પુનરાવર્તન.. આપણે ઘરને તાળું માર્યા પછી પણ તાણી ને ચેક કરનારી પ્રજા છીએ..

0
"પુનરાવર્તન"
મોટભાઈ, મેં જાણ્યું કે YQના વાજા વીંટાઈ રહ્યા છે..! આમ તો હજી પેલી ડિસેમ્બરને આડા ઘણા દી પડ્યા છે, પણ તોય વાણિયા વાળું 'મિચ્છામિ દુક્કડમ' આજેજ કહી દઉં મોટા..! આમ તો વરહ આખું તમારી ઘણી ટીંગા-ટોળી કરી.. તમારા કોલેબ ચેલેન્જ માં આડેધડ કમેન્ટયું ઠબકારી..! તોય તમે ડાહયું માણહ ઊંહકારો કર્યા વિના, મારે ન્યાં વીજળીને ચમકારે વાહ લખી જાવ છો કોક દિ, એટલે તમને આજ સાગમઠો આભાર હો..!

પણ, આમ તો આ એપમાં ફાંકા-ફોજદારી કરવાની મજા આવતી ક્યારેક, ક્યારેક ધડ(લમણાઝીંક) થાતી, ક્યારેક લપ, ને આપણે તો કાયમ અડધી લપ થી જ ભાગી છુટતા..! ઇ કોણ માથાકૂટ કરે એમ..! પણ વિવાદ નો થાય તો સંવાદ નકામો..!😄 તે આપણેય કોક વાર સળગતું ઉંબાડીયું અડયા'તા..હો!

આમ તો હું ઓછાબોલો છું, આછાબોલો નહિ હો! કદાચ એટલે જ જાજુ બધુ લખી નાખું છું..! જે શ્વર સ્વરૂપે ન આવ્યા એ અક્ષર સ્વરૂપે અલેખાય છે. ઘણા લોકોને કેવું હોય કાંક કર્યા પહેલા ખબર પડે કે આ નો કરાય, મને અવળું છે, કર્યા પછી ખબર્ય પડે કે આ નહોતું કરવાનું..! બસ એમ જ આ મનમોજી ની આઈ.ડી. બની હતી..! ને પછી તો એનું ઘેલું લાગી ગયું..! અને Yq મોટાભાઈ ના - મોટા થયા, ક્યારેક મોટેશ..! આમ તો yqની સફરયાત્રા પેલા લખી ચુક્યો છું.

પુનરાવર્તન ? શેનું મોટા! આમ તો દરેક વસ્તુનું પુનરાવર્તન થાય છે, એક જ જીવનમાં જન્મથી માંડીને મૃત્યુનું પણ..! કોઈ એના મૂળ સિદ્ધાંતો બદલે એટલે એનો નવો જન્મ જ થયો કહેવાય ને? અમારો એક ભેરુ નિર્વ્યસની હતો, ત્યાં સુધી અમને એ ગાંડો જ લાગતો, પણ લખણે લાડકો થયો, ને હવે અમને એના જેવો સીધો અને સમજદાર માણસ અમારા મિત્રમંડલમાં બીજો નથી કળાતો ! એટલે આ કાંઇ વ્યસનના વખાણ નથી, પણ જાણે એક જ વ્યક્તિમાં બીજા વ્યક્તિત્વનો ઉદય થાય, તો એને શું કહેવું?

આજકાલ એક નવીન પુનરાવર્તન થતું પણ હું ભાળું છું..! એ છે ઐતિહાસિક તથ્યોનું..! ઇતિહાસનો હું રસિક છું. ઐતિહાસિક બાબતોમાં મને કેટકેટલાય પ્રશ્નો ઉદ્ભવ્યા કરે, તેનું નિરાકરણ હું શોધ્યા કરું.. એટલે ઘણા લોકો સાથે સંકળાયો. હવે હું જાતિ જોગ નહિ કહી શકું.. કારણ મારે નવો વિવાદ નથી સળગાવવો.. એટલે ઉપરછલ્લુ કહું છું, બાકી તમે પણ સામર્થ્યવાન છો, સમજી અથવા શોધી શકશો... !!! 

જુનવાણી પદ્ધતિથી આપણે ત્યાં ચાર વર્ણ ચાલ્યા આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર..! આ ચારે વર્ણ વિશે માનવામાં આવે છે કે આ ચાર વર્ણ ની સ્થાપના કર્મ આધારિત થઈ, પછી વંશ આધારિત ચાલી.! હવે આમ તો ચારે વર્ણને સહુ કોઈ જાણે જ છે એટલે એમના કર્મો લખવા આવશ્યક નથી, પણ જે વંશ આધારિત એ વર્ણો ચાલ્યા આવ્યા એમાં હવે લોકશાહીમાં છેડા-જોડ પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. મારો અંગત અનુભવ કહું, મેં અલગ અલગ જાતિના દસેક જણા ને પૂછ્યું હતું, તો બધાના જવાબો રામ અને કૃષ્ણની વંશાવળીમાં અડતા હતા, એટલે ક્ષત્રિયો થયા, પછી, વળી નવો પ્રશ્ન થયો, કે બધા બ્રાહ્મણ અને ક્ષત્રિયો જ હતા તો વૈશ્ય અને શુદ્ર ગયા ક્યાં? કુળ-ગૌરવ કે કુલાભિમાન હોવુ જરૂરી છે, (લોકમત - કદાચ એમાં આઝાદી બાદના સવર્ણોની ભૂલ છે. કદાચ વંશના મદમાં ચૂર થઈને અન્યોને તુચ્છ ગણ્યા હશે..!) તો શું વૈશ્યો કે શુદ્રોને કુલ-ગૌરવ નથી હોતું? પેલા કોઈ ગામડું ભંગાતું ત્યારે સૌથી પે'લી દોટ તો ઢોલી જ દેતો ને..! એના ઢોલની થાપે યુદ્ધના રંગ બદલાતા. અરે ઢોલીડા ના પાળીયા ઓ પણ છે.. તો આજ એ બધા કુળ બદલી રહ્યા છે, અરે હમણાંથી તો ધર્મ પણ બદલી રહ્યા છે. ભૂલ કોની? શિક્ષણની?

