તે મોટા આજ સવાર સવાર માં મન મોહયું કેવાનું? શિરામણ સારા માંહ્યલું મળ્યું લાગે? અમારે તો મોટા હરેક વાત માં મન મોહાવવું જ પડે કેમ કે આંય નામ જ મનમોજી ધારણ કયરૂ છે..!!
મોટા, મોહ આમ તો હાનિકારક જ છે હો..!! મોહ હાટુ નવો શબ્દ આયવો છે જુવાનિયા માં "ક્રશ".. ઈય મોહ જ છે..! અમારે ગજા નો મોહભંગ યાદ છે? એનેય મન મોહાણું'તુ. પછી હું - "મોહભંગ".
ગજે અમાણે સાત વીહુ કન્યાઓ જોઈ હો, બધે કાંક ને કાંક ડખા કાયઢા કરે, પછી, એક વાર હામે પક્ષેથી રિજેક્શન થયું, તયેં આને પાછો મોહભંગ થયો, કે મને ના પાડે? હવે તો આનથીય હારી પદમણી લાવવી. બધે બહુ બાચકા ભયરા પણ ક્યાંય ઠરી ને ઠામ નો થયો..!! ને છેલ્લે ટૂંકમાં કહું તો કવિ થઈ ગયો..!!
પણ મોટા, આ મનનું કામ જ મોહવાનું છે, અથવા મોહ પમાડવાનું પણ.. પાછું આ મન રયુ ને એનું પેટ પણ ઘણું ઝીણું છે હો, ઘડીક માં ધરાય જાય, ને પછી કંટાળી જાય..! નવી વસ્તુ નવ દિ' ની જેમ. પાછું નવરું બેસે તો મન શાનું? વળી કાંક નવો મોહ શોધી લિયે એની મેળે, વળી એને મેળવવા પ્રયત્નો આદરાવે, એની પ્રાપ્તિ પછી વળી થોડા જ સમય માં એનો પણ મોહભંગ..! વળી મન ને કોઈ સીમાઓ પણ નથી, ઇ આંય બેઠું બેઠું અમેરિકા ની જીવનશૈલી પણ ધારી લે, ઇ તો ઠીક પણ ગુરુ ગ્રહ ના વાદળાં ય વીંધી આવે..!! એવો જ મન નો ભેરુ મોહ પણ છે, મોહ ની ય કોઈ સીમા ભાળી કોઈએ? ક્યાંક હિમાચલ ની કોઈ પહાડી ઢાળ વાળી સાંકડી શેરીમાં નીકળ્યા હોઈએને ન્યા કાગદી ની દુકાન માં ચામડે મઢેલી ડાયરી જોઈ ને ખરીદવાનો મોહ થાય.. થાય.. ને થાય જ. પછી ભલે ને તયણ વરહ થી ઇ સુંદર ડાયરી કબાટ માં ધૂળ ખાતી હોય, લખવા હાટુ લીધી હોય પણ મોબાઈલની ડીજીટલ કલરનોટ માં જ બધુ લખાણ પડ્યું રહેતું હોય..!
એટલે મોટા મન તો મોહયા કરે એનું મનાય નહિ.
લ્યો હવે થોડીક નોકરી કરી લેવી એટલે વળી ક્યાંક કાશ્મીર કોર્યથી એકાદ ડાયરી ખરીદવાનો જુગાડ ભેળો થાય..!