ગજા, એક દેશ માટે હિતકારી શું હોઈ શકે ઈ દેશના સંચાલકને એનું ગિનાન અવશ્ય હોવું જોઈએ. દેશનાં સર્વે હિતોનું સંવર્ધન અને સંરક્ષણ એનું પ્રથમ કર્તવ્ય છે. હમણાં ફ્રાન્સ ભડકે બળ્યું ઈ જોયું ને? એનું કારણ શું? ફ્રાંસે વણ-વિચાર્યે શરણાર્થીઓને પોતાના આશ્રયે લીધા. હા, શરણાર્થીઓને સ્વીકારવાથી વસ્તીમાં વધારો થાય, બજારનો વ્યાપ વધે, બજારના ઉત્પાદનોનો ઉપભોગ વધે, માંગ વધે, વ્યાપાર વધે, પ્રગતિ થાય.. પણ.. આ "પણ" બહુ ચિંતાજનક છે હો..! સામે ઈ વધેલી વસ્તી જો ગુણવત્તા-હીન હોય તો? આ યમન, સીરિયા, ઇરાક, જેવા દેશોમાં પહેલા તો અમેરિકનો અને યુરોપીયનોએ બોમ્બમારો કરીને ત્યાં વિનાશ વેર્યો.. પરિણામે ત્યાં મોટા મોટા આતંકવાદી સમૂહો નો ઉદય થયો. ઓલો ઓસામા.. એક જ આતંકવાદીને ને કારણે ઓબામા એ વીહ હજારથી વધુ બૉમ્બ મુસ્લિમ દેશો ઉપર ઠબકાર્યા..! અરે અમુક તો આખેઆખી પયણવા જાતી જાન ઉથલાવી નાખી..! નાના બાળકથી માંડીને ગઢા સુધીના સુવડાવી દીધા.. ને ઈ જ ઓબામા ને નોબેલ શાંતિનો પુરસ્કાર મળ્યો જેણે નકરી લાશયું બિછાવી'તી. આ યુરોપિયનો અને અમેરિકનોની માનસિકતા નહોતી પહેલા સારી નથી હજી સારી..! પેલા તો યુરોપીયનોએ મુસ્લિમ જગતમાં બોમ્બમારો કરીને ઈ લોકો ને વિસ્થાપિત કર્યા, પછી વિશાળ હ્ર્દય દેખાડીને પોતાને આશ્રયે લીધા..! અને હવે, ઠેક-ઠેકાણે યુરોપ ભડકે બળે છે. ટૂંકમાં ચૌબેજી ચલે થે છબ્બેજી બનને ઔર દુબેજી બનકે રહે ગયે..! પણ યુરોપનો ઇતિહાસ એવો છે, નિષ્ઠુર પ્રજા છે, આ તો બે વિશ્વયુદ્ધોનું શોણિત ચાખીને શાંતિ લીધી છે, પણ ઈ લોકોના હ્ર્દયમાં એમનો જૂનો એક નાઝીઓ જેવો સિદ્ધાંત તો જીવે જ છે..! EXTREME FAR RIGHT જેને કેવાય ને.. વાદિયા-વેડા મને એલા જાજા યાદ રહેતા નથી પણ સમજોને કે રાઈટવીંગ નો જે છેલ્લો છેડો છે ઈ યુરોપમાં પાછો સુતળી સળગાવે તો આશ્ચર્ય નહીં..! ઈ મામલે અમેરિકનો બુદ્ધિશાળી..! જોવોને કેટલાય ભડાકા કર્યા, પણ એકેય શરણાગત સ્વીકાર્યો નહીં. ને વળી અમેરિકન જેવડી આપ-મતલબી કોમ ક્યાંય મળે નહીં..! જેનામાં દિમાગ છે, કોઈ અનન્ય ક્ષેત્ર માં જો તમે હોશિયાર હોય તો અમેરિકનો તમને સામેથી પેકેજો ઑફર કરે, તમારા બુદ્ધિશાળી મગજને એને સખ્ત જરૂર છે, અને પહેલાથી જ એ લોકો એનું જતન કરતા આવ્યા છે, એટલે જ તો આટલા આગળ છે ને જગત-જમાદાર થઈને બેઠા છે..! ને યુરોપિયનો ફરીથી એક સુતેલ સાપની જાગવાની રાહ જોતા બેઠા છે, જે બધાંયને વિષ-પાન કરાવશે.
જો ને ગજા, આ આપણો પાડોશી મુલ્ક પાકિસ્તાન, ઓલ્યા ફ્રાંસે જયારે મુસ્લિમોના આરાધ્ય પ્રોફેટ મોહમ્મદનું કાર્ટૂન બનાવ્યું ત્યારે આ પાકલાવ ઠેકી-ઠેકીને વિરોધ કરતાં'તા. હમ એ કરેંગે.. ને હમ ઓ કરેંગે.. એલા ભીંડાના ડીંટીયા છોલો તમે પાકલાવ..! જે ફ્રાન્સનો આટઆટલો વિરોધ ને જાની-દુશમન જેવા ઘડા-લાડવા વાળ્યાં, ઈજ ફ્રાન્સ પાંહે શાહબાઝ શરીફ ઇમરાન વાળો કટોરો લઈને ગયાં'તા. તયે તો બચાડો મેક્રોનેય કેતો હશે.. : "મેરી જિન્દગી સે જાને કે ક્યાં લોગે તુમ...?"