વૈશ્યો, મૂળે વેપારી વરણ.. આ લોકો પણ કુલાભિમાન ત્યજીને ક્ષત્રિયોમાં કાં તો જૈનો માં ભળી ગયા. જૈનો ના ચોવીસે તીર્થંકરો વિશે પુછીયે તો ક્ષત્રિય વર્ણ જાણવા મળે..!! બાકી એક સમાજનું અર્થતંત્ર સાચવનારા પણ કુલાભિમાન વિનાના થઈ બીજે છેડા અડાડે તો કોનો વાંક?

મારા મતે - એક વાંક આમાં લોક-સાહિત્યને નામે સ્ટેજ પરથી પીરસાતા ઉગ્ર વાક્-વિનોદનો છે. "વળે નહિ કાંઈ કર્યે ગેંગેં કે ફેંફેં થી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે.." કવિ દાદની આ પંક્તિઓનો સ્ટેજ કલાકારોએ આડેધડ ઉપયોગ કર્યો..! વળી આ કલાકારો પાછા એકબીજા પર પણ આરોપ-પ્રત્યારોપો મઢે છે..! તોછડી વાણી ને વિરરસનું નામ આપીને કોઈને ઉતારી પાડતા સુદ્ધા આ લોકો અચકાતા નથી. જે જ્ઞાતિમાં જાય તે જ્ઞાતિ વિશે એટલો બધો અતિરેક કરી મૂકે કે..એક ઉદાહરણ કહું, ફલાણી જાતિએ એક લોક સાહિત્યકારને આમંત્રયો, ને એણે એક પ્રસંગ કીધો, એનો એ પ્રસંગ એ કલાકારે બીજી જાતિમાં પણ કીધો, ખાલી પાત્રની જાતિ બદલી નાખી..! એમાંય એક કલાકાર તો એવા છે, શું કેવુ, ક્યાંથી ક્યાંથી ઇતિહાસને નામે પ્રસંગો લઇ આવે છે..! ત્યારે આપણને એમ થાય કે ભાઈ ખરેખર બોલે એના બોર વેચાય તો છે હો..! પાછા ઊંચા ભાવે..!! આ કલાકારોએ પોતાની વાણીનું સર્જેલું પાત્ર સર્વગુણ સંપન્ન દેખાડવા ઊંચનીચ ઉભી કરી, એમાં સમાજમાં કોઈ પોતાને વૈશ્ય કે શુદ્ર કહેવા રાજી નથી. (હું નથી ચાહતો કે કોઈ પોતાની જાતિ પર શરમ કરે, હું તો ચાહું છું કે સૌ કુલાભિમાન તો રાખે.) ઇતિહાસની અમુક વાતો તો એવી છે કે બંધ મુઠ્ઠી લાખની. પુનરાવર્તન.. ઐતિહાસિક પુનરાવર્તન.. લોકો પોતાનો વેલો બદલે છે.

'ઋણાનુબંધ' - આપણે ત્યાં એમ કહેવાય છે, કે આપણો પૂર્વજ જ આપણાં ઘરે ફરી જન્મ લઇ ને આવે - આ ઋણાનુબંધ છે. જ્યાં સુધી તેને કરેલા કર્મોના ઋણ માંથી મુક્ત નહિ થાય, ત્યાં સુધી તેણે ફરી ફરી જન્મ લઈને ઋણ ચૂકવવાનું રહેશે. જ્યારે આ ઋણ ના બંધનથી મુક્ત થશે ત્યારે મોક્ષ..!! આ પણ પુનરાવર્તન છે..!

કર્મોનું, કર્મોના ફળનું પણ પુનરાવર્તન થતું હોય છે. હળવાશ સાથે શરૂ થયેલી વાત ગંભીરતા બાજુજતી લાગે છે કાં?

હાં તો હવે YQ ના શટરે ખંભાતી મુંઢિયા(તાળા) મઢાય પછી કેની કોરા પ્રયાણ માંડવા? મારું બટુ YQ ચેપી હો.. કાં તો બંધાણીના અમલ જેવું.. !! કે તો છે કે yq જેવું કાંક નવું બનાવશે.. પણ પછી એમાંય ઇના આના ટુટે તો આપણે તો ફાટેલા શઢ વાળી હોડીમાં આમથી તેમ હિંચકોલા જ ખાવાના ને..!!

એલા મોટા, તમારા વિષય પુનરાવર્તનનું પછી ક્યારેક પુનરાવર્તન કરશું..!

(ને, હિર(Heer) તમેય થોડાક દિ જાસૂસી કરી લ્યો..જલસા કરો..! મને કોઈ વાંધો નથી આતો ઉપરાઉપરી ત્રણ-ચાર વાર તમારા નામની નોટિફિકેશન આવી એટલે આ સંબોધન તમને કર્યું.) 

બાકી, હંધાયને બોલ્યા-ચાલ્યું માફ.. આતો અટાણથી એટલે કહી દઉં છું કે, છેલ્લે ભુલાઈ નો જાય..! આપણે ઘરને તાળું માર્યા પછી પણ તાણી ને ચેક કરનારી પ્રજા છીએ.. એટલે અહીંયા જ પડયા પાથર્યા રહેવું છે.😃

*YQ = YOURQUOTE

Post a Comment

0Comments
Post a Comment (0)