ક્યાં છું હું, શું કરું છું હું, શું લક્ષ્ય છે મારું?
મોહન અગ્રવાલના અઘોર નગારા વાગે જ્યારે વાંચી હતી.. બસ આ ત્રણ પ્રશ્નો ઉઠી ઉઠી ને શમતા હતા.. એ ઠરેલ લોહ પર ફરી એક હથોડા-ચોટ થઈ અને વિચારવંટોળ ઉઠ્યું... આ સંસાર થી મુખ ફેરવીને અઘોરી થઈ રહેવું, આખાયે સાંસારિક કષ્ટોનું એક ઘડીએ નિવારણ.. તો રામ કે કૃષ્ણે આ દિશા નિર્દેશ કેમ ન કરી? સ્વયં મહાદેવ પણ સંસારી તો રહ્યા ને..! તો શું સંસાર નો કે સાંસારિક રિતિઓનો ત્યાગ એટલો જરૂરી હશે? કે કંઈ પામવા માટે ત્યાગનું પ્રથમ સોપાન જ સંસાર છે? યોગી તો કૃષ્ણ પણ છે... એમણે તો ભેખ નહોતો લીધો.. માનવદેહ તો એમનો પણ હતો..! તમામ શારીરિક/સામાજિક બંધનો માં જ રહીને જીવી દેખાડ્યું છે ને એમણે તો.. રામે સરયૂ ની સમાધિ લીધી પણ સાંસારિક રિતીઓને અનુસરીને જ ને.. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરમાં રાચતુ આ મન કે પછી ચિત્ત જો આમાં જ રમમાણ રહેતું હોય તો ઉર્ધ્વ કે અધો કોઈ પણ ગતિ ને પામવી સુલભ કે સરળ બને ખરી..! હા, અધો ગતિ તો થશે..! શું એ ગતિની કોઈ સીમા છે? મર્યાદાના બંધનો તેને છે? ગર્ભાધાન થી માંડીને અગ્નિ સુધીના સોળે સંસ્કારો શું આપણે ખરેખર અવગણતાં નથી? માનવ-વિકાસની દોટ કે પછી નવીન ઘેલછાઓની પાછળ બસ દોડ્યા જ કરવું.. હાંફવું, થાકવું, થોભવું, હારવું, પડવું.. ફરી ઉભા થવું, નવા સંશોધનનો વળગાડ લગાવીને ફરી એનો એ જ ક્રમ. દોડવું..હાંફવું..થાકવું..!! લક્ષ્ય કદાચ છે તો પણ એ લક્ષ્યનું માહાત્મ્ય કેટલું? ઉપયોગીતા કેટલી? સ્વ-વિકાસ કે સામાજિક વિકાસ કે વૈશ્વિક વિકાસ .. કે પછી વિકાસના નામે ઢોંગ.. દેખાડો.. લક્ષ્ય વિનાની દોડ નો તો અર્થ જ શું? ઇતિહાસને ચોપડે નામ ના આવે એવા લક્ષ્યનો પણ અર્થ શું?
કે પછી કોઈ ઘાટી વનરાયુને ઓથે કોઈ ગુફામાં એક પ્રચંડ ચેતનાથી પ્રજ્વલિત ધૂણીમાં ધખતા અંગારે આપેલ ઉષ્માથી યોગમાં નવીન ક્રાંતિ કરીને પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ ના જોરે સમાજને અદ્રશ્ય રહીને પણ રાહ ચીંધતો કોઈ અઘોરી થાવું..!
કે પછી સાંસારિક જીવનમાં ઓઢો-હોથલ, મેહ-ઉજળી, હલામણ-સોન, રા'ખેંગાર-રાણક કે પછી માંગડો-પદ્મા થઈને કોઈ પ્રીતવછોયા, વિરહઘેલા જેને પિયુ આશમાં કંઠે આવેલ પ્રાણવાયુને રાહુના અમૃત સમો રોકી રાખ્યો એ પથ પર રજ થઈને રહેવું..!
કે પછી ગોપીચંદ, ભરથરીની જેમ મોલ-મોલાત્ય ત્યજીને નાભીના ઊંડાણથી ઉદ્દભવતો જઠરાગ્નિમાં કોઈ નવીન અનલને પ્રજ્વલિત કરીને પસાર થતો ફેફસાઓને અલૌકિક ઉર્જાથી ભરીને મુખવાટે નીકળેલ શબ્દ 'અલખ' ને ઉચ્ચારીને ભેખ લેવો..!
