વળી એક દિવસ મોટાભાઈ કહે અભિમાન પર લખો.
તાળીઓના ગડગડાહટ વચ્ચે અભિજીત શેઠ સ્ટેજ પર ચડ્યા. શ્રેષ્ઠ નવલકથા લેખક તરીકે તેમને સન્માન એવોર્ડ મળી રહ્યો હતો. આખો હોલ ચિક્કાર ભરેલો હતો, તેમના શબ્દો સાંભળવા ઘણા લોકો સજ્જડ થઈ બેઠા હતા. એવોર્ડ હાથમાં લઈને માઇક તરફ વધ્યા, "ખૂબ ખૂબ આભાર, મારી નવલકથા 'અભિમાનના ઓડકાર'ને ઘણું ઘણું પ્રોત્સાહન આપવા બદલ. મેં ઘણી મહેનત કરી હતી આ કથાનકના પાત્રો પર, તેમની લાક્ષણિકતાઓ આલેખવા માં ઘણો સમય લીધો હતો, મને યાદ આવે છે કે જ્યારે આ કથાનકમાંનું પાત્ર અનિમેષને લખતો હતો - મહિનાભર જેટલો સમય મેં અભિમાન ના પડછાયા વિચારવામાં જ વ્યતિત કર્યો હતો. કેવકેવડા પ્રસંગો અભિમાન થકી ઉભા કર્યા છે મેં. મારો ઘણો સમય, મહેનત અને ઉર્જાને મેં આ જ કથાનકમાં વાપરી છે અને કદાચ એટલે જ આ યોગ્ય નવલકથા બેસ્ટ સેલિંગ અને અન્ય પુસ્તકો પસ્તી જેવા થઈ પડ્યા હશે. આ સન્માન તથા નવલકથાને બેસ્ટ સેલિંગ બનાવવા બદલ ફરી થી ધન્યવાદ.
સભામાં એક સોપો પડી રહ્યો. પોતાના પુસ્તક ના પ્રચાર સુધી તો યોગ્ય હતું પણ અન્યના પુસ્તકોની તુલના કરીને અભિજીતે અભિમાની ઓડકારનો પડછંદ રવ સર્વ સમક્ષ કર્યો હતો. બસ તે જ દિવસથી આજ ના દિવસ સુધીમાં તેનું એક પણ પુસ્તક બજારમાં બિલકુલ ચાલ્યું નહિ. હાલત કફોડી થતી ગઈ. લેખન વિષયક કામો તેનાથી દૂર થતાં ચાલ્યા, પ્રકાશનો તેની ખબર સુદ્ધા લેતા નહોતા, અખબારોમાં કોલમ વગેરે માટે કોશિશો કરી પણ તંત્રીઓ તેને જવાબ દેતા હતા, "તમે તો ઘણા મોટા લેખક છો, અમારા જેવું નાનું કામ આપની પ્રતિભાને યોગ્ય નથી.." એને કહેવું હતું, "મારી ભૂલ થઈ, માફ કરો.." પણ કોઈ સાંભળવા પણ તૈયાર નહોતું. આવકના સ્રોતો બંધ થયા, અને બજારની ઉધારી વધતી જતી હતી. ધીમે ધીમે વ્યસનોમાં ગરકાવ થયેલ અભિજીત આર્થિક - માનસિક - શારીરિક તણાવો તણાતો ગયો.. અને..
"આગળ શું થયું?" ટેબલ પર પથરાયેલા અધકચરા લખાણ વાળા કાગળો પર હાથને ટેકે માથું ઢાળીને સુતેલા ગજાને ઢંઢોળીને મેં પૂછ્યું.
અને "હૈં..શુ થયું? મને કીધું કાંઈ?" કહીને માથું ખંજવાળતો ગજો-ગજની ચકળવકળ ડોળા ફેરવી રહ્યો..!!