આજ કોઈએ ટપાર્યો, "તમારા ગુજરાતી શબ્દો ક્યાં ગયા?" મેં બસ એમ કહી વાતને ટાળી દીધી કે, "ક્યાંક અટવાઈ ગયા છે." દેખાય છે એટલું સરળ ક્યાં કાંઈ હોય છે ખરું? ખરેખર, અન્યભાષામાં એટલું પણ શું ઉતરવું? જો કે ભાષા તો ભાવના વ્યક્ત કરવાનું સાધન છે, પણ છતાં..! ઘણી વાર કોઈ અજાણતા જ વિચારતા કરી મૂકે છે. અને ખરેખર વિચારવું પણ જરૂરી તો છે જ.. છેલ્લા કેટલાક સમય થી થયેલા તમામ ફેરફારો આંખ આગળ થી ફરી ગયા. સરળ લખતો હતો હું, ગંભીરતા તરફ વળી ગયો. કારણ અકથ્ય છે.
આ મેદાન, આ ખુલ્લું મેદાન.. છેલ્લા કેટલાક સમયથી મારું પ્રેરણાસ્ત્રોત છે. અહિયાં બેસી ને હું રટણ કરું છું, "आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः" અહીં ખુલ્લા ધાબા હેઠળ, તારોડિયાં, એકાદ લટારે ચડેલ વાદળું, કાયમ ચડતો ઉતરતો ચાંદલિયો, કાંક ને કાંક તો પ્રેરણા આપે જ છે, પણ કદાચ આ અંધારી રાત્રી મને ગંભીરતાની ગર્તામાં ધકેલી ગઈ. રાત્રી તો બધાને થતી હશે, પણ મારે થોડી વધુ અંધારી હશે.. કાં પછી ધાર્યા-બા'રની પણ ખરી..! છતાં જે ભેદ જણાયો એ બસ એટલો જ હતો કે ગંભીરતાને એટલી પણ બથમાં ન લઈ લેવી કે આપણે સ્વયં પણ ભીંસાવા લાગીએ. ભેળસેળીયો જમાનો છે તે આ લખું છું ય ઈય સ્પષ્ટ નથી કાં..??
પ્રિયંવદા ! દિવસભરનો થાકોડો કેવો ઇ તને ખબર છે? સાંજ પડે, ને ગોચરથી ગાયું છૂટે, એની ભેળો એક ધણખૂંટ ધોડ્યો જાતો હોય ઇ જોયો છે.. લગભગ નોકરિયાત જણ સાંજે ઇ ધણખૂંટ ઘોળ્યે ઘરકોર્ય હડી કાઢે. તને નો સમજાય વ્હાલી આ.. અમારી માણસજાત છે જ જુદી માટી..! એલા હિન્દીમાં ધણખૂંટ હોતા હશે? ભાષામાં હો..!
(આ મેદાનમાં ઢગલો એક ટીટોડીયું છે. લખવા બેઠો નથી કે બાજુમાં આવી આવી ને ટે.. ટે.. ટે.. કર્યા કરે નકરું..)
આજ પાછો એ જુના નગરમાં જઇ ચડ્યો છું. લગભગ થોડાક દિ ટાંગા ટકી રહેશે એવું અનુમાન છે, બાકી આ મામલામાં તો આપણું કામેય પરધાનજી જેવું છે કે, "હમ તો ફકીર આદમી હૈ, ઝોલા લેકર નિકલ પડેંગે.." ખબર નહી, આંયથી વાં ને વાંથી આંય ઉથલા મારવાની કેવી ટેવ પડી ગઈ છે. ઘડીક તો એમ થાય કે સુધારો કરવો જોઈએ, પણ વળી પાછો તાત્કાલિક વિચાર આવે કે હવે પાકે ઘડે કાંઠો શું ચડાવવો.. ખરેખર તો આ આળહ છે. જવાબદારીથી બચવાનો અકસીર ઈલાજ.. ઘણી વાતો, ઘણા વિષયો ઘણું બધું જીવનમાં ઉપરનીચે થાતું જ હોય છે. દિવાળી આવે ને ઘર ઝાટકીયે એમ જ મન પણ ખંખેરી નાખવું જોઈએ.
(એલા એય, આ આખું મેં વાંચ્યું તો લાગે છે કે જાણે શિખામણનો સુંડલો ઠાલવ્યો છે..!)
આજકલ સ્ક્રિનટાઈમ પણ ખૂબ વધ્યો છે. કોમ્પ્યુટરથી નવરા થયા નથી કે સીધો મોબાઈલ.. સોસીયલ મીડિયામાંથી કોણ બાકાત છે..! હવે આવી બધી લપ હાલતી'તી કે સ્ક્રિન્ટાઇમ ઓછો કરવો છે, ને બીજે ક્યાંક મન વાળવું છે, તે હું ને પ્રીતમ ઇજ વાત્યુંના તડાકા ઝીંકતા'તા કે મોબાઇલ વગેરે ઓછું વાપરવાનું કરવું જોશે, આ જોત-જોતામાં આંખ્યું ના ડાબલા ફૂલાતા જાય છે, દોઢ માંથી પોણા ત્રણ નંબર થઈ ગયા.. એટલામાં મોટેશ ખાબકયા, લખો એલા "સંબંધો ની શાળા.."