અગણિત સિદ્ધાંતો વડે ક્ષણ, પળ, ઘડી, પ્રહર, દિવસ, સપ્તાહ, માસ, વર્ષ, દશક, શતાબ્દી અને કદાચિત સહસ્ત્રાબ્દી પણ આ સિદ્ધાંતો તથા તેમાં થતી ઉત્ક્રાંતિઓ ને આધારે માનવ જીવનનું વહન થયા જ કરે છે. થંભતું નથી.. અવિરત કોઈ જળપ્રવાહ સો વહ્યા કરે છે..! બસ આ જીવન એમનમ વહ્યા કરે છે..! કોઈ લક્ષ્ય નથી..!! લક્ષ્યને પ્રાધાન્ય કેમ? માત્ર સિદ્ધિ હાંસલ કરવા? ચિંતન ના વિષયો આપવા? કે કોઈ દિશા નિર્દેશનમાં..!
અઘોરીઓ પાસે શું છે? અરે અઘોરીઓ જોયા કોણે છે, એતો ગિરનારની કોઈ ઊંડી કંદરા માં બેઠા છે, કા અરવલ્લીની અંદર, કાં હેમાળાની હેઠે..! બસ ક્યારેક ક્યાંક કોક વટેમાર્ગુની જીભેથી કોઈ જીણી એવી સિદ્ધિ કે કરતબની ખબર આવે.. પછી તો વાત નું વતેસર થાય.. રાઈ નો પહાડ.. મહાત્મ્યના મોરચે પરચાઓ પુરાતા જાય.. અને મત્સ્યેન્દ્રનાથ જ્યારે પોતાની તમામે સિદ્ધિઓ સાંસારિક એશણાંઓ પાછળ ખર્ચી બેઠા ત્યારે એ ગુરુનો ચેલો ગોરખનાથ તેમનો મોહભંગ કરીને વાસ્તવિકતામાં લઈ આવે બસ એમ જ આ સાંસારિક વાસ્તવિકતાનો પડદો આંખ આડો છે જેમાં સતત, ઘરના, પરિવારના, કામ-ધંધાના નિત્યનવા ચલચિત્રો ચાલ્યા કરે છે.. એ પણ અગાઉ કહ્યા એમ.. અવિરત ઝરણા ની માફિક..!
કર્તવ્ય તો આ પણ છે.. ગૃહસ્થીનો નિભાવ.. ગૃહસ્થી એ કરોળિયાએ અથાક પરિશ્રમ અને મહામહેનતે ગુંથેલ જાળા જેવું છે.. અથવા તો એવરેસ્ટનું ચઢાણ.. એક બાદ એક સોપાનો સર કર્યે જવાના.. ક્યાંય થોભવાનું નહિ.. બસ ચાલયે જ રાખવાનું.. ગૃહસ્થાશ્રમ બાદ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ્યા વખતે તો ન શરીર માં સબળાઈ હોય ન મન માં.! કારણ શું છે એનું? જીવન રીતિઓ? શિક્ષણ? કે શૈક્ષણિક અજ્ઞાનતા? સંકલ્પસિદ્ધિની અત્યંત ઉણપ હોય, અનેક રોગોથી ગ્રસિત અથવા આશ્રિત શરીર વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમને ઉપયોગી રહેતું જ નથી.. આ જીવન બ્રહ્મચર્યાશ્રમ, અને ગૃહસ્થાશ્રમ.. બસ બે ને જ તો જાણે છે..! બીજું ઘણું જાણવા લાયક છે.. આખું તળાવ ભર્યું છે.. પણ ડહોળાઇ ગયું છે..! અથવા હંસ જેવી નીરક્ષીર ની વિવેકબુદ્ધિ ક્યાં લેવા જવી?
હું ક્યાં છું? હું કદાચ પૃથ્વીના એ કેન્દ્રમાં છું જ્યાં કવચિત નિર્માનુષીકરણની પ્રક્રિયા નો આરંભ થઈ ચૂક્યો હોય..! શોણિતની પ્યાસ માં સુકાતા ગળાઓ જેમ ભીમની દુઃશાશન વધ બાદ ભરેલ રક્તની અંજલિ જેવી પીવાની તલબ ઉઠી રહી છે.. અને દોથા મોઢે એકમેકના રક્તમાં રમમાણ ચહેરાઓ કોઈ શ્વેત વસ્ત્રમાં કેસરી છાંટણા કર્યા હોય એમ નિરભ્ર આકાશમાં ઉડતા કેસરી અંગારાઓથી કંટાળીને સૂર્ય ક્ષિતિજની આડશ પાછળ ઢંકાતો હશે અને લુપ્ત થયેલ ગીધડાઓની લાણી સમી માનવીય લાશો વડે રચાયેલ ઊંચા પહાડના શીખર પરથી દૂરની દિશામાં દેખાતા બસ યુદ્ધમાં હોમાઈ રહેલ નિર્માનુષીકરણના ઓછાયા..!
