સર્વનાશ બાદ નવસર્જન..
૨૦/૦૬/૨૦૨૩, અષાઢી બીજ, ગાંધીધામ.
૨૦૨૩, ૧૫મી જૂને બપોરવેળાએ વા વેરી થાવા માંડ્યો'તો, નક્કી થઈ જ ગયું'તું કે બીપરજોય અથવા બીપોરજોય કચ્છના જખૌમાં ટકરાવાનું છે. ઇલેક્ટ્રિસિટી માં કાપ મુકાઈ ગયો હતો, ઈન્ટરનેટ માં આવ-જા થાતી'તી. શેરીમાં સુનકાર હતો, પણ મારા જેવી વાવાઝોડું ન જોયેલી અથવાતો અઠ્ઠાણુંમાં કંડલા વાળી તારાજી ને ખાલી ફોટો માં જોયેલી પરજામાં આ બીપોરજોય પ્રત્યે થોડીક કુતૂહલતા, થોડીક ઉત્સુકતા હતી..! વાવાઝોડું કેવું હોય, આવે ત્યારે શું થાય, ચાલુ હોય ત્યારે શું થાય, અને ગયા પછી શું થાય.. કોને ખબર? બાપુજી વાત કરતા કે ઇ કંડલામાં અઠ્ઠાણુંમાં કલાકો સુધી ખટારાની કેબીન માથેથી બોઘી પકડીને બેઠા રહ્યા'તા. કોઈ તણાય તો ઉપર બેઠેલા કાંઠલો ઝાલીને કે તરતા આવડતું ઇ જીવ હથેળીમાં લઈને ટ્રકની કેબીન માથે તાણી લાવતા, ત્યારે તો અટાણ જેવી ટેક્નોલોજીયુંય નહોતી કે નહોતા રેસ્ક્યુ..
ચૌદમી જૂને સાંજે એક આંચકો ય આવ્યો તે એની ફફડાટી જુદી ને, ૧૫મી જૂને સાંજે છએક વાગ્યે યુટ્યુબ લાઈવમાં સમાચાર સાંભળ્યા કે વાવાઝોડું લેન્ડફોલ થવાનું શરૂ થયું, જોકે જખૌ તો ૧૫૦-૧૮૦ કી.મી. થાય, પણ આ બીપોરજોયનો વ્યાસ જ એવડો મોટો હતો કે લગભગ ગુજરાત એણે આવરી લીધું હતું, કચ્છ તો ઠીક, પણ દ્વારકા, ને પોરબંદરમાંય વીંજાતો પવન કાંઈ જેમતેમ નહોતો. ધીમે ધીમે સોસાયટીની શેરીમાં પવનનું જોર વધવા માંડ્યું હતું. લાઈટ તો હતી નહિ, એટલે ગરમીય કે મારું કામ..! વરસાદ પણ શરૂ હતો, પણ લગભગ આઠ-નવ વાગ્યે સરખેથી શરૂ થયો. વરસાદ નું જોર વધવા લાગ્યું હતું, ભેળો પવન પણ. લાઈટ હતી નહિ, ને સાત-આઠ દી તો નહીં જ આવે એવી ખાતરીય હતી, એટલે ગરમીમાં બફાવા કરતા બારણું ખુલ્લું રાખીને હિરણ્યકશ્યપની જેમ ઉંબરે બેઠો. ઉત્સુકતા એટલી બધી હતી કે ભયના સ્થાનેય ઇ જ ચડી બેઠી, પવનની ગતિ અને સુસવાટા ચોખ્ખા સંભળાતા'તા. ઓલ્યું કહેવાય છે ને કે' વાવાઝોડું કાચા-પતરાંના મકાનો વાળા માટે મુસીબત છે, ને પાકા ધાબાના મકાનવાળાઓ માટે મજાક..! એટલે હું તો આખી રાત બારણું ખુલ્લું મૂકીને બેઠો તો, સામેનું ઝાડ હિંચકોલા ખાતું હતું, પવન ફૂંકાવાની તીવ્રતા અને અને એનો ઘૂઘવાટ - ઓહોહો એતો અનુભવાય, લખવું કેમ ? - એટલો ઘેરો હતો, જાણે ડુંગરની ટૂંક્યું સામસામી ભટકાતી નો હોય?
