ભુલ્યો ભાન… હવે માનવી…
તમે આ રશિયા યુક્રેન યુદ્ધ ના હમાચાર લેવાનું બંધ કરો હવે આ હું આજ નો ટોપિક મોકલ્યો, "ભુલ્યો ભાન હવે માનવી.."
પણ વાંધો નહિ મોટા તમે કીધું તે હવે કાંક અમારે કેવું તો જોહે ને નકે તમે વળી મિસ્ટર ઇન્ડિયા ની ઘડિયાળ પેરી લ્યો ને એના કરતાં કાંક લખતા રે'વી તો તમે આંય પડ્યા-પાથર્યા તો રયો..!!
જો મોટા એક તો માણસ માત્ર ભૂલ ને પાત્ર, પાછું માણહ એવું વિચિત્ર છે કે વાતે વાતે ભાન ભૂલી જાય, એનું કારણ હું ખબર્ય? સહનશક્તિની ઉણપ. કાંઈ પણ પચાવવું એ ઘણું અઘરું છે હો મોટા. ઘણા નથી, આનંદ માં આવી જાય તોય કોક કે ફડાકો ઝીંકી લેય, ને અમુક દુઃખ માં હોય તયેંય બાજુવાળાનો વાંહો ચીતરે..!!
જોકે એના માટે એકલી સહનશક્તિ ય કામ નો આવે મોટા, સ્થિતપ્રજ્ઞ થાવું પડે, એક ગુજરાતી નાટક માં કલાકારે સ્થિતપ્રજ્ઞની ગજબની વ્યાખ્યા કરી છે, ભલે થોડીક કર્ણપ્રિય નથી, પણ છે આબેહૂબ..! કે સ્થિતપ્રજ્ઞની સ્થિતિ છે એ બિલકુલ ગધેડા જેવી છે. જેને નથી ખાવાની ભાન, નથી સુવાની, નથી ક્યાંય રેવાની, નથી કોઈ ચિંતા, નથી કોઈ સ્વાદ ની ખબર, એના માટે દરેક સ્થિતિ સમાન છે, સ્થિર છે.
અમારે એક તાળી-ભૂખ્યું પાત્ર ય છે, વાતે વાતે તાળી માંગે, નાનું એકાદ વાક્ય બોલીનેય હાથ ધરે, "દ્યો તાળી.." દી આખામાં લગભગ દોઢસો-બસો તાળીયું તો મારી પાંહે જ લિયે, બીજાવની જુદી…! એક દિ તો મેં એને કીધુય ખરું "ખાતા માં લખીલે, મહિને એક હાર્યે તાળીયું વોટ્સએપ કરી દઈશ." હવે આ વાત ઉપરેય એણે હાથ ધર્યો તો.. "દ્યો તાળી.." પછી તો હુંય ભાન ભુલ્યો મોટા, મુઠી વાળી ને તાળીને બદલે ઢીકો દીધો હો..!!
હાઉ કરો હવે, તમેય ભાન ભૂલો છો, લખવાની મારીય કાંક લિમિટ હોય હો..!!