મોટાભાઈ બહારગામ ગયા'તા, તે એક ગુરા ભાઈ મળ્યા, એમને કીધું, "હોઠે આવેલ પ્રસ્તાવ"
ત્યાં તો મનમોજીની કલમ ઉપડી..
તે મને એક આ હમજાતુ નથ, કે પ્રેમ ને વ્યક્ત કરવા હાટુ ઇસપેસિયલ આ અઠવાડિયું કાં જાહેર કર્યું? બાકી નું આખું વરહ હું(શું) મંજીરા વગાડતું હયશે માણહ? તે ખાલી આ અઠવાડિયા માં જ રામુભાઈને જુલીબેન(રોમિયો-જુલિયેટ)નું ઘોડાપુર ઉપડે છે?
સિત્તેર-એંશી ના દાયકાની ફિલમ હીરોઈનું આંખ્યું માં ભાલાની અણિયું કાઢી હોય એવી કાજલ આંજીને મોટા મોટા નકલી પાંપણો ચોંટાળ્યા હોય, ને ઉપરાઉપરી ત્રણ ચાંદલા કપાળ મા ઠબકાર્યા હોય ને એક્ટર પ્રેમ પ્રસ્તાવ મૂકે તયેં એક્ટ્રેસ હળવી નાજુક આંખ્યું ની ઈશારત માં મુક સંમતિ દેતી હોય.. પણ આ હંધુય ફિલ્લમ માં હો..
બાકી આપણે આંય તો સાંજે બાપુજી ઘરે આવી ને કેતા ફલાણાભાઈ ની ફલાણી દીકરી વેરે આપણા ગગાનું નક્કી કયરૂ છે.
બસ બાકી તો લગન ની રાતે ખબર પડતી કે આ આપણા ભાયગ(ભાગ્ય)..!! એવું જ હામે(સામે) (કન્યા) પક્ષેય હોય હો..!
અમારે ગજો ઉર્ફે સાહિત્યિક હથોડો ગયો તો હો અમારે કોલેજ કાળે, પ્રેમ પ્રસ્તાવ લઈને..
ગજો એટલે ગજો હો પણ, પ્રેમ પ્યાલો ચાખી ગયો તો તે , પ્રેમ સિવાય કાંઈ સૂઝે જ નહીં એને.. પ્રેમ પાછો આને જ થિયો તો હો, ઓલીપા હું હાલતું'તું એતો કોઈને ખબર્ય નહોતી (વનસાઈડ લવ).. ઓલ્યું આજકાલ ક્રશ કે ને એવું બધું..! ગજો તો અહીં આશિક આવારા ને પડયા પનારા થઈ ને ફરે હો, પણ કેવાની(પ્રપોઝ) જીગર કરે નહિ, તે જૂનો ને જાણીતો લવ-લેટર લખવાનો કારસો ઘડ્યો. ને માંડ્યો કાગળ ઉપર કલમ ઘંહવા(ઘસવા/લખવા).
"પ્રિયે કહું, હૃદયસામ્રાઞી કહું, કે હૃદયમાં એકાધિકાર ચલાવતી હૃદય રાણી કહું? શું કહું હું તમોને? જ્યારથી તમોને નિહાળ્યા, હૃદય જાણે કે વન વિહરતા મદમસ્ત ગજ માફક મંદ મંદ ધબકાર લેતું હોય અને પ્રત્યેક ધબકારમાં પણ એક માત્ર તમોના નામોચ્ચાર સાથે કોઈ તપોભંગ વિશ્વામિત્ર સમું એકમાત્ર તમોને ચાહતું ભાસે છે. શરીર ના પ્રત્યેક રોમ પણ જાણે તમારો સામનો થતા, કોઈ મહાન પ્રદેશની રાજકુમારી આવતા સજગ થઈ સલામી આપતા સૈન્ય માફક ઉભા થઇ જાય છે. ડરું છું આપને ખોવા તણા વિચાર માત્ર થી તેથી મોઢે કહેવા જીગર નો અભાવ ભાસતો હશે પણ આ લખી રહ્યો છું ત્યારે કોઇ અદભુત ભાવ - પ્રેમ નો સતત વરસતો ધોધ - જાણે વછૂટતો હોય એમ કલમ સતત ચાલતી આપના હૃદય સુધી પહોંચવા મારા આ તમામ શબ્દો અથાહ કોશિશો કરી રહ્યા હશે. મારા આ પ્રણયપત્ર ને આપ વાંચી તથા આપનો પ્રતિભાવ જરૂર થઈ પ્રત્યુત્તર કરશો. લી. આપના મુખારવિંદનો પ્યાસી ગુણિયલ ગજો.
આ પત્ર લખ્યો તો હતો ગજે, પણ પુગાડવો કેમ ઈય અમારે તો લોઢાનો ચણો હતો, એતો પછી ગજે યુક્તિઓ કરીને જેમતેમ પુગાયડો પણ આ પત્ર સામેના પાત્ર માટે તો પિન ખેંચીને મોકલેલા ગ્રેનેડ જેવો થઈ પડ્યો. એ ફાટે નો ફાટે ઇ પેલા તો એ કન્યા નો પિત્તો ફાટ્યો..
પછી તો ગજો ગયો ગામ ગજવતો હો..!!