રાતના ત્રણેક વાગ્યા'તા, હું બસ સામેનું ઝાડવું તાકી જ રહ્યો હતો, ઇ ઝાડવાની કુમારાવસ્થા હશે કદાચ, આખી રાત એણે ગતિવંત ફૂંકાતા પવનો સામી ઝીંક ઝીલી હો. જાણે યુદ્ધ જામ્યું હતું, આ તરફ વાયુ અને વરુણ ભેળા મળી પ્રહારો કરતા હતા, સામે એકલું એ ઝાડવું, પણ અડીખમ..! ઘડીકમાં વાયુનો એક સપાટો આવે ને ઇ ઝાડવું જમીનને અડું-અડું થઈ રહે, વરસાદી ઝાપટા વડે વરુણે પણ એને નમાવવા કોઈ કસર છોડી નહોતી, પણ કહે છે ને, કે યુવાવસ્થાને કોઈ નાથી શક્યું નથી, ને નાથી શકશે નહિ, બસ એમ જ ઇ ઝાડવું આખી રાત યુદ્ધ કરતું રહ્યું, ને અસંખ્ય ઘાવો પડતા હોય એમ એના એકાદ બે પાંદડા વહેતા રુધિર સમાં ખરી પડતા. પછી મને ક્યારે ઝોલું આવી ગયું ખબર નહિ, પણ સાડા પાંચ-છને આળે-ગાળે આંખ ખુલી. પેલા વૃક્ષના ઓછા થયેલા પાંદડાઓ તેની બહાદુરી કહી બતાવતા હતા. ધીમે ધીમે શેરીમાં સળવળાટ શરૂ થતો સંભળાતો હતો, કારણ પવનની ગતિ થોડી ઓછી થઈ હતી. જાણે યુદ્ધ વિરામ ની ઘોષણા થઈ હોય, કે પછી વાયુ અને વરુણ થાક્યા હોય એમ નવેક વાગ્યે જન સર્વેને પોતાના પોતાની દૈનિક ક્રિયાઓ પતાવવા છૂટ આપી હોય એમ સવારના આઠેક વાગ્યા સુધીમાં તો ઘણી હદે શાંતિ છવાઈ ગઈ હતી.. પણ ખરો ખેલ તો ઇ પછી શરૂ થયો.
૧૬મી જૂન ૨૦૨૩, સવારના દસેક વાગ્યા હશે. કદાચ જખૌને તો ખૂંદીને વાવાઝોડું આગળ વધી ગ્યુ'તું, પણ સાંપ જાય ને લીસોટા રે એમ, અમારી શેરીમાં પાછો સુનકાર વ્યાપવા લાગ્યો. પવનની ગતિ રાત્રી કરતા પણ વધી.. ભેગો વરસાદ.. ખાંડાધારે ઝડીઓ વરસાવતો હતો. ઘડીકની વારમાં તો પાણીની ધારાઓ શેરીમાં એમ દોડવા લાગી જાણે ગીરની કંદરામાં ગાજતી હિરણ..! પવન એટલી ઝડપે ફૂંકાઈ રહ્યો હતો કે દરવાજો પણ પૂરો ખોલી શકતો નહોતો. ઈન્ટરનેટ કામ નહોતું કરતું, લાઈટ હતી નહિ.. બસ ખાલી ફૂંકાતો પવન જોઈ રહેવાનું..! પણ સાંજ સુધીમાં શાંતિનો પ્રસરાવ થઈ ચૂક્યો હતો. બિલકુલ શાંતિ..! સાંજે તો બધા ઘરોની બહાર નીકળ્યા, શેરીમાં પેલા અડીખમ ઝાડ ના પાંદડાઓ વેરાયેલા પડ્યા હતા. ખરાખરી તો હવે શરૂ થઈ હતી, વાવાઝોડું