હા તો, એલા.. આ ફેરી સારા-માંહ્યલો પલ્લો ફરી આવ્યા લ્યો ને..!
અમારે તો કાંઈ દિવાળી ની ય રજાયું મળતી નો હોય..! ને ઘણો વખત થયો'તો ગુજરાત બાર્ય નીકળ્યા ને..! તે થયું હાલો ક્યાંક ઉપડવી. ઓણ દિવાળી ને બેહતા વરહ આડો ધોકો હતો. હાવેય નકામો દી. હું ગજો ને બુધો બેઠા'તા. તે નક્કી કર્યું હાલો ઉજ્જૈન મહાકાલ નીકળી પડવી.! બેહતા વરહની વેલી પરોઢે નીકળવાનું નક્કી કર્યું. ગાડીને પાણી-બાણી થી ધોઈને ચમકાવી નાખી. બજારમાં જઈને પીયુસી કઢાવી લીધી. બાકી તો આપણા કાગળિયા પુરા હોય એટલે હાલે.!
હવે બીજે દીએ વેલુ નીકળવું'તું, તે રાતે નિંદરેય નો આવે..! બારેક વાગ્યે માંડ આંખ મીંચાણી, ને અઢી વાગે જાગી ગયો. નાહી-ધોઈને કારગો ને માથે મિલિટરી શર્ટ ચડાવી ને શેલ(ઇગ્નીશન-સેલ્ફ) માર્યો ને "મહાદેવ હર" નો ઉચ્ચાર કરીને ગાડી હંકારી મૂકી બુધાના ઘર ભણી! બુધોય તૈયાર જ બેઠો'તો. તે સીધી ગજાને ન્યાં ઉભી રાખી. ગજાને બારેથી ફોન કર્યો તે કે, "ચા પીતા જાવી." ચા નું નામ પડે ને આપણી હંધીય આશા ઘડીક સ્તબ્ધ થઇ જાય. મોટા મોટા કપ એકેક ચા ઠબકારી, માથે એક રજનીગંધા ચડાવી ને મોટર લગભગ રાતના સાડા ત્રણે મારી મૂકી..! કાળો અંધારિયો રસ્તો, સામે ખટારાની ફૂલ લાઈટુને અવગણતા મેં તો ઉપાડી, ગાંધીધામ થી સીધું આવ્યું હળવદ..! એક ઢાબો હતો..! બે-ત્રણ ખટારા ના ડ્રાઈવર સિવાય સુનકાર હતો.. બસ હાઇવે ઉપર સડસડાટ જાતી ગાડીયું સિવાય..!
ઢાબે થી ત્રણેક માવા લીધા, એક એક ચા ઠબકારી, બાજુમાં જ પેટ્રોલપંપ હતો, અઢી-હજારનું પાણી ગાડી પી ગઈ, ને પાછી કાર હંકારી મૂકી. કઠલાલ આજુબાજુ એક ફાસ્ટ-ફૂડ ટાઈપ નું રેસ્ટોરન્ટ જોતા ઉભી રાખી..! ફાફડા-કઢીનો ઓર્ડર દીધો, હાર્યે કાંક નાના એવા સમોસા હતા, અમારી કોર્ય તો આવુ ભાળ્યું નહોતું, કાંક "નવતાડા સમોસા" નામ હતું, તે ઇય ટ્રાય કર્યા..! ઠીક હતા, માલીપા દાળ ભરી'તી. એક સિગરેટ ને માવાનો ક્વોટા ભરીને શેલ માર્યો.. કઠલાલ થી થોડેક આગળ જાતા જ નામ આવ્યું.. બાલાસિનોર.. પેલા વાડાસિનોર પણ કેતાં, થયું કે હાલો ડાયનોસોર ના ઈંડા જોતા જાવી..! પણ વળી એમ પણ થયું કે ગજો ભેળો છે, ક્યાંક ધરાહાર એકાદ ઈંડુ ગાડી માં મુકાવડાવી દે તો..! એટલે મેં ઉભી જ નો રાખી..! બાલાસિનોર થી નોનસ્ટોપ ભગાડી ને એક વિશાળ નદી નો પટ આવ્યો..! નદીની પહોળાઈ એવી મોટી હતી કે તરત જ યાદ આવ્યું કે આને સાગર કયો તોય હાલે.. એટલે યાદ આવ્યું.. મહીસાગર જ હોવી જોઈએ..! ગૂગલ મેપ માં ચેક કર્યું.. ઈ મહીસાગર નદી જ હતી.! અહાહાહા બાકી એવડો વિશાલ પટ હતો ઈ નદી નો.. ખરેખર.. મને ન્યાં ઈ હાઇવે ઉપરથી નીચે નદીમાં ઉતરવાનો કેડો દેખાયો નહીં, નકર ગાડી હોત પાણી માં છબછબિયાં કરવા'તા. પછી તો સીધું ગોધરા આવ્યું.. ગજો કે એલા આયાં તો ગીત વગાડવા જોઈએ "પારુલ રાઠવાના".. વગાડ વગાડ.. ને એલ ગાડીના બધા કાંચ ઉતારી નાખ્યા ને ટીમલી-ગીત વાગતું રહ્યું, "ધીમી ધીમી નાચ નાની.." નોન-સ્ટોપ દાહોદ ઉભી રાખી, ઇય ન્યાં બોર્ડ માર્યું'તું કે, "MP સે સસ્તા પેટ્રોલ-ડીઝલ કા આખરી પમ્પ.." એટલે..!! જો કે દાહોદ માં જ મુઘલ સામ્રાજ્ય નો સૌથી ક્રૂર અને ધર્માન્ધ શાશક ઔરંગઝેબ જન્મ્યો હતો. પણ આપણે એવું કાંઈ જોવાની ઈચ્છા હતી નહીં, એટલે સીધી પેટ્રોલપમ્પ માં જ ઉભી રાખી.. વળી પાછી ગાડી બેક હજારનું પી ગઈ..! ટાંકી છલોછલ થઇ ને પાછી ગાડી હંકારી મૂકી..!
બુધો MP માં ગળતાં જ મંડ્યો ગણવા.. જો "અંગ્રેજી વ દેશી શરાબ કી દુકાન.." એક ગઈ, લે આ બીજી ગઈ.. એલા આ સામે આવી ત્રીજી..! પણ આપણે ઉભી રાખી નહીં..! નક્કી થઇ જ ગયું'તું, બુધો ઝીંક ઝાલી શકવાનો નથી..! ગજો મ્યુઝિક પ્લેયરમાં સારા માહ્યલા ગીતો વગાડ્યે રાખતો તો..! પીટોલ પાર કર્યું, ગેઇલ ઇન્ડિયા નો એક પ્લાંટ આવ્યો, એની આગળ જ એક ત્રણ રસ્તા પડે છે, એક ડાઇરેક્ટ ઉજ્જૈન જવા માટે, ટુ લેન રસ્તો હતો, પણ મેં ઇન્દોર વાળો ફોર લેન રસ્તો પકડ્યો, બંને રસ્તામાં લગભગ 40-45 કી.મી. નો ફર્ક પડતો'તો. એટલે ઇન્દોર જવું જ ઉચિત રહેશે એમ ધારીને ઇન્દોર ભણી ગાડી ભગાડી..! કાલિદેવી નામક સ્થાન આવ્યું..! એક નાની એવી ચા ની દુકાન જોતા જ ઉભી રાખી..! આખો મારગ સટોસટ આવ્યા'તા..! ગાડીનેય રેસ્ટ થઇ જાય ને મારાય પગ છુટા થાય એમ ધારી ઉભી રાખી..! આમ તો હું નવોડિયો ડ્રાઈવર છું, પણ ગાડી હાંકવાની હોંશ જાજી એટલે થાકતો નથી.
નવમું ભણતો વિદ્યાર્થી ઈ દુકાનમાં હતો. બુધા એ પૂછ્યું, "ચા મિલેગા?" ઓલ્યા કિશોરે હસતા મુખે હા પાડી. મેં ત્રણ ચા કીધી, બુધો બોલ્યો, "દેખ ભાઈ, ઘણી દૂર સે આયે હૈ, ચા મેં પત્તી જ્યાદા ડાલના, ચીની થોડીક કમ રખના, ને સરખી ઉકાળના હો.." છોકરાએ મલકતા હકારમાં માથું હલાવ્યું. રોડ ને જમીન કાંક સરખા નહોતા લાગતા, સહેજ ટેકરીયાળ જગ્યા હતી ઈ, કાલિદેવી નામ. રોડ થી પંદરવીશ ફૂટ હેઠે ખેતર હતું, જુવાર નો પાક ઉભો'તો, એક ગીર ગા ઝાડવા હેઠે બાંધેલી હતી, દુકાને મોટી માણ્ય હતી પાણી ભરેલી, ફરતે ભીનું-કપડું વીંટાળેલું હતું, કળશ્યો ભરીને પાણી પીધું, ત્યાં જ છોકરો, ચા લઇ આવ્યો. અંગુઠા ના ટેરવા જેવડો જ કપ. હું તો ઘડીક જજકી ગયો. પણ મને થયું, આપણા ગુજરાત જેવી એમાંય કાઠિયાવાડ જેવી તો આયાં ક્યાંથી મળે એટલે નાનો જ કપ સારો..! પણ અહાહા હંધીય અવધારણા ને ઉંધી પછાડતી ઈ કપ માંથી આવતી ચા ની સોડમ.. ઠેઠ જઠર ને પેલે પાર કાળજા સુધી હાશકારો દેતી હતી..! હોઠે અડાડીને પેલો જ ઘૂંટ ભર્યો ને.. ઓહોહો.. ગજબ ગજબ નકરી ગજબ હો..! Black Swan વાળી થઇ..! (બ્લેક સ્વેન વાળી વાત નો ખબર હોય તો ગૂગલ કરી લેશો.)
એક એક કપલીયુ પીધી, પછી તો મેં બે બીજી કપલીયું ચા પીધી..! ને બુધો મલકાણો, "જોયું, આપણે બનાવડાવી હો.." ને હા એ હા કરતા મેં ચા નો આસ્વાદ લઇ, માથે એક સિગરેટ સળગાવીને પ્રકૃતિનો આહલાદ લેતો બેઠો રહ્યો, આમતો હાઇવે છે પણ વાહનો કાંક ઓછા હતા, ને જેટલા દેખાતા ઈ હંધી ગુજરાત પારસીંગ ગાડીયું.. જી.જે. 1, 27, 3, 5 અને 6..! છોકરા સામું જોતા મેં પૂછ્યું, "પઢાઇ-વઢાઈ કરતા હૈ?" છોકરાએ હકારમાં માથું હલાવ્યું, "કૌનસી ક્લાસમે હૈ?", એણે કહ્યું, "નાઇન્થ".
"કિતના હુઆ?" બુધે તરત ઘડિયાળ સામું જોતા પૂછ્યું, છોકરાએ વેઢાં ગણીને કહ્યું, "ચાલીસ." પચાસની નોટ આપી, અમે હાલી નીકળ્યા. કાલી દેવીથી સડસડાટ નીકળ્યા, પણ થોડુંક જ હાલ્યા હશું ને ફોર લેનમાંથી સીધો ટુ લેન રસ્તો થઇ ગયો, તરત ,બુધો બોલ્યો, "આયાંય ટુ લેન જ છે તો ઓલે રસ્તે ગયા હોત તો ચાલીસ કી.મી. બચેત..!" પણ મેં જવાબ દીધા વિના ગાડી હાંક્યે રાખી, અને અચાનક જ એક હેયર પીન બેન્ડ જેવો વળાંક આવ્યો.. સામે થી બસ વળતી હતી એટલે મેં બને એટલી દબાવી ને ગાડી સાઈડમાં ઉભી રાખી દીધી. બસ પસાર થતા જ ગાડી ફૂલ કાપીને ચડાવી, અને ઘાટ સેક્શન શરુ થયો.. ડાબે-જમણે વળતા, અમે પહાડ ચડી રહ્યા હતા, અને બંને બાજુનો નજારો પણ બદલાઈ રહ્યો હતો. ઘણો લાંબો આ ઘાટ નહોતો, છ-સાડા છ કી.મી.નો આ ઘાટ દિલ ખુશ કરી દેનારો હતો. ફરી શરૂ થયો ફોર લેન હાઇવે, ઘાટ થી હેઠે જોતા ફોર લેન નું કામ શરુ દેખાતું હતું, કદાચ એક-બે વર્ષમાં તો એ હાઇવે બની રહેશે. હા, છ કી.મી. બનાવવામાં એક-બે વર્ષ લાગશે એવું મને લાગે છે.
