તા. ૧૭/૦૩/૨૦૨૨, હોળી.
એલા ઓલ્યા યુધિષ્ઠિરને યક્ષ વાળી વાર્તા માં યક્ષે જેવી સવાલો ની માયા પાથરી'તી ને એટલી જ વિશેષ માયા આ મોબાઈલની ય છે હો, કઠણાઈ તો એવડી છે કે ટાઈમ જોવા હાટુ મોબાઈલ ઓન કર્યો, નોટિફિકેશન પેનલ સામુ આવી ગયું. હવે ત્યાં તો મારા જેવા આળસુ જીવ માટે જંજાળ્યોનો પર નહિ, બસો-ત્રણસો અનમ્યુટેડ ચેટના વોટ્સએપ મેસેજીસ, એની જમણે સ્વાઇપ કરીને પરબારું વળાવ્યું, એની હેઠે વજન વિના જોખેલ ઈંસ્ટાગ્રામમાં કોકે લાઈક કરી હશે તે ઇ કોણ હયશે ઇ જોવા હાટુ ખોલ્યું, કોઈ અજાણી પ્રોફાઈલ એટલે બેક કરી ને વળી નોટિફિકેશન પેનલ માં બે-ત્રણ સમાચારના એપ્લિકેશનોએ પૂરી પંદર નોટિફિકેશનો આપીને પ્રકોપ ની પરાકાષ્ઠાએ પહોંચવા પ્રયત્ન કરેલ પણ જમણે સ્વાઇપ કરી ને એમનોય ઘા ચૂકવ્યો, ત્યાં વળી બે દી પેલા ભૂલમાં ફેસબુક લોગઆઉટ કરવાનું રહી ગયું હશે તે બે-ત્રણ નો ઉમેરો એનોય ખરો. હવે એમાં હોળી નો તહેવારે કાંક સળગતું હોય એવું લાગ્યું એટલે રહેવાણું નહિ ને ફેસબુક ખોલ્યું. આમ તો આપણે ફેસબુક ને ઘણી વેલી તિલાંજલિ દીધેલ, પણ ક્યારેક ભુવાના સારા દાણા પડે તો લોગીન કરી લેતો હોઉં છું. તે ફેસબુકની બજાર માં ફરતા ફરતા એણે તો એક લિંક ઉપર ક્લીક થઈ જતા ઉલાળી ને વિકિસ્રોતમાં ઘા કરી દીધો.
વિકિસ્રોત પડતા તો પડ્યો પણ આપણે તો ખાલી મોબાઈલ ટાઈમ જોવા જ ઓન કર્યોતો ઇ સમૂળગું વિસરાઈ ગયું અને વાચકને તો વાંચન મળતા જાને દેવ મળ્યો, ઈય 'કલાપી'… કલા ને ઘોળીને પી ગયો ઇ કલાપી… સાહિત્યનો સુરીલો મોર ઇ કલાપી…
પછી તો ઓલી ગોપી કે' ને કે મારી શેરીએ થી કાન કુંવર આવતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ, હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ, ઓઢયાના અંબર વિસરી રે લોલ... બસ એમ જ સમયને સરવું હોય તો સરે ને ઠરવું હોય તો ઠરે પણ હવે તો વાંચ્યે પાર… વાંચન તો વાંચન છે, કાંક તો અંદર ઉતરે જ.
લેખકનો ભાવ, એના વિચાર, વસ્તુસ્થિતિ વર્ણન, કલ્પનાઓ, રહસ્યો, જ્ઞાન… કેટકેટલુંય… હા શબ્દ પણ. ઇ વાંચતી વેળા કેટલાય શબ્દો મારા મગજ માં તરવરતા હતા. નવા નવા ભાવો સર્જાતા હતા, વળી શમતાં હતા, હિલોળા લેતા સમંદરના મોજાઓ ઉછળી ઉછળી ને પટકાય એમ સતત નવીન કલ્પના સૃષ્ટિ સર્જાતી હતી.
હાલ કાશ્મીરી પંડિતો ચર્ચામાં છે. એમને પણ કલાપી એ તેમાં વર્ણવ્યા છે. પણ ત્યારે હાલ કરતા અવળી પરિસ્થિતિઓ કીધી છે. કદાચ સમયની જ માયા હશે.
હશે, કાળને જાણવા કોણ સમર્થ છે? પુસ્તકમાં કલાપીએ એક પ્રસંગ કીધો છે, કશ્મીરી સાલ જે આજલગ પ્રખ્યાત છે. તેઓ કોઈ મીલ અથવા જ્યાં એવી સાલ બનતી હોય ત્યાં ગયા હશે ને સળની ભાત અને કલા જોઈ પ્રભાવિત થયા. પણ એક ખેદ પણ તેમણે વર્ણવ્યો એ છે જ્ઞાન. ત્યાં એ સાલ નો કારીગર પોતાના પાડોશીને પણ એ કલાનું જ્ઞાન બાંટતો નથી.
ખરેખર, અમુક વાતો ને રહસ્ય શા માટે રાખતા હશે? હા ઠીક છે, રક્ષણ સંબંધિત ગુપ્તતા જરૂરી છે પણ કલા ક્ષેત્રે એનું સ્થાન શા માટે? આજ મારી પાસે કોઈ નવીન વિદ્યા છે હું તેનો પ્રયોગ જાણું છું પણ મારા લાભ તથા હિતો ને જાળવી રાખવા એ વિદ્યા કોઈને જણાવુ નહિ તો મારા મૃત્યુ પછી એ વિદ્યા મારી સાથે જ લુપ્ત થયી. લોક ને તો કોઈ લાભ રહ્યો નહિ. આંય આ ગર્ય(ગીર)માં કેટલાય બાવા/ફકીર ઔષધ નો ઉપચાર અર્થે ઉપયોગ જાણે છે, પણ ઉપયોગ કરશે તો માત્ર કૌતુક જગાડવા. ફરી પાછું રહસ્ય અકબંધ જ.
જ્ઞાન કે વિદ્યા તો જીવંત રહેવી જોઈએ. ખાટલાની જગા તો હવે છ બાય છ કે કિંગસાઇઝ બેડે લીધી પણ પેલા જે ખાટલા હતા, એને પાટી કે દોરીથી ભરવા ઇ ય કળા હતી, હવે ગણ્યા-ગાંઠ્યા જાણતા હશે. ને જાણે છે એની કિંમત છે, કિંમત છે ત્યાં લોભ છે, લોભ છે ત્યાં કલા'કારી' નો સોદો છે પણ કલા … એતો એ કલાકાર કોઈને વારસામાં આપે તો ભલે નકર એની ભેળે જ રાખ થાશે.
અસ્તુ.
(ઉપરોક્ત લખાણમાં કોઈ પણ જાતનો સુધારો વધારો કે છેડછાડ કરવી નહીં. આ લખાણ શેર કરી શકાશે પણ બ્લોગની લિંક સાથે જ.)