પસાર થઈ ચૂક્યું હતું. દૂધ માટેની દોડાદોડ..! રાશન વાળા ને ત્યાં પડાપડી થાતી'તી. વેફર્સ-ચિપ્સ, ને ચવાણાં તો એના ઘડીકમાં સાફ થઈ ગયા, દૂધ ના પેકેટ તો આવે ને જાય..! હા સાંભળ્યું હતું, ક્યાંક કાળાબજારી પણ થઈ હોવાનું સાંભળ્યું હતું. હવે લાઈટ ન હોવાથી બોરવેલ કામ નહોતા કરતા એટલે બીજી મોટી કઠણાઈ શરૂ થઈ પાણી..! ભૂકંપ પછી રાહત માટે જેવી પડાપડી થતી હતી, એવો જ કાંક નજારો પાણીવાળાઓને ત્યાં જામ્યો હતો. વિસ લિટરનું એક પાણીનું કેન સામાન્ય દિવસોમાં ૫ રૂપિયામાં ૨૦ લીટર ભરી આપતા એ જ લોકો ૨૦ લીટરના ૫૦ રૂપિયા પડાવવા લાગ્યા. ખબર છે લાઈટને તો હજુ આવતા ૩-૪ દિવસો લાગવા હતા.
પાણીની પડાપડી જોતા એમ લાગ્યું કે, ભવિષ્ય ઘણું અઘરું છે ભાઈ..! એક જણે બાઇક ઉપર ત્રીસ ફેરા માર્યા પાણીના કેન લઈને. દુકાનોમાંથી પેલી બીસ્લેરી ની ૫-૧૦-૨૦ વાળી તમામે બોટલો સાફ થઈ ગઈ.. એલા એક જણો તો પેપ્સી ને કોક પી ને તરસ છીપાવતો હતો..! કેવી વિચિત્રતા, શહેરોમાં પડોશી-પડોશીનો વે'વાર બહુ ટૂંકો હો.! ટ્રેક્ટરનું પાણી ભરેલું ટેન્કર લગભગ ૩૦૦-૩૫૦ રૂપિયાનું હોય છે એનો ભાવ ૫૦૦ પાર કરી ગ્યો'તો. માણસ જાત ખરેખર મૂર્ખ છે હો. કુદરતે આટ-આટલું પાણી વરસાવ્યું, એ બધુંય પાણી નાળા વાટે દરિયાને મળ્યું. મેં તો મારા ઘરે તમામે ઠામ-વાસણ પાણીના ભરી લીધા હતા. એલા એક જણ તો એવો મળ્યો, એણે મોબાઈલ ચાર્જ કરવા હાટુ હોટલમાં ૮૦૦ રૂપિયાનો રૂમ રાખ્યો..! મતલબ માણસ પાસે રૂપિયો હોય તો શું ન થઈ શકે. ઘણાઓએ મોટરસાઈકલમાં મોબાઈલ ચાર્જ કર્યા. અમૂકે પેટ્રોલ પંપ્સ પર ફોન ચાર્જ કર્યા. મેં પોતે બેંકમાં જઈને ફોન ચાર્જ કર્યો હતો. એટલી માણસાઈ તો ખરી કે ફોન ચારજિંગ વગેરેમાં કોઈ કે કાપા-કૂપ નહોતી કરી, હા એકાદ બે અપવાદ તો હોય જ જેમણે ફોન ચાર્જ કરવાના રૂપિયા લીધા એવા..! પણ એવા ને અવગણીયે તો આ સર્વનાશ બાદ માણસાઈ નો પરિચય તો થયો.. હા સારો નરસો બંને..! ઘણા સેવાભાવીઓ રસ્તા પર ઝૂંપડાવાસીઓને ભોજન તથા સંસાધનો પુરા પાડતા પણ નજરે ચડ્યા.