રસ્તો કોઈ પૂછે તો, ઠેઠ ગાંધીધામ થી અમદાવાદ પેટ નું પાણી નો હલે, (જયારે હલે ત્યારે સીધું માથું ગાડીની છત ને અડે, કારણ અંધારિયા સ્પીડબ્રેકર્સ.. રાત્રે ન દેખાય એવા અમુક સ્પીડબ્રેકર્સ છે. કેમ કે 100 ની સ્પીડમાં ચાલતા હોય ત્યારે SUDDEN BREAK લગાવવી જોખમી છે.) અમદાવાદ થી દાહોદ સુધી એક દમ માખણ જેવો રોડ, પણ બીક એક જ, ક્યારે ડિવાઈડર કૂદીને કોઈ બાઈક વાળો અચાનક જ સામે આવી જાય..( બાલાસિનોર પાસે એક મોટરસાયકલ પર કપલે અચાનક જ રોડ ક્રોસ કરેલ, મેં કેવી રીતે કાર કાબુ કરી ઈ મારુ મન જાણે ભાઈ..) દાહોદ પોલીસે આ બાબતે થોડું ધ્યાન દેવું જોઈએ..! મોટરસાયકલ વાળાઓ વગર હેલ્મેટ ટ્રીપલીંગ કરતા ફરે છે, અને ફોર લેન હાઇવે વચ્ચે બનાવેલ ડિવાઈડર માં વાવેલ છોડ ની વચ્ચે થી અચાનક જ નીકળે છે. મધ્ય પ્રદેશ માં દાખલ થતા જ રોડ ની બિસમાર હાલત જોતા જ ખબર પડી જાય કે વેલકમ ટુ MP..! ઠેકઠેકાણે થીગડાં મારેલ રોડ.
હા, તો ઓલા ઘાટ સેક્શન પાર કર્યા બાદ તો બસ રોડના ખાડાઓ તારતો હું ઘા એ ઘા ગાડી હંકાર્યે જાતો'તો. ધાર કને પુગ્યા, ને ગજે ગાડીમાં જ ઠેકડો માર્યો.. "એલા એય હવે ખાવા ઉભી રાખો તો હારી વાત છે હો.."
બુધો ય જજકી ગયો ઘડીક તો કે થયું શું આ..!! એટલે તત્કાલ એક સારું એવું રેસ્ટોરેન્ટ જોઈ ને ગાડી ઉભી રાખવામાં આવી..! બુધાને અંદર મોકલ્યો, કે વ્યવસ્થા જોઈ આવે..! ધોડમધોડ પાછો આવ્યો, "અરે અંદર બહુ જોરદાર રેસ્ટોરેન્ટ છે." એટલે મેં ગાડી વ્યવસ્થિત પાર્ક કરી, અંદર ગયા.
લગભગ બપોરના બે-અઢી વાગ્યા હશે. પણ કર્મ ની કઠણાઈ કે, રેસ્ટોરેન્ટ માં પહેલીથી ત્રણ ફેમિલી બેઠેલ હતી, અને અમારા દાખલ થયા બાદ કદાચ ગુજરાત પારસીંગ ઉભેલી કાર જોઈને બીજી ત્રણ-ચાર ફેમિલી વધુ આ રેસ્ટોરેન્ટ માં આવી ચડી. કદાચ આ નવું-સવું રેસ્ટોરેન્ટ હશે કે પછી સ્ટાફ નહીં હોય, પણ પંદરેક મિનિટ સુધી કોઈ ઓર્ડર લેવા કે પાણીનું ય પૂછવા કોઈ આવ્યું નહીં, અરે બિલિંગ કોઉન્ટર ઉપર પણ કોઈ નહીં.. બુધો તો બાથરૂમ વગેરે વાપરી આવ્યો.. આવીને કહે, "કેમ કાંઈ મંગાવ્યું નહીં હજી?" અને ગજાનો મગજ ગયો.. "કોઈ હારું આવવું તો પડે ને?"
બુધો સીધો કિચનમાં ગયો, પાછો આવ્યો, "શેલ મારો ભાઈ, આની પાંહે માણહ જ નથી.. બચાડો બિલિંગ કાઉન્ટર વાળો પોતે રોટલીયું વણે છે..!"
વીશેક મિનિટનો ખોટેખોટો વિરામ લીધા બાદ ભૂખ્યા પેટે જ ઈ રેસ્ટોરેન્ટ માંથી નીકળી ગયા, ખાધાનું નામ લઈને ભૂખ્યા નીકળવું મને નો ગમ્યું એટલે.. એક માવો ખાઈ લીધો..(ખીખીખી) "કા ગજા, શું કે ભૂખ.." ને પ્રત્યુત્તરમાં ગજો ખાલી કતરાયો.
અમારી વાંહો-વાંહ એક અર્ટિગા વાળું ફેમિલી પણ નીકળી ગયું. ને નેક્સટ ઢાબે અમે તો જણ-જણ હતા તે ઉભી રાખી, ટ્રક ડ્રાઈવરોથી ભરેલ ઢાબે ઈ અર્ટિગા વાળા ય અમારી ગાડી જોઈને ઉભા રહ્યા, પણ ફેમિલી વાળા આવા ઢાબા માં આવતા અચકાય, એટલે મેં એમને ઈશારો કર્યો, કે ફેમિલી રૂમ છે, વાંધો નહીં, ને અમે અડધોક કલાક તો બેઠા છીએ.. બાકી MP માં એક વાત તો છે, ખબર નહીં ખોરાક માં સ્વાદ કાંઈ ખાસ જણાતો નથી..! કા તો પછી અમે જ્યાં જ્યાં રોકાયા ઈ બધી આવી જગ્યા હતી.. જ્યાં જમ્યા ઈ બસ શરીરને ટેકો રાખવા સ્વાદ વિનાનું જ જમ્યા. કા તો પછી અમારી ગુજરાતી જીભની આશા ને મધ્યપ્રદેશ આંબી શક્યું નહીં..! અર્ટિગા વાળાઓ તો જમીને નીકળ્યા, પછી અમેય બટરપનીરને દાલતડકા નો બેસ્વાદ સ્વાદને મમળાવતા ઉભા થયા અને ઇન્દોર ભણી ગાડી મારી મૂકી.
ધારથી તો ઇન્દોર ખાસ દૂર નથી, પણ અમે એક ઓવરબ્રિજ ભૂલમાં ચડી ગયા, પછી આગળ થી એક લાંબો એવો યુટર્ન મારવો પડ્યો..! ઈ રસ્તો ઇન્દોર સિટીમાં જઇ રહ્યો હતો અને, અમારે ઉજ્જૈન માટે એક અલગ રસ્તો હતો. પણ ઠીક, ઉજ્જૈન વાળા મારગ ઉપર ચડી તો ગયા. ચાર વાગતા હતા..! હવે તો બસ ફટાફટ ઉજ્જૈન પુગવું'તું. અને આપણે એક્સલેરેટર દાબી દીધું..! આગળ એક ગાડી જતી જોઈને બુધો તરત બોલ્યો, "ઓલી ઢાબા વાળી અર્ટિગાય હજી આયા જ પહોંચી છે." ઇન્દોર થી ઉજ્જૈન રોડ ઉપર રામ જાણે સરકાર શું બનાવતી હોય, ઠેક-ઠેકાણે ડાયવરઝ્ન અને ટ્રાફિક જામ.. રસ્તો પણ એટલો સારો નહીં..! તોય સાડાપાંચ-પોણા છએ કદાચ અમે ઉજ્જૈન મહાકાળને આંગણે પુગી ગયા'તા..! બુધોય થોડી ઘણી પ્લાનિંગ કરીને આવ્યો હતો.
"અહીંયા ગુજરાતી સમાજની ધર્મશાળા છે, ત્યાં પહોંચી જઇયે, રહેવા-જમવાની બધી વ્યવસ્થા ત્યાં સારી છે."
"નાખ લોકેશન ગુગલ મેપ માં.."
ને ડાબે-જમણે-ડાબે વળાવીને એક બિલ્ડીંગ પાસે જઈ ઉભા રહ્યા..! "આ જ છે." મેં ગાડી ઉભી રાખી, બુધો અંદર તપાસ કરવા ગયો. થોડી વાર લાગી, એટલે મેં પણ ગાડી ઠીક પાર્ક કરીને હું પણ ઓફિસમાં ગયો.
બુધો કોઈ હાર્યે ફોનમાં વાત કરી રહ્યો હતો, "ચૂંટણી ને લીધે હમણાં રૂમ નહીં મળે."
"ઠીક છે ભાઈ, વાંધો નહીં, બીજે ક્યાંક ગોતી લૈયે..!"
ત્યાં ઓલ્યો ઓફિસમાં બેઠેલ જણ બોલ્યો, એક રૂમ છે, તમે જોઈ લ્યો, ફાવે તો ચાવી આપું. મેં તરત જ રૂમ જોવાની ઈચ્છા દેખાડી, એક છોકરો, ચાવી લઈને આગળ હાલ્યો. પેલા માળે સત્તર નંબર રૂમ. મેં રૂમ જોયો, બુધાને કીધું બાથરૂમ ચેક કરી લે.. બુધે ઓકે કીધું, રૂપિયા કેટલા પૂછતાં, છોકરે ઓફિસ ભણી ઈશારો કર્યો. વળતા દાદર ઉતરતાં મેં ને બુધે આ લોકોની મોનોપોલી નક્કી કરી. ઓફિસમાં જઈને રૂમ નું ભાડું છસ્સો નક્કી થયું. અમારે ખાલી એક રાત રેહવી હતી, બે પલંગ તો હતા જ, ત્રીજું ગાદલું મેં જમીન ઉપર નંખાવ્યું. છોકરા એ વાળી-ચોળીને રૂમ ચોખ્ખો કરી આપ્યો. એટલે આવડો લાંબો પ્રવાસ બાદ નાહવાની ઈચ્છા હતી. મેં જઈને બાથરૂમ ચેક કર્યું.. બાથરૂમને નામે મજાક હતી બિલકુલ..! ટોયલેટ જોયું હોય તો પેલા ઉલ્ટી થાય.. બાકી નો મામલો તો બાદ માં.. બહાર નીકળી ને પેલા તો મેં બુધા ને લમધાર્યો.. "એલા બાથરૂમમાં શું જોઈને તે હા પાડી?"
"કેમ શું થયું? મેં તો ઈંગ્લીશ ટોયલેટ જ જોયું."
"કાળું ડિબાંગ પડ્યું છે.."
જો કે આ પ્રવાસથી પાછા વળવાની ઉતાવળ પણ હતી, અને સવારથી ડ્રાઈવ કર્યા બાદ હવે બીજી કોઈ પિંજણ માં પડવાની જરીકેય ઈચ્છા નહોતી, એટલે આવી બેકાર ફેસિલિટી મેં અ-સહર્ષ સ્વીકારી..! પણ હા, આગામી ચૂંટણીની વ્યવસ્થા ખાતર આવેલ પોલીસ જવાનોનો ઉતારો આ જ બિલ્ડીંગ પરિસરમાં હતો, એટલે ફૂલ પ્રોટોકોલ વળી ફીલિંગ્સ આવતી હતી. એક ગન-ધારી જવાને આખી રાત ગેટ ઉપર પહેરો રાખ્યો હતો.
ત્રણ-ચાર વાગ્યે જ જમ્યા હતા એટલે મને તો ભૂખ-બૂખ હતી નહિ, વાતાવરણ ઠંડુ થયું હતું. છ-સાડા છ ની સંધ્યા-કાળે બાથરૂમ માં નાહવા ગયો, ફુવારાની સુવિધા હતી, એટલે એક નાનકડો હાશકારો તો થયો. પણ ફુવારા નીચે ઉભા રહીને જેવો ફુવારાનો વાલ્વ ખોલ્યો, તો મારા સિવાય આખા બાથરૂમમાં બધે ઇ પાણીની ધારા ઓ પલાળી રહી..! હર હર ભોલે કહીને નીચેનો નળકો જ શરૂ કર્યો..! ડોલ-ડબલુ હતા અહીં એટલે મસમોટી કાયા લઈને નલકા હેઠે ફિટ આવવું એ કલા છે. ટાઢું-બોળ પાણી હો બાકી..! ઘડીક તો થયું આના કરતાં તો સીધું રામઘાટ જઈને ક્ષિપ્રા માં જ "હર હર ક્ષીપ્રે" કરી આવું, પણ માંડી વાળ્યું..! જેમ-તેમ નાહીને નવા વસ્ત્રો ધારણ કર્યા, ને હાલી નીકળ્યા મહાકાલ ના દર્શને..!
