Asur || Welcome to Your Dark Side
સૌથી પહેલા તો આ મુકેશભાઈ એ ફ્રી માં જોવા દીધું એટલે જીઓ સિનેમાનો દોથા ભર આભાર હો..!
મને ખબર નહિ ક્યારેક કેવી ચળ ઉપડે છે.. આવું કાંક ફિલમુની વાંહે પડું તો એકધારો ઇજ જો-જો કરું છું..! ઘણા દી ની વ્યસ્તતા પછી બે દી ની નવરાશ મળી.. ખાસ કામ હતું નહીં, ને ગૂગલદેવીએ રાહ ચીંધી.. નવરો જ છો તે કાંક ફિલમ-બીલમ જોઈ નાખ.. હવે આપણે રહ્યા લોભી માણહ, તે ઓલ્યું નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઈમ ને ઓલ્યું ડિઝની હોટસ્ટાર નો આવી મોંઘવારીમાં ખિસ્સામાં છીંડું કરનાર ખર્ચો કોણ કરે એમ ધારીને ગૂગલી બાઈને જ પૂછ્યું કે કાંક મફતમાં દેખાડ.. તે ઈય નવરીધૂપ હયશે તે મને કે આવ બાઈ હરખા આપણે બેય સરખા.. ને કે જીઓ સિનેમા ડાઉનલોડ કરીને અસુર જોઈ નાખ...! અસુર ની સિઝન 1 તો જોયેલી હતી જ પણ ઘણો જાજો ટાઈમ થયો તો એને.. ને મારી સ્મરણશક્તિ તો સાંજનું સવારે યાદ કરવામાંય પરસેવો છૂટે એવી.. તે આપણે તો ભાઈ બેય સિઝન જોઈ નાખી..!!
આમ તો અમુક.. થોડા.. વખતથી આપણને બોલિવુડિયો રાહડો રાસ નથી આવતો.. પણ અસુર હાર્યે થોડીક ધર્મ-કરમની વાત્યું જોડાયેલી હતી, તે થયું કે હાલો જોઈ નાખવી, નવરો નખ્ખોદ વાળે તો આપણે અસુર કોર્ય વળવામાં શું વાંધો..! સિઝન 1 જોતા જ જૂની યાદો તાજી થવા માંડી.. ધનંજય રાજપુત, નિખિલ નાયર, નુસરત ને લોલાર્ક.. અને શુભ જોશી નો પોઇન્ટ ઓફ વ્યુ..(દ્રષ્ટિકોણ એલા.. આતો થોડુંક જોઈ જોઈને આવું બોલતા આવડ્યું..) તે પ્રથમ સીઝનમાં તો ઘોડદોડ હારા માંહ્યલી હતી, મથલ મુદ્દો એમ હતો, કે ચાર યુગો માં અંતિમ યુગ એટલે કલિ, કલિ નો પ્રભાવ કેટલો તીવ્ર હોય શકે / થઈ શકે / લોકો માંથી માનવતા મટી જાય, ને મનુષ્ય કેટલી હદ સુધી પોતાના અંગત સ્વાર્થ ને સાધવા પાપ-પુણ્યના લેખા-જોખા ને નીતિમત્તાનો નાશ કરીને સર્વ સીમાઓ લાંઘી શકે.. બસ આ જ આ આખી સીરીઝનો સાર લ્યો..!
વાત એમ હતી કે એક શાસ્ત્રનો જાણકાર જોશી પરિવાર, એમાં ઇ જોષીએ જોષ જોયા, પોતાને ઘરે એક શુભ નક્ષત્રમાં દેવતાઈ ગુણો વાળો પુત્ર જન્મે એવી ગણતરી કરી હતી, પણ સમય-સંજોગે અવધિ પૂર્વ જ એના ઘરે દીકરો જન્મ્યો, જન્મતાની સાથે એની માતા મૃત્યુ પામી, જોષી એ કાળગણના ને આધારે કુંડળી માંથી ભવિષ્ય ભાખ્યું કે એના ઘરે અસુર જન્મ્યો છે..! ને બસ.. એણે તો વાતે વાતે અસુર.. દાનવ.. દૈત્ય.. વગેરે સંબોધનો એને કહેવા લાગ્યો..! પરિણામ સ્વરૂપ એ બાળકની માનસિકતા બદલવા લાગી..! એણે એક શ્વાનનો ભોગ લઈને પોતાની આસુરી પ્રવૃત્તિઓની શરૂઆત કરી.. એના સગા બાપને ઝેર પાયું.. જેલ ભેગો થયો.. જેલભેગો કરનાર Cbi નો ધનંજય રાજપૂત.. પછી જેલમાંથી ભાગી છૂટ્યો.. ને બહાર આવીને પોતાની આસુરી માનસિકતાનો એણે ભરપૂર પ્રચાર-પ્રસાર કર્યો.. એના આસુરી માર્ગના તમામે વિધ્નોના પ્રાણ લઈને પોતાનો માર્ગ સિદ્ધ કર્યો..! પોતે કલિ હોવાનો દાવો કર્યો ને પાપની પ્રચુરતા વધારીને એણે કલ્કિ અવતારને અવતરિત કરવા પ્રયાસો આદર્યા.. ટૂંકમાં એલા બેય ભાગની સિરીઝ જોવોને વાર્તાકારે જે ઉથલપાથલ મચાવી છે.. જોરદાર પણ મારી વાત કરું તો મને સાતમો અને છેલ્લો આઠમો ભાગ તાણી ને લાંબો કર્યો હોય એવું લાગ્યું..! આપણે નયાં નથી કેતા ચોળીને ચીકણું કર્યું એમ.. વાર્તા ને છેલ્લે ધરાહર લંબાવી એમ મને લાગે છે.. બીજાની ખબર નહિ હો.. કોકને ભારી ગમે.. ને હા, છેલ્લે પાછો કલિ કાયા બદલે છે, શુભ જોશીને તો નરકે પુગાડ્યા પછી ધનંજય વૃંદા પાંહે જાય છે, ત્યારે ખબર પડે છે કે વૃંદા ય ઓલ્યા ભૂતડા ના ચિત્તર મંડી'તી દોરવા..! એટલે વળી આની ત્રીજી ઋતુ (સિઝન)ય આવશે ખરી..!
