સ્ટેજ પરથી ગીત ના સ્વરો રેલાણા.. "તને જાતા જોઈ પનઘટ ની વાટે, મારું મન મોહી ગયું.." ને ઘેરદાર ભરતકામ વાળી ચણિયાચોળી પહેરીને જ્યોરજીયા મેલોની જી દાંડિયા લઈને ઘૂમી રહ્યા હતા, એમની બાજુમાં જ આપણા મહારિશીભાઈ સુનક, અને એમની આગળ એમના ધર્મપત્નીશ્રી એમના પાલતુ શ્વાનને સાથે લઈ ફૂદરડી ફરી રહ્યા હતા. એટલામાં જ એક શૂટબુટ વાળી વ્યક્તિએ મહારિશીભાઈને કાનમાં કાંક કહ્યું ને, એ જોડલું મેલોનીજી થી દુર જઈને રમવા લાગ્યું.
હું ને ગજો એ મહારિશીજી દૂર કેમ ચાલ્યા એ બાબતનો ક્યાસ કાઢવા જતા જ હતા કે, એક બૂમ સંભળાણી.. "ओय मार दिया.. उंगलिया तोड़ दी मेरी.." ને હું ને ગજો ધોડમ-ધોડ ઇ અવાજ ભણી દોડી ગયા, સામેનું દ્રશ્ય જોતા જ ગજો તો દાંત કાઢી કાઢી ને બઠ્ઠો વળી ગયો.. જયશંકર સાહેબે દાંડિયા રમતા રમતા ઝીલાવલ બુટ્ટો ભરદારીને એક ફેરવીને દાંડીયો આંટી લીધો'તો..! ને હજી તો પૂછી રહ્યા'તા, "बोल टेररोरिज़्म इंस्टीटूट इज़ इक़व्ल टू पाकिस्तान.." ને બુટ્ટો બેઠો બેઠો ભેંકડા તાની રહ્યો હતો.. "देखो ये हम पर जुल्म कर रहे है, देखो ये हमे दरकिनार कर रहे है, आपको unforgettable response हम देंगे.."ને મીડિયા વાળાઓ બ્રેકીંગ ન્યુઝ લઈને બીજી દિશા એ ગયા ત્યાં જયશંકર સાહેબે બીજા ત્રણ દાંડિયા બુટ્ટોના તોલાંમાં (માથામાં) ઝીંકી લીધા. ને ઓલ્યુ અમીર બાપનું અંગ્રેજી બાળક ધૂળમાં હાથ પછાડી પછાડીને રોતું રહ્યું..! ત્યાં તો એક નવવારી સાડીમાં ઘૂમટો કરેલ એક પડછંદ કાયા ધરાવનાર કોઈ આવ્યું, એણે વાટકીમાં ચમચી ખખડે એવા રણકામાં "मेरे बच्चे, रणभूमि युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है.." કહેતા જ બચ્ચા બુટ્ટોને પુચકારીને ખોળામાં લીધો, ને હાલરડું ગાઈને સુવડાવી દીધો.
હું ને ગજો પરેશાન કે આવડી મોટી કદ કાઠી વાળી આ બાઈ કોણ.. પણ એટલામાં જ જોયદાદા આનીપા ભુલા પડ્યા.. આ બાઈને જોઈને બહુ દાંત કાઢ્યા.. બે-ત્રણ તો ગોથા ય મારી ગયા, અમારું કુતુહલ ઔર વધ્યું.. વળી પાછી સુપરસોનિક સ્પીડથી ચલતીમાં છકડી રમતા પ્રિયંવદા પુટીનજી નીકળ્યા અને આ બાઈનો ઘૂંઘટ ઉડયો, ચેહરો દેખાયો, લંબગોળ ઊંધા ઈંડાકાર ચહેરામાં, ઝીણી ઝીણી આંખ્યું હેઠે કરચલિયુ ના પડ ચડ્યા'તા, મોટા પણ કાળી લિપસ્ટિક કરી હોય એવા હોઠ, ડાબી કોર પાથી પાડીને ઓળવેલુ માથું.. જડબાના જોઈંટ્સ હાર્યે ચોંટી ગયા હોય એવા કાન..! હસતા હસતા પડી જાય એમ હોવાથી જોયદાદાએ મારા ખંભે ટેકો લઈ પોતાના અટ્ટહાસ્ય પર કાબુ લાવતા બોલ્યા, "શી-માસી તમે? ચીનમાં કપડાં ખૂટી ગયા'તા?" ઓળખાણ પડતા જ ગજા એ તરત કેમેરા થી મા'શી' નો ફોટો પાડી લીધો..! ને મા'શી'એ પાછો નવવારીના વિશાળ ઘૂમટા હેઠે પોતાનો ચેહરો છુપાવી લીધો. અનાયાસ જ દૂર ઉભેલા પ.આ.પ્રા.સ્મ. (પરમ આદરણીય પ્રાતઃ સ્મરણીય) સાહેબ મૂંછમાં હસતા દેખાયા..!
