એ નાના-મોટા હંધાયને રામ રામ,
તે મુદ્દો એમ છે કે પ.પુ. ભાઇ મોટા એ સવાર માં સનમમાં ખોવાવાનું કીધુ'તું, પણ આજ રવિવાર હતો, ને ગઈકાલ શનિવારે કોકની ખોદવા માં હું સમય ભૂલી ગયો ને મોડે હુધી જાગતો રયો એટલે આજ મોટાએ ખોવાવાનું કીધું તે હવે ખોવાવા જાઉં છું એટલે કોઈ ધોખો નો કરતા હો.. એલા હા ઉપર ખોદવાનું કીધું એટલે આપણી પાંહે તયણ જેસીબી હતા એક તો શેરબજાર ખાઈ ગયું તું, બે બયચાતાં તે ખોદ્યા કરવી, ખાડો તો અમારેય પેટ માં હોય ને..!!
તે વાત એમ છે કે આખો દી હમણાં થી ટાઈમ નથી રહેતો, અટાણે રાતે ઇન્ટરનેટ હાલતું નથી (સ્લો સ્પીડ) એટલે લખવાનો ટાઈમ રાતે જ જડે છે..(આ તીર લાગવું જોઈએ હો..) હવે ખોવાવું તો છે મારેય સનમમાં પણ ડખો ઇ થયો કે હું મોડો પડ્યો, મારી મોર્ય ઘણા બધા જાત-જાતને ભાત-ભાતથી ખોવાઈ ચુક્યા છે..!
અમુકને સનમ હાર્યે વાતું કરવી છે, અમુકને કસમુ દેવી છે, અમુકને ઘોડાપુર માં પ્રેમ વહાવવો છે, અમુકને વિરહાગ્નિ છે, અમુકને એકાંત જોતું છે, અમુકને સનમ હાર્યે સાત સમંદરની પાર જાવું છે, અમુકને સનમ હાર્યે લગનેય લેવા છે, પાછા અમુકને તો સનમના રિચાર્જ મોંઘા પડે છે, પીઝા, મોલ ને શોપિંગ ના બિલ ચૂકવવાથી બચવું છે, એકાદને તો સનમ જ નથી તોય ખોવાવું છે..
પણ, પેલા તો મેય નક્કી કર્યું'તું ખોવાઈ જાઉં ને કાંક તડકતું-ભડકતું લખું, પણ હવે એમ થાય છે કે આટલા બધા ખોવાણા છે, બે-ચાર ને છોડી ને, તે મારે ખોવાવાની જરૂર લાગતી નથ, હું કોક બીજા ને ખોઈ નાખું મારે હાટે (સાટે/બદલે).
આમ તો થોડાક ટેમથી મોટા હું એકાંત ગોતું છું હો. ક્યાંય કળાતું નથી. પણ કાલે ભુલ્યું ખોદતો ને તયે એક વિચાર આવ્યો. એકાંત મારી માલીપા(અંદર) જ હોય તો ક્યાંય બીજેય ગોતવા જાવું પડે ખરું? ઓલ્યું નથી કેતા "એકલા જ આયવા ને એકલા જ જાહો, નથી કાંઇ લાયવા તો હું તંબુરો લઈ જાહો?" (વાંહલી કડી મારા જેવા એ જ હામભળી હયશે હો એટલે નવાઈનો કરવી..) તે એકાંત કે પછી એકલવાયુ પેલે થી જ નક્કી હોય તો પછી આ ભવ માં આટલી બધી આંટી-ઘૂંટી ની શું જરૂર? એલા સનમમાં ખોવાવાનું હતું, હું એકલો ખોવાઈ ગયો..
એ મોટભાઈ, મને તો જો કે પ્રેમની કલ્પના ગમે, પણ.. !!! હશે ઇ અનુભવવાનો મુદ્દો છે, આપણે ઇ ચાખવું નહિ ને ખોટું ઉલેચવું..! તમે કયો એમ ખોવાઈતો જાતા જ હશે હો મોટા સનમમાં..! અમારે ગજોય ઘણી વાર ખોવાતો, "પ્રિયે, હૃદયમાં વિરાજતી હે સામ્રાઞી, તમોનું સ્થાન મુજના નાનાસા હૃદયમાં સમુદ્રસો ક્ષેત્રફળ પામી રહ્યું છે, પણ છતાં હું કહું છું, સમુદ્ર તો ખારો હોય પણ તમો તો મીઠા મહેરામણ, સહારા ના રણ માં કોઈ પ્યાસીની મીઠી સી વીરડી, તમોના ખંજનો પણ બ્રહ્માએ મલમલની છીણીથી કંડાર્યા હશે, કે પછી એ નમણું નાક ઘડવા સહસ્ત્ર વર્ષોના તપ ખર્ચ્યા હશે, અને આ આંખો જેમાં હું અનંત ખોવાયા કરું છું..!!" આવા ઉપરોક્ત ડાયલોગ અમારો ગજો એની ગજીને, રોડ બનાવ્યા પછી, ગટરની પાઇપલાઇન નાખવાનું ભૂલી ગયેલા મ્યુનિસિપાલિટી વાળાવે, રોડ ને બીજી વાર ખોદયો હોય, ન્યા એક નાની કુંડી કરી રાખી હોય, એમાં બેઠો બેઠો ગજો ફોન માં ગજીના વખાણ કરતા કરતા ખોવાય જાય, હું જેસીબી થી ઇ ખાડો બુરવા પુગુ, તયે ખબર્ય પડે લ્યો કે આમ સનમમાં ખોવાવાય..!!