પ્રીતમ પરદેશી - રાત બાકી છે એ પુરી થઈ - અંતિમ ભાગ ૧૦

0
યોગસાધના પહેલા બંને ગુરુ શિષ્ય એ સ્નાન કરી, કંઈક મંત્ર જાપ આદિ કર્યા, અમુક યોગાસનો કર્યા. માત્ર દેતવા(અંગારા)થી જ્વલિત ધૂણીમાં નવા સમિધો તથા કંઇક વન્યવૃક્ષના સૂકા મૂળો અર્પણ કરી કંઈ મંત્ર બોલીને કમંડળમાંથી પાણીની અંજલિ ભરી ધૂણી તરફ છાંટી અગ્નિનું આહ્વાન કરતા જ જાણે વિકરાળ વિખધર ફૂંફાડો મારે એમ નવીન અગ્નિ પ્રગટ થયો. તેનો તેજમય પ્રકાશ આખાય ઓરડામાં અંધારી રાત્રીમાં પણ સૂર્યસો અજવાળું કરી રહ્યો. 

     ત્રિકાળીએ ઉભા થઇ કમંડળ લઈને એ ઓરડાની સીમાઓમાં રક્ષામંત્રનું રટણ કરતા જલધારા કરી.  ક્ષેત્રપાળોનું આહ્વાન કર્યું. જટામાંથી એક લટ તોડી ધૂમ્રછાયાને ઓરડાના મુખ્ય દ્વારની બહાર સ્થાપિત કર્યો. દ્વાર બંધ કરી ભીડેલા ભોગળ પર કોઈ સૂકી વેલ વીંટાળીને કાંક મંત્ર બોલ્યા - એ વેલમાં કોઈ પ્રકાશ પ્રજ્વલિત થઈને સમાહિત થયો. ધૂણી પાસે આવીને ધૂણી ફરતે પણ જલધારા કરી. ધૂણીના પૂજન અર્થે શ્વેત, પીળા અને રંગબેરંગી જંગલી પુષ્પો ચડાવ્યા. અબીલ ગુલાલ જેવા દેખાતા રંગીન પદાર્થો વડે ધૂણી સુશોભિત કરી.

     ધૂણી પાસે બિછાવેલ વ્યાઘ્રચર્મ પર બિરાજમાન થઇ મુખ સામે બટુકને આસન આપ્યું અને પ્રીતમને પાસે આવવા ઈશારો કર્યો. "બચ્ચા, અભી મેં યહ વિધિ કરને જા રહા હું, 'સબસે પહલે તો આપને ઘબરાના નહિ હૈ,' મેં અબ ધ્યાન લગાકર બટુક કે શરીર મેં પ્રવેશ કરવા જાતા હૈ, તુમકું મેને શિખાયા થા તુમે ઉસી તરહ પ્રદક્ષિણા કરની હૈ, મુજે કુછ સમય લગેગા ફિર મેં ઇસી શરીર મેં વાપસ આ જાઉંગા."

     "ઠીક છે બાવા, પણ ઝટ કરજો હો." અને પ્રત્યુત્તરમાં ત્રિકાળીબાવાએ સહેજ મલકાઈ માથું ધુણાવ્યું. 

     હાથમાં કમંડળ લઇને પ્રીતમે તો ઝીણી ધાર સાથે ત્રિકાળીની પ્રદક્ષિણા શરૂ કરી. ત્રિકાળીએ પદ્માસન વાળી નાભિ પાસે ડાબા હાથમાં જમણા હાથની હથેળી આકાશ તરફ રહે તમે ગોઠવી, આંખો બંધ કરી અને આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરી સૂક્ષ્મ શરીર જાગૃત કર્યું. સામે બટુક મહારાજ ને તો કાંઈ કરવાપણું હતું હતું, એને તો બસ શરીર સોંપવાનું હતું. ને પ્રીતમ તો ભૂત પલીત ના બીક માં ને આ નજરસમક્ષ થતી અદભુત ક્રિયાઓ જોતા કૌતુહલ પણ પામતો હતો. એને વિશ્વાસ તો નહોતો જ કે કોઈ પોતાનું શરીર ત્યાગી અન્યના શરીર માં જઇ શકે. અને ફરીથી પોતાના શરીરમાં પણ આવી શકે. પણ છતાં બાવા એ કીધું એમ જલધારા રેડતો પ્રદક્ષિણા કરતો રહ્યો હતો.

