એક બીજાને ગમતા રહીએ..

0
વળી એક દિવસ મોટાભાઈ કહે, "એક બીજા ને ગમતા રહીએ.."

લી. મનમોજી તમે વાંચો..

"ગમવું-આકર્ષણ-ખેંચાણ-બંધન-દબાણ-બોજ"

મોટા નવી વસ્તુ નવ દી'હારી લાગે.. કાંઈ પણ ગમવું ઇ મન નો સાઈડ બિઝનેસ છે એમ કહું તો હાલે? માણહના સ્વચ્છંદી મન પાસે એક નિર્બાધ્ય અધિકાર છે, એ છે પસંદગીનો. અમુક એને પસંદ આવે છે અમુક નાપસંદ. વળી અમુક અમુક પસંદ હોવા છતાં પસંદગીને નાપસંદ હોવાથી પણ નાપસંદ કરવું પડે છે, (ના સમજાયું?, ઘુઘા ને કોઈ વસ્તુ પસંદ છે પણ ઘુઘીને એ વસ્તુ નાપસંદ તો ઘુઘો પણ તે વસ્તુને નાપસંદ કરશે.) આનું ગાણિતિક સૂત્ર બનાવું?

ધારો કે 
ઘુઘો = X, ઘુઘી = Y હોય તો..

Xપસંદ × Yનાપસંદ = Xનાપસંદ
પણ
Xનાપસંદ × Yપસંદ = Xફરજિયાત પસંદ

(હવે આ પસંદગીના ચક્કરમાં ઘુઘાને રીંગણું દીઠું નો ભાવતું હોય તોય આંગળા ચાટીને ખાવું પડે..)
તો ભાઈ શ્રી મોટા, આથી સાબિત થાય છે પસંદગી કે ગમવું એ દ્વીપક્ષી હોવાને બદલે એકપક્ષી છે.

હાલો હવે તમારો મુદ્દોય લેવી, "એકબીજા ને ગમતા રે'વી" એમ.. અમારે ગજો ઘાયલ યાદ છે ને.. એણે ઘણા ધમપછાડા કર્યા પસંદ 'થવા' માટે, એની પસંદગીમાં તો ઘણા પાત્રો ફિટ થઈ જતા પણ સામેના ક્રાઇટેરિયામાં ગજો ફિટ બેસતો નહિ, પણ ગજા એ પોતાનું વર્તુળ વધાર્યું.. મતલબ કે પોતાનામાં સુધારા વધારા કર્યા, થોડોક ફેશનેબલને ટીપટોપ-એટીકેટીમાં ..(કોલેજમાં વિષય ફેલ વાળી એટીકેટી નહિ હો..) ને એક પસંદગીના પાત્ર હાર્યે ગોઠવાઈ ગયું.. આવ બાઈ હરખા ને આપણે બેય સરખા.. એમ ગજો ને એની 'ગજી'(નામ બદલ્યું છે, છાપાવાળાવે શીખવાડ્યું.) એ તો પ્રીતમ-પ્રિયાના ભેખ લીધા.. જાણે યુગોયુગના પ્રેમી.. ગજા ને ફરી ગજી મળી, પ્રેમનો નવો અધ્યાય બેઠો, એકબીજાને ગમતા રેવા માટે એકબીજાની નાપસંદોનો ત્યાગ કીધો, ભદ્ર ગુજરાતી ગજો હવે ફાંકડા ઈંગ્લીશ માં 'હાઈ ડાર્લિંગ' જેવા શબ્દોચ્ચાર કરતા પણ શીખી ગયો, "હાઈ હેલો હાવ આર યુ, આઇ એમ ફાઇન થેન્કયું" પણ કડકડાટ બોલવા લાગ્યો હતો, ગજાને એક જ ભવમાં બીજો અવતાર થતો લાગવા લાગ્યું હતું, અમે મિત્રમંડલ પણ અચરજ માં હતા કે ગજો ઘાયલ ગજીના પાયલ ઉપર પ્રીતના પ્રકરણો લખતો થઈ ગયો.. હોસ્ટેલની દીવાલો પર 'બ્લેક માર્કર'થી જૂની ભૂંસીને નવી શાયરીઓ લખતો થઈ ગયો, અરે વોટ્સએપમાં "હમ દિલ દે ચુકે ના" સ્ટેટસો રાખવા લાગ્યો, ઈંસ્ટામાં ફિલ્ટર અને સ્લાઈડ્સ ગોઠવીને અવનવી રીલ બનાવવા લાગ્યો.. ગજીને ગમે એવું જ વર્તન, વાણી ને વ્યવહાર કરવા લાગ્યો.. પણ........ ગજી ધીમે ધીમે નિઃરસ થવા લાગી, ગજાથી કંટાળવા લાગી, બદલાયેલો ગજો હવે એને નાપસંદ થવા લાગ્યો, જૂનો ગજો તો ગમતો જ નહોતો, ધીમે ધીમે ગજાની ચેટમાં લેટ રીપ્લાય થવા લાગ્યા, ધીમે ધીમે ખાલી "Hmmm" પણ આવવા લાગ્યા, અને એક દિવસ ગજાને બ્લોક(સોશિયલ બ્લોક નહિ, સાચુકલો સિમેન્ટનો બ્લોક) પણ ઈંટી ગઈ. બસ, ગજો અમારો હવે ગજની થયો.. પણ હા, ડોક્ટરોએ કિધું છે, વેલી-મોડી યાદદાસ્ત એને પાછી આવી જાશે ખરી.. જોઈએ.. વળી ગજની થયેલો ગજો પણ ક્યાંક પાછો એકબીજાને ગમતા રહેવા પ્રેમ માં ન પડે..!!

Post a Comment

0Comments
Post a Comment (0)