માઝમ રાત જામી હતી..! ચોથનો ચાંદો આભમાં ઝીણાથી થોડી જાડી રેખામાં શોભી રહ્યો હતો, ઐશ્વર્યાએ ગરબો રેલાવ્યો, "ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ..!" બધા ય ખેલૈયા પૂર જોશમાં ખેલી રહ્યા હતા, રાજનાથસિંહની પડછંદ કાયા ઉપર ઝભ્ભા માથે બંડી, હેઠે ધોતિયું, એવા ઘૂમી રહ્યા હતા કે, જાણે આખો ગઢ ગિરનાર ઘૂમતો હોય..! આજુબાજુના દસ મીટરના દાયરામાં કોઈનીય હિમ્મત ન્હોતી કે બાજુમાં આવે..! રમતા રમતા બે હાથ ઝુલાવે ત્યાં તો જાણે ઘેઘુર વડલાની વડવાયું ઝૂલતી હોય..! ગજા એ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું, અને અમે થોડા આગળ વધ્યા..! શાસ્ત્રોક વિધિ તથા જ્યોતિષી કાળગણના આધારિત એક એક ડગલું જોખી જોખીને ભરતા સુધાંશુજી સામા મળ્યા. ઈ હરતું-ફરતું એન્સાયક્લોપીડીયા ને દૂર થી જ જય માતાજી કર્યા. રાહુલ બાબા સામેથી આવતા હતા, કાઇંક વિચારાધીન. લાગતું હતું, માતાજી ના અખૂટ ધ્યાનમાં ખોવાઈ ગયા છે..! બાજુમાંથી જ ફરી એક સુપરસોનિક સ્પીડમાં પુતિનજી પસાર થયા, અને બાબાનું ધ્યાનભંગ થયું.. પણ ફરી, "હું અહીં ક્યાંથી?" ના વિચારોમાં ખોવાઈ ગયા..!
યોયો પણ ન સમજાય એવા ગરબા ગાઈ રહ્યો હતો, સ્ટેજ ઉપર થી રેલાતા સ્વરોના સુર સંભળાયાં, હીંચ નો તાલ શરુ થયો..! મેં ગજા એ ઠેકડા મારી મારીને ટીટોડો લીધો..અને અણધાર્યું થયું..!
રાજનાથસિંહજી અમને ટીટોડો રમતા જોઈને આવી પહોંચ્યા..!
"हमको शिखाओ"
"ગજા, હાથથી છેટો રહેજે..!"
"ને, તમે પગથી..!"
ભાંગી તૂટી હિન્દીમાં સાહેબને મુદ્દો સમજાવ્યો કે, જમણો પગ પાછળ જાય તયે ડાબા હાથનો અંગુઠો ખભે લઇ આવવાનો ને બીજા તાલે એનાથી ઊંધું..! ને સાહેબ ને તો બે જ વારમાં આવડી ગયું..! પછી તો શું મજા આવી છે એમને.. "हम तैयार है.." કેહતા જ રાજનાથસિંહજી તો આખા મેદાન માં ટીટોડો લેતા જાય..! બીજી તરફ મેલોની જી, હસીના જી, ભેળા જોડાયા સ્વર્ણ સુશોભિત નીતા અંબાણી જી.. ઈ મહિલા મંડળ ત્રણ તાળી ના તડકા લેતા હતા..! નીતાબેને ઓલા બેય ને પકડી પકડીને સમજાવ્યા કે ત્રણ તાળી માં એક વાર ઉપરથી નીચે હાથ લઈને તાળી પાડો, બીજી તાળીમાં હાથ ઉપર લઇ જતા તાળી પાડો, અને ત્રીજી વાર પાછું પેલા જેમ ઉપરથી નીચે હાથ લઇ જવાના.. ભેગું એક એક ડગલું થોડું-થોડું પુષ્પા-ભાઉ ની જેમ..
"Oh you mean to say pushpa shrivalli vala?"
"હા, પણ અદલ એના જેવું નો હાલતા, નકર ખાંહડા બટકી જાહે."
"what do you mean by KHAANHDAAA?"
