આશા કરું છું આપની..
શું કહું, આ રોજનીશીની છટકબારી નથી જડતી ક્યાંય. જો કે મારી સ્થિતિ જ એવી છે, કે પછી એમ પણ કહું કે વિકલ્પ વિનાનો હું એને આધીન છું તો પણ ખોટું નથી..! આપણે તો છેલ્લે એમ જ કહી શકીએ ને કે જેવી પ્રારબ્ધની ઈચ્છા..!
આ અરબી સાગરમાં ઉઠેલું તોફાન છે ને.. 'બીપરજોય'.. એવુંજ કાંક ચક્રવાત મારા મનસ માં ય ઉઠ્યું છે..! એક ના એક વિચારો.. બસ તારા જ વિચારો ઘુમરા મારે છે.. અને મારૂં મનડું.. એતો બસ એક ખૂણે આ ચક્રવાતનું રૌદ્ર રૂપ નિહાળતું બેસી રહ્યું છે.. ઇ ચક્રવાત મારા તમામે નિશ્ચિત મનબંધનોને ધ્વસ્ત કરે છે, ધમરોળે છે, ફંગોળે છે. હૃદયના ક્યાં ભાગ માં શેનું દબાણ થાય છે ખબર નહિ.. પણ વારેઘડીએ આ ચક્રવાત ઉઠે છે ને આખાય તંતુતંત્રનો વિનાશ કરી નાખે છે.. અંતે શેષ વધે છે તો એજ એક વિચાર.. તારો વિચાર. તારી સ્મૃતિઓનું એક વિશાળ વટવૃક્ષ અડીખમ ઉભું રહે છે, બાકી અન્ય તમામે હતાહત કરતી સ્મૃતિઓની વિસ્મૃતિકરણ કરીને જ આ ચક્રવાત શમે છે. સાચું કહું તો, તને રૂબરૂ હું ક્યાં મળ્યો છું, બસ તારા વિચારો મને મળે છે, અને તારા સ્વપ્નો નો હું દ્રષ્ટા બન્યો છું. હવે તો કદાચ જુના અમલના બંધાણી જેવો તાલ થયો છે મારે.. તારું નામ પડે ને મને તલબ જાગે છે..! તને તો ખબર જ છે મારી પ્રેમ વિશેની વિચારધારાઓ.. એટલે હું પ્રેમી નથી પણ છતાં કહું છું તારી પ્રેમ-ધારાનો પ્રશંસક તો સાચો..!
હા! હું માનું છું કે મારી પ્રેમની વ્યાખ્યામાં પ્રેમ એટલે આકર્ષણ, જરૂરિયાત અને જવાબદારી માત્ર.. જરૂરી નથી બધા આ માને. દરેકની પ્રેમની વ્યાખ્યા જુદી હોય છે. અને આ વિષય તો અબાધ્ય અને અનંત ચર્ચાઓ માગે તેવો છે, પણ છતાં હું આજ કહું છું, હું તારો પ્રેમી થયો છું, તારો ચાહક થયો છું, તારો આશક થયો છું, તારો માશુક થયો છું.. પણ હા.. મારી આ ભાવનામાં, આજ મારા જ કહેલા એ ત્રણમાંથી બે તત્વોનો અભાવ હોય એવું લાગે છે, આકર્ષણ તો છે..! એ વિશ્વપાલક વિષ્ણુએ જે મોહનીનો પ્રભાવ વિસ્તારીને અસુરોને અંધ કર્યા હતા, એવો જ અંધ હું પણ થયો છું..! ચાહે તું મદ માં અંધ કહે, ચાહે તું પ્રેમમાં, અરે તું તો મારી પરિભાષાને પણ કહી શકે..! એ હું તારા પર છોડું છું. બરબાદીની સીમાને પેલે પાર જવા હું તૈયાર છું, પણ તારી સાથે, તારી મતિની સાથે, તારી ગતિની સાથે.
અરે હા, મુદ્દાની વાત, તું કદાચ આ મારી ડાયરીનું પાનું વાંચશે તો પણ સમજી નહિ શકે કે આ સંબોધન મેં તને જ કર્યું છે..! ઓલું કે' છે ને કે "બાંધી મુઠ્ઠી લાખની".. એટલે હું નથી ચાહતો કે આ મુઠ્ઠી ખુલે.. હા તું વાંચશે, કદાચ તું આનો મર્મ જાણશે પણ.. તું શત પ્રતિશત નિર્ણય પર નહિ આવી શકે કે આ મેં તને જ કહ્યું છે. કહ્યું હતુંને, મારી પ્રેમની પરિભાષા જ કાંક એવી છે.. બસ આકર્ષણ.. જરૂરિયાત અને જવાબદારી..!
આશા તો છે જ ને, અને કેને ન હોય? તારા દર્શનની.. પણ હું, સદાથી ક્ષોભનો સેવક રહ્યો છું, નાની નાની વાતે મારી જીભ ઉપડતી અટકી પડે છે, હું કહી નથી શકતો તેથી જ તો કદાચ લખી શકું છું, મારા ભાવો, મારા વિચારોનો કુંભ મનના ચાકડે મઢું છું, અને મનનથી પ્રવાહિત થતા વહેણમાં તેને પ્રવાહિત કરું છું, અને અંતે આશા તો એજ હોય છે કે એ કુંભ એ પ્રવાહ સાથે ક્યાંકથી તારા મનનના મહાસાગરમાં ભળી જાય અને કોઈ મંથનમાંથી એ મારો વિષકુંભ નીકળે જેને તું આદિશિવે જેમ નીલકંઠ સ્વરૂપ ધારણ કર્યું તેમ તું પણ મારી કલ્પનાની કોઈ મોહની થઈને તે વિષનો તેજોવધ કરે.. હા, મારા દિશાહીન વિચારોનો વધ પણ આવશ્યક છે..! મારી કલ્પનાનો પણ.. કારણ, હું નિરર્થક ગંતવ્યહીન થઈને, દિશાહીન થઈને, બસ એકધારો પંથ પર આખડયે જાઉં છું.. એકલો નથી, મારી સાથે છે મારી આશા.. આપની આશા.. એટલે જ તો ગણગણું છું.. આશા કરું છું આપની.. અન્ય કોઈ ઇચ્છા નથી..!!