અંધકારની દિશામાં..
આ દુનિયામાં લગભગ બે જ રસ્તા છે.. કાં સાચું - કાં ખોટું, કાં દિવસ - કાં રાત, કાં ઉજાશ - કાં અંધકાર..! એમાંય એમ કહી શકાય છે અંધકાર તો પરમ સત્ય છે. કારણકે જ્યાં કાઈ નથી ત્યાં અંધકાર તો છે જ. પ્રકાશ સીમિત છે, પ્રકાશની એક સીમારેખા છે, એ સીમા પાર કરો એટલે અંધકાર.. અસીમ અંધકાર.. ઉજાશનું આયુષ્ય છે, પણ અંધકાર તો હંમેશા થી અનંત છે. ઓલી કહેવત નથી, દિવા હેઠે અંધારું.. એમ ઠેર ઠેર અંધારું ઊગ્યું છે..!
સાંભળ્યું ઓલ્યા અતિક અહેમદને ઠાર માર્યો, પછી અમુક સળંગ-ડાહ્યાઓએ એને શહિદનો દરજ્જો દીધો..! પશ્ચિમ બંગાળમાં તો એની મીણબત્તી-યાત્રા (Candle March) કાઢી..! સાલું આ સત્તા-લાલચીઓ ને કોઈ એમ કહેને કે કૂલે ડામ લેવાથી વેલી સત્તા મળે તો આ લોકો પંદર-પંદર દી ખડે પગે રહે એમ છે. એમાંય એક તો અક્કલનો ઓથમીર અતિકની કબર ઉપર તિરંગો ઓઢાડી આવ્યો.. એલા અક્કલના અભણ, તારો પોતાનો નહિ તો કઈ નહિ પણ તિરંગાનો તો મલાજો રાખ.. પણ ખરેખર અમુક નોટુ તો આપણે અહીંયા જ જોવા મળે..! ઓલ્યા મલિક સાહેબ, સત્યપાલ મલિક, કોન્ટ્રોવર્સી વાળા..! ઇ કે મિલિટરી કોનવોય રોડ ઉપર નો હાલે.. હવે આણે રોડ ઉપર જાતી કોઈ મિલિટરીની ગાડીયું જોઈ નથ લાગતી, મેં જોઈ છે એલા, તોપ સોત રોડ માથે હાયલી જાતી હોય. એટલે મલિક સાહેબ પોતાના રાજનૈતિક પદ માટે અંધકારની દિશામાં હાંકી જવા માંગે છે..!
એલા, ઓલા અમૃતપાલે તો સરેન્ડર કરી દીધું..! મોગા ગુરુદ્વારા માંથી આત્મસમર્પણ કર્યું. ને તરત જ આપે (આમ આદમી પાર્ટી)એ જશનો બાટલો ગટગટાવી લીધો. ને ઓલા ખાલીસ્તાની અમૃતિયાને દિબ્રુગઢની જેલભેગો કરવામાં આવ્યો. સાંભળ્યું છે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસવા શર્મા ને ખાલીસ્તાનીઓએ ધમકીયું દિધીયું છે, પણ ઓલોય અઘરી માયા છે, એના મુસ્લિમ બહુલ ઈલાકા માં જઈને ચોખે-ચોખ મોઢા-મોઢ ચોપડાવતો હોય તો ખાલીસ્તાનીયાવ તો હજારો કી. મી. દૂર પડ્યા છે. ઠીક છે હું તો કહું છું કે, અસમના સી.એમ. ને કે, "એલા, જેલમાં અમૃતિયાને સવાર સાંજ બબ્બે ધોકા મારવાનો એક રિવાજ કાઢોને... એક ઝીંકવાનો વાંહામાં, ને ભેગું બોલવાનું, "આ લે ખાલીસ્તાન", ને બીજો દેવાનો ઢીંઢે, ને બોલવાનું, "આ લે પાકિસ્તાનનું પંજાબ નો માગ્યું એટલે.." ને આ પ્રોસેસ ડેઇલી સવાર-સાંજ દિવસમાં બે વાર જરૂર કરવાની..! અને આ પ્રોસેસ ત્યાં સુધી ચાલુ રાખવાની જ્યાં સુધી અમૃતપાલને અંધકારની દિશામાં કોઠાસૂઝ નો પડે..!
પૂંછ માં આતંકી હુમલો થયો, રાષ્ટ્રીય રાઇફલ્સના પાંચ જવાન વીરગતિને વર્યા. રાષ્ટ્રીય રાઈફલ્સ ઘણી અઘરી છે હો.! ઘરમાંથી ગોતી ગોતીને મારશે, એમ કહેવાય છે "હેડ હંટિન્ગ" શરુ કર્યું છે, કે'વાનો અર્થ કે હેલીકૉપ્ટર સાથે જમીની શોધખોળ શરુ છે, ઘેરીને મારશે. પણ આપણે ત્યાં આવું થઇ જ કેમ શકે, હા, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઘણો મોટો દેશ છે, અને આવડી મોટી ઈકોનોમી છે, તો સંરક્ષણ વિભાગનું બજેટ વધારો. પાકિસ્તાનનો ઓલ્યો ભીલાવલ ઝુટ્ટો બરદારી આવવાનો છે. ઈ આવે ઈ પેલા જ આ કાંડ થયો. એટલે હવે એનું આવવું મુશ્કિલ તો છે હો, આવશે તોય એને આ બાબતે જવાબ દેવો પડશે, કેમ કે પાકિસ્તાન બેઝડ આતંકીઓ આ હુમલાની જવાબદારી લે છે. વીજળી હાટુ રૂપિયા ના અભાવે અંધકારની દિશામાં ધકેલાતો આ દેશ બીજાને ન્યાંય અંધારું ફેલાવે છે..!
દુનિયા, દુનિયાની રીત્યું અજાયબ છે હો. અંધારાના ઉપાસકો ઉજાશને ઇચ્છતા નથી, અજવાળા વાળા અંધકારને ઓળખતા નથી. અજવાળા માં શક્તિ છે કે અંધકાર ને પરાસ્ત કરી શકે છે, પણ અજવાળું અનંત નથી.