અવસર મળ્યા..

0
વળી એક દી મોટભાઈ આવતાવેંત કે' "અવસર મળ્યા.."
તે મનમોજીનો જવાબ જુઓ..:-

તે મોટા, હમણે થોડાક દી થી લખવું ઉકલતું નથ, ઉગમણે આદરેલું આથમણે નમે છે, ઓલી લોકકથાઓમાં રાજાએ કિલ્લો કે ગઢ બંધાવતી વખતે સાધુ સંતાપ્યો ને દી આખા માં ચણાયેલો ગઢ રાત આખી માં વિખાઈ જાતો ને ફરી સવારે ચણતર થાતું ને રાતે ફરી ધ્વસ્ત એનો એ ક્રમ ચાલ્યા કરતો ને પછી એ રાજા એ સાધુ ને સન્માનયો-સ્થાપ્યો તે પછી જ ગઢ બની શક્યો. મારોય ગઢ ભાંગ્યા કરે છે, એકાદ સાધુ સ્થાપવો જોહે…!!

"અવસર" - મોટા, આ કાના માતર વિનાનો શબ્દ ઘણો અઘરો છે હો. અવસર પાછો એકલો ના હોય, પરિણામ ભેળો આવે. પરિણામ ક્યારેક વેલું-મોડું આવે, પણ આવે ખરું, કેમકે અવસરે નોતર્યું'તું ને..!

વળી આ અવસર ની બે ભુજાયું ય છે હો, લાભ ને હાનિ.. એતો આપણે એની કઈ ભુજા કેવી વાપરી એના ઉપર આધાર .. ને પાછું ઇ બેય ભુજા સ્ક્રેચકાર્ડ જેવી છે, ખોતર્યા પછી ખબર પડે.

જ્ઞાન તો ઘણું બંટાઈ ગયું મોટા, પણ ખરેખર અવસર હોય ખરો? અવસર આવે ક્યાંથી? શું ભાગ્ય સાથે જોડાયેલો છે? કે પછી કરેલા કર્મ નો વળતો કર્મ? કે પછી માન્યતાઓના વિધાતા એ આપે છે કે પછી કે.બી.સી. ની લાઈફલાઈન ની જેમ પહેલેથી આપણી પાસે હોય છે જે વખત આવ્યે આપણે વાપરીએ છીએ? અવસર નું અસ્તિત્વ હકીકતે છે કે પછી મનોર્પાજીત માર્ગ છે જે વખો આવ્યે સામુ પ્રગટ થઈ રહે છે?

રામ જાણે મોટા, આપણને તો જાજો કાંઈ ટપ્પો પડે તે મોટા ભાગે એક જ સિદ્ધાંત વાપરવી "પડશે એવા દેવાશે"

Post a Comment

0Comments
Post a Comment (0)