     આ ત્રિકાળી તો જાણે સમાધિમાં લાગી ગયો, અને સામે બેઠેલ બટુકનું હલનચલન થયું, પ્રીતમ પ્રદક્ષિણા કરતો કરતો આ બધું જોતો રહ્યો અને આશ્ચર્ય પામતો રહ્યો. બટુકે સુખાસન વાળી પ્રથમ તો શ્વાસોશ્વાસને નિયંત્રિત કરવા પ્રાણાયામ કર્યા, પછી જીહવા બહાર કાઢી, પ્રીતમની તો આંખ્યું ફાટી રહી કે ટૂંકા કદના બટુકની જીભડી સામાન્યથી લાંબી લાગતી હતી, પછી તેણે જીભ અંદર લઈ ઉપર તાળવાના મૂળ સુધી પહોંચાડી, આટલેથી હજી અટક્યું નહિ એ જીભ તાળવાના મૂળથી ઉપર મસ્તિષ્કની તરફ જતી લાગતી હતી. આગળનું કાંઈ કળાયું નહિ, જાણે કોઈ મહાવીર આખું રણમેદાન ધમરોળીને વિજય પામી ને જે ગર્વ મુખમુદ્રા પર ધરે એવો જ ભાવ હવે બટુક ની ય મુખમુદ્રા પર આવ્યો.

      આ બધું જોતા જોતા પ્રીતમને થયું આ ત્રિકાળી શરીર છોડવાનું કે'તોતો તે તપાસવી તો ખરા, એમ એણે ત્રિકાળીના નાક આગળ હાથ રાખ્યો, કોઈ શ્વાસોશ્વાસ તો ચાલતા નહોતા, થયું યોગી છે, શ્વાસ રોકી રાખતા હોય, હાથની નાડી તપાસી, ત્યાં પણ કોઈ સ્પંદન તેને લાગ્યું નહિ, આ આશ્ચર્ય વચ્ચે એણે પ્રદક્ષિણા કરીને કરીને પગ દુખતા'તા તે પ્રદક્ષિણા પડતી મૂકીને ત્રિકાળી ના હ્ર્દય પર હાથ મુક્યો ને પોતાનો એક ધબકાર ચુકી ગયો, કે આ બાવો તો હાચુકલો મરી ગયો.. કોઈ ધબકારોય નથી..!! મારો ખજીનો.. ખજીનો.. પ્રિયા.. પ્રિયા.. હંધુય ગયું..!

     પણ ત્યાં તો એ ધૂણી વાળા ઓરડાની બહાર કાંઇક તીવ્ર ને ઝીણી ચીસો ને દેકારા સંભળાતા હોય તેમ લાગ્યું, ઓલ્યું ધૂમ્રછાંયા કોક હાર્યે બાયધુ કે શું? કોક આવી ચડ્યું હશે? પણ એટલા માં તો ધડામ દેતોકને ઓરડાનો દરવાજો જાણે કોઈ પછાડતું હોય ને ખોલવા મથતું હોય. ભોગળ પર વીંટેલ વેલ ધગધગતા લાવા જેવી થઇ ગઈ, ખબર નહિ શુ થયું પણ એ વેલ પીગળીને જમીન પર પડી અને ઓરડાની સીમાઓમાં ત્રિકાળીએ જલધારાની રક્ષારેખા કરી હતી ત્યાં અચાનક જ જ્વાળાઓ ભભૂકવા લાગી..! પ્રીતમને તો કોઈ જ દેખાતું નહોતું પણ ઉપરાછાપરી આ અનુભવો ભય ઉપજાવતા હતા..! ઝીણી ને તીવ્ર ચીસ જાણે કાન ના પડદા ફાડવા જ ઉઠતી હોય એમ લાગતું હતું. જ્વાળાઓમાં અમુક અમુક અંતરે ભડકાઓ થતા હતા, જાણે કોઈ ઇ જળરેખા ઓળંગવા મથતું હોય પણ એ રેખા તેને ટપવા દેતી નહોતી..!! અચાનક જ એ ઓરડામાં ભયંકર વંટોળ સર્જાયો, ધૂણીનો તાપ પણ આમથીતેમ ડોલવા લાગ્યો, એ વંટોળ ઓરડામાંથી ઉદભવી જલરેખાને ભૂંસ્તો દરવાજા બહાર નીકળી ગયો, ઓરડાની ચારેય સીમારેખામાં જ્વાળાઓ પ્રગટતી હતી પણ દરવાજા પૂરતી નહિ. હવે પ્રીતમને નક્કી થયું કોઈક અગોચર શક્તિ ખંડ માં પ્રવેશ પામી રહી હોય. એતો ત્રિકાળી પાસે બેઠો હતો, એને ત્વરિત યાદ આવ્યું કે ત્રિકાળીએ પ્રદક્ષિણા વખતે અખંડ જલધારા નું કહ્યું હતું પોતે તેમાં ચૂક કરી.. એણે ફરી પ્રદક્ષિણા શરૂ કરી પણ બીક માં ને બીક માં અવળી..! એને આભાસ થઈ રહ્યો હતો કોઈ તેને અટકાવી રહ્યું છે, ને તીવ્ર ચીસો તો હજીય વારંવાર ઉઠતી હતી. એને ખંભા પર પાછળથી એક જ્વલંત સ્પર્શની અનુભૂતિ થઇ, પાછળ ફરીને નહોતું જ જોવું પણ છતાં અનાયાસ જ એનાથી પાછળ ફરાઈ ગયું.

