એલા હંધાયને નવા વરહ ના રામ રામ..
વિક્રમ સંવત ૨૦૭૯ની કારતક સુદ એકમ.. નવ વર્ષનો આરંભ.. આમ તો ગયા વરહનો અંત કયો(કહો) કે નવા વરહની શરૂઆત ગ્રહણથી થઈ છે.. તે આજ અલકમાલક ની માંડીએ હાલો..!
ગામ આખાની કાજુકતલી, ડ્રાયફ્રુટ્સ, ને રંગબેરંગી મીઠાઈઓ ઉલાળી લીધી, ચોરે બે-ચાર ફાંકા-ફોજદારી ઝીંકી ને હવે વાડીએ બેઠો'તો..! ડાઘીયાને બેકરીવાલના બિસ્કિટ દીધા ત્યાં એની સરવાણી ફુયટી હો.. "હૂંહ.. માણહજાત"
(ઢોલિયો ઢયડીને પીપળ હેઠે ઢાળતા હું) "કા એલા, હવે શું છે..? ઘણા દી થી નિરાંત હતી તારી.."
(વાંહલા પગે કાન ખંજવાળતું ડાઘીયું) "બેસો બેસો..! માણહજાત મિથ્યાભિમાની છે."
(ઢોલિયે બેઠક જમાવતા હું, કેમ કે આ લાંબુ હાલશે લગભગ) "કેમ એલા, એ કેવી રીતે?"
(નીરણના પૂળા ઉપર બેહતા ડાઘીયું) "હમણાં યુ.કે.માં વડાપ્રધાન તરીકે ઋષિ સુનકે પ્રતિજ્ઞા લીધી."
(એટલામાં ગજો આવ્યો અથવા ગુડાણો) "તો હે શ્વાનજી મારા સંશયનું પણ નિવારણ કરતા જણાવો કે, તેઓ શ્રી ના પ્રધાનમંત્રી પદ પર વિરાજીત થયાથી સર્વ મનુષ્ય જાતિ મિથ્યાભિમાની કઈ રીતે થઈ?"
(મારી સામે જોતા ડાઘીયું) "આ પણ એન્ટિક પીસ છે નહીં?"
(કતરાઈને હું) "અઘરી આઈટમ તો તું પણ છો પણ તને મેં ક્યા કીધું ક્યારેય? એના સવાલનો જવાબ દે ને સળંગ ડાહયું થયા વન્યા(વિના)."
(ચળકતા દાંત દેખાડતા ડાઘીયું) "હવે તમે લોકો કાલ ના મંડાણા છો કે ભારતીયો પર રાજ કરનારા બ્રિટિશરો પર હવે ભારતીય મૂળ નો વ્યક્તિ રાજ કરશે. તો એ વ્યક્તિ ખાલી નામ થી જ ભારતીય છે, એનો વંશવેલો જ ભારતીય છે બાકી ઇય પૂરો બ્રિટિશર જ છે.."
(વાતની વચ્ચે જ ગજો) "અરે પણ મહાશય એ મૂળ તો ભારતીય જ ને..!"
(હું પણ) "ને એલા ઇ ઇન્ફોસીસનો જમાઈ છે હો, ને પાછો ભારત પ્રત્યે કૂણી લાગણી રાખે છે ને.."
(બીજી દિશાએ મોઢું કરીને ડાઘીયું) "તો કોહિનૂર મંગાવી જોવો તો.. કા તો તમારા ઓલ્યા અટપટું અંગ્રેજી બોલતા શશીએ કહ્યું એમ બસ્સો વર્ષ ની લૂંટ નો રેપરેશન મંગાવી જોવો, એ શશી ભાઈ આપણને ગમ્યા હો, એતો લંડન મ્યુઝિયમને ચોર બજાર કહે છે."
(ઉત્સુકતાવશ હું) "પણ આડી-અવળી કર્યા વન્યા ડાયરેક મિથ્યાભિમાનીની માંડ ને.. અક્કલ ના ઓથમીર."
(પોતાના તીક્ષ્ણ દાંત વડે મારા પગની પિંડી પાસે મોઢું રાખીને ડાઘીયું) "તો તમે લોકો એ ઋષિ સુનક પર અભિમાન કરો છો પણ એ તો ત્યાંનો નાગરિક છે, ત્યાંના શપથ લીધા છે, તો તમે શેનું અભિમાન કરો એની માથે..!!"
(શાંત મુખમુદ્રા સાથે લાંબો હાથ કરીને ગજો) "તો હે શ્વાન ! તેથી આપને શું તકલીફ થઈ?"
(બેફિકરાઈથી હું) "ઇ બેકરીવાલના બિસ્કિટ ખાય એ આવી જ વાત્યું કરે ને બે-કોર્યની, એ ચોપગાળા - ગમે એમ તો ઇ ભારતનો જ ને .. ભલે એની ત્રણ પેઢી ન્યા રે'તી હોય તોય.. તારે ભસાય.. બોવ બકાય નહિ."
