"રાત બાકી છે"
તે વાત એમ છે કે આપણા પ્રિય મોટેશ હમણાં લગભગ દિવાળી વાત નું બોનસ જયડુ નથી તે, તેદુંના ગાયબ થઈ ગયા તા, ગોયતા જડતા જ નથી ને ક્યાંય, બીજું તો કાંઈ કામ નહોતું પણ આંય વાડીએ નિંદામણ હાટુ માણહ ઘટે છે.
તે આજ આ ગુજરાતી રાઈટર્સ વાળા ગુરાભાઈને આજ લાભ દેવી, વતેસર કરવાનો. મુદ્દો છે "રાત બાકી" છે. હવે રાત બાકી છે ના પરિપ્રેક્ષ્યમાં શુ લખું? આંય ઘણાય વતેસર નીકળે એમ છે.
હવે મહામાયા જેવો મોબાઈલ લઈને અંગુઠાની અણિયું કાઢી ને લખવા બેઠો છું ત્યાં અમારે ગજો ગુડાણો.
"શું કરી રહ્યા છો મિત્ર તારવિહોણાં દુરભાષી યંત્ર વડે?" આવતાંવેંત લાંબોલચક સાહિત્યિક શબ્દ-હથોડો ઝીંક્યો હો..!!
"એલા ભાળતો નથ, મોટો ગુમ છે તે આ ગુરા(ગુજરાતી રાઈટર્સ) ની મેથી કરવા આયવો છવ. ઇ લોકો એ રાત બાકી માથે લેશન દીધું તું, આપણે હાજર નહોતા, તે આજ કરવા બેઠા, તને આવડતું હોય તો કે..!! (બસ આજ મારી ભૂલ કે મેં એને કૈક સૂચન કરવા સુચવ્યો ને એની ગોળીયું છુયટી હો ભાઈ..)
હે ભદ્રજન, અહીં રાત બાકી છે થકી વિષય આપનારે કેટકેટલાય પ્રસંગોને જુદી જુદી ભાત્ય માં, અવનવા શબ્દો મઢીને રૂડો ચંદરવો સજાવવા સમર્થ છે આ વિષય.
ને ગજા એ આયદરી હો.
આ કડકડતી પોષની ઋતુમાં ટાઢીબોળ રાતના કોઈ વિરહી વિજોગણ, જેને કાળા સર્પ જેવો ગુંથેલ ચોટલો, સપાટ મેદાન સમુ ભાલ - જ્યાં ઉગેલ આદિત્ય જેવો કંકુવરણો કેસરી ચાંદલો, રૂડા રૂપાળા નેણ, હેઠે મોટી પાંપણો વડે છુપાવેલ - જ્યાં અનંત ઊંડાણ સુધી ડૂબી રહેવું ગમે એવી હરણ ની ગતિ જેમ ઉછળ-કુદતી આંખો, ગાંડી ગર્ય ના મેદાન વચ્ચે ઉભેલ ગિરનાર ની છટા ધારી નમણું નાક, જે સ્મિત માટે મરી ફિટવાનું મન થઇ જાય, એક નહિ પણ સો-સો જીવ કુરબાન કરવાનું મન થાય એવા સ્મિતને સાચવી બેઠેલા હોંઠ, દાડમની કળિયું જેવા દાંત આવી સુંદર સ્ત્રી, પોતાના પરદેશી પિયુની વાટે(રાહજોતી) રંગમહેલને ઝરૂખેથી પૂનમની રાતે પ્રગટેલ ચંદ્ર ને ફિટકારતી હોય કે,
"ચાંદા તું ચમકેલ, કેવો જોને કોડયથી,
રણવાસે રમ્મેલ, પરોઢ લગી ભર પ્રેમથી,
રમીયો આખી રાત, કોડી દાબી કેવડી,
વલખી કહું છું વાત, પિયુવીનાની હું રહી"
કે.. તું તો તારી સતાવીશ રાણીયું હાર્યે ચોપાટે રમે છો ને હું હમણાં પરોઢ થતા ય પિયુ વિહોણી રહેવાની.
ત્યારે ચંદ્ર એને જવાબ દેતો હશે, કે ખમ્મા કર્ય, રાત હજી બાકી છે." આવ-આવું તો હજુ ઘણું સાહિત્ય હું પીરસી શકું છું, પણ સમયને અભાવે હે ભદ્રજન આજ હું જાઉં છું.
કહેતાક ને ગજો આ ટાઢા પોર્યની આથમણી સાંજરે છવાયેલ ધૂમ્મસના પડદા પાછળ જતો રહ્યો..