તે આ વળી તમે નવીન લાયવા, (મારા માટે તો ડિજિટલ પ્રેમ નવીન જ છે.) આ માયાવી મોબાઈલ એ પ્રેમ જગાયવા તો છે જ મોટા એની ના નહિ, કોકને રૂપિયા, કોકને સત્તા, કોકને ભૂખ, કોક ને સુખ હાટુ પ્રેમ તો છે જ, એમાં ય ફેસબુક ને ઇન્સ્ટાગ્રામએ તો પ્રેમ નું પુર વહાવ્યું છે, અમારે ઘૂઘોને ઘુઘી કપલ ફોટો અપલોડ કરીને નીચે કેપશનમાં મીઠી પ્રેમસભર શાયરી ઠબકારે, વળી હેશટેગ મૂકે "એકદુજે_કે_લિયે, બેહદ_પ્યાર, ઇન્ફિનિટી_લવ" એલા ઘર ભેગીના થાવને..!! પાછા સ્ટેટસમાં "ચુરા લિયા હૈ તમને જો દિલકો" ઇ ગીત માં ઘુઘીનો ફોટો ચોંટાડીને લબુકઝબુક થાય એવી એડિટિંગ કયરી હોય, એવા તો ૩૦-૩૫ સ્ટેટસ મેકયા હોય ને હેઠે હંધાય માં શાયરીયું ને એવા એવા કેપશન કોતર્યા હોય ને જાણે ઘુઘો-શાહજહાં સ્ટેટ્સ માં જ એની ઘુઘી-મુમતાઝ નો તાજમહેલ ચણતો હોય નહીં એટલો બધો પ્રેમ ઠાલવી દે.. ને આપણે ભૂલ માંય સ્ટેટ્સ જોતા હોય ને એનું આવી જાય તયેં તો રીતસર ઈચ્છા થાય કે આ હન્ધુ જોવા કરતા ઢાંકણી માં પાણી લઇ ને ઘુઘાને પેટે પાણો બાંધી ઇ ઢાંકણી મા તળિયા લગી પુગાડી દેવી..!!
અને ઓલ્યો ડિજિટલ પ્રેમ હંધાય ને ઉપડે.. કયો.. હમણાં જેમ કાલ વિશ્વ ચકલી દિ ગયો ને બધાએ ચકલી દિ ની શુભકામનાઓ દિધીયું, પણ એવા કેટલા હતા જેણે એકાદ ઝાડવું વાવીને ખરેખર ચકલી ને શુભકામના દીધી? પાછા બાનું શુ કાઢે ઘર પાંહે જગ્યા નથી ઝાડવું રોપવાની, તો એલા ભાગોળે વાવી આવ, પાછો કે ના ના ઘરે ઝાડવું વાવીએ ને એટલે પાંદડા બૌ(બહુ) ખરે, આખો દી બાયું ને બૌ(બહુ) વાળવું પડે… હા તમારો પ્રેમ..
હજી ઓલ્યા બાયું બનીને ભાયું ફેસબુકમાં ડિજિટલ પ્રેમ ફેલાવતો વર્ગ તો જુદો હો..!! એને તો આયાં ગણતરીમાં લેવાય નથ..!!
ડિજિટલ પ્રેમ એક રીતે તો હવે જરૂરિયાત પણ બની ગઈ છે, બાકી ચિઠીયું નો જવાબ આજ નું ટપાલખાતું પુગાડે નો પુગાડે કોને ભરોસો? ખોટો કોક નો જવાબ કોકને પુગે…!!