દર્શન માટે નીકળ્યા, ભીડ ને કારણે ઘણે દૂર જ કાર પાર્કિંગ કરાવડાવી દીધી. ત્યાંથી ચાલતા ચાલતા મહાકાલેશ્વર મંદિર સુધી પહોંચ્યા. એક મિત્રએ જણાવ્યું હતું કે શીઘ્ર દર્શન માટેની પરચી લઈ લેજો, અઢીસો-ત્રણસો રૂપિયા લેશે. મારે ખરેખર ઈચ્છા તો નહોતી, પણ ગજો ને બુધો બંને કહેવા લાગ્યા, કે "પરચી લઇ લઈએ, આવડી ભીડમાં ક્યારે દર્શન થાશે?" એટલે મેં કમને હા પાડી..! પણ કદાચ મહાકાલની ઈચ્છા નહિ હોય, અને અમને એવો કોઈ પરચી વાળો, કે પરચી વહેંચાતું કોઈ સ્થાન મળ્યું જ નહીં, મંદિર પ્રબંધકોને પૂછી પણ જોયું, પણ તેઓ પણ આવડી જનમેદની વચ્ચે બસ નકારમાં માથું ધુણાવતા જણાતાં હતા. એટલે મેં ગજા ને બુધા ને હાલો હર હર મહાદેવ કરતા દર્શન ની લાઈનમાં લગાવ્યા. મહાકલેશ્વરના દર્શન થોડા અટપટા તો છે જ. પાછું દિશા, અને દશા તમામે ભુલાવી દે એજ તો મહાકાલ..! સમય તો યાદ રહ્યો નથી, પણ ખાસી એવી ભીડ માં અમે ભળી ગયા, હર હર મહાદેવ ના ગુંજાયમાન નારાઓ સાથે અમે મંદિર દર્શનના બેરીકેડ્સ માંથી પસાર થતા ચાલ્યા જતા હતા. અચાનક જ ભીડ થંભી ગઈ..! અમને લાગ્યું કે ભોળિયો દર્શન દેવાનો થયો છે. કદાચ અમે પ્રથમ માળે હોઈશું. ભગવાન શ્રી મહાકાળને શ્રી કૃષ્ણ સમો શણગાર કરાયો હતો. ઘણે દૂર હતું જ્યોતિર્લિંગ..! પણ જેવી મહાદેવની ઈચ્છા..! મેં તો ભરી ભરીને ભરાય એટલા મહાદેવને આંખોમાં ભરીને બસ મનમાં એક જ રટણ હાલતુ'તું, "મહાદેવ હર.. મહાદેવ હર.. મહાદેવ હર.."
અને ઇ દર્શનની ધક્કામુક્કી માં ક્યારે મંદિર બહાર નીકળી ગયા, ખબર ન પડી. ખરેખર તો હવે જ દિશાહીન થયા..! ક્યાંથી દાખલ થયા હતા, કઈ બાજુ બહાર નીકળ્યા, કાંઈ સમજાતું નહોતું. બસ મહાદેવ મહાદેવ કરતા હાલયે જતા હતા. એક પ્રબંધક મળ્યો, એને ગજે પૂછ્યું, "હમ આયે કિધર સે?" હવે ગજો પૂછવા એમ માંગતો તો, અમે જ્યાંથી દાખલ થયા'તા, ત્યાં અમારે જવું છે.. પણ ઓલો પ્રબંધક અમારી સામું જોઈને હસતો રહ્યો, અને અમે ફરી મહાદેવ મહાદેવ કરી હાલતા થયા.
બહાર નીકળ્યા, તો સીધા જ કોઈ રોડ ઉપર આવી નીકળ્યા. અને અમારા ખાંહડા (બુટ-ચપ્પલ) મંદિર ના પરિસરમાં રહી ગયા..! જો કે ઘણાય ઉઘાડપગા અમારી જેમ ફરી રહ્યા હતા. અમે પાછા પરિસર માં ગયા, તો બુટ કાઢ્યાંતા ક્યાં ઇ ભૂલી ગયા.. માંડ ઇ ગોત્યા.. અને બજારમાં લટાર મારવા નીકળ્યા..! ઠેકઠેકાણે મહાકાલ લખેલા ટીશર્ટ, રુદ્રાક્ષની માળા ને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની છબીઓ..! અમે આગળ ચાલતા રહ્યા, અનાયાસ જ અમારી ગાડી સુધી પહોંચી ગયા. કાર લઈને ઉજ્જૈન શહેર કેવું છે એ જોવા નીકળી પડ્યા. વ્યવસ્થિત શહેર છે પણ આપણાં દરેક શહેર જેવી ઓછી પહોળાઇના રસ્તા એકમાત્ર કનડગત છે. અને હા, સૌથી મોટી કનડગત તો ત્યાં ના ઇ-રીક્ષાવાળાઓ.. એલા શું કાવા મારે છે, આવા રિક્ષાચાલકો મેં તો ક્યાંય જોયા નથી. અચાનક જ ટર્ન મારી લેશે, અચાનક જ સામે આવીને ઊભા થઈ જશે. સાંકડી જગ્યામાં પણ ઓવરટેક કરી લેશે. મારે તો લપ થઈ જ જાત.. અને મને ટેવ પણ છે થોડીક.. પણ બુધા એ મામલો મોટો થતો રોકી લીધો. થોડેક આગળ જ અંગ્રેજી વ દેશી શરાબ કી દુકાન જોતા જ બુધો આ વખતે બસ કરી ગયો..! ઉભી રાખોને રાખો.. બીજી વાત જ નહીં.
"ઠીક છે." કહીને મેં ગાડી દબાવી. ઓમેય સવારે કાળ ભૈરવ જવું જ હતું, ને નયાં તો દાદો પીવેય છે. એટલે થોડો-ઘણો ક્ષોભ પણ નીકળી ગયો. રાજા વિક્રમાદિત્યની નગરીમાં નૂતન વિક્રમસંવતની સંધ્યા પશ્ચાત અમે મદિરા વિક્રયસ્થાને ઉભા રહ્યા. આપણે ગુજરાત માં તો આવું મળતું નથી, એટલે બુધા એ લીધો 'ઘરડો બાવો' (OLD MONK). ને મને લાલ-પાણી જાજુ સદતું નથી એટલે મેં મારા માટે જવનું પાણી (BEER) લીધું. એમાંય ખાસી એવી વેરાયટીઓ આવે છે, બીજી કોઈ બ્રાન્ડ તો મળી નહીં એટલે મેં કલકલિયાના (KINGFISHER) ત્રણ કેન લીધા. ગાડી માં રાખી ને ફરી નીકળી પડ્યા ઉજ્જૈન શહેર દર્શને.
પાછું એક વાર મહાકાલ ના પાર્કિંગ માં જવું હતું, પણ કાંક રસ્તો ભૂલો પડ્યા, એમાં સીધા રામ ઘાટે પુગી ગયા.! રાત હતી, નાહ્યા જેવું હતું નહીં ટાઢ ને કારણે, એટલે અંજલિ ભરીને માથે છાંટી લીધી..! પછી નીકળ્યા, કાંક અટપટી ગલીઓ માં થઈને સીધા હરસિધ્ધિ મંદિર પાસે એક ટ્રાફિક કર્મચારીએ અમને ઉભા રખાવી દીધા, બાજુમાં જ પાર્કિંગ હતી, ત્યાં કાર પાર્ક કરાવડાવી. ખીચોખીચ પાર્કિંગ ભરેલી હતી, પાર્કિંગ નો ખર્ચો ભારે છે મ.પ્ર. માં..! ઠેક ઠેકાણે 20-30 ની પરચીઓ તો ફાડી જ નાખે છે એ લોકો..! જેમ-તેમ કરી ને કાર પાર્ક કરી, હરસિધ્ધિ માતાના દર્શન કર્યા. રાજા વીર વિક્રમ.. જેના નામે વિક્રમ સંવત ચાલે છે, એ વિક્રમાદિત્ય ની રાજધાની, ત્યાં સિંહાસન બત્તીસી નામે સ્થાન છે, ફરતે કૃત્રિમ તળાવ ની વચ્ચે એક પુલના માધ્યમે એ સિંહાસન બત્તીસી જોવા જેવું છે.. ઘણી જ વિશાળ સિંહાસન આરૂઢ રાજા વિક્રમાદિત્યની મૂર્તિ છે. અને ફરતે બત્રીસ અપ્સરાની મૂર્તિઓ..! નાનપણમાં વાંચી હતી, કે રાજા ભોજને એક સુંદર સિંહાસન મળે છે, અને એને સ્વચ્છ કરાવીને પોતે તેના ઉપર બેસવા જાય ત્યારે એ સિંહાસનમાં બત્રીસમાંથી એક અપ્સરા જીવતી થઇ જતી, અને રાજા વિક્રમાદિત્યની વીરગાથા નો એક પ્રસંગ તેને સંભળાવતી..! અને અંતે ભોજ ને સમજાય છે કે વિક્રમાદિત્યના એ સિંહાસન ઉપર બેસવા પોતે લાયક નથી..! એ કથાનક નાનપણ મને તો ઘણી જ રસપ્રદ લાગી હતી..!
ત્યાંથી નીકળીને બાજુમાં જ મહાકાલ કોરિડોર છે. જે હમણાં થોડા સમય પહેલા જ નિર્માણ પામ્યું છે. ખરેખર ધાર્મિક દ્રષ્ટિએ નહીં તો કાંઈ નહીં પણ ખાલી જોવા ખાતર પણ પોતાના સંતાનોને ત્યાં એક વાર જરૂર લઇ જશો. કારણ, રાત્રે લગભગ સાડા દસ વાગ્યે કોરિડોર બંધ કરવાનું એનૉઉન્સમેન્ટ થયું, અમે લગભગ આઠ વાગ્યાના કોરીડોરમાં ગળ્યા'તા, હાલી હાલી ના મારા તો પગના તળિયા લવકા મારતા'તા. બુધોને ગજો બસ ઠેકઠેકાણે ફોટો જ પડાવ પડાવ કરતા'તા, ઘડીકમાં ભૈરવ પાસે, ઘડીકમાં સુદર્શનધારી કૃષ્ણ હાર્યે, ઘડીકમાં સમુદ્રમંથનમાંથી નીકળતું હળાહળ જોગી કંઠમાં ધારણ કરતા નીલકંઠ હાર્યે, ઘડીકમાં સપ્તર્ષિઓ હાર્યે, ઘડીકમાં રથારૂઢ મૂર્તિઓ હાર્યે..! અરે હાલી હાલીને મારી હાલત ખરાબ હતી સાવ, વળી દિ આખો ગાડી ય હંકારી હતી, રામઘાટમાંય ઘણું હાલ્યા હતા, વળી બધે ગાડી જાય નહીં એટલે પાર્કિંગ માં રાખીને ત્યાંથી પણ બધે ચાલી ને જ જવાનું. હવે આખો દી ઓફિસમાં બેસી રહેનારા ને એક જ દિવસમાં આટલું બધું હલાવો એટલે શું હાલત થાય..! ઈ કોરિડોર બંધ થયે બહાર નીકળવાના નિર્દેશનો મને બહુ જ મીઠા લાગ્યા. અમે બહાર તરફ જઈ રહ્યા હતા. વચ્ચે એક મૂર્તિ પાસે એક જુવાનડી ફોનમાં વાત કરતી હતી, "હું અહીં માથે પહાડ લઈને ઘણા બધા માથા વાળી એક મૂર્તિ છે ત્યાં છું." હું ને બુધો તો આ વાક્ય સાંભળીને જ ઉભા રહી ગયા..! આને આટલી ખબર નથી આ કોની મૂર્તિ છે ને શું સૂચવે છે? વચ્ચે ઇન્સ્ટા રીલ્સમાં મેં અમુક રીલ્સ જોઈ હતી, જેમાં હિન્દૂ ધાર્મિક સવાલો પૂછવામાં આવતા વિદ્યાર્થીઓથી માંડીને કહેવાતા સભ્ય સમાજના લોકો પણ નિરુત્તર દેખાતા હતા, ત્યારે હું માનતો હતો, કે આ માત્ર મજાક ખાતર બનાવેલ વિડિઓ છે, પણ ખરેખર ઈ મહાકાલ કોરિડોર માં એવા ઘણા જોયા જેમને પાયાની બાબત પણ ખબર નથી, અમે ઈ પહાડ ઉપાડેલ ઘણા માથા વાળા પુરુષને પાછળથી જોઈને કહી દીધું હતું કે રાવણ કૈલાશ ઉપાડે છે, અને ઓલી જુવાનડી મૂર્તિની આગળ ઉભા રહીને, અરે ત્યાં તો એનો પરિચય અને કથાનક પણ એક પાટિયા ઉપર લખેલા છે છતાં જણાવી શકતી નથી કે કોની મૂર્તિ આગળ તે ઉભી છે..! ઠીક, જેવી દિશા તેવી દશા..!
