સાદ કરે છે..

0
વળી એક દિ મોટભાઈ કહે, "સાદ કરે છે.."

ને મનમોજીના સાદ વાંચો..

ભાઈ મોટા, અમારે આંય તો પરભાતના પોરમાં તળાવની પાળે શિવનું થાનક છે, ન્યાના પૂજારી બાવા દીવા આરતી કરીને નારાયણ સ્વામીના ભજનો ની કેસેટ ચડાવે, ને અટાણે સવાર સવાર માં ઉગમણો વા હોય તે વા હારે ઇ મીઠો સુર તણાઈને, ધાબે હું સૂતો હોય ન્યા કાનમાં મીઠા શેરડા હાર્યે જગાડે હો..!! ને મોટા, ફળીયા માં ને શેરી માં બે-ચાર પીળી ને ગુલાબી કરેણ, દાડમડી, એવા વાવેલ છોડ અટાણે  પંખીડાવને આશરો દે ઈવા મોટા થઈ પડ્યા છે તે એમાં બે-તયણ કાબર ક્યાંકથી ઉડીન આયવી છે ઈય એની કાબરી માં સવાર સવાર માં હું જાયેગા પછી કાંક સાદ દીધા કરે હો, થોડેક નજીક માં જ અવાવરું જગા છે, તે ન્યાથી રોજ એક ટીટોડી પૂરેપૂરું બળ કરી ને ટેં ટેં કરતીક માથેથી ઉડીને જાય..!
     મોટા, અટાણની ગરમી માં એ.સી.માં જાગ્યા કરતા કુદરતની કળા વચ્ચે જાગવું જબ્બર આહલાદક છે હો..!! હજી મંદિરે નારાયણ સ્વામીના ભજનો ચાલુ જ છે. આ તો મોટા મીઠો પોર થયો. સાચા સાદ તો આના પછી ચાલુ થાય હો..!!
     એ..... ભંગારવાલેય... લોખંડ, પીલાસ્ટિક, ડબ્બા.. કાગળ પસ્તી વાલે.. ઉપરવાળાએ ગળામાં આનેય ભૂંગળુ દીધું હોય એવો આનો સાદ હોય હો..! ને પાછા ઠગ વિદ્યા ના મોટા જાણકાર હોય હો મોટા, મારે થોડાક લોઢા ના સળિયા ધાબે પડ્યા'તા, તે થયું આને દઈ દઉં, એણે ખબર નહિ કેવી રીતે જોખ્યા મોટા! પોણા અગિયાર કિલો લોઢું એણે મને આઠસો ગ્રામ નું કીધું..!! આ સાદ મને સોંસરવો ઉતર્યો તો હો મોટા..!
     ઇ જાય પછી, વાંહલી શેરીમાંથી એક સાદ સંભળાય આ વર્ણવવો જરૂરી નથી, પણ બાયુંને આ સાદ ચોથી શેરીમાં થાતો હોયને તોય સંભળાઈ જાય હો, એ હોય શાક-બકાલા વાળો અથવા વાળી..!! ઇ સાદ નો મોભો સૌથી અલગ હોય હો..! જેવી ઇ લારી કે છકડો કે એવું કોઈ પણ જુગાડું વાહન આવે એટલે બાયું નો પરબારો એકહારે હલ્લો બોલે..!! લારીની ફરતે ઘેરો વળી જાય હો, એકાદ ટમેટું મોઢામાં મૂકીને કે' "એલી ખાટા છે, દહ ના કિલો દે તો બે'ક કિલો લઈ લઉ"… એમ કહીને વળી એકાદ ટીંડોળુ મોઢા મૂકી દે. આનો શું ભાવ છે, એમ કહીને કાકળી તોડીને થોડીક ચાખે ને છેલ્લે પાંચ ના પા બટેકા લેશે ને એમાંય ભેળો મીઠો લીમડો, ધાણા ને થોડાક મરચા તો મફત માં લેવાના જ. આવા સાદ નો દેકીરો શેરીમા પૂરો થાય, પછી એકાદ કટલેરી વાળો, પછી એકાદ ફુગ્ગાને ફુગ્ગાની કાકળી ને એવા નાના રમકડાં વાળો, પછી હજી એકાદ લારી નો સાદ સંભળાય..!!
      વળી સાંજરે મોટા હજીય બીજા નાસ્તાના ફેરી કરતા લારીવાળા નાય સાદ આવતા હોય..! પણ એક પાણીપુરી વાળો સાદ કરતો નો ભાળ્યો, એ હુશિયારી ઘંટડી રાખે, લારી ધકેલતો જાય ને ઘંટડી વગાડતો જાય, ને હવે તો ઉનાળો આયવો તે આઈસ્ક્રીમ વાળોય ગળું ખંખેરીને લહેકો કરીને સાદ દે..!!

મોટા સાંજ સુધી આવા કેટકેટલાય સાદ સાંભળતા રહ્યા પછી અંતઃકરણનો સાદ તો બાકી જ રે હો..!!

Post a Comment

0Comments
Post a Comment (0)