રૂપ, રૂપિયોને પદ, આ ત્રણે પ્રેમની હદ..
આ પંક્તિ ઇન્સ્ટાની રીલ માં સાંભળી, ઇન્સ્ટાનું કામ કાજ તો કેવું છે, કે કોકની વાત કોક - કોક ના મોઢે કરે..! પણ, ઠીક, ક્યારેક મારા જેવાને, કાંક સારા-માહ્યલુંય મળી જાય ખરું. ખરેખર જેણે લખી, અદભુત લખી. ખોબામાં દરિયો ભરી દીધો લ્યોને..! પણ મારો ભાવાર્થ મૂળ રૂપ થી થોડો જુદો છે, રૂપ હોય ન્યાં પ્રેમ આવે, રૂપિયો હોય ન્યાં ય પ્રેમ આવે, ને પદ હોય ન્યાંય..! આ ત્રણે ન હોય તો તો ઉભા ઠોયા જેવા રખડો તોય કોઈ નો પૂછે. પણ આ ત્રણમાંથી એકાદ હોય તો તો પ્રેમ હાર્યે, પ્રેમ ચોપડાય આવે (મજાક એલા..) જો કે પ્રેમ આ ત્રણે ને ટપતો નથી, પ્રેમ કે પછી પ્રેમીને રૂપ, રૂપિયો, ને પદ ની લાલસા હોય હોય ને સાત વાર હોય. પદ હોય તો સત્તર પેઢી જુના સગા ય કંકોત્રીયુ લખે, રૂપિયા હોય તો તો શું નો થાય? ને રૂપ ની અમથીય દુનિયા પાગલ છે, રૂપ હાટુ તો ઇતિહાસમાં કેટલાય મહાયુદ્ધો મંડાયાંની વાત્યું છે..! સો શરતેય રૂપને પામવા પ્રેમ કે પ્રેમી મથ્યા જ છે ને..! બધા કાંઈ કૃષ્ણ થોડા છે કે કુબજામાં મોહે..??
એલા હા, બૉલીવુડ પાછું મેદાને પડ્યું છે..! "આદિપુરુષ.." .. આ નવી નવાઈ વાળી રામાયણ આદિપુરુષનું ટીઝર આવ્યું ત્યારે જ આપણે તો રીવ્યુ લખ્યું'તું કે કાંઈ હારા-વાટ્ય આપણને તો કળાણી નહોતી ભાઈ. પણ પછી ટ્રેલર આવ્યું ને આદિપુરુષનું "શ્રી રામ જય રામ" ગીત આવ્યું એટલે થોડીક આશા જાગી'તી કે કાંક કરામત કરશે, પણ હાવ આવી કરશ્યે એવું તો સપનેય નહોતું ધાર્યું. મનોજ શુક્લા ઉર્ફે મનોજ મુન્તશિર આમ તો બોલિવુડનો જૂનો ને જાણીતો લિરીસિસ્ટ (ગીતકાર) અને સ્ક્રિપ્ટ રાઇટર (પટકથા લેખક) છે, પણ હમણાં હમણાંથી એણે ઐતિહાસિક તથ્યો, અને રાષ્ટ્રવાદને ઊંચો લાવવાના જે કાર્યો કર્યા હતા, હું ય ઘડીક તો ચાહક બન્યો હતો.. કે વાહ, માણહ જાણકાર તો છે..! પણ આતો રાઈ ની બરણીમાંથી ચાની ભૂકી નીકળી..! સાવ આમ હોય, "તેલ તેરે બાપકા.. જલેગી ભી તેરે.." પછી હજી શું હતું ઓલ્યું "બુઆ કા બગીચા.." નહિ મતલબ એક સારો ગીતકાર સાવ આમ છપરીવેડા કરવા માંડે તયે અચરજ તો થાય ને..! એલા રામ ના લૂગડાં જોવો.. શું કેવું આ બૉલીવુડ વાળાઓ ને..!! સીધી વાત છે, ફિલ્મ બનાવો, પણ આમ નહિ, રામાનંદ સાગર જેવી, મર્યાદા..ઓલ્યા મર્યાદાપુરુષોત્તમ છે, ને તમે મર્યાદા જ નથી રાખી..!
એલા, એક આ ખાલીસ્તાનીયાવ ટપોટપ રામશરણ થઈ રહ્યા છે એવું સાંભળ્યું..! કોણ ઉથલાવે છે રામ જાણે, પણ ઇઝરાયલની મોસાદ જેવું કાંક કારનામું થઈ રહ્યું હોવાના અંદેશા આવે છે..! મોસાદ દેશના દુશ્મનનોને વીણી વીણીને સાફ કરે છે, એવું જ કાંક ખાલીસ્તાનીયાવ હાર્યે થાતું હોય એમ લાગે છે. હમણાં હમણાંમાં એમના બે મોટા માથા વાડય માંથી ચીભડું ઉતારે એમ ઉતારી લીધા..! આવું થવું ય જોઈએ, કેટલાય વર્ષોથી ભારતની ડિફેન્સીવ નીતિને લીધે ભારતને કાયર સમજનારાઓને થોડોક સ્વાદ મળે એ લાગનું જ છે. અરે હા, ટેસ્લા વાળો એલોન મસ્ક કે છે ઇ મોદીનો ફેન છે.. કેવું પડે એલા, સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના વડાનું ફેન થવું જ પડે ને, ધંધો કરવાનો છે..! ટેસ્લા વેચવાની છે, ને ભારતના ઘરાક જેવું તો કોઈ નો થાય..! હવે આપણી પ્રજા ગોળ ચોળી ચોળી ને લિયે, ઇ ટેસ્લા ની શું ગતિ કરશે મને તો ઇજ સમજાતું નથી..! એમાં ય ઓલ્યા જુગાડીયાવ ના હાથમાં આવી તો તો થઇ રહ્યું, ને એમાં ય ગુજરાત માં આયવી તો તો હાઉ કરો..! આપણા ખેડુઓ સ્પ્લેન્ડરીયા માં સાંધા કરીને ખેતી કરી લ્યે છે, ને થાંભલે લંગર નાખવાના તો ઉસ્તાદ છે, જો આ ટેસ્લા ગામડામાં આયવી તો તો એલા.. લીલા લેર હો..! લાઈટબીલ તો ઘણે આવતું નથી એમાં આ ચાર્જિંગ વાળી ગાડી એટલે સાવ મફતિયું..! પછી તો ગામડાનો માણહ એયને ગાડાની રાશ્ય ઢીલી મુકતો ને એની મેળે બળધુ ઘર સુધી વયા આવતા એમ ટેસ્લાની ડીકીમાં ઢોરનું નીરણ ભરીને ઓલ્યા ઉબડખાબડ મારગ માથે ટેસ્લા હાયલી જાતી હોય.. ઓહોહો તમે વિચાર તા કરો..!
હાલો તયે આજ આટલું ઘણું.. વાત્યુ તો ઘણીયું છે, પણ નિરાંત નથી.. ને નિરાંત વિના વાત્યું માંડવી એતો એલા ખરલમાં ઘૂંટીને, નિતારીને, અંજલિ ભરીને કહુંબો લ્યો ને પછી મીઠાશ હાટુ સાકર નો મળે.. એવો ઘાટ થાય..!