"HOW TO BLOGGING" અથવા તો બ્લોગિંગ કેવી રીતે કરવું?
બ્લોગિંગ એટલે શું તમે SEARCH કરો ને એટલે ગૂગલ દેવતા જાત-જાતની ને ભાત-ભાતની સલાહ દેશે..! પેલા કોઈ સારા પ્લેટફોર્મ પર એક સાઈટ બનાવો, પછી એમાં કોઈ એક વિષય ને અનુરૂપ લખાણ લખીને એક સારી સરસ મજાની પોસ્ટ બનાવો ને એ સાઈટ પર પબ્લિશ કરો. લોકો SEARCH કરતા કરતા તમારા બ્લોગ/સાઈટ પર આવશે, જેમ રોડ માથે ટ્રાફિક થાય એમ સરનામું શોધતા આપણા બ્લોગ પર આવતા લોકો પણ ટ્રાફિક કહેવાશે. જેમ જેમ ટ્રાફિક વધુ જાય અને તમારો બ્લોગ ટ્રેન્ડ કરે અથવા તો ટ્રાફિક વધતું જાય તેમ તેમ તમારા બ્લોગની વેલ્યુ વધતી જાય, એમ એમ બ્લોગર દ્વારા તમે કમાણી કરી શકો, એક આવક નું સાધન થાય. મહિને અઢી લાખ સુધીની આવક તમને એક બ્લોગ કરી આપે.
હવે આ બધી વાતું માં જાજુ પડવું નહીં, આ ફાંકા-ફોજદારી મારા જેવા લોકો પોતાના બ્લોગ પર ટ્રાફિક લાવવા કરતા હોય, બાકી આપણે આપણા ધંધા માં ધ્યાન દેવાય.
ખરેખર બ્લોગિંગ એ 2008-13 ના ગાળામાં ઘણું પ્રખ્યાત હતું, મને યાદ છે, ત્યાં સુધી મોટેભાગે તો અમેરિકા માં વસતા અમુક નિવૃત ગુજરાતી અને વિચારકો આનો વ્યાપક ઉપયોગ કરતા, મારા જેવા વાંચતા, પછી, આ સોશિયલ મીડિયા, ઈન્સ્ટા, ટિક્ટોક-રીલ જેવા ફુગાવાના ફુગ્ગાઓ આવ્યા બાદ બ્લોગિંગ વગેરે એમાં પણ ખાસ સાહિત્ય કે જનરલ વાતો જેવા બ્લોગસ્ ગાયબ જ થઇ ગયા. હજુ બ્લોગિંગ તો થાય છે, પણ કેવા મુદ્દાઓ, માનો કે કોઈ ટેક-માહિતીઓ, કોઈ કમ્પૅરિઝન, કોઈ મોટરસાઈકલ-કાર-મોબાઈલ વગેરે ના કમ્પૅરિઝન અથવા તો માહિતીસભર બ્લોગ્સ ની બોલબાલા છે. શોર્ટ એન્ડ સિમ્પલ તમે કોઈ વાતનું વિશ્લેષણ કરતું લખાણ લખો એનું નામ બ્લોગ. શાળામાં પરીક્ષા વખતે નિબંધ-લેખનમાં જેમ પહેલો અને છેલ્લો ફકરો સાચો લખીને વચ્ચે જે દીધા-દીધી કરતા.. ઓહોહો ઉત્તરવહી-નિરીક્ષકોના મનની નિયંત્રણ-શક્તિને ધન્યવાદ દેવા પડે..!
