ભૂલ

0

તા. ૧૬/૦૪/૨૦૨૨

"ભૂલ"

એલા આ માણહ જાત્યની પ્રકૃતિ એવી છે ને કાંક કે પેલા તો ઇ ભૂલ કરે, પછી ઇ ભૂલ ને દાબવા તયણ-ચાર બીજી ભૂલ કરે, વળી નિયાંય(ત્યાં પણ) નો ધરાય એટલે ભૂલ ની હામુ ડોળા કાઢે, "ભૂલ થઈ જ કેવી રીતે?" એમ!. પણ નિયાંથી(ત્યાંથી) કાંઈ ઉત્તર નો આવે પછી બીજે બધે ડારા-ડફારા કરશે, મતલબ કે ભુલ સિવાય બીજે ગમે ન્યા ધ્યાન દ્યો એમ!. વળી થતા તો થઈ પણ એને સાચી મતિ થી સુધારનારો તો કોક જ વિરલો હોય બાકી તો કાંક ને કાંક બીક જ કારણભૂત થઈ ને ઉભી રહી હોય.. કે કેમેય આ ભૂલ સુધરે..!

અમુક ને ભૂલ થયા પછી સ્વીકારવાની વાત તો દૂર રહી પણ કુંભાર ચાકડે માટીનો પિંડો ચૂંથે એમ ભૂલનાય છોતરા કાઢી નાખે, ઓલ્યો એક પિંડા માંથી  અનેક કોડિયા કરે, ને આ એક ભૂલ માંથી અનેક નું સર્જન કરે કે સાચી ભૂલ પકડમાં જ નો આવે હો..!!

અમુક ભૂલી-ત્રીજ વળી એનથીનેય આગળ હોય, ભૂલેય પોતે કરેને રીંહ(રીસ) પણ પોતે જ કરે, જાણે કેમ આપણે એનું વિહ વિઘુ મફત નો ખાતા હોય..!

ભૂલીચોથ નો હજી એક તો બૌ અઘરો પ્રકાર આવે હો. આપણને એના માથે એટલો બધો વિશ્વાસ હોય કે ભરોસો જ નો થાય કે એણે ય ભૂલ કયરી હો..!

કોયલ પોતાના ઈંડા કાગડીના માળા માં મૂકી આવે, એમ માણહમાં ય "ભૂલી-કોયલ" હોય હો, પોતાની ભૂલ બીજાના ખોબામાં મૂકી આવે..! મૂકી તો આવે, પણ પછીય એને હખ નો થાય હો, ઇ જોયા ભૂલને જ જોયા કરે..!!

અમુક તો "ભૂલ-ચોર-કલાધર" પણ હોય હો..!! છાનામાના ભૂલ કરે, છાનીમાની સુધારી ય લે, ને ઇ સુધારા ટાણે જે છબરડા વાળ્યા હોય ને ન્યા કાંક સુંદર કારીગરી કરી દે તે ખબરેય નો પડે કે આ ભૂલ હતી..!!

હકીકતમાં તો ભૂલ થઈ હોય ને સ્વીકારી લ્યો પછી જે શાંતિ મળે ને ઇ ભૂલ ને દાબી રાખવામાં નથી.. એક તો ચિત્તડું ક્યાંય ઠરીને ઠામ નો થાય, ઇ ભૂલ કેવા કેવા પરિણામો લાવશે બસ મગજમાં ઇ જ ઘુમર્યા કરે..!! નો ટેસડા વાળી નીંદર આવે કે નો આવે તૂરી તંદ્રા..!! પણ આ વાત ઘણી મોડી હમજાય હો.! ને વેલીય સમજાઈ ગઈ હોય તોય અમલમાં લાવતા મોડું થઈ જાય..!

કાં તો ભૂલ કરવી નહીં જો કયરી કે થઈ હોય તો ભોગવી લીધા સિવાય છૂટકો ક્યાં કોઈએ ભાળ્યો?

Post a Comment

0Comments
Post a Comment (0)