળતા હોય કે પ્રિયાના ગાલની..!"

હવે આના ઘા બહુ થયા ને ચા-ટાણું થિયું'તું તે આપણે તો લમણું વાળ્યાં વિના જ ગામ ભણી દોટ દીધી..!

Post a Comment

0Comments
Post a Comment (0)