"એલી મૂઈ આ તો ખાંહડુય નથ હમજતી.."
ગજો ન્યાંથી પસાર થતો સાંભળી ગયો એટલે ખાંહડુ સમજાવતા કહ્યું, "ચરણપાદુકા"
મેં જઈને ન્યાં ખાલી ચંપલા હામું ઈશારો કર્યો ને મામલો થાળે પડ્યો.
ને પછી તો ઈ ત્રણેયે આખું મેદાન માથે લીધું હો..!
ઐશ્વર્યા ગાઈ ગાઈને થાકી, યોયો ને તો મોઢે ફીણ આવી ગયા.. પણ આ મહિલા મંડળ ત્રણ તાળીમાં એવી ઘુમરે ચડી વાત જવા દ્યો..!
મેદાનમાં ભરચક મેદની વચ્ચે એક ટોળું અલગ તરવરતું હતું..! મને હમણાં થી ઉંબાડિયાનો અલગ જ સ્વાદ આવે છે તે થયું હાલો જોવી "શું થયું ન્યાં?"
ટોળાની કેન્દ્રમાં એક શૂટ-બુટ-ધારી માણહ માથામાં હાંડો પેરીને બેઠો'તો.. એલા.. આ ખોટાડો તો ભુલાય જ ગયો'તો. એને માથામાં હસીનાજી એ બેહાડેલો હાંડો હજી નીકળ્યો નહોતો. જોયદાદાએ હાંફતા-ખાંસતા બોવ મેહનત કરી પણ હાંડો કેમેય નીકળે નહીં. ભાઈશ્રી બેન્યામીને આયર્ન ડોમ જેવી લોખંડી તાકાત લગાવી પણ અસફળ રહ્યા. થોડી થોડી વારે જે.એસ. સાહેબ ઈ હાંડા ઉપર ડાંડીયેથી ટકોરો કરતા રેતા'તા. ઓલી બળુકી ચીની મા"શી' એ સાડીનો છેડો કેડ્યમાં ફસાવી એક પગ ખોટાડાના ખભે મુક્યો ને બેય હાથે હતું ઈ બળ વાપરીને હાંડો તાણી જોયો, પણ જાણકારો કેતા'તા કે ખોટાડાનું નાક સહેજ લાબું છે નકર મા'શી'એ સહેજ જાજુ બળ કર્યું તો નાક બટકી જાત..! પુતિનસાહેબને પરાણે ખોટાડાની પાસેથી સુપરસોનિક સ્પીડમાં પસાર કરાવ્યા, પણ કોઈ ફરક પડ્યો નહીં.
મહિલામંડળ ત્રણ તાળી લેતું આ તરફ આવી પહોંચ્યું હતું, મેદની વચ્ચેથી મારગ થઇ ગયો.. ત્રાંસી નજરે હસીનાજીએ જોઈ લીધું, ને બાજુમાંથી નીકળતા નીકળતા હાંડામાંથે ઔર એક ઢીકો ધરબતા ગયા..! બધાય નિરાશ થઇ ગયા, આ મુસીબત માંથી કેમ છૂટવું, કોઈને કાંઈ કેડો કળાતો નહોતો..! મને તો આ તાલ જોવાની ઘણીય મજા આવતી'તી..! જે.એસ. સાહેબે ત્રણ-ચાર દાંડિયા બીજા ઝીંકી લીધા, પણ પ.આ.પ્રા.સ્મ. સાહેબથી આ જોવાયું, નહીં, ગમે એમ તોય આ ઘરે આવેલો મેહમાન...!
આવડા આવડા મોટા માથા મહેનત કરીને થાકી ગયા, બધાએ પોતાના ગજાનુસાર બુદ્ધિ-બળ વાપરી જોયા, પણ સફળતા મળી નહિ. અમુક તો હતાંય એવા કે ખાલી શોભના ગાંઠિયા જેવી જ મહેનત કરી 'તી.. ખોટાડાથી આમતો ઘણાય પરેશાન હતા..!