સાચું કેજો મોટા, માસ્તરે કોઈ દી પગના અંગુઠા પકડાવીને માથે ડસ્ટર મૂક્યું છે? કે પછી મોટા થયા પછી મોટાભાભી એ આ દિવાળીમાં સાફસૂફી ના કરવા બદલ તમને છેલ્લી પાટલીએ હાથ ઊંચા કરીને ઉભા રાખ્યા? કે પછી સ્કૂલમાં કલાસ બહાર કાઢતા એમ ક્યાંક ઘર બહાર તો નથી... ના ના હું નથી કહેતો એવું કાંઈ આતો જસ્ટ વિચાર આવ્યો કે સંબંધની નિશાળ હોય તો કેવી હોય.. ધારો કે પિતામહ સંબંધમાં સૌથી મોટા છે એટલે પ્રધાનાચાર્યનું પદ તો એમનું જ. સ્કૂલ મેનેજમેન્ટનું કામ માતૃશ્રીનું. નાણાકીય વ્યવહાર માટે પિતાશ્રી. શારીરિક શિક્ષણ(PT) તરીકે ફુવાસાહેબને રાખો, તડ ને ભડ કરવામાં માંહેર. PT માં ફુવાસાહેબ હોય એટલે અંગ્રેજી માટે તો ફરજિયાત ફાઈબાસાહેબને રાખવા પડે, સંબંધોની શાળા છે ને. સમાજશાસ્ત્રના આચાર્ય મોટાબાપુજી (પિતાજીના મોટાભાઈ) ઠીક રહેશે. વિજ્ઞાન સોંપો ભાભુમાં (મોટા માતૃશ્રી અથવા પિતાજીના મોટાભાઈના પત્ની)ને.. દાદીમા પાસે કયો વિષય ઠીક રહેશે? ગણિત.. કેમકે અનુભવી રહ્યા ને, ગણતરી કરી કરીને જીવન વિતાવ્યું હોય. સંગીત તરીકેનો અત્યધિક વિષય આપો કાકાને, અને ચિત્રકલાનો વિષય કાકીનો. ભાષાનો વિષય / ગુજરાતીનો વિષય હોવો જોઈએ પત્ની પાસે, હા એનો ય સંબંધ તો છે જ ને, અને ભાષા એટલા માટે કે સખણી ને અપલખણી બેય ભાષા પત્નીને સારી રીતે આવડતી હોય.. હવે આતો એક ઘર થયું, મોસાળિયાના સંબંધોને ક્યાં ફિટ કરવા? મામાને રાખો માતાના હેલ્પરમાં. કેમ કે મામા ભાણેજડાનું ગમે એટલું રાખતા હોય તોય વખણાય કંસ અને શકુની તરીકે જ.. એટલે બીજા કોઈ વિષયમાં રાખીએ અને કાચું બાફી નાખે તો? મામીને માતાના હેલ્પરની હેલ્પર તરીકે ફરજીયાતપણે રાખવા પડે. હવે, માસા-માસીને ક્યાં ગોઠવી શકાય? એમને રાખીએ નિશાળની રજાની ઘંટડી વગાડવા માટે.. કેમ કે નિશાળની છુટ્ટી જ વિધાર્થીને સૌથી વધુ પસંદ હોય..! હવે કોઈ છૂટી તો નથી ગયું ને? અચ્છા, પત્નીના સંબંધને વિષય આપ્યો છે એટલે સાળા-સાળીનો સંબંધ પણ ક્યાંક ગોઠવવો જોશે.. એમને આપો પ્યુનના પદ.. નકામાં કોકના ગળે પડે એના કરતાં.. ઓમેય એમની બચાડાવની સામાજિક સંબંધમાં પણ કદર નથી, તો આ નિશાળ માં પણ નીચલા પાયદાન ઉપર જ ગોઠવી દઈએ..! હવે? ભાઈ, ભોજાઈ ને કાકા-બાપા ના ભાયું, ને મામા-ફઈના ભાઈ-બહેન ને ઇ બધાને તો વિદ્યાર્થી તરીકે જ ગણવાના એટલે એ બધા સંબંધો સ્કીપ કરો.. હવે આવડું વિવરણ દીધું ત્યાં તો yqના મોટા એય ને શેઢા ઠેકતા ભાગ્યા, કેતા ગયા કે એલા આ પોસ્ટ yq ગામમાં મુકો તો મને ટેગ નો કરતા..
પણ આપણે હાલશું આડા.. આજે તો મેનશન પણ કરવા છે મોટાને, મોટાની પોસ્ટમાં ડન પણ લખવા જાવું છે.. હાલો લ્યો..!
સૌ ને રામ-રામ.. ને સીતારામ..!