અમે તો ભાઈ કોરિડોરમાંથી નીકળ્યા, ફરી ફરીને પાર્કિંગ પહોંચ્યા. કાર ઉપાડી, સીધા ગુજરાતી સમાજ. બિલ્ડીંગ નો ગેઇટ બંધ થઇ ગયો હતો, એક બંદૂકધારી પોલીસ જવાન પહેરો દઈ રહ્યો હતો. બુધાને કીધું ગેઇટ ખોલ, બુધો કારમાંથી ઉતરીને ગેઇટ પાસે પહોંચીને ગેઇટ ખોલી રહ્યો હતો, તરત જ પેલો જવાન આવીને પૂછી રહ્યો કે, "કોનું કામ છે?" એને સમજાવતાં કે અમારો રૂમ છે અહીંયા, ત્યારે અમને એણે અંદર દાખલ થવા દીધા. એમના કોઈ મોટા સાહેબ પણ ત્યાં હાજર હતા, ખુર્શીઓએ ઢાળીને બધા બેઠેલ, બાજુમાં જ મેં કાર પાર્ક કરી, સાહેબો સ્વભાવના સારા જણાતાં હતા, બૂધોને ગજો તો માલ-પાણી લઈને રૂમ તરફ છૂટી નીકળ્યા, ગુજરાતી અને દારૂનો સંબંધ જ કાંક એવો છે..! મેં કારમાંથી ઉતરીને પાણી ની બોટલ હાથમાં લીધી, લૂંગી ખભે નાખી. લૂંગી એટલે ઓલી પેરવા વાળી નહીં હો, કચ્છ-કાઠીયાવાડમાં એક રાતાં રંગમાં સફેદ છાંટણા વાળી સુતરાઉ કાપડની બીલકુલ ઝીણી ચાદર જેવી આવે છે. હું ક્યાંય બહાર જાઉં ત્યારે ઈ જરૂર સાથે લઇ જાઉં છું. ઘણી ઉપયોગી છે, ઠંડી લાગે તો કાન ફરતે વીંટાળી શકાય, મોં લુછવા કામ આવે, અને હા, ઝભ્ભો-કુર્તો પહેર્યો હોય તો ગળા ફરતે વીંટાળી ફેશન પણ થઇ શકે, નહાવું હોય તો એની પોતડી પણ વાળી શકાય, અને બિલકુલ આછા કાપડની હોવાથી સુકાય પણ જલ્દી જાય. એટલે મને ઈ વધુ પસંદ છે. હા, તો કાર માંથી ઉતર્યો, રિમોટ કી વડે કાર લોક કરી, પણ થઇ નહીં. બેટરી-સેલ પુરી થઇ ગઈ હશે એટલે મેન્યુઅલી દરવાજામાં ચાવી લગાવીને જ કાર લોક કરી. પેલા સાહેબ બોલ્યા, "અરે કોઈ ટેંશન નહીં હૈ ગાડી લોક ના હોવે તો, હમ બેઠે હૈ યહા." ને હું સાહેબ સામું જોઈ હસી રહ્યો. "કહાં સે આયે હો?" ગુજરાત પારસીંગ કાર જોતા તેમણે જ પૂછ્યું.
"કચ્છ" મેં ટૂંકમાં જવાબ આપતા કહ્યું.
"બહોત દૂર હૈ વો તો, વો રણ વાલા કચ્છ ના, પાકિસ્તાન બોર્ડર.."
મેં બસ "હા" કહ્યું.
"હો ગયે દર્શન?"
મારે કહેવું તો હતું કે, કાંક લાગવગ કરીને થોડા સરખા દર્શન કરાવી દ્યો, પણ માંડી વાળ્યું. એવડો થાક્યો હતો, કે બસ ન્યાં સાહેબ પાંહે આરામ ખુરશી હતી હું તો ન્યાં જ સુઈ જાઉં એવી હાલત હતી. "હા, દર્શન તો હો ગયે ભીડ બહુત થી."
"હા, દીપાવલી ગઈ ના, ઔર સ્કૂલો કે વેકેશન હૈ, તો ભીડ તો રહેગી. ઔર આગે કે ક્યાં પ્લાન હૈ?"
"બસ કલ સવેરે કાલ-ભૈરવ જી દર્શન કરકે ઓમકારેશ્વર જાના હૈ."
"અરે વાહ, બહોત અચ્છે."
"જી" કહીને હું રામ-રામ કરીને રૂમ ભણી નીકળી ગયો. રૂમમાં બુધાયે તો ટેબલ જેવું કામ-કાજ સજાવી રાખ્યું હતું. ડિસ્પોઝેબલ પ્લેટમાં વેફર્સ, દાળ, નમકીન્સ ગોઠવી હતી, કલકલિયા (KINGFISHER BEER) ને અને બુઢા બાવાને (OLD MONK XXX RUM) બાજુમાં ગોઠવીને ફોટો-શેશન ચાલતું હતું. રૂમમાં દાખલ થતા જ બુધો બોલ્યો, "મુસ્કુરાઇયે આપ મઘ્યપ્રદેશમે હૈ." ને હું મુસ્કુરાતો બાથરૂમ માં ગયો, ખોબા જેવડી વોશ-બેઝીનમા હાથ મોઢું ધોયા. અને બેઠક જમાવી..! આંખુ એટલી બધી ઘેરાતી હતી કે, વાત પૂછો માં. પણ ગુજરાતના પ્યાસીઓ આવી બેઠક તરછોડે કેમ? ત્રણમાંથી એકેય જમ્યા નહોતા, બસ આ બાઇટિંગ ઉપર જ ભાર હતો. ગજા એ તો ચખનાં સિવાય કાંઈ ચાખ્યું નહીં, બસ મેચ જોયે રાખતો હતો. ચારેકોર છાંટણા નાખીને બુધાએ એક ગિલાસ ગટગટાવ્યો. મેય કલકલિયાના કેન માંથી સહેજ ઢોળીને ગટગટાવ્યું..! ચોવી માંથી ખાલી બે જ કલાકની નિંદ્રા લીધી હતી, એટલે હવે તો બસ સુવા સિવાય કોઈ ઈચ્છા હતી નહીં. કેન પૂરું કર્યું ને, બુધાએ પણ બે ગિલાસ ગટગટાવીને નિંદ્રા લેવી એજ ઉત્તમ ગણ્યું.
સવારે પાંચ વાગ્યે અમે જાગી ગયા. એક વાર તો અંતરથી ઈચ્છા થઇ કે, હાલો, ક્ષિપ્રામાં જ ડૂબકી લગાવી લઈએ, પણ રૂમ માંથી બહાર નીકળી ને ધાબા પર ગયો, ત્યાં તો ઠંડીની એક લહેરખી એવી આવી ગઈ કે શરીરમાંથી એક કંપારી છૂટી ગઈ. એક ધજા હવામાં ફરકી રહી હતી. મહાકાલનું સ્મરણ કરીને મેં તો બાથરૂમમાં જઈને ટાઢા પાણીએ જ નાહી લીધું. ધીમે ધીમે ગજે અને બુધાએ પણ હિમ્મત દેખાડીને સ્નાનાદિ થી નિવૃત થયા.
સામાન વગેરે સમેટીને કાર પાસે પહોંચીને છાપા ના કાગળ વડે ગાડીના કાચ સરખા ઘસ્યા. ઇગ્નીશન શરૂ રાખીને ગાડી ઉપર થોડો ગાભો ફેરવી સ્વચ્છ કર્યા જેવો દેખાડો કરી લીધો. પાણીની છ-સાત બોટલ ભેગી થઇ ગઈ હતી કારમાં. સામે જ પાણીની મોટી માણ હતી. અમે બધી બોટલો પાણીથી ભરી લીધી, જેથી નવી ખરીદવી ન પડે, પૈસા પણ બચે, અને પર્યાવરણને પ્લાસ્ટિકનો અમારી તરફથી વધુ વેસ્ટ ન પહોંચે. લગભગ છ-સાડા છએ અમે કાલભૈરવને શરણ પહોંચી ગયા હતા. ત્યાં છાબડી માં પ્રસાદી ચડાવે છે, એ છાબડીમાં એક શ્રીફળ હોય, અગરબત્તી, બેસનના ચાર લડવાનું બોક્સ હોય, અને કાળા-રાતા-પીળા દોરા હોય. ને ભેળું એક ક્વાર્ટર (દારૂ) ચડાવવાનો પણ રિવાજ છે. અમે સવાર સવારમાં જ પહોંચી ગયા હતા. લાઈનો માટેના બેરિકેડ્સ ગોઠવેલા હતા, પણ અમે જ દર્શનાર્થી હતા, બેરિકેડ્સ વચ્ચેના ગૅપમાંથી સીધા જ મંદિરમાં દાખલ થયા. ભગવાન કાલ ભૈરવના દર્શન કર્યા, મંદિરથી નીકળતા ડાબે જ નીચે ક્ષિપ્રા નદીમાં ઉતરતો ઘાટ છે. થોડી ધુમ્મસ હતી, ક્ષિતિજથી થોડે જ ઊંચો સુરજ - કેસરી સુરજ - શોભાયમાન હતો, અને તેની છાયા ક્ષિપ્રાના સ્થિરપાણીમાં સહેજ સહેજ ઉઠતા વમળોથી ધૂંધળી પણ થઇ રહી હતી. પાણી ઉપર જાણે મેરેથોન મચી હોય એમ ધુમ્મસ ધોડ્યે જાતી હતી.
કાલભૈરવથી નીકળ્યા, બુધાને કીધું મેપ માં સાંદિપની આશ્રમનું લોકેશન નાખ. સાંદિપની આશ્રમ ખાસ દૂર નથી. થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયા. ભગવાન કાળિયો ઠાકર, દાદો શ્રી કૃષ્ણ જ્યાં બાળ સ્વરૂપમાં જ્યાં ભણ્યા છે, જ્યાં રમ્યા છે, બાલ-સખાઓ સાથે ગોઠડીયું કરી છે, વિદ્યા ગ્રહી છે, ખરેખર ખુબ સરસ સ્થાન છે. અને અમે તો સવાર સવારમાં પહોંચી ગયા હતા. એકદમ શાંતિ હતી. બહાર કોઈ કોઈ વાહન જ .ફરતું હતું. થોડી વાર ત્યાં શાંતિનો સત્કાર કરીને અમે નીકળી ગયા. હવે નોનસ્ટોપ જવું હતું, બસ ૐકારેશ્વર.. ઉજ્જૈન થી નીકળતા જ ચા ની તલબ ઉઠી. સવારથી નવ-સાડાનવ વાગવા આવ્યા હતા, એક ચા નહોતી પીધી. એટલે કોઈ સારી જગ્યા જોઈને ચા પીવા ઉભું રહેવું હતું. એક જગ્યાએ ત્રણ-ચાર ગુજરાતની ગાડીયું ઉભી'તી. એટલે ત્યાં જ મેં સ્ટોપ લીધો. મધ્યમ કદના ઢાબા માં એક જ જણ હતો. ત્રણ ચા લીધી. ગજે પેલા તો ચા નો કપ હાથમાં લઈને સ્નેપ પાડ્યો, ને સ્ટેટ્સ-બેટસ ચડાવ્યા. બુઢો ઇન્સ્ટા હાટુ રીલ બનાવતો લાગ્યો, "ચાય હૈ, રોડ ટ્રીપ હૈ, પર જિસકે સાથ પિની થી વહ નહીં હૈ, ખૈર ચાય અચ્છી હૈ.." આવો કાંક ડાયલોગ હતો. ઠીક છે ભાઈ, સોશિયલ લાઇફનો દેખાડો કરવો પણ જરૂરી છે. જો કે મનેય આવી ઈચ્છા તો ઘણીય થાય પણ આવડતું નથી, એટલે મેં બે-સ્વાદ ચાની ચુસ્કીઓ લીધી. ચા નો પ્રથમ ઘૂંટ લેતાં જ ગજો બોલ્યો, આના કરતા તો હું હાથે સારી બનાવી લઉ..! ઠીક છે, પ્રથમ ગ્રાસે જ મક્ષિકા, આવડી બેકાર ચા તો મેં ક્યાંય નથી પીધી, પણ પુરી કર્યે પર હતો, ચાની જે તીવ્ર ઈચ્છા ઉપર આ ઢાબા વાળાએ ચા ઢોળી છે એવી જ રીતે અડધો કપ મેં પણ ઢોળી નાખ્યો. અરે તકલીફ તો ત્યાં થઇ કે, એક તો અમારે ઓમકારેશ્વર પુગવાની ઉતાવળ, કારણ અમારે ત્યાંથી આગળ મહેશ્વર પણ જવું હતું, અને આ ચા વાળો રૂપિયા ન લે, ઈ ચા ઉકાળતો હતો, નવી ગ્રાહકોની ભીડ ભેગી થઇ રહી હતી, કારણ પાંચેક ગુજરાત પારસીંગ કાર જોઈને બીજા ઘણા ગુજરાતી પ્રવાસીઓ કાર થંભાવીને અહીંની બેકાર ચાને માણવા એકઠા થવા લાગ્યા. અને પેલો એકલો ઢાબા વાળો કોકને ચા આપે, કોકને પૌઆ, કોકને વેફર્સના પડીકા.. અમે તો ચા પી લીધી હતી, રૂપિયા આપતા, પણ ઈ લેતો નહોતો અને કહેતો હતો, "અભી ટાઈમ લગેગા.." મેં ત્રણ ચાર વાર રૂપિયા આગળ કર્યા, "તીન ચાય કે પૈસે કાટ લો.." પણ ઓલો એકનો એક જવાબ આપે, "અભી ટાઈમ લગેગા.." અને ગજાનું મગજ ગયું, "એ ભાઈ.. તેરી એ બેસ્વાદ ચા હમને પી લિયા હૈ, તું પૈસે લેલે, વૈસે ભી એસી ચાય હમ ઢોળ દેતે હૈ.. તું ખાલી પૈસે લે લે.." ઓલો સમજી તો ગયો, પણ કાંઈ બોલ્યો નહીં, બસ ત્રીસ રૂપિયા કાપીને સિત્તેર અમને પ્રેમથી પાછા આપી દીધા. થોડે આગળ જઈને એક પાન-ગલ્લો દેખાયો.. મેં તરત બ્રેક કરી, ચા માથે એક સિગરેટ તો પીવી પડે ને..! હા, બહારગામ નીકળ્યા પછી હું કોઈ બંધનો રાખતો નથી.. અને વ્યસન પણ વ્યસન જેવું ગણતો નથી. પાન નો ગલ્લો હતો ખરો, પણ ભૂતપૂર્વ.. બસ બેનર રહ્યા હતા, રજનીગંધા માટે પૂછ્યું, તો કહે છે, પણ 00 નહોવાથી મેં એક સિગરેટ સળગાવી, ગાડીમાં બેઠો, બુધાએ ગાડીના ગ્લોવ બોક્સમાંથી એક માવો કાઢ્યો.. "આ ક્યાંથી આવ્યો"
"હળવદ વાળો બચ્યો હતો ને.."
