રખડુંમન || સાજું થાહે, તયે એની મેળે ઠેક મારી ને વયું જાહે." ડાયરીની નોંધ

0
આ હિરણ.. કેવી હિરણ.. કે જાણે સૃષ્ટિના ખોળામાં રમતી નાની સ્વસંચાલીત જુદી જ સૃષ્ટિ.. હા, કવિ દાદે કહેલી નદી નિરાળી નખરાળી એ આ જ હિરણ.. અને હું કહું તો જાણે કોઈ નવવધુનો નવલખો હાર તેના પિયુ સાથેની ચોપાટની રમતમાં કોડી મારવા ટાણે આનંદના અતિરેકમાં ખેંચાઈને તૂટે અને એક એક મોતીડું વિખેરાતું તળ પર પડતા ઉછળતું દડતું જાય એમ હિરણના પાણીના બુંદો પ્રવાહિત થતા પછડાટ મારતા જાય છે. સવારના પહોરમાં અરણ્યની મધ્યે હિરણના અમીપ્રવાહ પર આદિત્યના ઉજળા કિરણો પ્રતિબિંબિત થઈને મારી આંખોને આંજી રહ્યા હતા. હું બસ નિર્વિચાર થઈ આ વહેતા અર્ણસને એકધારો જોઈ રહ્યો હતો..! બસ અસ્ખલિત વહેતુ અમીજલ.. અસંખ્ય જીવો ને તૃપ્ત કરતું.. કાયમ લીલી ઓઢણીમાં રહેતા આ પ્રવાહની આહલાદકતા અવર્ણનીય..! 

ક્યાંક કોઈ ટેકરીના પોલાણમાં કુદરતે સર્જેલી ગુફામાંનો કોઈ જટાધારી, ત્રિપુંડ તાણનારો, નાના-મોટા રુદ્રાક્ષની અને વિચિત્ર પથ્થરોની માળા એના ગળામાં શોભતી હતી. શરીર પર ઘસેલી રાખ થોડી જ માત્રામાં બચી હતી, પણ તેના અઘોર શૈવ પંથનું ચિન્હ કળાતી હતી. એ જોગી સામે કાંઠે ઉભો રહ્યો, એક માત્ર લંગોટ અને કંઠમાં વિવિધ માળાઓ જ તેના દેહ ઉપર હતી. ઉંમરનો અંદાજો તો આવી શકે એમ નહોતો પણ ખડતલ શરીરનો રુઆબ વિશિષ્ટ હતો, માથાબોળ ડૂબકી લગાવી, અંજલિ ભરી સૂર્યનારાયણ સામે અર્ઘ્યવિધિ કરી. પછી પાસે ની એક છીપર પર ઉભડક બેસીને હાથ દ્વારા વિવિધ મુદ્રાઓ કરીને કાંઈક પૂજનવિધિ કરીને એ આવ્યો એજ દિશાની કંદરાઓમાં અદ્રશ્ય થઈ ગયો. મારી ડાયરીમાં આ દૃશ્યની ટુંકનોંધ (હિરણ : હરિયાળી : દાદ : અઘોરી)  ટપકાવી, પથ પ્રવૃત થયો..! 

આમ તો ગીરના વખાણ કાંઈ ઓછા થયા છે? ગીરના કવિઓએ ગીરને જાત જાતની ઉપમાઓ આપી છે. સાસણથી તુલસીશ્યામ સોએક કિ.મી. નોનસ્ટોપ ગાડી હંકાવી.. આટલી બધી પ્રકૃતિ ભાળીને કદાચ આંખો પણ થાકી હતી અને સાંજરી વેળા, તે તુલસીશ્યામમાં જ અલ્પાહાર કરીને ગાડીમાં જ લંબાવ્યું, જોકે દેહ લંબાવી તો ન શક્યો, પણ ટાઢોડું વાતાવરણ, નીરવ શાંતિ, પ્રકૃતિની ગોદ માં ચોખ્ખું આભ, ને ક્યાંક છેટેથી હુંપણું દાખવી ડણકતો સાવજ, વનરાયુમાં તીણા સ્વરે ગાજતા તમરાં, ને એકાદ પવન હાર્યે સળવળતા સૂકા પાંદડા, ને ક્યાંક એકાદ લાળી નાખતું શિયાળીયાનું ટોળું જાતુ હશે એનો વા' હાર્યે આવતો અવાજ.. અને અનાયાસ જ મને યાદ આવ્યું, "..મુજે મેરી મસ્તી કહાઁ લેકે આયી.."

ખબર નહિ પણ કદાચ બારેક વાગ્યે ઝોકું આવી ગ્યું તે પરોઢિયે ચારેક વાગ્યે આંખ ખુલી.. શ્યામ પણ કદાચ જાગવાના હશે.. અકડાઈ ગયેલું શરીર સીધું કરવા માંડ માંડ ગાડી બહાર નીકળ્યો, પાણીની બોટલ માંથી ખોબો ભર્યો.. પણ.. આંગળીયું થીજી ગઈ. એ માધવ.. તયે મેં મોઢું ધોવું જ માંડી વાળ્યું.. તપ્તોદક માંથી પાણી લઈને ખંખોળિયું ખાઈ ને પરોઢના પહેલા પહોરમાં પરમેશના પગથિયાં ચડ્યો.. દર્શનાદિથી નિવૃત થઈ… માં રૂકમણી ના દર્શન કર્યા.. અને ગીરની કંદરાઓમાંથી કિરણેશનું પેલું કિરણ ક્ષિતિજ ઉપર ઝીણી એવી કેસરી લીટી માં ઉઘડતું હોય એવું લાગતું હતું..! ડાયરીની ટુંકનોંધ (તુલસીશ્યામ : ગાજતી રાત : પરોઢ)

ગાડી પાછી કાળા-કેડા ઉપર દોડવા લાગી.. સાથે સાથે મન પણ.. હજી રખડપટ્ટી અધૂરી હોય એમ જ લાગતું હતું..! મન તો થતું હતું કે ઓલા હિરણને કાંઠે ભાળેલ ઓઘડ જેમ જ નિજાનંદની ઉણપ પુરવાનું.. કાં તો બસ દિશાહીન ભટકવાનું.. કે બસ રખડવાનું.. અને આગળ એક ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે ચાર-પાંચ જણ ઉભા ભાળ્યા..! ગાડી થોભાવી પાસે ગયો, એક રોઝડાને કોઈ સાવજે થાપ મારેલી.. પાછલી પીઠ ઉપર મોટો ઉઝરડો હતો.. પણ રોઝડું આબાદ છટકી ગયેલું. એને બાંધીને વનકર્મચારીઓએ પાટા-પિંડી કરી, એક બંધિયાર વાડામાં પુરી દીધું.. "સાજું થાહે, તયે એની મેળે ઠેક મારી ને વયું જાહે." ડાયરીની નોંધ (મન : રોઝડું : સાજું થાહે તયે ઇ એની મેળે ઠેકીને વયુ જાહે) 

માણસનું પણ કાંક આવુજ છે ને, સંસારમાં રહે છે પણ નિયમ તો જંગલી જ છે ને, મોટો નાના ને મારે.. ને ઘાયલ (શારીરિક કે માનસિક) ઉપચાર થતા જ હતો ઇનો ઇ વે'વાર માં સરી પડે.. આવા વિચારોમાં લીન..

અને મેં દુનિયાના છેડા તરફ મોટર મારી મૂકી..!!

Post a Comment

0Comments
Post a Comment (0)