વાડીએ વિસામો અને અજંપો.. || Black, White and Grey, Lallantop - Saurabh Dwivedi and Kumar Vishwas..!!

0
વાડીએ ટાઢી રાત્ય નું સૂવું ઈય અનહદ આનંદ છે વાલા..! પ્રકૃતિનો પોતાનો સ્વર છે ઇ રાતે સાવ નોખો જ કળાતો હોય. પવન ભેળા શેઢે અડીખમ ઉભેલા ઝાડવા ના પાંદડાઓ આપસ માં અથડાય ને જે અવાજો ઉત્પન્ન થતા હોય, ઝીણા પણ તીક્ષ્ણ સ્વર માં તમરાં ત્રમ્મ.. ત્રમ્મ.. કરતા હોય, ક્યાંક દૂર શ્યાળયા (શિયાળ) નું ટોળું લાળી નાખતું હાલ્યું જાતું હશે, એમાંય આ તો શેત્રુંજીનો કાંઠો, ગીરના કેસરીને શેના સીમાડા? બે દી પેલા જ દાંડી પીટાણી'તી, "એ.... સાદ સાંભળઝો, રોંઢે શેત્રુંજીને કાંઠે સાવજ હતો, વાડીએ જાવું નહિ, ઢોર-ઢાંખર નું ધ્યાન રાખવું.. એ.. સાદ સાંભળજો..!" ને ધડિબાંગ રીઝાંગ.. ધડિબાંગ રીઝાંગ..! ઇ દ્રશ્ય ને ભંગ કરતો એક હૂંકાર સંભળાયો.. સામે વર્ષો થી ઉભેલી ટેકરી ની દિશામાંથી વા' ભેળી પોતાની હાજરીની અનુભૂતિ કરાવતી ઇ ગર્જના..! 

લગભગ બાર વાગ્યા'તા..! આમેય આંખ્યુંમાં નીંદર હતી નહિ. બસ વાડીએ પ્રકૃતિ નું સંગીત જાણે પોઢાવવા મથતું હતું, પણ મારી પાંપણો પડતી નહોતી. આમ તો અમુક વાતો લખાય નહિ, પણ ફિકર નહિ.. પલાળેલ કંતાનીયું વીંટેલ ઇ માટલામાં હાથ નાખ્યો, બિયર એકદમ ટાઢું-બોળ થયેલ હતું. આમ તો બિયર ને દારૂ માં ગણે કોણ છે, જવ નું પાણી કહેવાય એલા..! (બિન-જરૂરી સ્પષ્ટીકરણ..😀) બારી પાસે ઓલી ટેકરી જ્યાંથી સાવજ નો હું-કાર આવ્યો હતો, ઇ ભણી નજર માંડીને બે ઘૂંટડા ઉતાર્યા..! વિચારો ઉભરતા હતા, આ કુદરત, કુદરતના જીવો, એકમેક પર નભતા જીવો..! કાયમ વાડયમાં છીંડા કરતા ભૂંડળા કે પછી આખી વાડય ઠેકી જાનારા રોઝડાં આજ ઓલ્યા હૂંકાર વાંહે સ્તબ્ધ થયા હોય એવું લાગતું'તું.