બુધા ને ધન્યવાદ દેતા મેં માવો મુખારપણ કરતા રોડ ને ખૂંદવા ચડી નીકળ્યા..
ઉજ્જૈન થી ઇન્દોર બાયપાસ સુધી તો ફોરલેન હાઇવે મળ્યો, પણ ઇન્દોર પછી.. ટૂ લેન રસ્તો, ઇય આખા રસ્તામાં કામ ચાલુ, ક્યાંક ખાડો, ક્યાંક બમ્પ, ક્યાંક ડાયવરઝ્ન, ક્યાંક ટ્રાફિકજામ..! પણ હા.. સિમરોલ પાર કર્યા પછી બૈગ્રામ સુધી ઘાટ વાળો રસ્તો છે, વળી જંગલ જેવું પણ.. એટલે ઘણા જ સુંદર દ્રશ્યો, પ્રાકૃતિક વાતાવરણ અને રસ્તાનો આનંદ.. રોડટ્રીપમાં બીજું જોઈએ શું..! વચ્ચે નાના-મોટા ગામડાઓ આવે છે. રસ્તો ઘણો જ ખરાબ છે..! આગળ જતા, બળવાહ પાસે ત્રણ રસ્તા પડે છે, એટલે ભારે માંહ્યલો ટ્રાફિક જામ હતો, ન્યાથી માંડ નીકળ્યો, આગળ જ નર્મદા નદી ના વિશાળ પટ ઉપર બાંધેલો પુલ છે, ને પુલ પસાર કરતા થોડે આગળ ડાબે શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જવા રસ્તો છે. આ રસ્તો એટલો જોરદાર હતો કે, ગજો ને બુધો તો મોબાઈલ કાઢીને ઘડીકમાં ઇન્સ્ટા લાઈવ જાય, ઘડીક રીલ્સ બનાવે, ઘડીક ફોટાઓ પાડે. રોડ ની બંને બાજુ વાવેલ વિશાળકાય વૃક્ષોની શોભમાં ચાર તો શું સોળ ચાંદ લગાવતા હતા..! મને તો ઈ પાંદડાં ઉપરથી તો સાગના વૃક્ષો લાગતા હતા. અને એક દમ સીધો રસ્તો.. બસ ગાડી દોડાવ્યે જાવ. થોડી જ વાર માં અમે ઓમકારેશ્વર પહોંચી ગયા. એક તો ઓમકારેશ્વરમાં ઘુસ્તા જ ઈ લોકો એ 50ની પર્ચી ફાડી. વળી અમને ખાસ ખ્યાલ હતો નહીં, એટલે ઠેઠ નર્મદાના કાંઠા સુધી વયા ગયા, ખીચોખીચ વાહનો અને પદયાત્રીઓથી ભરપૂર ઈ રોડ ઉપર માંડ માંડ યુટર્ન લીધો. એક પાર્કિંગ માં ગાડી લગાવી. તરત જ પાર્કિંગ વાળો આવ્યો. મેં પૂછ્યું "કિતને", પેલા એ 100 ની પર્ચી બતાવી. "લેલે ભાઈ, પૈસા હી પરમેશ્વર હૈ..!"
અને પાર્કિંગ વાળા દ્વારા મંદિર દર્શન વિશેની થોડીક માહિતીઓ જાણી. અમને ઉતાવળ હતી, કારણ અમારે અંધારા પહેલા મહેશ્વર પહોંચવું હતું. એટલે અમે તો દર્શન માટે રીતસર દોડી રહ્યા હતા, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એક માંધાતા નામક નદી ટાપુ ઉપર સ્થિત છે, કાં તો નર્મદા ઉપરના બંધ ને લીધે, જ્યોતિર્લિંગની બંને તરફથી નર્મદાનો પ્રવાહ વહે છે. એક પુલ વડે જ્યોતિર્લિંગ નું જોડાણ આ તરફની જમીન સાથે છે. ઠેકઠેકાણે ઓલ્યા કપાળ રંગનારાઓ મળે, એટલે અમેય ત્રણે જણાએ ચંદનને નામે પાકા પીળા રંગ વડે કપાળ રંગાવ્યું. અમે ઘા એ ઘા બસ દર્શન માટે દોડી રહ્યા હતા. મંદિરમાં આવવા જવાના રસ્તા માટે વચ્ચે ડિવાઈડર મુકેલ છે, અને અમે ભૂલમાં બહાર નીકળવાને રસ્તે દાખલ થવા લાગ્યા, કોઈએ ટોક્યા પણ નહીં. નકરેય ખબર પડી જાત કે આ રસ્તો નથી..! ડાબે જમણે ડાબે એમ સીડી ચડી-ઉતરીને અમે તો એક ઠેકાણે પહોંચ્યા, તો ત્યાં બેઠેલ એક વ્યક્તિએ પૂછ્યું, "કિધર", એટલે મેં કહ્યું, "દર્શન કરને.." તો ,ઓલ્યો ક્યે ખોટે રસ્તે આવ્યા, આંયથી તમને અંદર જવા નહીં દે..! પણ ગુજરાતી રહ્યા ને એટલે કીધું કે કાંક ગોઠવી લેશ્યું. અરે હા, જયારે મંદિર તરફના રસ્તામાં હતા ત્યારે એક ધોતીધારીએ અમને પૂછ્યું હતું, "ડાયરેક દર્શન?",
મેં પૂછ્યું, "કિતને",
તરત ઓલ્યો ધોતીધારી ધંધાકીય પ્રવૃત્તિમાં વળ્યો, "કિતને આદમી હો.."
"તીન" મેં કહ્યું.
"પંદ્રહસો લગેંગે."
એટલે મેં પ્રત્યુત્તર દીધા વિના જ ચાલતી પકડી હતી, અહીંયા ફરી એક ધોતીધારી મળ્યો, "ડાયરેક્ટ દર્શન?"
"કિતને" ફરી મેં એજ રકમ ધારી હતી,
"કિતને આદમી હૈ?"
"તીન"
"પંદ્રહસો"
"વ્યાજબી કર લો મહારાજ, તીન આદમી હૈ છઃસો દે દેતે હૈ,"
ત્યાં તો ઓલ્યો માથું ધુણાવતો બોલ્યો, તીનસો તો એક જણે કી VIP ટિકિટ હૈ, બાકી હમે આપ દક્ષિણા ભી તો દેંગે.."
"ઠીક હૈ તો તીન આદમી હૈ, નૌસો વો ઔર પચાસ રૂપે આપ કો દક્ષિણા દેતે હૈ. સાડે નૌસો મેં ડન કીજીયે પ્રભુ, બડી દૂર સે આયે હૈ.."
"અરે નહીં, ગયારહસો દે દેના, ઉસસે કમ નહી હોગા.."
એટલે મેં તો ચાલતી પકડતા કહ્યું, "ન મેરા ન આપકા, એક હજાર મેં કરવા દો." ને ગજા ને બુધા ને દર્શન ની લાઈન ભણી દોરવા લાગ્યો.
પણ ઓલ્યો પંડિત "ઠીક હૈ" કહીને માની ગયો, ને અમને બેરિકેડ્સ વચ્ચેથી પસાર કરીને પ્રબંધક પાસે લઇ ગયો, પરચીને નામે પંડિતે પોતાના પરિચિત જાહેર કરીને અમને લાઈનની વચ્ચેથી ઘુસાડી દીધા. અને અમે તો માંડયા દાદર ચડવા.. પાછળ થી પેલો પંડિત અમને બોલાવી રહ્યો, "હવે શું થયું?"
"અરે, દક્ષિણા હમારી"
ને અમે હજાર આપ્યા, પણ ઈ જીદ કરવા લાગ્યો હોવાથી મેં અગિયારસો પકડાવી ચાલતી પકડી. આ ખાલી VIP દર્શનની લાઈન હતી. જે સીધા ગર્ભગૃહ માં દર્શન થઇ શકે. અમે તો ઝડપથી દાદર ચડ્યા, ત્યાં તો એક બાઈ કતરાતી બોલી, "એ ભાઈ, પીછે લાઈનમેં આવો."
"ઓહ, હમકો પતા નહીં થા, કોઈ બાત નહીં આપકે પીછે હમ આ જાતે હૈ."
ત્યાં તો બીજી એક ફેમિલી આડી ઉતરી, "પીછે લાઈનમેં આઓ" ખરેખર તો ઈ અમારી પાછળ હતા, પણ અમે થોડીક ઉતાવળ માં ભૂલી ગયા એટલે ભોગવીએ બીજું શું થાય, "ઠીક હૈ ભાઈ, તુમ ભી આગે ચલે જાઓ, દસ મિનિટ હમ લેટ હો જાયેંગે તો કોઈ ફર્ક નહીં પડેગા." એમ કહી ને વાત ટાળી રહ્યો હું.
એની જ જસ્ટ પાછળ ચાર જણાનું એક ફેમિલી હતું, ઇય કાકો બોલ્યો, "એ ભાઈ, લાઈનમેં પીછે આઓ." અને મારો મગજ ગયો.
"ક્યાંનો છો એય?"
"ઘણે દૂર સે આયે હૈ."
"ઠીક હૈ, તુમ્હારે કો પતા હૈ, હમ કિધર થે? તુમ્હારે જૈસે છહ જણે કો આગે જાને દિયા હૈ, તુમ ચાર ભી ચલે જાઓ, લેકિન ચુપચાપ."
ને ઓલ્યા કાકા નો છોકરો મને મનાવતો પાછળથી ઈશારા કરી રહ્યો કે "વાત જવા દ્યો."
ગજો મારો હાથ પકડી રહ્યો હતો, કે બસ હો મંદિર માં છીએ.
બુધો કાકાની પાછળ જ લાઈનમાં ગોઠવાઈ ગયો, અને મને કહે અહીંયા આવતા રહો, ને અમે અંતે લાઇન માં ગોઠવાઈ ગયા. ઘડિયાળમાં જોયું, બારમા વિશ બાકી હતી, અને બાર વાગ્યે ગર્ભગૃહ બંધ કરીને આરતી કરવાનો સમય થતો હતો, અને પછી એક વાગ્યે પુનઃ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મુકાતું હતું. લાગતું તો નહોતું કે વિશ મિનિટમાં આ VIP વાળી લાઈન માં પણ દર્શન થઇ શકે. કારણ, ત્રણસો રૂપિયાની ટિકિટ સર્વ કોઈ લઇ રહ્યા હતા. અમારા જેવા અબુધ જ કોક હશે જેમને આવી VIP વાળી વ્યવસ્થા વિશે ખ્યાલ નહોતો. અમારી લાઈન તો થોભી ગઈ, લાગતું હતું, કે હવે તો ઓમકારેશ્વરમાં જ બે વાગી જશે, અને મમલેશ્વરમાં વખત લાગશે ઈ જુદો..! અમારી આ લાઈન આગળ વધતી જ નહોતી. એટલે ઓલ્યા રકઝકીયા કાકા હાર્યે તણખા ઝેરવવા મેં વાત ની શરૂઆત કરી, "ક્યાંના છો કાકા?"
"જૂનાગઢ."
"ઓહો, શેમાં આવ્યા?"