શું કરું છું હું? હું બસ ક્ષિતિજનીય પેલી પાર કોઈ ઉજળી આશાનું કિરણ કળાય જે આ ક્ષુધાતુર મનુષ્યોની ક્ષુધાનો ભંગ કરે જેમ કૃષ્ણએ પાંડવોના વનવાસ દરમિયાન દુર્વાસાની કરી હતી.. હું બસ જોઈ રહ્યો છું જેમ બર્બરીકે જોયા કર્યું હતું.. હું બસ સૂર્યની ઉદય અસ્તની અખંડ ચાલતી પ્રક્રિયાને જોઈ રહ્યો છું, ધીમે ધીમે ક્ષુધાતુરોને સર્વે પ્રાણી ના માંસને આરોગતા જોઈ રહ્યો છું..છતા અતૃપ્ત ક્ષુધાને માનવમાંસની પણ ભૂખ જાગી.. અને બસ હું જોઈ રહ્યો છું.. મનુષ્યમાંસને જ આરોગતી નિર્માનુષીકરણની પ્રક્રિયા..!
શું લક્ષ્ય છે મારું? બસ એજ તો નથી ને.. તેથી જ તો ભટકું છું, આથડું છું, ઉઠું છું, પડું છું.. ફરી ફરી લક્ષ્યની ખોજમાં મનને દોડવું છું.. અને અંતે એજ નિરર્થક ખોજ..! કેટકેટલા વિષયો, રસો, અનુભવો માંથી હું પસાર થયો.. પણ થંભ્યો? નહિ! થોભવાનો વખત જ ક્યાં મળ્યો? શાળામાં વિવિધ વિષયોના વર્ગોનો એક જ દિવસમાં અભ્યાસ કરતા બસ એમ જ તો આ જીવનના પાના પણ ઉથલે જાય છે..! પણ ઉપમન્યુ જેવી ગુરુઆજ્ઞાનું ચોક્કસ અનુસરણ કર્યું નથી કદાચિત.. તેથી જ તો આજ દિશાહીન દશા છે.. કે પછી આ ષડ્રિપુ સાથેની મિત્રતાનું પરિણામ છે? કે ક્યાંક કોઈ કરેલી ઉપેક્ષા! કદાચ કઠોપનિષદ ના નચિકેતા ને યમે આપેલ આત્મજ્ઞાનમાં જણાવ્યું છે એમ બુદ્ધિમાનનું લક્ષ્ય આત્માને જાણવું હોય છે.. પણ હું અબુધની બુદ્ધિની ક્ષમતા ઓછી હોય ત્યારે...
*અસ્તુ
સર્વે સૂચનો આવકાર્ય..
બાબા મનમોજીના મુક્ત પ્રવચનોમાંથી..
ખુબ ગહન અને વિચારવા યોગ્ય વાતો કરી
ReplyDeleteક્યારેક ક્યારેક એવું વિચારું છું કે માણસ ને આવા વિચાર આવે એ માણસ જ બીજા માણસ થી અલગ બની જાય (સામાન્ય થી થોડો મોટો )
પણ શું કરવું , શું ન કરવું ખબર નથી , એટલી ખબર છે , આપણા ભાગે આવતા કર્મો પુરા કર્યા વિના કોઈ ભેખ ન ધરાય , ભેખ ધરવો હોય તો એ બધાની (માતા પિતા , પત્ની , બાળકો , સ્નેહી , સ્વજન બધા ની )આજ્ઞા લેવી જરૂરી છે , નહિ તો ભેખ નહિ ભાગેડુ કહેવાય
આપણા હાથ માં ફક્ત કર્મ છે અને ધર્મ પારાયણ રહી કર્મ કરે જવું , ઇતિહાસ માં નામ આવે ન આવે પણ જયારે ઈશ્વર સાથે ભેટ થાય તો આપણને જોઈ રાજી થાય