** ડમીકાંડ-તોડકાંડ **
તો એલા, લખવાની જરીકેય ઈચ્છા નહોતી, તોય થયું કે નવરો નખ્ખોદ વાળે તો આપણે શું કામ નો વાળીએ? કોઈની માલીકીના પ્લોટ થોડા વાળવાના છે? ખાલી આ કોમ્યુટરની સ્ક્રિન ઉપર કાળા અક્ષરોમાં આપણી વાતનું વતેસર વળવાનું છે.. સાવેણો લઉં? વાળવા હાટુ? ના એલા, યુવરાજસિંહે સાવેણો લીધો છે તે, આમ આદમીનો..!
સૌથી પેલા એક ચોખા કરી દઉં, જો એલા, હું મને મન પડે એમ લખું છું, તમેય મન પડે એમ વાંચી શકો છો, પણ વાંચીને વિસરી જવું, ક્યાંય મારું નામ નો લેવું કે આ આમ કેતો'તો..!
તો મેં, ચાલુ નોકરીએ બારમું પાસ કર્યું, બારમું ધોરણ હો, ઉચ્ચતર માધ્યમિક. પછી, મને પરિવાર, મિત્ર-વર્તુળે સલાહ-સૂચનો કર્યા, પ્રાઇવેટમાં કાંઈ નથી રાખ્યું, નોકરી કરવી હોય તો સરકારી, જલસો જ જલસો ભાઈ..! કામે જાવ નો જાવ, કોઈ કઈ પૂછતું નથી. આ વાત છે, 2013-14 ની આસપાસ હો..! મોદી લહેર શિખરોના શિખર સર કરી રહી હતી, જ્યાં ને ત્યાં વાત થતી કે મોદી-મોદી-અબકી બાર મોદી સરકાર..! ને મેં ફોર્મ ભર્યું તલાટી નું..! મારી યાદ-શક્તિ માં છેને છીંડા પડ્યા છે, તે અમુક વાર અમુક-અમુક ભુલાઈ જાય છે, એટલે જાજુ તાણવું નહીં હો..! તે હા, વાત એમ કરતો'તો કે, ઈ બારમું પાસ કર્યા પછી, સરકારી નોકરી માટે મારું પ્રથમ આવેદન હતું..! ઇય તલાટી-મંત્રી ના પદ માટે.. શેરીના ચાર જણાએ મને ઓળખતા નહીં ને મેં ફોર્મ ભર્યું સીધા મંત્રી પદ માટે.. (મજાક એલા, મજાક..સોરી હો) તે એલા ટપાલખાતામાં જઈને પુરા એકસો બાર રૂપિયા ભરીને રસીદ લીધી, ને પરીક્ષાનું સ્થળ નસીબજોગે મારા જ શહેરમાં મને મળ્યું.. ને રવિવાર નો દિ, પ્રાઇવેટ નોકરીમાં તો રવિવારે બપોર સુધી નોકરી હોય પણ પરીક્ષાને કારણે મેં રજા મૂકી. સવારે ટીકડી-ટોપ થઈને હું તો પરીક્ષા દેવા પહોંચ્યો, પેલો-વેલો અનુભવ હતો, જાજી કાંઈ ગતાગમ પડતી નહીં.. ને ભાઈ જેમ-તેમ કરીને પરીક્ષા દીધી, આશા તો હતી, કે પાસ થઇ જ જઈશ.. ને થયું શું? તલાટી-મંત્રીની પરીક્ષામાં કૌભાંડ જાહેર થયું અને.. મેં બીજી વાર દીધી, ઈ વખતે તો મનેય પાસ થવાની ગણતરી નહોતી, પછી ત્રીજી વખત દીધી.. પોલીસ ની દીધી, પછી ધીમે-ધીમે.. નીરસતા ને કંટાળો આવવા મંડ્યો. ને બીજી બાજુ પ્રાઇવેટ નોકરીમાં કદ વધવા માંડ્યું કંઈક તો એને લીધે ય સરકારી નોકરી પ્રત્યે ના પ્રયાસોમાં ઓટ આવવા લાગી..! પણ મેં લગભગ 5 કે 6 વખત પરીક્ષાઓ આપી એમાં જ 3 કે 4 રદ થઇ હતી, કૌભાંડ મામલે એટલું મને યાદ છે.