કાકો અમીર હતો, "ઇન્દોર સુધી ફ્લાઈટમાં."
"અચ્છા સીધા ઓમકારેશ્વર?"
"ના, ઈન્દોરથી ટેક્ષી લીધી, મહેશ્વર રાત રોકાયા, અને આજે અહીંયા."
કાકો ઢીલો પડ્યો જણાતો હતો, એટલે મેં વાત પડતી મૂકી, ને ગજો વળગ્યો.
"તો કાકા, મહેશ્વર કેવું છે? અમે સાંજે જવાના છીએ.."
"બહુ સરસ જગ્યા છે, જોવા જેવી. ઘાટ વગેરે ઘણું સરસ છે."
ને અમે બસ મંદિરથી આઠેક પગથિયાં દૂર હશું ને સવા બારે મંદિરનું ગર્ભગૃહ બંધ કરવામાં આવ્યું..! દેખાતું તો કાંઈ હતું નહીં પણ કદાચ મહાદેવનો શૃંગાર થતો હશે. હું બધા વિચારોથી મુક્ત થવા મથતો બસ મનમાં "મહાદેવ મહાદેવ મહાદેવ" નું રટણ કરી રહ્યો હતો. બધા સીડી ઉપર જ બેસી ગયા. કારણ હવે સીધું એક વાગ્યે મંદિર ખુલશે. ગજો ને ઓલા કજિયારા કાકા વાતુએ ચડયા.
"તમે ક્યાંથી આવો છો." ઓલા કાકાએ ગજાને પૂછ્યું,
"કચ્છ."
"ઓહો, ટ્રેઈન માં?"
"ના, બાય કાર.."
કાકો ચોંકી રહ્યો, "ઓહો, ઘણું દૂર થાય.."
"હા, કાલ હતા ઉજ્જૈન ને આજ ઓમકારેશ્વર.. ને સાંજે મહેશ્વર જાવું છે.."
"સરસ જગ્યા છે, મહેશ્વર નાઈટ રોકાજો."
"ભલે" કહી ગજે વાતને વિરામ આપ્યો.
બુધો મોબાઈલમાં વ્યસ્ત થયો, અને હું અને મારી પાછળ એક કોઈ ધાર્મિક વ્યક્તિ હતા, કદાચ નર્મદામાં કોઈ વિધિ કરવા આવેલ એ ભાઈ તો મોટેથી મહાદેવ મહાદેવ નું ઉચ્ચારણ કરી રહ્યા હતા, અને હું મનમાં. થોડી જ વારમાં નગારાં વાગવા લાગ્યા, હાર્યે ઝાલરો રણકી.. ઘંટનાદ થવા લાગ્યો.. મેં આંખો ખોલી, બધા તાળીઓ પાડી રહ્યાં હતા.. "નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.. હર" ના નારાઓ થયા.. નગારાંના તાલ સાથે તાળીઓનો તાલ પણ ઘડીક તીવ્ર ગતિએ તો ઘડીક મંદ ગતિએ થતો રહ્યો. આરતી શાંત થઇ..! મંદિરના દ્વાર ખુલ્યા, જે જે લોકોએ અમને લાઈન ને નામે પાછળ કર્યા હતા, ઇય હવે અમારી સાથે જ મંદિર માં પ્રવેશ કરી રહ્યા હતા. ભગવાન શ્રી ૐકારેશ્વરનું જ્યોતિર્લિંગ તાજા પુષ્પોથી શણગારેલ હતું, માથું અડાડીને ૐ નમઃ શિવાય ઉચ્ચારી દર્શન કરીને અમે બહાર નીકળી ગયા, નર્મદાનો પેલો પુલ ફરી પાર કરીને સામે જ કાંઠે શ્રી મમલેશ્વર મહાદેવના મંદિર પહોંચી ગયા. કહેવાય છે, ૐકારેશ્વરના દર્શન મમલેશ્વર ના દર્શન કરો તો જ ફળે..! જે માન્યતા હોય તે પણ અમે આવ્યા જ હતા દર્શન કરવા તો, શાને દર્શન મૂકીએ, મને તો હતું કે ઓમકારેશ્વર જેટલી જ ભીડ હશે.. પણ અહીંયા તો કોઈ હતું જ નહીં.. દોઢ વાગ્યો હતો બપોર નો.. ભગવાન શ્રી મમલેશ્વર ના દર્શન ઘડીક માં થઇ ગયા, જો કે અહીંયા તો અમુક પંડિતો તાંબાના લોટા સાથે ખડા હતા, કે શિવ ને જળ ચડાવો, દક્ષિણાં આપો..! ભગવાન મમલેશ્વર ના દર્શન કરીને બજાર માં નીકળ્યા.
અહીંયા પણ ઉજ્જૈન જેમ જ ઠેકઠેકાણે મહાકાલ વાળા શર્ટ્સ, ધોતીયા, રુદ્રાક્ષની માળાઓ, રમકડાં, નાના શિવલિંગ, શાલિગ્રામ, અમુક તો નદીના પાણીમાં ઘસાયેલ ગોળાકાર પથ્થરો, શંખ, ને એવું એવું ઘણું ઘણું વેંચતા હતા..!!!
અમારે કાંઈ લેવું તો હતું નહીં..! એટલે અમે અમારી પાર્કિંગ તરફ ચાલતા થયા..! ગજો ને બુધો હવે ભુખા થયા તા..! મને તો બહાર નીકળ્યા પછી ભૂખ શું હોય ઈ ખ્યાલ રહેતો જ નથી..! સવારના ચા સિવાય ભૂખ્યા આ બેય ને ટળવળતા જોઈને મનેય થયું કે જમી લેવી..! એટલે એક નાની રેસ્ટોરેન્ટ માં ગયા, સાદું ભોજન લીધું, અને બપોરના ત્રણેક વાગ્યે નીકળી પડ્યા.. જે ઝટ આવે મહેશ્વર..
ઓમકારેશ્વર થી પાછું બળવાહ સુધી આવવું પડે, બળવાહમાં ત્રણ રસ્તા પડે છે, ઓમકારેશ્વર થી આવતા હોય, સીધો રસ્તો તો ઇન્દોર જવા માટે અને ડાબે વળીએ એ રસ્તો મહેશ્વર જાય..! મહેશ્વર સુધી ટૂ લેન રસ્તો, વચ્ચે આવતા ગામડાઓ થી થોડો ટ્રાફિક સર્જાય છે..! પણ રસ્તો સિનિક છે, ખેતરો, ક્યાંક કોરા મેદાનો, ક્યાંક જળથી ભરપૂર તળાવો.. ઘણું જ સુંદર..! બુધાએ તો ગાડીમાં જ બુઢો બાવો (OLD MONK) કાઢી ભાઈ, એક કડક પેગ બનાવ્યો, અને કાચ ખોલી ને આવતા શીતળ વાયરાને અનુભવતો, મંડ્યો ઘૂંટડા ભરવા..! હવે જીવ તો મારોય ઠેકડા મારતો તો, પણ હું કાયદા-કાનૂન પ્રત્યે થોડોક સ્ટ્રિક્ટ તો છું. હા ! ઓમકારેશ્વરમાં અમે દર્શન માટે થોડીક મસ્તી કરી હતી, પણ કાયદેસર ચાલ્યા હોત તો પણ 300 ની પર્ચી મળી જ જાત..! આતો એમ સમજોને કે દલાલી ના 200 વધુ દીધા..! ભલું કરે ભોલેનાથ.. જ્યાં આ પંડિતો જ આવી કટકી મારવા તત્પર હોય ત્યાં ઓમકારેશ્વર તો ધ્યાનમાં રત જ રહે ને..! અને સારું છે ધ્યાનમાં રત રહે છે, રખે ને ડોળો કાઢે, તો ધરા રસાતાળ જાતા વાર ક્યાં લાગે..!!
બળવાહ થી નીકળ્યા, પછી કિઠુડ, બરલાય, પીપલીયા, કોંગાવા, કતરગાંવ, નંદરા, ધરગાવ, ખરગાઓ, પછી મંડલેશ્વર અને પછી મહેશ્વર..! મહેશ્વર ખરેખર એટલું જોરદાર અને રમણીય સ્થળ છે કે વાત જ જાવા દ્યો..! અમે લગભગ છ-સાડા છ વાગ્યે મહેશ્વર પહોંચી ગયા હતા..! મહેશ્વર ગામ માં ગળતાં જ રોડ ઉપર એક જુવાનિયો ખુરશી ઢાળીને બેઠો હતો, ગાડી તેણે બ્રેક કરાવી. સીધું જ બોલ્યો, "તીસ રૂપે."
ઠેકઠેકાણે આ પરચીયું થી ત્રાસિત હું ગાડીથી નીચે જ ઉતરી ગયો, ઓમકારેશ્વરમાં પણ લેવા-દેવા વિનાની પચાસની પર્ચી ફડાવી'તી, અને અહીંયા આ,એટલે થોડા ગુસ્સામાં જ હું બોલ્યો, "ક્યાં હૈ યે તુમ્હારે M.P. મેં, હર જગહ પર્ચી પે પર્ચી ફાડને લગ રે.."
થોડો ક્રોધમાં મને ગાડીથી ઉતરેલો જોઈ પેલો પર્ચી વાળો નરમાશથી બોલ્યો, "પાર્કિંગ કે હૈ, નગર નિગમ.."
"મેરે કો પાર્ક કરની હી નહીં હૈ, મેં હોટેલ લે કે રુકને વાલા હું.."
"ઓહ, લેકિન આપકો હોટલ મિલેંગે નહીં, દો દિન બાદ ઈલેક્શન હૈ.. લેકિન આપ હોટલ કૃષ્ણ પેલેસ મેં ચલે જાના, ઔર બોલના મેને સજેસ્ટ કિયા હૈ.."
"ઠીક હૈ." કહીને હું ગાડીમાં ગોઠવાયો.. હોટલનું નામ લેતા પરચી ન ફાડી, અને મહેશ્વર ગામમાં દાખલ થયો. હા, ગામ એટલે કહું છું, કે મહેશ્વર બહુ મોટું નથી, આપણે અમુક ગામડાંય આ મહેશ્વર કરતા મોટા હોય છે.
થોડે આગળ જતા જ એક પોલીસ વાળો રોડ વચ્ચે ખુરશી ઢાળીને મોબાઈલ ચલાવતો હતો. અમને જોઈને કાર પાર્કિંગમાં લગાવવાનો ઈશારો કર્યો, એલા પણ કિલ્લો નથી જોવો, હોટેલ માં રૂમ લેવાની છે, મારી પેલા બુધો ઉતરીને પોલીસ વાળા પાસે ગયો, એને સમજાવ્યો કે અમારે હોટલ બુક છે, ત્યાં અમારી બુકિંગ અને પાર્કિંગ બંને છે, એટલે આગળ જવા દે, પણ પેલો પોલીસ વાળો પોતાના મોબાઈલમાં વ્યસ્ત અને મસ્ત હતો, થોડી વારે તેની બાજુમાં ઉભેલા કોઈ જણે તેને સમજાવ્યો અને અમને ગામમાં જવા રસ્તો દીધો. મહેશ્વરની સાંકડી શેરીઓ વાટે અમે હોટલ શોધી રહ્યા હતા, હોટલ રાજ પેલેસ જ જવું હતું, પણ રસ્તો ઘણો જ સાંકડો હતો અને સાંજ વેળાએ ઘણા ટુરિસ્ટ આવેલ હોવાથી પેલા પર્ચી વાળાએ જણાવેલ કૃષ્ણ પેલેસ શોધી. રીશેપ્શન પર કોઈ હતું નહીં, નીચે સાડીની દુકાન હતી, ઉપર હોટલ, એક મહિલા આવી, એટલે મેં જ પૂછ્યું, "રૂમ મિલેગા?"
"સર, પરસો ઈલેક્શન કી વજહ સે પુલિસને હોટલ બૂકિંગ્સ બંધ કરવા રખે હૈ, ફિર ભી મેં પૂછ કે બતાતી હું."
હું ને બુધો સામસામું જોઈ રહ્યા, આ કેવી સિસ્ટમ.. "રૂમ પ્રાઇસ ક્યાં હૈ વૈસે?"
"સેવન ફિફટી સર."
બિલકુલ કિલ્લાના દરવાજાની સામે જ રૂમ હોવાથી અમે નક્કી કર્યું કે હજાર માંગે તોય દેવા.. પણ તેણી એ ફોન માં કોઈ સાથે વાત કર્યા બાદ નકારો ભણતા કહ્યું કે,"રૂમ બુકીંગ્સ બંધ હૈ સર, સોરી."