     પાછળ તો કોઈ જ નહોતું. તો એ સ્પર્શ, પાછળ થી કોઈના આવવાનો પદરવ સંભળાવો એ શું ભ્રમ હતો? પ્રીતમ તો હવે રીતસર કમંડળ લઇ ને પ્રદક્ષિણાપથ પર દોડવા લાગ્યો, મનમાં ને મન માં તમામ દેવ-દેવીઓ યાદ આવી ગયા.. પોતાના ભાગ્ય ને કોસવા લાગ્યો ક્યાં આ બાવાવ વચ્ચે સલવાણો, કાળોતરો કરડ્યો હોત તો ટૂંકમાં પતેત, કમસેકમ ચંદ્રપ્રિયાનું મુખ તો જોવા પામેત. અને અહીંયા તો આ ભૂમિગત ભોંયરામાં માં જીવ જાશે..!! ઓલ્યા બેય બાવા તો એની સાધના માં વ્યસ્ત છે. અને આ પ્રીતમને સ્વ નો સંગાથ હવે કોરી ખાવા લાગ્યો. અત્યંત ભયના ઓથાર હેઠળ પણ એણે પ્રદક્ષિણા શરૂ રાખી. પગમાં છાલા પડ્યા અને રુધિર પણ વહેવા લાગ્યું પણ ભયભીત ને શારીરિક પીડા ક્યાં થાય છે?

     ઓરડાની સીમાની જ્વાળા મંદ પડી ને હવે તો ઠરી જ ગઈ હતી જાણે તેની શક્તિઓ પરાસ્ત થઈ. ભયભીત પ્રીતમ બાવરો બની ને પથ પર દોડયે જતો હતો, તેને ચિત્તભ્રમ જેવું કશુંક થવા લાગ્યું હતું. કોઈ તેના મસ્તિષ્કમાં પ્રવેશી તેને હુકમો આપતું હતું કે હવે થોભી જા, આરામ કર, આ કાર્યમાં તને કોઈ જ લાભ થશે નહીં, પણ હાં તારા જીવની હાનિ જરૂર દેખાય છે. અને સ્વગત જ પ્રીતમ તેનો વિરોધ કરતો હતો, અને દોડયે જતો હતો. થાક થી તેનું શરીર તૂટતું હતું… પણ સજગ ચિત્ત તેને આદેશનુસાર કાર્યપ્રવૃત્તિ નિભાવયે જતું હતું. ભય પૂર્ણ પણે તેના પર હાવી થઈ શકતો નહોતો. પ્રીતમનો પોતાના પર નો કાબુ હજુ અખંડ હતો. પણ શરીર પર નહિ. તે ધીમે ધીમે બેહોશ થવા લાગ્યો, પણ હાર માની નહિ, સતત તેના દિમાગ માં તેના માર્ગ પરથી અવરોધવા અવાજો  આવી રહ્યા હતા, તીવ્ર ચીસોથી તેના કાન પાકી ચુક્યા હતા, આંખોના રતન ઉપરની તરફ ચડતા હતા, છતાં ચાર પગે થઈને અને અંતે તો ઢસડાતા પણ એ પ્રદક્ષિણા પથ પર જલધારા રેડતો હતો..!