હવે આ, યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા થયા છે, સારી વાત છે, સરકારી ભરતી માં થતી ગેરરીતિઓ ઉજાગર કરીને તેમને પોતાનું આ પદ મેળવ્યું છે, પણ હમણાં ગઈ ચૂંટણીમાં એમણે રાજનીતિમાં ઉતરીને આમ-આદમી-પાર્ટી માં જોડાઈને રાજસત્તા હાંસલ કરવાના પ્રયત્નો આદર્યા, ઈ મને મારા અંગત વિચારોથી નથી ગમતું. ઓલ્યો ફિલ્મ નો ડાયલોગ છે ને કે, "કીચડ કો સાફ કરને કે લિયે ઉસ કીચડ઼મેં ઉત્તરના હી પડતા હૈ." એવું હકીકતે જરૂરી નથી, તમે ઓલા શહેરી ઉભા ઉભા થતા પોતા આવેને એનાથીય કીચડ સાફ કરી શકો છો.! એક સમાન્તર દુરી રાખીને પણ સામાજિક સુધારણાઓ કરી શકો છો. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ કાર્યસિદ્ધિ ઓ થતી હોય છે. અને રાજકારણના દાવપેચ એવા હોય છે કે એમાંથી છટકબારી શોધીને આબાદ નીકળી જવું ફરજીયાત છે. મને લાગે છે ત્યાં સુધી આ યુવરાજસિંહને છટકબારી મળી નહીં.
મૂળ મુદ્દો છે "ડમીકાંડ".. હવે વાત એમ છે, કે ફલાણી ફલાણી ભરતી માં જે-તે ઉમેદવારની જગ્યા એ કોઈ બીજાએ જ પરીક્ષાઓ આપી, ચાહે ફિઝીકલી એક્ઝામ હોય, કે પ્રીલિમ્નરી.. હવે ધારો કે મેં ફોર્મ ભર્યું હોય, ને મારે પરીક્ષા ન આપવી હોય તો મારા સ્થાને કોઈ બીજો જ માણસ મારી આઈ.ડી. ની ડુપ્લીકેટ કરીને પરીક્ષા આપીને મને પાસ કરાવે. એના બદલામાં જે-તે રકમ મારે તે વ્યક્તિને આપી દેવાની જેણે મારા સ્થાને પરીક્ષા આપી હતી. હવે મારા બદલે જેણે પરીક્ષા આપી એ ડમી ઉમેદવાર કહેવાય. લ્યો બોલો, કેવા કેવા ધતિંગ હાલે છે..! મેં તો સપનેય નહોતું ધાર્યું કે આવુંય થાય છે. ડમીકાંડ શું છે એ ખબર પડીને એલા.. તો હવે જાણો તોડકાંડ..
યુવરાજસિંહે આ ડમીકાંડ નો પર્દાફાશ કર્યો, થોડાક મીડિયાવાળાઓને બોલાવીને પ્રેસ-કોન્ફ્રેંસ કરીને યુવરાજસિંહે તો ભડાકો કરી દીધો.. ને પછી તો રાજકારણ જામ્યું, કેમ કે યુવરાજસિંહે તો આમ આદમીની ટોપીને સાવેણો ધારણ કરેલ હતો. એટલે આ પર્દાફાશ-કમ-સત્તાપક્ષ પર સીધો આઘાત જાહેર થયો. પોલીસે તો ભાઈ તરત જ શોધખોળ શરૂ કરી.. ને પહોંચી.. "યુવરાજસિંહના... સાળાના... મિત્રને... ત્યાં.." આડત્રીસ લાખ રોકડા હાર્ડકેશ જપ્ત કર્યા.. ને ડમીકાંડ હવે જાહેર થયો તોડકાંડ.