અમે હોટલની બહાર નીકળી ગયા, કૃષ્ણ પેલેસની પાછળ જ બાલાજી રેસિડેન્સી નામક હોટલ હતી, હું હજી પણ હોટલ રાજ પેલેસમાં જવા ઈચ્છતો હતો, પણ થયું કે બાલાજીમાં પણ પૂછી જોઉં, અંદર ગયો, અદ્દલ "બાપા સીતારામ" બેઠા હતા, બાપા બગદાણા વાળા જ.. સાડીની હાથ વણાટ ની દુકાન હતી, મને નામ તો નથી ખબર પણ ઓલા વણકર વાળા મશીન હોય છે ને લાકડાના જેમાં એકેક ડોરા આપસ માં વણાય અને મોટો તાકો તૈયાર થાય, એવા મશીન હતા, અને સાડીનું કાપડ બની રહ્યું હતું. "દાદા રૂમ મિલેગા?" દાખલ થતા જ મેં પૂછ્યું.
"હા બેટા જરૂર.. કિતને લોગ હો?"
"તીન આદમી હૈ."
"પહેલે રૂમ દેખ લો."
મેં હા માં માથું હલાવ્યું, એટલે દાદા એ એક છોકરા ને રૂમ દેખાડવા કહ્યું, પેલા માળે છોકરો લઇ ગયો. રૂમ ઘણો જ સરસ, અને સુવ્યવસ્થિત હતો, અને અમારે તો ઓમેય એક જ રાત રોકાવી હતી, એટલે ને આદમી આદમી ને શેની ચિંતા? આ વખતે ટોયલેટ મેં જાતે ચેક કર્યું.. સ્વચ્છ હતું. બારી ખોલીને બહાર જોયું તો "આઈ લવ મહેશ્વર" નું બોર્ડિંગ અને મહેશ્વર કિલ્લાનો ગેટ બિલકુલ સામે જ, એટલે રૂમ ડન કર્યો. દાદા પાસે આવ્યા. "રૂમ બઢીયા હૈ. કિતને પૈસે હૈ જી"
"સાતસો"
બુધે તરત જ ગૂગલ પે માર્યા..! રખે ને દાદા ફરે.. ઓમેય આવા ટુરિસ્ટિક સ્થળો પર પૈસાની છેતરપિંડી જાજી હોય. "પાર્કિંગ કિધર હૈ દાદા?"
"એ પીછે મૈદાન હૈ, અપના હી હૈ.. અપની બિલ્ડીંગ કી દીવાર કી તરફ પાર્ક કરદો. અમે કાર પાર્ક કરી, સમાન કાર માં જ રહેવા દીધો, કારણ કિલ્લો સાતેક વાગ્યે બંધ કરવામાં આવતો હતો, અને સવા છ વાગી ગયા હતા. અમે સમાન ઉપર રૂમાલ વગેરે ઢાંકીને ગાડી લોક કરીને કિલ્લા તરફ ચાલવા લાગ્યા. આમ તો કિલ્લા માં દાખલ થવાનો રસ્તો જુદો હતો, પણ હોટલથી જ એક રસ્તો સીધા મુખ્ય દ્વારે જતો હતો. કિલ્લો ઘણો પ્રચીન પણ નથી અને ઘણો અર્વાચીન પણ નથી. રક્ષણાર્થે ઉપયોગમાં લેવાતો હોવાની તેની બનાવટ છે. વાત કરું મહેશ્વર નગરની તો, મહેશ્વર એક ઘણું જ પ્રાચીન નગર હોવાનું મનાય છે.
મહેશ્વર નગર પ્રાચીન કાળે માહિષ્મતી નગરી હોવાનું ઇતિહાસકારો માને છે. રામાયણ અને મહાભારત કાળ માં પણ તે નગરી નો ઉલ્લેખ મળે છે. એક ઘણી જોરદાર કથાનક આ નગરી સાથે જોડાયેલ છે. કાર્તવીર્ય અર્જુન આ માહિષ્મતી (આજનું મહેશ્વર) નગરી નો રાજા હતો. તે પોતાની 500 રાણીયું હાર્યે રેવાના (નર્મદા) કાંઠે પ્રવાસે ગયા, રાણીયુંને રમત હાટુ મોટું મેદાન જોઈતું હતું હતું, ત્યારે આ કાર્તવીર્ય અર્જુન જેનું બીજું નામ સહસ્ત્રાર્જુન પણ હતું, એણે પોતાના હજાર હાથ વડે રેવાનું પાણી રોકી લીધું, અને એક મેદાન સર્જાયું. બીજી બાજુ રાવણ પોતાના પુષ્પક વિમાનમાં આકાશમાર્ગે જઈ રહ્યો હતો એને બીજી તરફથી આ ખાલી મેદાન દેખાયું એટલે એને પોતાની શિવ પૂજા માટે ઉત્તમ સ્થળ જણાયું. દશગ્રીવે (રાવણ) તો નીચે ઉતરીને રેતીનું શિવલિંગ બનાવ્યું, પોતાની પૂજન વિધિ શરૂ કરી. બીજી બાજુ રાણીયું રમી રહી અને સહસ્ત્રાર્જુને પોતાના હાથ ઉપાડીને પાણીના વહેણને છૂટું મૂકી દીધું, અને પોતાને મહેલ ચાલ્યા. પાણી નું આવેલું અચાનક જ વહેણ રાવણની પૂજનવિધિ અને રેતીના શિવલિંગ ને પણ તાણી ગયું, દશકંધ (રાવણ) ક્રોધે ભરાયો, એણે આ કામો કરનાર કાર્તવીર્યને શોધ્યો, અને ક્રોધે ભરાયેલ રાવણે સહસ્રાર્જુનને યુદ્ધ માટે પડકાર્યો..! સહસ્ત્રાર્જુન એટલો પરાક્રમી અને શક્તિશાળી હતો કે હતો એણે ટાંકણી જમીનમાં ભરાવો એમ રાવણને પછાડીને જમીનમાં ખુંચાડી દીધો, એના દસે માથા ઉપર દસ દીવા મુક્યા, એક દીવો એક હાથ ઉપર મુક્યો, એને બાંધીને મહેલ લઇ ગયો, અને કહેવાય છે સહસ્ત્રાર્જુને પોતાના દીકરાના ઘોડિયામાં ઘૂઘરા તરીકે રાવણને બાંધ્યો હતો. આ તો પછી રાવણના દાદા પુલત્સ્ય ઋષિની વિનંતીથી રાવણને મુક્ત કરાયો હતો. હા, આ એ જ સહસ્ત્રબાહુ છે જેને મારવા પરશુરામ અવતાર થયો હતો. આમ તો ઘણાઓ કહે છે કે પરશુરામે 21 વાર પૃથ્વી ન-ક્ષત્રી ક્ષત્રિય વિહોણી) કરી હતી. પણ એવું હું માનતો નથી. એના અમુક કારણો છે, પરશુરામને વેર હતું હૈહય વંશના ક્ષત્રિયો પ્રત્યે. ચંદ્રવંશમાં એક રાજા થયા યદુ, યદુ રાજાથી યદુવંશ ચાલ્યો. યદુના પુત્ર થયા સહસ્રજિત, સહસ્રજિતનો પૌત્ર થયો હૈહય. આ હૈહયથી વંશ ચાલ્યો એ હૈહયવંશી ક્ષત્રિયો. એજ વંશ માં આગળ જતા રાજા થયો ક્રતવીર્ય, એ ક્રતવીર્ય નો પુત્ર એ જ અર્જુન જે કાર્તવીર્ય અર્જુન કહેવાયો. જેને હજાર હાથ જેટલું બળ હતું, એટલે સહસ્ત્રબાહુ પણ કહેવાયો. સહસ્ત્રબાહુ ને ભાર્ગવ ઋષિ જમદગ્નિ સાથે કામધેનુ ગાય બાબતે દુશમનાવટ થઇ, અને એણે ક્રોધમાં આવીને ઋષિ જમદગ્નિનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. પરશુરામને આ બાબતનો ખ્યાલ આવતા જેના લીધે પોતે રામ માંથી પરશુરામ કહેવાયા એ ફરસા વડે સહસ્રાર્જુનનો વધ કર્યો.
ઘણી ઐતિહાસિક વાતો થઇ ગઈ કાં? થોડીક હજી, અઢારમી સદીના અંતમાં, એક મહાન મરાઠા રાજમાતા અહલ્યાબાઈ હોલ્કરે પોતાની રાજધાની તરીકે મહેશ્વરને પસંદ કર્યું. મધ્યમ કદનો પણ ભવ્ય એવો ગઢ બંધાવ્યો. ઇમારતો બંધાવી, મંદિરો અને પવિત્ર નર્મદાને કાંઠે એક સુંદર કલાકૃતિઓથી સજ્જ ઘાટ બનાવડાવ્યો. મરાઠા હોલકરો નો રાજધાની ઇન્દોર હતી, અને અહલ્યાબાઈ ના પતિ ખાંડે રાવ હોલ્કર ભરતપુર ના જાટ રાજા સુરજમલ સાથે થયેલ વિગ્રહમાં માર્યા ગયા હતા, અને એની પાછળ અહલ્યાબાઈ હોલ્કરને સતી થતા રોકી લેવામાં આવ્યા હતા, બાદમાં અહલ્યાબાઈએ રાજકાજમાં ધ્યાન દેતા સાથે સાથે મંદિરોના જીર્ણોદ્ધાર માં જ પોતાનું જીવન ખર્ચ્યું હતું. સોમનાથથી માંડીને કાશી વિશ્વનાથ સુધીના મંદિરો નો તેમણે જીર્ણોદ્ધાર કરેલ.
હા તો, અમે ઝડપભેર કિલ્લામાં દાખલ થયા. સામે જ રાજવાડા જોયું. આપણે દરબારગઢ કહીયે, એ લોકો રાજવાડા કહે છે. ઘણું સરસ છે, મને તો ખાસ કમાનાકાર ડેલાઓ જ વધુ પસંદ છે. ગઢની વિશાળ દીવાલ ઉપર ચડ્યા બાદ વિશાલ નર્મદાનો પટ... અહાહા અને આથમતો સુરજ.. શું દ્રશ્ય હતું બાકી..!
કેન્દ્રમાં એક મંદિર છે. તમે સ્થાપત્ય તો જુઓ, શબ્દોમાં તો હું શું વર્ણવું..! નર્મદાના ઘાટ માં ઉતરવાનો જે ગેટ છે.. ગજબ ગજબ.. શબ્દોમાં વર્ણવાશે નહીં ભાઈ.. જાતે જઈ ને જોઈ આવવાનું..! બાકીનું સવારે જોશું એમ ધારીને સાડા સાતેક વાગ્યે, અમે રૂમ પર પહોંચી ગયા. ગાડીમાંથી બધો સામાન રૂમ માં લઇ ગયા. ઠંડીનો સારો એવો પ્રભાવ હતો, પાસે જ નર્મદાનું શીતળ જળ સ્થિર થયું હતું. રૂમ પર પહોચીને હાથ મોઢું ધોઈને ફ્રેશ થયા. આજે ખાસ થાકોડો હતો નહીં. કારણ ૐકારેશ્વરમાં સરળતાથી જ દર્શન થઇ ગયા હતા, અને થોડી જ ડ્રાઈવ કરીને અહીં પણ પહોંચી આવ્યા હતા. બુધા એ તો બાટલો કાઢ્યો એનો બુઢા બાવાવાળો, મેય કલકલીયા હાથમાં લઇ ચુમ્યા..! બારી ખોલી નાખી, પ્રકૃતિં સાથે પ્રણય કરવાને. ઓહ માય ગોડ.. ગજાએ અમને ચીડવવા મોબાઈલમાં ગીત ચડાવ્યું.. "પી લે પી લે.. ઓ મોરે જાની.. પી લે પી લે ઓ મોરે રાજા..."
"જો જે એલા બાપા સીતારામ ઉપર નો આવે હો.."
દરવાજો બંધ કર્યો છે મેં અંદર થી.." ગજો બોલ્યો.
"બસ તો ખોયલ બોટલ.."
