બન્યું હૃદય હળવું..!! || Bharat or India, Kalki Avatar, Sarangpur Hanuman Ji ||

0
બન્યું હૃદય હળવું..
હા તો એલા, ભારત કે ઇન્ડિયાની ભારે-ભરખમ કોન્ટ્રોવર્સી બાદ માલુમ થયું કે, પાકિસ્તાન ને "ઇન્ડિયા" નામ ખપે(જોઈએ) છે. આ હાળા નોખા થયા તેદુના (તે દિવસથી) માંગ માંગ કરે છે..! પાછી સ્પષ્ટતા શું આપે છે કે, ઇંડસ (સિંધુ) નદી થઈ ઇન્ડિયા નામ ઓળખાય છે, ને ઇન્ડસ તો પાકિસ્તાનમાં વહે છે, એટલે પાકિસ્તાન ઇન્ડિયા તરીકે ઓળખવું જોઈએ.. એલા, લદાખથી માંડીને કાશ્મીર સુધીમાં બાંધ બાંધી દેહુ તો લોટેય અમારી કને (પાસે) માંગવા નીકળશો.. (ઈય મોટી પીડા) એટલે જયશંકર સાહેબે મત-મતાંતરો માથે મીંડું મુકતા કહી દીધું કે ઇન્ડિયા એટલે ભારત અને ભારત એટલે ઇન્ડિયા.. આ લપ અહીંયા જ પુરી કરો..! એટલે બન્યું હૃદય હળવું..!

વળી થયું કે લાવ, વર્ષો થયા, ફેસબુક નહોતું ખોલ્યું, તે જોઈએ શું હાલે છે..! ખોલતાવેંત એક જુના મિત્રની પોસ્ટ દેખાણી, "આ સાળંગપુર વાળા સ્વામી (બે ગાળેય હતી પણ ઇ મારે લખવી જરૂરી નથી..) નો નંબર, મેં ઘઘલાવી લીધો, જેને ઈચ્છા અધુરીયું હોય ઇ કરો પુરી.." તે થયું કે આ શું સળગ્યું? આખો મુદ્દો જાણ્યો, કે સાળંગપુર હડમાન(હનુમાન) ડાડાની પ્રતિમા હેઠે કાંક ભીંતચિત્રો ચોંટાળ્યા'તા.. કે હડમાન ડાડા નીલકંઠવર્ણી ને નમસ્કાર કરતા હોય એવા કાંક..! પછી તો સોશિયલ મીડિયા ને બધે ને ઓલો જૂનો ને જાણીતો "હું તો બોલીશ" વાળો ન્યુઝ એન્કર ધબધબાટી બોલાવતો'તો ને, એક ચિપિયામાં લાડવા જેવો ચાંદલો કરેલો કોક જણ ગાડી બેઠો બેઠો એલ-ફેલ જાકમ-ઝીંક કરતો'તો, ને બીજે દી માફીયું માંગતો'તો, ને ચારેકોર બસ સ્વામી આમ ને સ્વામી તેમ, ગીર ના બાવા આમ ને તેમ... સનાતન આમ ને તેમ.. ને એક સંપ્રદાય આમ ને તેમ.. ભારી હૃદય લઈને મનેય થયું કે ઓલા આદિ-કાળ ના હડમાન હડી કાઢીને જો આમાંના એકાદનેય ગદા લઈને ઘા ઝીંકી લેહે તો સાત પાતાળ હેઠોય ગોત્યો નહિ જડે.. પણ મોટા, તમે કીધું ને તે હૃદય બન્યું હળવું ને સાળંગપુર વાળાઓએ ભીંતચિત્રો હટાવી લીધા.. ને બધું ઠરી-ઠામ થયું હો..! (ક્યાંક તમે એમને જ નથી કીધુને કે હૃદય બન્યું હળવું..?)

એક ઓલો, રીટાયર સરકારી અધિકારી રમેશચંદ્ર ફેફર.. ચૌદ દિવસ માં બધાને હાર્ટ એટેક થી મારવી નખાવાનો છે, તે એલા ધ્યાન રાખજો, ઓઈલી ઓછું ખાજો જે હૃદયનું ખાસ ધ્યાન રાખજો, જો કે રાંધણ છઠ ના મારે ઘરે ય સિંગતેલનો એક ડબો તો ખાલી થયો છે, તે પંદર કિલો ના બત્રીસ્સો ના ભાવથી જ હૃદય ભારી હતું, એમાંય આ ઘરે-ઘરે સાતમ પાળે તે તળેલી પુરીયું ને એવું તેલવાળુ જ ખાવાનું હોય, ને કાળા-પાણા ના સમ, શારીરિક મહેનત તો આપણે કરતા ના હોઈએ, ને પાછા ઓલ્યા કલ્કી અવતાર ગણાવતા ફેફરે શ્રાપ્યા છે તે મોટા તમે માનશો નહિ હૃદય ભારી ભારી બહુ લાગે છે..! પણ મોટા, આ રમેશચંદ્ર ફેફર પોતાને કલ્કી નો અવતાર કે છે, હવે આ કલ્કિની કાયા જોતા લાગે છે કે આને ઘોડે ચડવા હાટુ એક મજબૂત ખુરશી ની જરૂર ચોક્કસ પડતી હશે..! વનપ્લસ નો તો ફોન વાપરે છે ઇ.. ઈય 256 gb વાળો.. કેવા કલ્કી છે? ચાઇના ને કમાઈને દે છે? વનપ્લસ ચીનકાવ ની જ છે ને? એલા હા, ઇશ્વર ને શેના સીમાડા? ઠીક, તો ફેફર સાહેબ ને કહી, આ પાકલા બોવ માંગ માંગ કરે છે તે એમના કાંક દેજો, ને પ્રભુ આ સીંગતેલનુંય કાંક કરજો.. સીધા બત્રીસ્સો ની અડે છે...! જો કે ફેફર ના બારણે બે જણા એ પાટા વાળી કરી તયે ફેફર સાહેબ ફિફા ખાંડવાં ગયા'તા..! મોટા, આયાં તમે ખોટા પડ્યા, આ મેટરમાં હૃદય હળવું થતું નથી, ઉલટાનું હૃદયના હુમલાનો ખતરો ઉભો થયો ઇ જુદો..! 

લ્યો આ તણ ફકરા તમને ઘણા...!! બાકી હૃદય હળવું ય નથી ને ભારે ય નથી..હતું એવડું જ છે..!

Post a Comment

0Comments
Post a Comment (0)