છુપાયેલો પ્રેમ અથવા ગજા ગોષ્ઠી

0
"છુપાયેલો પ્રેમ" અથવા "ગજા-ગોષ્ઠી"
એલા ગજા, આ જુના મોટા પાછા આવતા રહ્યા લાગે..! (વાડીએ પીપળ હેઠે લીમડાનું દાંતણ ચાવતા હું.)

ગજો (બેફિકરાઈ થી બબડયો) : hmmm, પ્રેમ નો વિષય લઇ આવ્યા એટલે ને? 

(હું તેની તરફ ત્રાંસી નજરે જોતા) લે એલા તું ક્યારથી hmmm કરતો થિયો..!

ગજો (ગર્વ ભેર) : જમાના સાથે કદમ થી કદમ મિલાવી ચાલવું જરૂરી છે.

(દાંતણના રેસા દાંત માં ફસાયાથી કાંટા વડે દાંત ખોતરતા હું,) ઇ કોણ કે છે એલા? જે પિઝા ને અર્ધશેકયો રોટલો કેતો હોય ઇ?

ગજો (શિથિલ મુખમુદ્રા ધારણ કરીને) : એવું નથી, મેં સ્વ મહીં ઘણા બદલાવો ઇચ્છયા છે, અને અનુસર્યા પણ..!

(હોકો બંધ, માવો બંધ, તમાકુ બંધ એટલે મુખવાસનો ફાકડો મારીને) ઠીક હયશે! આ મોટેશ છુપાયેલો પ્રેમનું પૂછે છે. શું કેવું છે એમને?

ગજો (એક હાથ કાને અને બીજો હાથ લાંબો કરીને) : જુઓ, "કુછ તો લોગ કહેન્ગે, લોગો કા કામ હૈ કેહના..!" 

(સઘળું ધ્યાન તેના તરફ કરી ને હું,) તો એવા લોકો ને શું કે'વું?

ગજો (એક આંખ મિચકારીને) : એલાવ! કાંઈ નો કરાય, એવાવ ને હા એ હા કરાય ને છોકરા રાજી રખાય..! 

(યૌરકવોટ એપ ઓપન કરતા) એલા મારી ભાષા કા બોલે તું?

ગજો : સંગ નો રંગ ચડે છે, ને તમારો તો છે પણ પાક્કો તાવડીયો..! (બોલીને થોડુંક પાછળ ખસી ગયો.)

(એપ નોટિફિકેશનમાં નીરવ શાંતિ ભાળી ને.) ગજા બેટા મસ્તી નહિ. 

ગજો (મારી બેધ્યાની જોઈને) : અરે તમે ફરી હંમેશની માફિક અન્યત્રે વિષય વાળી ગયા. વડીલ શ્રી YQ મોટાભાઈએ છુપાયેલા પ્રેમ વિશે પૂછ્યું છે.

(મોટાની કોલેબ ચેલેન્જનું કમેન્ટ બોક્સ જોતા હું) મને તો ખબર છે, તુંતારે ઠબકાર્ય ને આપણે ક્યાં માર્ક લેવા..! ઓમેય ડન કીધા વિના ઇ જોવાના તો છે ને નહિ, ને આપણને તો ડન કોમેન્ટ કરવાનું બીજે દી એ યાદ આવે છે.

ગજો : તો છુપાયેલા પ્રેમ વિશે પહેલા તમે કહો પછી હું કહીશ.

(આતો આવો ચાળાલખણો નો'તો એવું વિચારતા એની તરફ જોતા હું) એલા કેવું હોય તો કે, જાજી લપ કર્ય'માં, આંય હઉને દિવાળીના કામ છે..!

ગજો (સાંઠીકાથી જમીન ખોતરતો) : એકવાર તમે તો કહો.

(અંતે કંટાળીને આદરી) તે હાંભર એલા, તેદી લધાભાઈના લાલાનો જમણવાર હતોને, તયે કાંક આવું દિવાળી વેરું(વખત) જ હતું, ને હંધાય હઉ હઉ ના કામમાં હતા, ને આનીપા ચુલે મગબાફણાં ખૂટયા..! ને મગબાફણાં ફાડવા કોઈ જડે નહિ..