શું કરું? બસ વાંચું છું, વિચારું છું, ને આ કાગળમાં ઉતારું છું..! વધુ બે ઘૂંટડા ભર્યા, એક ફોર્સકવેયર સળગાવી..! સિગરેટનું બંધાણ હતું તો નહીં, પણ હમણાંથી ઊપડ્યું છે..! એશ-ટ્રે પર મૂકી, ફરી એક ઘૂંટડો ભર્યો..! રાતનો આ કાળો-ડિબાંગ અંધકાર જોઈને એક વિચાર ઉપડ્યો.. દુનિયા બધું જોડી માં છે, બે જ છે, કાં તો આ કાં તો ઓલ્યું.. કાં તો રાત, કાં તો દિવસ, કાં તો સ્ત્રી કાં તો પુરુષ, કાં તો અંધારું કાં તો અજવાળું, કાં તો જય કાં તો પરાજય, કાં તો કાળું કાં તો ધોળું.. પણ માણસ જાત ને બુદ્ધિ આપીને ભગવાનેય હાથ ખંખેરી લીધા..! કાળું ય નહિ ને ધોળુંય નહિ, માણસે "ગ્રે" શોધ્યું..! ને આ ગ્રે વાળું સૌથી ખતરનાખ..! ઓલું નિશ્ચિત તો છે કે કાં તો કાળું ને કાં તો ધોળું, પણ આ "ગ્રે" વાળું કેનીપા ભળે કોને ખબર? મહાભારત વાળો બર્બરીક મારે કીધે આ "ગ્રે" વાળો ગણાય.. ભાયડો ત્રણ બાણ લઇને ઉતર્યો, ને પાછો કે છે, જે નબળો હોય એના પક્ષે રહું, હવે એનું એક બાણ સામા પક્ષનું અડધું બળ હરી લે, એક પાંડવો ના પક્ષે હોય તો એક બાણમાં કૌરવ અડધા સાફ, કૌરવ નબળા એટલે એને પક્ષે જઈને અડધા પાંડવ સાફ કરી નાખે..! એમ કરી કરીને વધે છેલ્લે ઇ એકલો... આતો દાદો કરશન બુદ્ધિશાળી તે માંડ સમજાવ્યો કે, ઇ ભાયું ભાયું ની લપમાં ભાઈ તું રેવા દે નકર કાગવાસ નાખનારું કોઈ નહિ રે...!!

ને સ્વગત જ હસતા હસતા નજર ગઈ, સિગરેટ બુઝાઈ ગઈ'તી, ફરી સળગાવી બે લાંબા કસ ખેંચ્યા ને એને પુનઃ એસ્ટ્રે માં સ્થાપિત કરી.. એટલામાં ઓલી ટેકરી માથે કદાચ ઓલ્યો સાવજેય મારી જેમ જાગતો બેઠો હશે ને પાછો હૂંકાર કર્યો.. દૂર કૂતરા રાડ્યું દેતાં'તા ઇ હંધાય ઘડીક તો થંભી ગયા..! ને ફરી બે ઘૂંટડા ઉતારતો ઇ બધી હરકતો ને આંખ્યુંમાં ઉતારતો બેસી રહ્યો હતો. પશુઓમાં જે પ્રવૃત્તિ નથી ઇ મનુષ્યમાં ફૂટી ફૂટીને ભરી છે,માણસ ને કાં તો ગળે મળતા આવડે, કાં તો ગળે પડતા..! કુમાર વિશ્વાસના નામથી કોણ અજાણ્યું હશે? સારા માંહ્યલો કવિ અને વક્તા વળી હાજર-જવાબી પણ છે..! એમની અતિ પ્રસિદ્ધ થયેલી પંક્તિઓ "કોઈ દીવાના કહેતા હૈ, કોઈ પાગલ સમજતા હૈ" નો હું પણ પ્રશંસક રહ્યો છું. રાજનીતિમાં ભવિષ્ય ધૂંધળું થતા જ રાજનેતાઓ પણ જેને ચરણે પડે એવા કથા-વાચકોની શ્રેણીમાં પોતાનું ભવિષ્ય શોધી રહ્યા છે આજ-કાલ..! "અપને અપને રામ" આજકાલ સારું હાલ્યું છે એમનું..! ઇ ભાઈ પકતાઈ પકતાઈ માં એક એવું વાક્ય બોલી ગયા જે મને ન મજા આવી, જો એલા, આ મારો સ્વ-મત છે, ને મારે કોઈ અન્યની સહમતી નો આશરો પણ ખપતો નથી, પણ મને જે લાગ્યું ઇ કહું છું, કુમાર વિશ્વાસનું કદાચ ઓલ્યા લેફ્ટ-લિબરલ "લલ્લનટોપ" યુટ્યુબ ચેનલ વાળા "સૌરભ દ્વિવેદી" નું "ગેસ્ટ ઇન ન્યૂઝરૂમ" વાળા ઇન્ટરવ્યૂમાં ભાઈ બોલી ગયા કે, "જો કદાચ મારે ગીતા અને સંવિધાન માંથી ચયન કરવું પડે તો સેકન્ડના સાઇઠમાં ભાગમાં હું સંવિધાન સ્વીકારીશ..!" એલા મોટા, તમને આવા ઉંબાડીયા લેવાનું કે ય કોણ છે..! એક તમારું તોલન જ ખોટું છે, ગીતા અને સંવિધાન ની તુલના કોઈ કરી જ કેમ શકે, બંને ના વિષય જુદા, વસ્તુ જુદી, માપદંડો જુદા.. આ તો એક ત્રાજવે હાથી મુકો, બીજે સિંહ..! બંને ની પ્રકૃતિ જુદી, બંને ની કદ-કાઠી જુદી, એક સામર્થ્યનું પ્રતીક છે, બીજું સાહસનું..! બાજરાના લોટની કાંઈ રોટલી નો થાય. પણ માણસની પ્રકૃતિ એવી છે કે પોતાના સ્વાર્થ સાધવા ક્યારેક આવી મૂર્ખામીઓ કરી જાય..! ભાઈ અન્ના ભેળા ઉતર્યા હતા, પણ બાજી લઈ ગ્યા કેજુકાકા.. હવે ઉંમરેય થઈ છે, હજી મારા જેવા લઘુતાગ્રંથિથી પીડિતોને આધેડો પ્રેમની પરિભાષા વર્ણવતા અજુગતા લાગે ઇ મુદ્દો કદાચ ઇ ભાઈ જાણી ગયા એટલે વાનપ્રશ્થાશ્રમ નો સ્વીકાર કરતા કથા-વાંચનની દિશામાં ઘોડદોડ કરે છે..!