(કપાળમાં કરચલીયું કરીને ડાઘીયું) "તમે માણસજાત અધૂરા ઘડા છો."
(મોઢું બગાડતા ગજો) "તો તમે શ્વાન સમુદાય શું સર્વશ્રેષ્ઠ છો?"
(આશ્ચર્ય સાથે હું) "મિથ્યાભિમાની હતા, હવે અધૂરા ઘડા કેવી રીતે?"
(ચારેકોર ચકળવકળ ડોળા ફેરવતું ડાઘીયું) "તમારો પાડોશી દેશ ના-પાકિસ્તાની ન્યૂઝ ચેનલોમાં એકધારું હાલે છે, કે ઋષિ સુનક ના પરદાદા ગુજરાનવાલા શહેરના હતા, જે તે વખતે બ્રિટિશઇન્ડિયાના હાલના પાકિસ્તાની પંજાબ પ્રાંતનું શહેરના હોવાથી ઋષિ સુનક પાકિસ્તાન ઓરિજિન ના છે. હવે અધૂરા ઘડા ઘા એ ઘા છલકે હો..!"
(અદભુત રસ માં ઓળઘોળ થતો ગજો) "આ શ્વાન જ છે ને?"
(મૂછમાં મલકાતાં હું) "તારે જે ગણવું હોય ઇ ગણ ને તમતારે, પણ મતદારયાદીમાં આનું નામ નથી ઇ સારું છે."
(જમીન ખોતરતા ડાઘીયું) "તમને પુરી જાણકારીઓ પણ નથી..!"
(કંટાળીને હું) "હવે શું બાકી રહી ગયું, એક હાર્યે બક ને.. કટકે કટકે શુ માંડી છે ક્યારની..!!
(જાણે ગર્વનો ગિરી ચડાવ્યો મોઢે એમ ડાઘીયું) "તમને ખબર છે, યુ.કે. માં લિઝ ટ્રસ ની સરકાર હતી ત્યારે એક મશકરા એ યુટ્યુબ ચેનલમાં લાઈવ વિડીઓ મુક્યો હતો, એક ટેબલ પર એક લિઝ ટ્રસ નો ફોટો અને એક પત્તાં કોબીનું પાંદડું.. અને નીચે લખ્યું જોઈએ પહેલા કોણ બગડે છે? અને ખરેખર પત્તાકોબીનું પાંદડું સડે એ પહેલાં લિઝ ની સરકાર પડી ગઈ..!"
(કંટાળીને ગજો) "પણ તમો ને તેથી શું? તમોને એના એજ બેકરીવાલી બિસ્કિટ આરોગવાના છે."
(ગજા તરફ મોઢું કરીને ડાઘીયું) "એલા આદિમાનવ, ખાઈ ભલે આયનું પણ પંચાત ચારે કોર્ય ની કરાય.. મોદી સાહેબે ય વધામણી દીધી છે, ને આપણા જગત જમાદારે વળી લોચો મારતા કહ્યું, કૉંગ્રેચ્યુલેશન્સ 'રાશિ સાનુક' અને આપણને ટ્રમ્પ સાહેબની સ્પીચ યાદ આવી ગઈ જેમાં તેમણે સ્વામી વિવેકાનંદનો નામોચ્ચાર બહુ વિચિત્ર કર્યો હતો."
(આશ્ચર્યચકિત હું) "તને કેમ ખબર ટ્રમ્પ વાળી?"
(મારી તરફ ઘુરકી ને ડાઘીયું) "માણહજાતને જાજુ યાદ રહેતું જ નથી.. ઇ ટીપણું આપણી વાડીયે આયવું'તું એટલે.."
(આશ્ચર્યના એટેક થાય છે મને) "આપણી વાડીયે કેદી એલા?"
(દાંત કાઢતા ડાઘીયું) "માણહ મજાકેય નથી સમજતું."
(આકરો થાતો ગજો) "આ શ્વાન ઉત્પાતિયું છે, પેલા શકટ હેઠળ કદાચિત આ જ શ્વાન હશે, જે પોતાને સર્વશ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે અન્યોને અવગણીને અપમાનના પ્રહારો કરવા ઉતારું થયું છે. આ શ્વાન શિક્ષાનું અધિકારી છે. વૃક્ષોમાં એક શ્રેષ્ઠ ગુંદી છે, તેની ડાળ ઘણી જ લચીલી હોય છે, તેમાં પણ કૂણી ડાળ તો અતિ ઉત્તમ. હું તે લાવું છું, મનમોજી આપ આને થોભી રાખશો, ઉપચાર અત્યારેજ આવશ્યક છે."