યુટ્યુબમાં આપણે SEARCH કરીયે કે, ફલાણું ફલાણું કેવી રીતે થાય? એટલે એમાં કોઈ વ્યક્તિ બ્લોટીં હોય, પોતાના વિચારો રજૂ કરતી હોય અને, બ્લોગિંગ માં ઈની ઈ વાત લખી- વાંચીને થાય. ઘણા લોકો રોજનીશી લખતા હોય છે, ઘણાઓને ડાયરી લખવાની ટેવ, અથવા તો શોખ રીઝવવા લખતા હોય છે, મારા જેવાને આદિ-અવળી પંચાત કરવાનો શોખ હોય એટલે આવું આડેધડ લખતા હોય છે, અમુક ખુલ્લા પત્રો લખતા હોય છે, અમુકે વાર્તાઓ લખતા હોય છે. જેને જેવું લખવું હોય ઈ એવું લખે, ઓનલાઇન પબ્લિશ કરે, અને વાચકને પસંદ આવે તો તે તેનો ચાહક થાય, એક સાચો લેખક એ જ છે જે તેના વાચકની ઇચ્છાઓને અનુસરી શકે. અથવા તો પોતાના સ્વતંત્ર વિચારોને વડે વાચકના મસ્તિષ્ક પર પોતાની અમીટ છાપ છોડી શકે. (જાજી શિખામણ દેવાઈ ગઈ.)
ટૂંકમાં એલા તમને લખવાનો શોખ હોય, ભલે જે આવડે ઈ જે ન આવડે ઈ, હરિ ભરોસે ગાડું જાવ દેવું હોય તો આમાં જોડાઈ શકો, ને જે મન પડે ઈ લખો એનું નામ બ્લોગિંગ. બાકી કહેનારા તો ઘણુંય કહેશે, કે તમે કોઈ એક ટોપિકને આધારે જ લખો, ને સારું સારૃં જ લખો. અને હા, એલા કમાવાની આશા નો રાખતા આમાં, કામની તો તમારી તમે જે ધંધો-કામ કરતા હોય ન્યાં જ આશા રાખવી.. બાકી આતો બે-ઘડી ટાઈમપાસ થાય અને તમારે શોખ હોય તો તમારું જ્ઞાન તમે બાંટી શકો, પછી ભલે ને લોકો ને પસંદ આવે તો ભલે ન પસંદ આવે તોય ભલે ને, પણ તમે તમારા મનની ભડાસ જરૂર કાઢી શકો.
વચ્ચે તો BLOGGING એટલું બધું પ્રખ્યાત હતું કે જેને જોવો એ બધા એ ફેસબુકની જેમ પોત-પોતાના નામના બ્લોગ બનાવી લીધા, વળી એકબીજા ના બ્લોગમાં જઈ જઈને વણજોતી સલાહુ આપી આવતા કે, "ફલાણો સુધારો કરો, અથવા ફલાણું ડોમેઈન વાપરો, અથવા, ફલાણી જગ્યા એ ભૂલ છે, ફલાણી જગ્યા એ હ્રસ્વઇ ન આવે દીર્ઘઈ આવશે, ગુજરાતી વ્યાકરણની ભૂલો સુધારા-યોગ્ય છે, ને એવું એવું કેટલુંય, અમુક કવિઓ પોતાના કાવ્યો સીધા જન-હિતાર્થે બ્લોગ પર જ પબ્લિશ કરી દેતા ને કાવ્ય-રસિકો ગળાડૂબ રસાસ્વાદથી પરમ તૃપ્તિ નો અનુભવ લેતા હોય તેમ વાહ-વાહી અને પ્રશંસાઓનું પૂર વહાવી દેતા..!
હવે સમય સાથે બ્લોગિંગ નું મહત્વ ઘટ્યું છે, લોકો માં વાંચન કરતા શ્રાવણ વિશે વધુ આકર્ષણ છે. સાવ એવું પણ નથી કે બ્લોગિંગ લુપ્ત થવાને આરે છે..!પણ કદાચ કોઈ ટેક્નોલોજી, અર્થ-વ્યવસ્થા, અથવા રોજિંદી જીવનમાં ઉપયોગી કોઈ ચીજ-વસ્તુને લગતા લખાણ વાળો બ્લોગ માં મહેનત કરો તો મહેનત વ્યર્થ તો નહીં જ જાય, કદાચ તેનું આર્થિક મૂલ્ય નહીં મળે, પણ તમારું લખાણ દમદાર હશે તો પ્રસિદ્ધિ તો અવશ્ય મળશે.!!