ગજો (પોતાના ખંભે રાખેલ ઝોળી માં કાંક શોધતા) : મગબાફણાં એટલે?

એલા બરતન.. 

ગજો : વાસણ?

એલા બળતણ, લાકડું, જલાઉ.. જાડા થડીયા.

ગજો (પોતાની ડાયરીમાં ટપકાવતા) : ઠીક, તો એમ સીધે સીધુ કહો ને.

(વચ્ચેથી વાત કાપી એટલે ગજાને પીઠમાં પુરસ્કાર આપતા) એલા ભુલાવી દીધું ક્યાં હતી વાત.. તે હા, પછી તો ધોડમધોડ હું મફતભાઈના નેરાં માં ગયો, ને તણ ચાર હારા-માંહ્યલા સૂકા ફાડી આવ્યો, ને ખભે નાખીને પાછો વળતો તો તયે..

ગજો (ચહેરા પર ચિંતા, આશ્ચર્ય જેવા મિશ્રભાવો સાથે) : એ નેરું તો સારું નથી એમ કહે છે બધા. ખરા મધ્યાહને પણ ત્યાંથી નીકળવું ભય ઉપજાવનારું છે.

(આ ફેરે બે બક્ષિસ આપીને) તે એલા સાંભળને આગળ, એક ઝાડી આડે કોકે અવાજ કર્યો એલા..! આપણે તો ઘડીક મનનો વેમ ધારીને આગળ નીકળી ગયા, પણ બીજી વારેય અવાજ આવ્યો..! તે એલા આગલે દિ એ જ મને હજી કોકે ઇ નેરાં મા ભૂત થયા નું કીધું'તું.. તે આપણે તો ઠાકર ઠાકર કરતા લાંબા ડગલાં દેવા માંડયા હો.. એક ખભે કુવાડો ને બીજે ખભે મગબાફણાં નો ભાર પણ તોય ભાગે ઇ ભાયડા..

ગજો (ટોન્ટ મારતા) : તમે પણ ભાગો એમ ને.. પોઇન્ટ ટુ બી નોટેડ.

(આ વખતે પંદર પારિતોષિકોથી નવાજવો હતો પણ સવારના પોરમાં હતા નહિ) તને પણ એલા ઘડીક માં વકીલાતેય ઉભરાય જાય તી..!  તે આગળ તો સાંભળ.. આપણે તો એક ખભે ઢળકતા ધોડ્યે જાતા'તા, વાંહે જોયા વિના, પણ વાંહેય કોક દોડતું આવતું હોય એવોય અવાજ તો આવતો'તો હો એલા..! પછી તો એલા ઇ અવાજ હાવ હાથવા નજીક આવતો રયો તયે તો ખભો ખાલી કરીને કુવાડો આડો કરીને જેવો વાંહે ફર્યો ત્યાં તો..

ગજો (પીઠને પંપાળતા) : કોણ હતું? ભૂત, પ્રેત, પિશાચ, બેતાલી કે ધૂમ્રછાંયા?

(થોડુંક ઠંડક વાળું વાતાવરણ હોવાથી બંને હથેળી સામસામી ઘસતા) તંબુરો ભૂત-પલીત! એલા કોઈ નહિ, પચાણજીભાઈ નો પાંચમો દીકરો પ્રેમ હતો.. ઝાડી વાંહે ખડ વાઢતો'તો, એને બચાળાને જીભ નથી, ને મારે ખભે ભાર જોઈને મદદ હાટુ આયવો'તો.

ગજો (ઉભો થતા થતા) : અરેરે.. કશું નહીં ને કોથળે બિલાડુ..!

(એલા ક્યાં ઉપડ્યો ઉભો રે) એલા બિલાડુ કે બકરી, પણ તું તા કે' તારી વિયાખ્યાં તો કે.. 

ગજો (પાડોશી વાડી વાળા સૂરિયાભાઈનો શેઢો ઠેકતા) : નહિ આજ તમોનું આ સાંભળ્યું, એટલે અમોને તો પ્રેમને આલેખવાની ઈચ્છા જ ઓસરાઈ ગઈ.

Post a Comment

0Comments
Post a Comment (0)