એક તો આ લોકો MYTHOLOGY શબ્દ બહુ વાપરે..! હવે Myth એટલે કલ્પના પણ થાય.. જો કે Myth શબ્દનો અર્થ કાઢીએ એટલે પૌરાણિક કથાઓ માટે વપરાતો શબ્દ છે, જેમાં પુરાતન દેવતાઓ, તથા વિરોની વાતો હોય. બીજો અર્થ ગૂગલદેવીએ સીધો સિમ્પલ દીધો, "મનઘડંત, કાલ્પનિક વિચાર અથવા વાર્તા.." હવે આ માયથોલોજી માં પાછા તમામે ઇશ્વરોનો ય સમાવેશ થાય છે.. એટલે એવો અર્થ પણ કાઢી શકીએ કે ઈશ્વર પણ કાલ્પનિક છે.. ટૂંકમાં માયથોલોજી શબ્દને આધારે નાસ્તિકતાવાદને પ્રત્સાહન અપાતું હોય છે એમ પણ કહું તો ના નહીં..! ભલે બહુ શબ્દના પૂંછડા તાણવામાં રસ નથી, પણ આ આખી સિરીઝમાં પૌરાણિક કથાઓ સાથે આજની સમાજ વ્યવસ્થાને સાંકળીને જે મિશ્રણ રજૂ કર્યું છે ઇ તો પ્રશંસા ને યોગ્ય તો છે જ..! વળી આ અદ્યતન ટેકનોલોજી.. જેમાં આપણે આ સ્લેટ જેવા મોબાઈલોમાં વિવિધ એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરીને કેમેરાથી માંડીને કોલ-લોગ્સ સુધીની પરવાનગી જાણી-જોઈને આપી દઈએ છીએ, વગર કોઈ શરત બાંહેધરીના.. ખરેખર ધન્ય તો આપણી બેફિકરાઈને દેવી જોઈએ હો..! સિરીઝમાં એક સીનમાં શુભ જોષી પ્રત્યેક મોબાઈલ ધારકના એની જાણ બહાર એના જ મોબાઈલ કેમેરા ઓપરેટ કરીને વિડીઓ વગેરે રેકોર્ડ કરી શકે છે..! અને ખરેખર આ વસ્તુ બનતી હોય તો કેટલું ભયજનક છે એની કલ્પના જ ઇનફ થઈ પડે..!
નિત-નવા આવિષ્કારો સમયની ગતિને સીમિત કરવાના સ્વપ્નો.. આ બધું એલા ભારી અઘરું છે.. સિરીઝમાં અમુક ઠેકાણે એક વાત મને બહુ ગમી.. કે સૃષ્ટિમાં રાત્રી-દિવસ, પાપ-પુણ્ય, દેવ-દાનવ, સત્ય-અસત્ય, આ બધું સંતુલિતતાથી જ સંચાલિત છે.. ત્રાજવાને તોલે છે.. એકાદ પલડું નમે તોય એના પ્રત્યાઘાતો ના પરિણામો ભયાવહ હોય શકે.
જાજુ સ્પષ્ટ થઈ ગયું નહિ..! આપણી રીતે કહું તો, એલા ઝાડવા ને જેટલું પાણી જરૂરી હોય એટલું જ અપાય, જાજુ આપો તોય ઝાડવું બળી જાય, ઓછું આપો તોય..! એટલે દરેક વસ્તુ / વાત / વિષય ની એક સીમિત માત્રા માં હોય ત્યાં સુધી એનો વિકાસ બેરોકટોક થઈ શકે.. બાકી તો જગતનિયંતા ના હાથમાં છે..! ઠાકર કરે ઇ ઠીક એમ..!
તો ટૂંકમાં એલા તમે હાવ નવરા હોય, ને બીજું કાંઈ મહત્વનું કામ નો હોય ને, ફિલમના / વાર્તાના રસિયા હોવ તો આ જરૂર જોજો..!
==================================================================
એલા, તમે નવું "રણશિંગુ" વાંચ્યું?
વાંચો વાંચો એલા.. ભારતીય સેનાની વાત્યું છે..!! "અહીં ક્લિક કરો.."