ને સત્તાપક્ષ હમણાંથી સત્તા દ્વારા હાંસલ શકિતિઓનો પ્રહાર ઘણો કરે છે, સીધી ED અને CBI ની પધરામણી થાય છે, કેમ કે ગમે એમ તોય યુવરાજસિંહ તો વિરોધપક્ષ માં છે ને.. જ્યાં સુધી કોઈ પક્ષ વિના વિરોધ કરો ત્યાં સુધી મુદ્દો બહુ ગરમાતો નથી, હાર્દિક પટેલ યાદ છે..ને.. જો કે એનો તો ઉદ્દેશ્ય જુદો હતો, પણ છેવટે એણે રાજનીતિમાં જંપલાવ્યું જ હતું ને.! બસ એવું જ આ યુવરાજસિંહે કર્યું, સરકારી ભરતીઓમ થતી ધાંધલીઓ ઉજાગર કરીને પોતાનું રાજનૈતિક કદ વધાર્યું અને છેલ્લે આમ-આદમીનો સાવરણો હાથમાં લીધો. એટલે સીધી રાજનૈતિક પાર્ટીઓનો સંઘર્ષ પણ કહી શકાય. એટલે થયું શું, જે સમાચારો જાણ્યા એ પ્રમાણે, પોલીસે યુવરાજસિંહ ના સાળાના મિત્રને ત્યાંથી આડત્રીસ લાખ જેવા રોકડા કબ્જે કર્યા, ચાલો લિંક પણ મેળવી લીધી કે યુવરાજસિંહના સાળાનો મિત્ર છે.. કેમ બાકી, આપણી પોલીસની ઝડપ..!! હવે આરોપ એમ છે કે યુવરાજસિંહે આ ડમીકાંડ નો મામલો જાહેર કર્યો ત્યારે અમુક લોકો પાસે થી તોડપાણી પેઠે અમુક રકમ લઈને તેમના નામો છુપાવ્યા છે. અને એ રકમ એટલે આ જપ્ત થયેલ આડત્રીસ લાખ. આ બધી માહિતીઓ સમાચારો અને અમુક સામાજિક વૉટ્સએપ ગૃપોના માધ્યમથી મેં વાંચી ઈજ લખી છે, બાકી હું મનમોજી છું એટલે મારી લાંબી ગણતરીઓ લખવાનું ટાળું છું. બાકી સીધી દ્રષ્ટિએ જોતા યુવરાજસિંહ વિશે એમ પણ કહી શકાય કે, ચૌબેજી ચલે થે છબ્બેજી બન્ને ઔર દુબેજી બનકે રેહ ગયે. ભાઈ શ્રી યુવરાજસિંહ, આ રાજકારણ છે, આમાં સગા બાપને ય સો ચારણે ચાળવો પડે, કોણ શું બોલે છે, કોના શું ઈશારા છે, ને કોનામાં કેટલી તેવડ છે, બધું માપવું પડે. હવે તમે ગયા તા કાંડનો ખુલાસો કરવા ને તમે જ કાંડ માં સલવાય ગયા..! સાપ જો પોતાનું પૂંછડું ગળે તો આવો તાલ થાય.
ને સત્તા-પક્ષ વાળાઓ તમને વણ-માગી સલાહ આપું છું, કોઈ તમારો વિરોધ કરે છે તો કમસેકમ થોડીક નીતિમત્તા જાળવો. યુદ્ધના નિયમો નો આદર કરવો જરૂરી છે. રામાયણનું યુદ્ધ માન્ય રાખો, મહાભારત નું નહીં..! રામાયણમાં રાવણના મૃત્યુ સમયે લખમણ નીતિ શીખવા રાવણ પાસે ગ્યા'તાં, નકર રાવણ હતો તો એમનો દુશ્મન જ ને..!