ગજો ખાવાનો શોખીન છે, પણ આવું પીણું અડતો નહોતો, ઈ તો પોતાના ફોનમાં વર્લ્ડકપ મેચેસ જોવામાં જ વ્યસ્ત હતો. મેં ને બુધા એ ચારેકોર છાંટણા છાંટીને ચિયર્સ કર્યું. બુઢો બાવો હજી ઘણો બચ્યો તો, ને અડધોક કલાકમાં મારા બેય કલકલિયાના કેન પતી ગયા. થોડોક સુરુર તો થયો. શરીર થોડું હળવુંફૂલ જણાતું હતું, અને પાછળ જ શુભ અવસર નામે ફેમિલી રેસ્ટોરેન્ટ હોટલ વાળા દાદા એ સજેસ્ટ કરી હતી, એટલે ત્યાં પહોચી ગયા. મેન્યુ જોયું, પણ M.P. નો સ્વાદ જીભને અપ્રિય લાગ્યો હોવાથી પંજાબી થાળી જ ઓર્ડર કરી. બ્લેક સ્વાન ઈફેક્ટ અનુસાર અહિયાં પંજાબી થાળીનો સ્વાદ ખરેખર ખુબ સારો હતો. જમી કરીને સહેજ સહેજ નશાને થોડો વધુ અસરકારક કરવા અમે ઘાટ તરફ ચાલ્યા. શુભ અવસર રેસ્ટોરેન્ટ પાસેથી પણ એક રસ્તો ઘાટ પર જાય છે. ઘાટ ઉપર અમારા જેવા ઘણા સહેલાણીઓ બેઠા હતા. અમુક કપલ એક્મેકને ખભે હાથ રાખીને પાણીમાં પગ ઝબોળતાં બેઠા પ્રેમગોષ્ટી કરી રહ્યા હતા. અમુક આધેડ જોડલાં(કપલ) અંધારામાં પણ ફોનમાં ફોટોગ્રાફી કરાવી રહ્યા હતા. અમે ય એક ઘાટની એક મોટી છીપર ઉપર બેઠા, અમે આદમી આદમી એ અંગ્રેજીમાં સુવાણ્ય આદરી..! હા, પીધા પછીની આધિકારિક ભાષા તો અંગ્રેજી જ ને..!
"યુ નો બુધા, રાજમાતા અહલ્યાબાઈ હોલ્કર બિલ્ટ ધીસ.."
"યાઃ આઈ નો.. આઈ ફોર્ટ ટોપ અપ રીડ ઈટ.( મેં ગઢ ઉપર જ વાંચ્યું હતું.)"
"સો બુધા વોટ નેક્સટ ડુઇંગ?" (ટૂંકમાં, આગળનો શું પ્લાન છે?)
"નથીંગ બ્રો, હાલ્ફ અવર સીટિંગ, ધેન ગોઈંગ રૂમ, ધેન સ્લીપિંગ, ધેન મોર્નિંગ વેકીંગ અપ, ધેન ગોઈંગ રિટર્ન હોમ.."
"ઓહ, સો, લેટ્સ ગો ટૂ રૂમ."
જો કે અમે લગભગ દસેક વાગ્યા સુધી નર્મદાના નીરને આંખોમાં ભરતા બેસી રહ્યા હતા. ઠંડો શીતળ પવન એક આહલાદક આનંદ આપતો હતો. રૂમ માં પહોંચીને બુધાએ તો ફરી એક બુઢા બાવાનો ગિલાસ ગટગટાવ્યો..! મને પણ થયું કે લાવ આ પણ ટ્રાય કરી જોવી, બહાર નીકળ્યા પછી બંધનમાં શાને રહેવું..? મેય લિટલ લિટલ ગિલાસ ભર્યો, હોઠે અડાડ્યો, એની સોડમ નાકને અડી, એક ઘૂંટ ભર્યો, સ્વાદ મીઠો પણ તેજ-તર્રાર હતો. એક ગિલાસ એકજ શ્વાસમાં ગટગટાવ્યો. ને પાર્ટીને ઓવર કરી સુઈ ગયા..!
સવારે મારી આંખ ખુલી મોબાઈલમાં જોયું તો સાત વાગ્યા હતા. મોબાઈલ આખી રાત ચાર્જ થયો હતો..! તરત જ પેલા તો એ સ્વિચ બંધ કરી. બારીઓ ખોલી. કિલ્લા ભણી ની ચહલ-પહલ શરુ થઇ ગઈ હતી. છકડા-રીક્ષાઓ આમતેમ ફેરાઓ મારી રહ્યા હતા. કિલ્લામાં પ્રવાસીઓની અવરજવર દેખાવા લાગી હતી, અમે ફટાફટ તૈયાર થઇ ને ઘાટ ભણી ચાલ્યા, બુધો તો કહેતો હતો કે નદીમાં જ નાહી લેશું, પણ મને એમ કે કોઈ નહાતું હોય ન હોય, એના કરતા રૂમ માં સારું એવું ગરમ પાણી આવતું જ હતું..! એટલે અમે તો નવા વસ્ત્રપરિધાન ધારણ કરીને ઘાટ તરફ ગયા, વચ્ચે જ શુભ અવસરમાં ચા પીવા ઉભા રહ્યા..! અહાહા, માની ગયા, બાકી આ શુભ અવસર રેસ્ટોરેન્ટ ને..! રાત્રે પણ થાળી નો સ્વાદ ઘણો સરસ હતો, અત્યારે ચા પણ એક દમ કડક..! મોટો જબ્બર કપ ભરીને ચા પીધી અને ઘાટ ભણી રવાના થયા, કેટલાય જણા પાણીમાં હર હર નર્મદે કરતા હતા.. બુધો મારી સામું ફરીને એવો કતરાયો, કેમ કે કેટલાય નહાતાં હતા નદીમાં..! મેં કહ્યું વાંધો નહીં, રૂમ છેટો નથી, મારે તો હવે બીજી વાર નહાવું નથી, તારે નહાવું હોય તો લઇ આવ રૂમાલ વગેરે..! પણ ઠંડીનો સહેજ ચમકારો હોવાથી ઇય આળસ કરી ગયો..! ઘાટ ઉપર નર્મદામાં બોટિંગ કરાવે છે. પચાસ રૂપિયા ટિકિટ છે..! લાઈનસર ઘણીય બોટ લાગેલ હોય છે, નંબરવાઇઝ જેનો નંબર હોય એ બોટ માં આપણે ગોઠવાઈ જવાનું, સવાર સવાર માં અમારા સિવાય કોઈ હતું નહીં, એટલે બિલકુલ પ્રાઇવેટ બોટિંગ નો લાભ લીધો..! નર્મદા ના ઈ પટની વચ્ચોવચ્ચ એ બોટ વાળા લઇ જાય અને પછી પાછા ઘાટ ઉપર લઇ આવે.
લગભગ દસેક વાગ્યે અમે મહેશ્વરથી નીકળી ગયા. હવે તો ઘર સિવાય ક્યાંય સ્ટોપ હતો નહીં, ગાડી ઉપાડી, પેટ્રોલના બે જ પોઇન્ટ શો થઇ રહ્યા હતા, એટલે MPનું મોંઘુ પેટ્રોલ પણ ગાડીને પાવું પડશે ઈ નક્કી થઇ ગયું, જો કે ગુજરાતી રહ્યા ને એટલે ગણતરી કરી, હજારનું જ પુરાવીએ, ગુજરાત બોર્ડર સુધી તો પહોંચી જ જઈશું. એટલે 110ના ભાવનું એકહજારનું પેટ્રોલ મહેશ્વર બાદ ધાર વાળા રસ્તા ઉપર પુરાવીને અમે નીકળી પડ્યા..! ખરેખર મહેશ્વરથી ધાર નો જે રસ્તો છે.. અહાહાહા... ખુબ સરસ રસ્તો, RCC રોડ છે, ન કોઈ ખાડા, ન કોઈ ટ્રાફિક, ખાલી ક્યારેક ક્યારેક અમુક પાંચ પાંચ સ્પીડબ્રેકરો સાથે આવતા એજ..! જો કે આ રસ્તામાં સ્પીડબ્રેકરોની જરૂર પણ છે જ. એક તો આવડો સરસ રસ્તો જોઈને જ પેડલ પૂરું દબાઈ જાય, અને બીજું ટેકરીયાળો ઘાટ વાળો રસ્તો છે..! લગભગ બપોરે બે વાગ્યે પીટોલ પહોંચી ગયા હતા. જમવા માટે, જો કે મહેશ્વરથી નીકળતા જ બુધાએ બુઢાબાવાની પોણીથી સહેજ ઓછી બચેલ બોટલ પુરી કરવા આદરી..! અને પીટોલ સુધીમાં ખાલી બે પેગ જેટલું જ બચાવ્યું. પીટોલમાં અમારે બે-ત્રણ કલાક જેવું રોકાવાનું હોવાથી એક પેગ મેં પણ લગાવ્યો, અને બોટલ પુરી કરી. બુધો તો ઢીંચીને ઢીંગલી થઈ ને સુઈ ગયો ગાડીમાં જ. હું ને ગજો પીટોલમાં હાઇવે પર જ ઢાબે જમ્યા, લગભગ સાડા પાંચે અમે પીટોલથી નીકળ્યા. નીકળતા પહેલા બુધા ને બે લીબું ચુસાવ્યાં, અને પછી ગાડી નોનસ્ટોપ ગોધરા પહોંચવા આવી, પેટ્રોલ તો ભુલાય જ ગયું હતું, બિલકુલ ખતમ જ થવાનું હતું ને રોંગસાઇડ ઉપર એક પમ્પ દેખાયો, નજીકમાં જ યુટર્ન કટ હતો, એટલે ત્યાં ટાંકી ફુલ કરાવી..! પછી તો અમદાવાદ પાર કરીને સાણંદ આસપાસ એક ચા માટે સ્ટોપ લીધો, પણ એવી બેકાર ચાય.. આગળ જ હોનેસ્ટ આવી, ઉભી રાખી, બુધો બરોબર નો ભૂખો થયો તો..! હોનેસ્ટમાં મને તો ભૂખ હતી નહીં, એટલે મેં એક લસ્સી જ પીધી. બેયે બરોબર ભૂખ ભાંગ્યા બાદ ગાડીમાં ગોઠવાયા, અને ગાડી ઉપાડી તો ખરી, પણ ધીમે ધીમે આંખ્યું ઘેરાવા લાગી, એમ લાગતું હતું કે હવે ગાડી નહીં જ હંકારી શકાય, ઝોંકુ આવી જ જશે, એટલે મેં તરત જ ગાડી સાઈડ માં લગાવી, આંખો ને પાણી થી સરખી ધોઈ, મોઢા પર પાણી છાંટ્યું, હવે તો ગુજરાતમાં હતા, હોનેસ્ટ થી માવો લીધો હતો, ચોળીને મોં માં ચડાવ્યો.. એટલે થોડીક ઉર્જાની અનુભૂતિ થઇ, અને ચાવવાની વ્યસ્તતાથી નિંદ્રા પણ ઉડી..! પણ ધીમે ધીમે ફરી આંખ ભારી થતી હતી અને સીધું આવ્યું હળવદ..! હળવદ પાસે ત્રણ રસ્તા ઉપર જ કનૈયા ટી એન્ડ પણ પાર્લર નામે ચા-નાસ્તાની દુકાન છે...! એલા શું ચા છે.. અહાહા ઈ બાજુ કોઈ જાવ તો હળવદ થી કચ્છ વાળા રસ્તા ઉપર હળવદ શહેર પસાર કર્યા બાદ ત્રણ રસ્તા પડે છે, એક માળીયા-કચ્છ જાય, એક મોરબી-વાંકાનેર બાજુ, ત્રીજો હળવદ-અમદાવાદ..! યાદ તો નથી રાતના કેટલા વાગ્યા હતા, પણ ઈ ચા પીધી ને જે ઉર્જા આવી છે, મેં તો બબ્બે અડારી (રકાબી / PLATE) ચા પીધી..! એક સિગરેટ સળગાવી, હાથ-પગને સ્ટ્રેચ કરીને આળસ ખંખેરી, એક રજનીગંધા ડબલ ઝીરો દબાવીને એક્સલરેટર દાબી દીધું.. તોય માળીયા વાળી હોનેસ્ટ માં પાછો બ્રેક લીધો, કુંવર હાટુ રમકડું લેવાનું ભુલાઈ ગયું હતું, આમતો ઓમકારેશ્વરથી એક ટીશર્ટ તો લીધું હતું, પણ વિચાર્યું હતું કે મહેશ્વરમાં કાંક સારું રમકડું મળી રહેશે, જો કે મહેશ્વર માં એવું કઈ મળ્યું નહીં. આ માળીયા-વાળી હોનેસ્ટમાં તો દરેક વસ્તુના ભાવ માં ચોખ્ખી છતી લૂંટ જ છે, પણ ફેસિલિટી ના નામે સારું એવું પાર્કિંગ, પંક્ચર વગેરે અને એકદમ સ્વચ્છ અને સુંદર ટોયલેટ મળી રહે છે..! પછી તો શેલ માર્યો છે, સીધો કચ્છનું નાકું સુરજબારી ક્યારે ટપ્યાં, ક્યારે સામખિયાળી, ક્યારે ભચાઉ ગયું કોણ જાણે.. રાતના બે વાગ્યે ગજાને એના ઘરે ઉતાર્યો..! અઢી વાગ્યે ત્યાંથી નીકળ્યા તો રાતના ત્રણ વાગ્યે બુધાને એના ઘરે અને સાડા ત્રણે હું મારા ઘરે પૂગ્યો હતો..! પછી શું, સુઈ ગયો ને સવારે ઉઠી ને ખાધું-પીધુંને મોજ કરી...! (તંબુરો મોજ, સવારે નવ વાગ્યે તો ઓફિસ ભેળા થઇ ગયા'તા..)