    ત્યાં જ અચાનક ત્રિકાળીનું શરીર જીવંત થયું, ત્રિકાળીએ આંખો ખોલી, અને પરિસ્થિતિ પોતાના કાબુ માં લેતા પ્રીતમના હાથમાંથી કમંડળ લઈ પાણી ની અંજલિ ભરી, નાભિથી મંત્રોચ્ચારણો ઉચ્ચાર્યા અને એ ખંડમાં પાણી નો છંટકાવ કર્યો. ફરી ઉત્તર તરફ મુખ કરીને કૈં મંત્ર બોલી ધખતી ધૂણીમાં હાથ નાખી ને રાખ લીધી, પોતાના કપાળ પાસે રાખી મુઠ્ઠી વાળીને ફરી કોઈ મંત્રોચ્ચારણ કર્યું અને એ રાખથી પોતાના, બટુકના તથા બેભાન અવસ્થામાં જતા પ્રીતમના કપાળ પર ઘસતા જ એ ઓરડામાં ઘડીકવાર સુનકાર વ્યાપી રહ્યો. ત્રિકાળીએ એની એ ક્રિયા દ્વારા ફરી ફરી ધૂણીમાંથી રાખ લઈને ત્રણેય શરીરો પર ચોપડી. પ્રીતમ "બાવા! હવે સંભાળો" એટલું ત્રુટક બોલતા જ પ્રીતમ બેહોશ થઈ ગયો..!

     પ્રીતમે જ્યારે આંખો ખોલી ત્યારે તેની કોમલાંગી ચંદ્રપ્રિયા તેના માથા પર હાથ ફેરવતી હતી, પૂર્ણિમ ચંદ્ર અવકાશને અજવાળી રહ્યો હતો, અને એ ચંદ્ર ની કાંતિથી ચંદ્રપ્રિયાનું મુખ અલૌકિક આભા થી ચળકતું હતું. પોતે ચંદ્રપ્રિયાના ખોળામાં માથું રાખીને પોતાના રંગમહેલના સુવાના કક્ષમાં પલંગ પર સૂતો હતો, બારી માંથી આવતો મંદ પવન ચંદ્રપ્રિયાની એક લટ વારે વારે તેના કોમળ ગાલ પર આવીને ચાળો કરતી હતી..! ફરી થી તે જાગ્યો ત્યારે આસપાસની પરિસ્થિતિ બદલેલ હતી. ચંદ્રપ્રિયાને જોતા જ જાણે યુગો બાદ તેને મળ્યો હોય એમ ભેટી રહ્યો, કરોડો કલ્પ ના વિરહી હૈયાઓ પરસ્પર ઠલવાતા રહ્યા.. અને પ્રેમાલાપી હૈયાઓને રાત વીતીને પરોઢ થયા છતાં કેમેય એ વિખુટા પડતા નહોતા કે પડવા માંગતા નહોતા..!
     
     પ્રીતમે ચંદ્રપ્રિયાના ગાલ પર ફરકતી લટ ને કાન પાછળ સરકાવતા પોતે અહીં કેવી રીતે પહોંચ્યો તે પૂછતાં તેણે જણાવ્યું કે એક સામાન્ય અને બીજો ઊંચાઈમાં નીચી કદ કાઠી ના બે સજ્જનો તેને ઘોડાગાડીમાં લઈ આવ્યા હતા, તેઓ પિતાપુત્ર હોય તેમ કહેતા હતા, અને હાં તમારો એક પટારો પણ મૂકી ગયા છે.. તે ત્યાં જુઓ સામે જ પડ્યો છે..!! પટારો સાંભળતા જ પ્રીતમ સફાળો બેઠો થઈ ગયો. પ્રીતમે પટારા તરફ નજર કરતા જ બોલી ઉઠ્યો આ તો એજ ધુમ્રછાંયા..!! "શું લવો છો, તમે તો એમ ચોંકો છો જાણે પટારા માં ભૂત હોય, પેલા બે સજ્જનોને મેં કહ્યું એટલે દ્વારથી છેક આ ખંડ સુધી તેઓએ મૂકી દીધો..! મેં આ હાર પહેર્યો છે તે એ પટારામાં થી જ તો કાઢ્યો. તમે મારા માટે આ ભેટ લાવ્યા, મને ખુબ ગમી.." ભયભીત પ્રીતમે હળવેકથી પટારા પાસે જઈ ને ઢાંકણ ખોલતા એમાં તો પોતે કમાયેલાથી દસ ગણું ધન ભાળ્યું, સોનાની લગડીઓ, ઘરેણાઓ, હીરા-માણેક ના રત્નો ને જોઈજોઈ ને રાજી થતો આશ્ચર્ય પામતો રહ્યો.. ને મનોમન ત્રિકાળી ની સિદ્ધિ ને પ્રસાદી સમજી આભાર માનતો રહ્યો..!!

Post a Comment

0Comments
Post a Comment (0)