બાકી આકાશમાર્ગે હંમેશની જેમ આપણા રાજનેતાઓએ નિરીક્ષણ કર્યું.. ખબર નહિ ઉપર થી કેવુક નિરીક્ષણ/પરીક્ષણ થતું હશે? આતો ઓલી બીરબલ વાળી ખીચડી જેવું થાય કે ચુલેથી સાત હાથ ઊંચે ખીચડો રાંધ્યો. ઠીક હવે રાજનૈતિક ટીપ્પણીઓમાં ઉતરવા બેસીશ તો બીજું લખાશે નહિ.
ઘણા વૃક્ષો ધરાશાયી થયા, એકલા કચ્છમાં એંશી હજાર વીજ-થાંભલાઓ પડ્યા હતા એવું સાંભળ્યું હતું. ખરેખર GEB વાળાઓને દાદ દેવી પડે. એ લોકોએ સતત કામ કરીને 2 જ દિવસ માં રહેણાંક વિસ્તારો માં બને ત્યાં સુધી વીજળી પુરી પાડી આપી હતી. અને લાઈટ આવતા તો નગરજનોમાં જાણે જીવમાં જીવ આવ્યો. પેલા તો બધાએ મોટર શરૂ કરીયું, ધાબે પાણી ચડે તો કાંક નળકામાં આવે ને..! સત્તરમી જૂને કામે ગયો, રસ્તામાં કેટલાય ધરાશાયી થયેલા, કાં તો કાયમને માટે સુઈ ગયેલા વૃક્ષો જોયા, રાત આખી ને અડધો દિવસ સતત વાવાઝોડા સામે જજુમેલી ચકલીયુંના પલળેલા મૃત-દેહો પડ્યા હતા..! સાંજરી વેળા એ આખું વૃક્ષ એના કલબલાટથી ગાજી રહેતું ન્યા આજે સાવ સુનકાર હતો. અસંખ્ય ચકલીઓ.. અન્ય પક્ષીઓ.. પડેલા ઝાડવા, ડાળીઓ, થાંભલે થી તૂટેલા વાયરો, ક્યાંકથી ઉડીને આવેલા રઝળતા પતરાઓ, ક્યાંક કોઈ જૂની પડી ભાંગેલી ભીંતના અવશેષો.. તારાજી તો ઘણી હતી, પણ એનાથી વધુ તો બચાવ થયો હતો એમ કહું તો પણ ચાલશે. કચ્છવાસીઓ આમ તો અડીખમ પ્રજા છે, કુદરતી આફતોને ઝીલીને, પડીને, પાછી ત્વરિત ગતિએ ઉભી થતી પ્રજા છે..! વાવાઝોડું ગયા ને બીજે જ દિવસે કચ્છી-માડુઓ કામ-ધંધે નીકળી પડ્યા હતા, કચ્છને પાછું બેઠું કરવા. ઔદ્યોગિક વિસ્તારોમાં તો હજી લાઈટ આવી નથી. એટલે એક અંદાજ મુજબ ઉદ્યોગોને કરોડોનો ફટકો પડવાનો છે એ નક્કી જ. પણ ઉદ્યોગ સાહસ તો ગુજરાતીઓને વારસામાં મળેલું છે એટલે વાંધો નથી.
(અરે કાલ એક ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ, કોઈએ મજાક કરી હતી કે ગુજરાત અને મહારાષ્ટ્રવાળા ફફડે છે, ને રાજસ્થાનવાળાઓ પૂછે છે કે વાવાઝોડું ક્યારે આવશે.. એલા મજાક સુધી ઠીક છે, જો સાચકલું આવી ગયું ને તો તમારા કૂબા ગોત્યા નહિ જડે એટલે હરિ હરિ કરો..! એકે તો વળી એમ ઝીંકી કે રાજસ્થાનમાં તો અકબરે ગોઠણ ટેકવી દીધા'તા તો વાવાઝોડું શું કરી લેશ્યે, એલા વાત્યું કરો, નકર સાંજે બાટી ચુલે ચડ્યા જેવીયું નહિ રે..! *નોંધ, મજાક સામી મજાક હો.)
અસ્તુ, અને હા, અષાઢીબીજે કચ્છી અને હાલારી નવવર્ષની શુભકામનાઓ, અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હોય એમના આશિષ સર્વેને ફળે..!