"ગજા, ઓણ તો બધે પ્રી ગરબા નું આયોજન થ્યું'તું,"
"તમે ગયા'તા?"
"હા, એલા, SBI ની નવરાત્રીમાં પણ જબરો તાલ થ્યો.."
"કેમ?"
"કેમ શું, બચાડા ઓર્કેસ્ટ્રા વાળા નવેક વાગ્યે પુગ્યા ત્યાં તો એનેય કહી દીધું, કલાકેક ખમજો, ડિનરબ્રેક છે."
"એવું થોડું હોય, શું તમેય ટાઢા પોર ના દીધે જાવ છો.."
"હા એલા, એમાંય, મેદાનમાં બોર્ડર જેવી તારબંધી (દોરીબંધી) કયરી'તી, તે એક ભાઈ થોડુંક ફેન્સી રમતા'તા એને પકડી ને કે', "કાઉન્ટર નંબર (દોરી નંબર) 3 માં રમો.."
***
ન્યાંથી નીકળ્યો, પોલીસ લાઈનમાં ય શેરી ગરબા હાલતાં'તા, તે એક સાહેબ ન્યાંય મેમોબુક લઈને ઉભા'તા,
એક જણા ને પકડ્યો ય ખરો,
"કે ધીમે રમ, નકર સ્પીડ-ચાલાન થાશે."
એક થોડાક શરીર માં હેવી બાઈ હતા,એમનેય સૂચના આપી કે,
"કોઈ ને કચડી નાખશો તો, મૃત્યુદંડ ની ધારાઓ લાગશે."
***
સાહેબે મારી સૌ જોયું ત્યાં તો આપણે બજાર કોર્ય ભાગી નીકળ્યા, ન્યાં સર્કલ પાંહે ઝોમેટો ને સ્વિગી વાળા ડિલિવરી બોયઝે અલગ જ મંડળી મચાવી'તી, મોટરસાયકલ હોતા ઘુમતા'તા..! એન્ટ્રી પાસ ને બદલે OTP હતા..!
***
ગજા, તું માનીશ નહી, ઓલી બજારથી ડાબે ઓલી સુનંદા શેરી નથી? ન્યાં પૂગ્યો તો, ખાલી મ્યુઝિક સિસ્ટમ વાગતી'તી, એક જણ લેપટોપ લઈને બેઠો'તો. મેં કીધું આ શું, મ્યુઝિક સિસ્ટમ શરૂ છે, પણ રમનારું કોઈ નહીં એમ કેમ? તે ઈ મને કે આ "Work from Home" વાળા ની નવરાત્રી છે, બધા Zoom મીટિંગ્સમા ઘરેથી ગરબા રમે છે..!
***
ઓલું વકિલફળીયું ને એની બાજુમાં જજ-બંગલો જોયો ને ? ન્યાં તો બધા કાળા ડગલાં પેરીને એકેક વારાફરતી રમતા'તા, જજસાહેબના આદેશાનુસાર..! એમાંય એક ને તો બાર કોન્સિલમાંથી કાઢી મુક્યો, કેતા'તા, જજથીય સારું રમ્યો'તો..!
***
ડોક્ટર-સ્ટ્રીટ ની વાત જ જવા દે ગજા, એક તો ઇય ગળામાં ઈયરફોન(સ્ટેથોસસ્કોપ) લઈને દીધા દીધી થયા'તા, પણ બહુ ધીમે ધીમે નિરુત્સાહી રીતે અને બિલકુલ શાંત મ્યુઝિકસીસ્ટમ થી રમતા'તા, તે આપણને બહુ રસ નો આવ્યો તે બાર નીકળ્યો ન્યાં એક બાઈ બેઠી'તી, મારી પાંહે સત્તરસો રૂપિયા માંગી લીધા, હું કહું શેના? તો કે અડધી રાતનો વિઝિટિંગ ચાર્જ જ છે. ગજા, માનીશ નહીં તું, ઈતો મારી પાંહે આયુષ્માન-ભારત નું કાર્ડ હતું તે રહી ગયો..!
***
મિલિટરી કેમ્પમાં તો પરેડ હાલતી'તી, પણ સાબજી કેતા'તા, અનુશાશનપ્રિય નવરાત્રી છે.
***
"ગજા, સાંભળ્યું છે કે હવે તો એ.સી. ડોમ વાળી નવરાત્રીયુંય થવા માંડી છે, સાથે ખાવા-પીવાનું અનલિમિટેડ..! એલા તમે ગરબા રમવા જાવ છો કે ડાન્સ-બાર માં?"
"થાય થાય, સમય છે ભાઈ, નવરાત્રી થોડી છે, સીઝનલ ધંધો છે.."