ઉંહ.. એક તો અનિંદ્રા, વળી વિચારોનું આ જામેલ તુમુલ યુદ્ધ, ને વારે-ઘડી ઓલવાતી આ સિગરેટ.. બિયરનું કેન પૂર્ણપણે ગટગટાવી નાખ્યું, નવી સિગરેટ સળગાવી.. ઘડિયાળમાં દોઢ થયો હતો. કદાચ ઓલ્યો સાવજેય લાંબી મજલ કાપી આવ્યો હતો, તે બે ઘડીક આંખ્યું ઢાળી પોઢયો હશે. મેં ફરી માટલામાં હાથ નાખ્યો, બિયરનું બીજું કેન લઈ ધાબે ચડી ગયો. ટોર્ચ વડે આખી વાડીમાં આમથી તેમ બત્તીઓ કરી..! બીજું તો કઈ દેખાયું નહિ પણ બાજુના જ એક લીમડા ઉપરથી ઘુવડે પોતાની મોટી મોટી આંખ્યું વડે ઘુરકિયા કાઢીને ઉડી ગયું, કદાચ મારી આ ટોર્ચ વાળી ખલેલ એને કોઠે પડી નહિ..! આંબાલાલ ની આગાહી પ્રમાણે મેહ આવે તેદી સાચો, પણ અટાણે તો દી આખો આકરા તાપથી પીડાયેલ દેહ ઉપર વાયુની શીતળ લહેરખીઓ આનંદની ઉભરીઓ અપાવતી'તી..! બિયરનું બીજું અડધું થઈ ગયું હતું, સિગરેટ સળગાવી ને શેઢા ભણી ધૂમ્રશેરો છોડતો તાકી રહ્યો હતો.. પવનની ટાઢી લહેરખીઓ અને ધૂમ્રનો ગરમાવો મને પણ કાં તો ગરમ કાં તો ઠંડુ ની વિચારધારા વચ્ચેથી "ગ્રે" વાળી શ્રેણી તરફ લઈ જતું હોવાનો આભાસ થતા જ મેં સિગરેટ ઓલવીને કેનમાં બચેલું પ્રવાહી ગટગટાવી નીચે રૂમમાં આવી ગયો.. નિંદ્રા ને શરણ થવા.. અનિંદ્રા ને પરાજય આપવા.. પાંપણો નું અનિમેષ તપોભંગ કરવા, યુટ્યુબમાં રિપીટ ગીત પ્લે કરી પલંગ ની બાજુ પર ફોન મૂકી દીધો, હું તો પોઢી ગયો પણ ગીત વાગતું રહ્યું...

"ફૂલો કી લાશોમેં તાઝગી ચાહતા હૈ
આદમી ભૂતિયા હૈ કુછ ભી ચાહતા હૈ.."

Post a Comment

0Comments
Post a Comment (0)