(તરપાલીયું પહોળું કરીને હું) "એલા, આજ તો ગંભીર ગજોય હિંસા ઉપર આવ્યો જાણજે.."
(પહેલી વાર જીણકું એવું બીકણ મોઢું કરીને ડાઘીયું) "સાચે ઇટી જાહે આ?"
(ગજો ગુંદી ની ઝીણી એવી સોટી લઈને આવ્યો ત્યાંતો ડાઘીયું સામો શેઢો ઠેકી ગયું'તું)
(કાંક યાદ આવતા ગજો) "એ રામ રામ.."
(આજ તો નકરું અચરજ જ છે) "રામ રામ ગજા, કા ઠેઠ હવે..!"
(ડાઘીયા કોર્ય આંગળી ચીંધતા) "આના વાર્તાલાપમાં વિસરી જ ગયો હતો કે હું તો નવવર્ષની શુભકામના પાઠવવા આવ્યો હતો..! આપને અને આપ yqના મિત્ર, સ્નેહીઓ સર્વેને પણ નવ વર્ષના શુભારંભમાં અઢળક શુભેચ્છાઓ, આ નવું વર્ષ આપને સર્વ રીતે મંગલમય, ધનધાન્યથી ભરપૂર, તથા સ્વાસ્થ્યમાં સર્વશ્રેષ્ઠ રહો તથા ઈશ્વરીય શક્તિઓ આપના રક્ષણાર્થે કાયમ હાજર રહે તેવી અંતરના ઉમળકાભેર અનંત શુભકામનાઓ..!!"
(ભાવવિભોર હું) "ખૂબ ખૂબ આભાર ગજા.. ને સેમ ટુ યુ હો.. અથવા ctrl+c એન્ડ ctrl+v."
(અદ્રશ્ય પણ મને દ્રશ્યમાન હથોડો ખભે ધરીને ગજો) "હમણાં મેં બે ચલચિત્રો જોયા મહાશય.. બંને એટલા ગજબ હતા વાત જ જવા દ્યો."
(હાશકારાભેર હું) "હા, જવા દે વાત..!"
(નેણ ભેળા કરીને ગજો) "અરે એવું તો કહેવાનું હોય બાકી વાત તો હું કરીશ જ."
(કંટાળાભેર હું) "ઝીંક તમતારે, ઉગામયો જ છે તો ઝીંક..
(ઉત્સાહથી છલકાતો ગજો) "રોકેટરી અને કાર્તિકેય, બંને એટલા સરસ ચલચિત્રો છે.. રોકેટરી તો ભારતીય વૈજ્ઞાનિક નામ્બી નારાયણ પર ચાલેલ દેશદ્રોહ બાબત પર છે, પણ કાર્તિકેય.. અહાહા અદભુત.. અવર્ણનીય.. અલૌકિક.. અનુભવ.."
(ઉતાવળ સાથે હું) "જલ્દી બોલ કલ સુબહ.."
(ઉત્સાહના અતિરેકથી ગજો) "કૃષ્ણ સ્વધામ જતા જતા ડૂબતી દ્વારિકાને બારણે ઉદ્ધવ ને પગનું કડલું આપે છે અને ઉદ્ધવ એને છુપાવી દે છે એ વર્તમાન માં આ ચલચિત્રનો અભિનેતા વિવિધ જોખમોને પાર કરતો શોધી લાવે છે અને ભારતનો પુરાતન વારસો દુનિયા સમક્ષ ઉજાગર કરે છે. અત્યંત રસપ્રદ કથાનક અને દ્વારિકાનગરી ને ખૂબ જ સુંદર રીતે દર્શાવી છે, વળી સૌરાષ્ટ્રની પ્રાચીનતમ અભીર શાખને પણ આ ફિલ્મમાં દર્શાવ્યા છે.."
(રસ ઉપજતા અને હવે બે ચાર જગ્યા એ રામ રામ કરવા જવાનું હોવાથી હું) "એ હા, હું જોઈ લઈશ ગજા બેહતા વરહના હથોડા થોડાક બાકી રાખ આખું વરહ પડ્યું છે હજી."
(વળી કાંઈક યાદ આવતા ગજો) "અરે, આ આપણું તો બેસતું વર્ષ છે પણ પૂર્વોત્તર રાજ્યો પર સંકટ છે તેથી તેમની પ્રાર્થના પણ કરજો, સિતરંગે બાંગ્લાદેશમાં તો ડાટ વાળ્યો છે અને હવે પૂર્વોત્તર ને ચપેટ માં લેવા જઇ રહ્યું છે."
(આખર હું) "ભગવાનું સૌનું ભલું કરે ને સૌને સાજા-નરવા રાખે."
ઇતિશ્રી વિશિષ્ટ સંવાદ સંપૂર્ણમ.