આપણે આંય તો મોટા સવારથી ઉઠતાંવેંત માથાકૂટ ને લમણાંઝીંક ચાલુ જ થઈ જાય હો.
પ્રભાતના મીઠા પોરમાં ઘુઘો હજી ખાટલામાં ઘરોડતો(સૂતો) હોય, નયાં એની ઘુઘી આવીને પગનો અંગુઠો મરડીને જગાડે, ઉઠો સ્વામીનાથ, સવાર થયું. ને મીઠા પંખીઓ નો સુરીલો કલરવ હાલતો હોય, ને ટાઢા પોરના નરસી ના પ્રભાતિયાં દૂર ભાગોળ થી સંભળાતા હોય, ને જાને કાન દ્વારા હૈયા સુધી કોક મીઠા અમરત જેવા શેરડા પડતા હોય ને.. પણ આ હંધુય કલ્પના હો હકીકતે તો માથાકૂટ જ હાલતી હોય.
આપણો ઘુઘો રાતે ક્યાંક પલટેલી ગાડીને કોઈનો ટેકો નો મળ્યો હોય એટલે જેસીબી થી ધક્કો મારીને પરોઢીયુ થતા થતા તયણ વાગે તો ખોયા જેવા ખાટલા મા પોયઢો હોય, ને ઇ ખોયા માં નીંદર આવે નો આવે એ પેલા તો ઘુઘી પાંચ વાગ્યા માં ઉઠીને રસોડું રમાડવા માંડે, રમાડે એટલે કે ઠામડા આમથી તેમ કરતી હોય ને ખડખડાટ થાતો હોય તોય ઘુઘો કાન આડા બે ગોદડા ઠૂંસી ને ઘોરતો હોય, આનીપા રસોડું પતાવીને ઘુઘી સાવેણો ઉપાડે, પેલા ધબ દઈ ને ઊંધો પછાડે, પછી સરળળ સરળળ કરતીક ને આખુંય આંગણામાં ઉઝરડા પાડી દીયે, તોય ઘુઘો ફળીયા માં ખોયામાં ટેસડા લેતો હોય, હજી ઘુઘીને જગાડવા હાટુ બાના(બહાના) નો ગોતવા પડે, એ સાવેણો મેકીને કાંક નવું ઉપાડે, તોય ઘુઘો પયડો રે પછી, ઘુઘી ને કાંઈ નો જડે તયેં આવીને ગોદડું તાણી ને ઘુઘા ને કે આ હુરજ માથે ચયડો પણ હજી શું ઘોડા વેચી ને ઘોરો છો..!
તયેં ઘુઘો આ કડવી માથાકૂટ નો ઘૂંટડો ગળે ઉતારીને આંખ્યું ચોળતો બેઠો થાય, ને દાંતણ કોગળા કરીને બેહે નો બેહે એટલા માં ઘુઘી ને પળોજણ માં મોરસ(ખાંડ) વિનાની ચા દઈ ગઈ હોય એનો ઘા કરીને રાયડ નાખે "મગજમાં મીઠું હોય તો ચા માં મોરસ નાયખ.." ને બસ ઘુઘીએ ગળામાં દાબી ને રાખેલ રાગડો હંધાય જોર હાર્યે છૂટી પડે, "એ મારે તો કેવા કેવા માંગા આવતા તા પણ ભાયગ માં આ નવીન નિશ્ચલ જ આયવો, ને તોય ઘુઘો હું કે ખબર્ય ? "કે એ હંધાય આ ભાયગ હારા તે બચી ગયા ને હું હલવાણો"..
આવી તો હજી સવાર થઈ છે દિ આખા માં તો કેવડીય માથાકુટું થાતી હોય ઇ તો એના મારા જેવા પાડોશી મોણ ભેળવી ને વહેતા કરે હો..!!