યોયોએ હિંચ વચ્ચે ઘડીક ઘડીકમાં પંજાબી રહ્યો, તે હોઠ બીડી ને હુરરરરરરરરર... હુરરરરરરરર એવુંય કરતો'તો..! ઢોલ અને બેન્ડ પાર્ટી પુર જોશમાં હતી..! જલસો તો જબબર હતો..! સાતમનો ચંદ્ર પૂર્ણ પ્રકાશના ઝગારા મારી રહ્યો હતો, વાતાવરણમાં એક હળવી ઠંડક હતી, કદાચ વડવાઓએ આ નવરાત્રી નું આયોજન એટલે રાખ્યું હશે, ગરમી માંથી ઠંડીની ઋતુનો સંધિકાળ ગરબે રમનારાઓને શારીરિક ઉષ્મા પુરી પાડે અને ધીમે ધીમે ઠંડીમાં પરિવર્તતું વાતાવરણ એક જ ઘા એ માનવ-શરીરને આહત ન કરે..!
ખોટાડો ટ્રુડોતો હવે માનતા લેવાય તૈયાર હતો..! ને મારા દિમાગ માં એક આઈડિયા આવ્યો..! "હટો હટો, જોવો હમણાં આ હાંડો હું બારો કાઢી દઉં..!"
ઘડીક તો બધા મારી હામું જોઈ રહયા, પણ મનેય એક અખતરો કરવાનો પરવાનો આપી દીધો. ખોટાડો ટ્રુડોને બરોબર મેદાન વચ્ચે ઉભો રાખ્યો, જે.એસ. સાહેબ મારી પાસે આવીને કે, "ભલે ને રહ્યો ઘડીક આમનમ.." એમ કહીને પાછો હાંડા માથે દાંડિયા નો એક ટકોરો મારી લીધો..!
"અરે આપણા પ.આ.પ્રા.સ્મ. સાહેબ કે છે, નકર હું તો કહું છું, આને ફુદરડી જ ફરાવ ફરાવ કરાવાય..!" ને જે.એસ. સાહેબ ઠીક છે કહીને ખસકી ગયા, પણ જતા જતા પાછો એક ટકોરો મારતા ગયા. હંધાંયનું ધ્યાન મારા માથે હતું કે અમે અમે આવડા મોટા માણહથી આ હાંડો ન નીકળ્યો તો આ શું કરી લેશે.
ખેલૈયાઓને આ ખોટાડાથી થોડા દૂર કરાવ્યા, ને મેદાનમાં એક પાંચેક ફૂટનો પરિઘ આપ મેળે સર્જાયો. લોકોનું ય કુતુહલ વધ્યું. કે કાંક અલગ થવા જઈ રહ્યું છે.! આઈડિયા સાવ સરળ અને સિમ્પલ હતો..! આપણે રાજનાથસિંહજીને ટીટોડો શીખવાડ્યો'તો, ત્યારના ઈ હજીય આખા મેદાનમાં હાથ ઉલાળતા ઘુમતા હતા, ને આ દિશામાં જ આવતા હતા, બસ આપણે એમના મારગમાં આ ખોટાડા ને ઉભો કરી દીધો, થોડુંક રિસ્કી ઓપરેશન હતું, પણ રિસ્ક હૈ તો ઇશ્ક હૈ વાળો મામલો મેદાને હતો..!
ઢોલ વાળાઓ હટી હટીને દાંડી ટીપી રહ્યા હતા.. યોયો પણ સાંસે-ધમ ગાઈ રહ્યો હતો..! ને રાજનાથસિંહજી તો એમના જ તાનમાં ઓરા આવ્યા, સાવ નજીક પુગ્યા ત્યાં જ મેં-ને ગજા એ ખોટાડા ને સહેજ ધક્કો માર્યો, મોકા-મોકે જ રાજનાથસાહેબ નો અંગુઠો ખોટાડા ના ગળા પાસે હાંડામાં ભરાણો ને એક જ આંચકમાં હાંડો ગળાની બહાર..!
ખોટાળો-ટ્રુડો એવો રાજી થયો વાત જ જાવા દ્યો..!
હજી આવું આવું કેટલુંય થાય કોને ખબર, હજી તો નોરતા બાકી છે હો..!