કરો વખાણ ને જુઓ કમાલ..!!
મોટા ભયંકર કંટાળો આવે છે આજ લખવાનો, છેલ્લા ઘણાય દિ થયા મેં એક નાની સી પંક્તિ લયખી નથી.
તયેં મોટા નાનપણ માં યાદ છે ને ચકો ને ચકી.. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાયવો મગનો દાણો, એની બનાવી ખીચડી.. પણ ખીચડી એટલી સરસ બની એટલી સરસ બની કે એના ચારે કોર વખાણ બહુ થયા, પછી શું? વખાણી ખીચડી દાઢે ચોંયટી..!!
ઈતો હાલો એની મેળે બુરૂષ(બ્રશ) કરશે એટલે નીકળી જાહે પણ વખાણ ખરેખર કમાલ તો કરે જ છે હો, દામ્પત્ય જીવનમાં તો રામબાણ છે વખાણ.
વખાણ પાછા અચૂક કામ કરે હો મોટા, હાર્યો નો વળે ઇ અમુક વાર વખાણે વળી જાય હો. અમારે આંય એક ટપાલી છે, ટપાલી ટપાલ વાળો નહિ, પણ સ્વાભાવે આંય ના સમાચાર ઓલીપા ને ન્યાંના સમાચાર આંય પુગાડે એટલે આપણે એવું નામ પાડ્યું. તે આમતો ઇ ઓફીસ માં ચા વાળો છે, શરૂ શરૂ માં ભયંકર ચા દેતો, પછી ધીમે ધીમે ફોહલાવી ને વખાણ માં બે મીઠા તીર છોડ્યા, ને ઇ દી ને આજનો દી આપણી ચા સૌથી અલગ ને સ્પેશિયલ જ હોય હો.
મોટા, ભૂખના પ્રકારોમાં એક વખાણ-ભૂખેય હોય હો..! થોડા જાજા પ્રમાણમાં સૌ માં હોય.. !! લાંબુ લચક કાવ્ય લખ્યું હોય, સારા માંહ્યલું B.G. વાંહે ચોંટાડીને પોસ્ટ કરે ને પાંચ મિનિટ સુધી કોઈનીય "વાહ / ખૂબ સુંદર / ઓલ્યું દાંત કાઢતું ડાગલું(ઇમોજી)ને દાંત કાઢતા કાઢતા પડી ગયું એવું ડાગલું" કે એવી કોઈ કોમેન્ટ નો આવે ને ત્યાં સુધી જીવ મુંજાયા કરે એનું નામ વખાણની ભૂખ..!! (ઉડતું તીર છે.. જાવા દેજો)
વળી વખાણનું બંધાણ તો એનીથીય અઘરું હો, આપણે એના વખાણ કરવી તો હું કે ખબર્ય "બસ ઉપરવાળો કરાવે એમ કર્યું…" હા કેમ જાણે ઉપરવાળે એને પર્સનલી કૉલ કરીને કીધું હોય .. !! પાછુ અમુક તો એનથીનેય આગળ હોય, પોતાના જ મોઢે પોતાના વખાણ કરી લેય, "ઈતો હું ન્યા હતો/હતી(સ્ત્રી પણ હોય શકે, "ઇક્વાલીટી") એટલે સમું-સુતરું પાર ઉતરી ગયું.." હવે આને ક્યાં ખબર કે ઇ નો હોય તોય થવાનું હતું એમ જ થયું હોય..!!
"તે મોટા મારાય શું વખાણ કરું, નહોતું લખાતું ને તોય આવડું બધું લખાય ગયું, બધી ઉપરવાળાની મહેર છે.."