દોરી બાંધીને કરેલી બૉંઉન્ડરીના દાંડિયા વાળા વિભાગમાં ફરીથી દેકારો થયો..! આગળ આગળ ખોટાડો-ટ્રુડો દોડી રહ્યો હતો, પાછળ પાછળ જયશંકર સાહેબ છ-છ ફૂટના દાંડિયા હાથમાં લઈને.. સાથે ગાગર-હાંડાની હેલ્ય લઈને શેખ હસીનાજી પણ.. "મૂઓ હાથમાં આવે તો એક ગાગરે ગોટો વાળી દઉં એનો..!" પણ ટ્રુડો શું ખાઈ ને આવ્યો હોય.. ઠાકર જાણે ઠગમિતસિંહ ઢાલીવાલે કઈ બૂટી પાઈ હોય, પણ ટ્રુડો કેમેય હાથ આવે નહીં.. ધોડ્યે જ જાય.. વાંહે જયશંકર સાહેબ અને હસીનાજી બે ય થયા.. તમે માનશો નહીં, દાંડિયા વાળી બાઉન્ડરી બાકી મેદાનથી અડધોક ફૂટ ઊંડી ઉતરી ગઈ'તી.. આતો ભલું હો બોડી-બિલ્ડર રાહુલબાબાનું કે કાંક વિચારવંત ખોવાયેલા આ પટ્ટામાં ચડી આવ્યા ને, ખોટાડો-ટ્રુડો ભટકાણો, રાહુલબાબા તો તસુભારે હલ્યા નહીં પણ ખોટાડો-ટ્રુડો બૉંઉન્સબેક થઈને સીધો જયશંકર સાહેબના પગ પાંહે પડ્યો..! ટોળું બધું ભેગું થઇ ગયું, મીડિયાને ભળતા જ ખોટાડો-ટ્રુડોએતો શ્રાવણ-ભાદરવો વહેતા કર્યા..! જે.એસ. સાહેબને તો એબીએસ કંટ્રોલ હતા એટલે ઈ તો ઊભા રહી ગયા, પણ હસીનાજી ની બ્રેક લાગી નહીં.. હાથમાં હાંડો હતો ઈ ઉલળ્યો ને સીધો ખોટાડા-ટ્રુડોના માથામાં..! મીડિયાએ ધરાહાર ફોટો લીધા..! અલગ-અલગ પોઝ પણ પાછળથી ફોટોશોપ કરી લીધા..! આ બધી લપમાં બચ્ચો-બુટ્ટો જાગી ગયો.. ને જે.એસ.સાહેબના હાથમાં આ વખતે છ-છ ફૂટના દાંડિયા જોઈ ને તો પેલાંથીય મોટો ભેંકડો તાણ્યો..!
જનમેદનીને ચીરતી ફરી પેલી નવવારી સાડી વાળી મહિલા "કોણ મારા રાજા-બેટાને હેરાન કરે છે" કહેતી આવી, ને બુટ્ટાને ખોળામાં લઇ સ્ટેજ ઉપર ઉભેલા યોયો તરફ એક હાલરડું ગાવાની અરજી લખેલી ચિઠ્ઠી ફેંકી..! સ્ટેજ ઉપર થી ગીત વાગ્યું..
"મની ફેમ મની ફેમ ડર્ટી મની ફેમ,
વેયરિંગ સાડી નવવારી આ મા'શી' આવી કેમ?
જીંગલ જીંગલ જીંગલ જીંગલ...."
અને બાળક બુટ્ટો પાછું પોઢી ગયું..!