ગજા.. આ બધું તો ઠીક છે પણ સાંભળ્યું અમેરિકામાં ભારતનું કોન્સ્યુલેટ ખાલીસ્થાનીયાવે સળગાવ્યું..! નહીં, મને એમ થાય છે, કે ન્યાં CCTV ને એવું બધું નહીં હોતું હોય? ઈ હાળા આયના સારા માંહ્યલા સરદારોનુંય નામ ડુબાડે છે..! ઈ ઢગા ગુરુદ્વારામાં ય બંધૂકડીના ભડાકા કરતા હોય એટલે વાત જ પુરી કેવાય ને..! ને આ ભારત સરકાર કરે શું છે? વિદેશની ધરતીમાં ઈ ભારતનું પ્રતીક છે. હમણાં થોડાક દી પેલાય ઇન્દિરા ગાંધીનું ખૂન કર્યું હતું ઈ ટેબ્લો સાથે સરઘસ કાઢ્યું હતું. આ મોદી સાહેબની દાઢી ધોળી થઇ ગઈ છે, કાં તો સત્તાનો કેફ ચડ્યો છે, કાં તો ભાન ભૂલી ગયા છે..! થોડાક ટાઈમ પેલા ખાલીસ્થાનીયાવને વીણી વીણી ને આપણી દેશી બાયું ધાનમાંથી ધનેરૂ કાઢીને ટોચી નાખે એમ સફાઈ-અભિયાન હાલ્યું'તું, પણ વળી પાછું શિથિલ થઇ ગયું છે..! આવા સફાઈ અભિયાનો તો સતત શરુ જ રહેવા જોઈએ. કોઈ આંખ શું દેખાડે ડોળો જ કાઢી લ્યો એનો. ને ઓલો કેનેડા વાળો ટ્રુડો (નામમાં ટ્રુ-સત્ય છે પણ પોતે જરીકેય નહીં.) ખાલીસ્થાની વોટ-બેન્કની પોલિટિક્સને પોષે છે, નકર શું ઈ આવા ટેબ્લો ને સરઘસોને રોકી નો શકે? ઠીક ભાઈ, આ તો કેવું છે કે આપણું ધ્યાન આપણે જ રાખવાનું એમ આપણાં જેટલા કોન્સ્યુલેટ્સ અને એમ્બેસીઓ છે વિદેશમાં ન્યાં આપણી જ આર્મી બેહાડો, જો ઈ દેશની સરકાર નો માને તો એમની પાંહે એ સ્થાન ની સુરક્ષાની લેખિત બાંહેધરી લ્યો.
ગજા... હમણાં આજકાલમાં યુરોપિયન યુનિયને રીતસર હુકમ ફરમાવતા ભારત સરકારને કીધું કે, "તમારે ન્યાં મણિપુર માં થતી હિંસા રોકો, લઘુમતીની સલામતી માં સુધારો-વધારો કરો..!" જો કે જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવી પછી યુરોપિયન યુનિયનના સદસ્યોને ન્યાં બોલાવીને આપણે જગત સામે જાહેર કર્યું હતું કે જમ્મુ કાશ્મીર માં સ્થિતિ સામાન્ય છે, બસ.. એજ આપણી ભૂલ.. આતો એમને ખંભે બેહાડ્યા એમાં તો ઈ હાળા કાનમાં પીપી કરવા મંડ્યા, એલા.. તમારું કરોને પેલા..! ફ્રાન્સ આટલું સળગ્યું.. નેધરલેન્ડમાં સરકાર ઉથલે છે, સ્વીડન વાળો મામલો.. પેલા ઘરનું ઠારતાં નથી ને બમ્બો લઈને બારે ધોડયા જાય છે. વળતા જવાબમાં જો કે ભારત સરકારે ઢીલ દીધી નથી. ભારત સરકારે કીધું, "પેલા તમારું કરો, અમારે ન્યાં તો પોલીસ, કાયદો અને વ્યવસ્થા એ તમામે આ મણિપુરનો મામલો બારીકાઇથી સંભાળે છે. ને તમે લોકો તમારી આ કોલોનીસ્ટ માનસિકતા મુકો તો સારું.." એમ કેવાય ને બેય હાથ ભેળા કરીને ઢીંકો માર્યો સીધો યુરોપિયન યુનિયનના મોઢા ઉપર..!
ગજા.. સાંભળે છો ને..! કુમાર વિશ્વાસે ઓલ્યા પાકિસ્તાનીને ન્હોતું કીધું, જયારે 2019માં ચંદ્રયાન 2 ફેઈલ થઇ ગયું તું, પછી કે "ઝંડે મેં ચાંદ, ઔર ચાંદ પે ઝંડેમેં ઔકાત કે અંતર હોતા હૈ.." ભારતે પાછી પોતાની સામર્થ્યવાન અને સમૃદ્ધ ઔકાતનું પ્રદર્શન કરતા આશરે છસો પંદર કરોડને ખર્ચે ચંદ્રયાન 3જુ અવકાશમાં ઉડાડ્યું છે. આશા તો અમર જ હોય કે એલા ભારતનો તિરંગો ચંદ્રમાંની ધરતી પર ખોડાઈ જાય.
ગજા... સુઈ ગયો કે શું એલા? ખેતી થી મોટો જુગાર કયો? કાંઈ ભરોહો ખરો? આટઆટલા જંતુનાશક થી માંડીને રાસાયણિક ખાતર ને અવનવા બિયારણો વાપરો ને જો એકાદ ભારે માંહ્યલી મે ની હેલી આવી ચડે તો?