આજકાલ આ ગૂગલને જેટલું પ્રાધાન્ય મળે છે એટલું તો સગા બાપને ય માણહ નથી દેતું..! ઝીણી ઝીણી વાતમાં ગૂગલને પૂછે છે,
"ઓકે ગૂગલ,
વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ?" એલા એમાં ગૂગલ ને શું પૂછે છો? દિ માં દસ વાર ખાલી સીડી ચડ ઉત્તર કરીશ તોય મહિને ફેર પડી જાશે.. તોય પાછો ગૂગલ ને પૂછે,
"શ્વાસ ચડે તો શું કરવું?" હવે આમાં ય ગૂગલ ને પૂછવાનું? "શ્વાસ ચડે તો ભાઈ પોરો ખા.. એકાદ બે બગાસા ખા.."
હમણાં એકદી મને શું સુઝયું તે મેંય વળી ગૂગલ ને પૂછ્યું કે લોકો તને શું શું પૂછે છે? એટલે અમુક કીવર્ડ સરચિંગ ટૂલ (KEYWORD SEARCHING TOOL) વડે મેં ખાલી "શું" કીવર્ડ લખીને સર્ચ કરી જોયું.. ને એલા જબરો ટાઇમપાસ થયો હો એલા.. લોકો કેવું કેવું સર્ચ કરે છે, કેવું કેવું ગૂગલ ને પૂછે છે?
"વશીકરણ એટલે શું?",
"કુતરા ને સંસ્કૃત માં શું કહેવાય",
"મોઢુ ધોળુ કરવા માટે શું કરવું જોઈએ?" એલા, મોઢું ધોળું કરવા પાવડર ચોપડ એમાં, ગૂગલને શું પૂછવાનું?,
"લોન લેવા માટે શું કરવું પડે?", પેલા તો તારા ઉપર ભરોસો કરીને લોન દેનારો ગોત ભાઈ...
"ડાબી આંખ ફરકે તો શું થાય?" ગૂગલેય કે'તુ હશે, ટાઢા પાણી થી આંખ્યું સરખી રીતે ધો ને, આંખ્યું ને ઘડીક આરામ દે..
"દારૂ પીવાથી શું થાય?" આવુંય પૂછવાનું ગૂગલને.. પૂછ્યા કરતા અખતરો આદરો, અનુભવ થી મોટો શિક્ષક તો ગૂગલ પણ નથી.
"અધુરી જીંદગી લાગણી શાયરી" તો લખ ભાઈ, કામ ધંધા માં ધ્યાન દીધું નહીં ને, બસ ફાંકા-રસને પીવી, સાંકડ-મૂકડ પડ્યા પાથર્યા અધૂરી જિંદગી જીવી..! લક્ષ્ય મોટું રાખવું એલા, બાકી છ બાય છ માં જિંદગી કાઢી નાખી ઈ નકામી, નકામી, ને સો વાર નકામી...!!
"પીએમ કિસાન નો હપ્તો ક્યારે આવશે" એલા નસીબમાં હશે તો આવી જાશે, ગૂગલને પૂછ્યે ગૂગલ કાંઈ મોદીને ભલામણ નહીં કરે તારી..!
"જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય !!", નહીં મતલબ આ તે ગૂગલ ને પૂછ્યું કે કીધું? પૂછ્યું હોય તો એમાં પ્રશ્નાર્થ છે નહીં અને કીધું હોય તો ઈ સાંજ સુધી માં અબજોમાં આળોટે છે, એને ઈજ્જત, ચિંતા અને પ્રેમની કાંઈ પરવા નથી, પણ તું ભાઈ ધંધે ધ્યાન દે, નકર, તારે સાંજે વઘારેલા ચોખા સિવાય કાચી ડુંગળી ય નોય વેંત નહીં રે..!!
"આધુનિક સાધનો શાપ કે આશીર્વાદ ગુજરાતી નિબંધ", "ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા છે અને કયા કયા", "ઓઝોન સ્તર કેવી રીતે વિઘટન પામે છે? સમજાવો." એક તો આ વિદ્યાર્થીઓ આખું લેશન ગૂગલમાંથી ઉતારતા લાગે છે.
"iphone 14 pro price in india" હવે તારે હપ્તે જ લેવાનો છે, પછી ભાવ જાણી ને શું કરીશ? કિડની વેચીશ?
પછી, આ એક લીટી ઇંગ્લીશમાં લખીને એટલે થયું લાવ થોડુંક ઇંગલિશ try કરીયે, એલા ઈંગ્લીશ લખવાનું try કરીયે એમ, એટલે મેં keyword search કર્યો, "In India", એટલે તાજો ઘાણ આવ્યો, "covid / corona cases in india", "how many states in India?" બોલો લ્યો, રાજ્યની ગણતરી ગૂગલે રાખવાની. પછી એકધારી pricelist જ લોકો સર્ચ કરે છે, "gold, bitcoin, I phone, thar, range rover, dollar rate, pound rate, euro rate" હવે આણે સાંજે સારું શાક નો હોય ઘરે, ને ગૂગલ માં ખોટી ફાંકા-ફોજદારી કરતું હોય..!! પાછું આવા ને પુછીયે ને કે આવું બધું search કરવાથી શું થાય તો શું કે ખબર?, નોલેજ વધે..! એલા તારે બારમાં માં બે વાર બેસવું પડ્યું'તું .. પણ તોય.. માણહ એટલું ગૂગલ ના આધારે જીવે છે કે વાત જાવા દ્યો..!
હવે તો ગૂગલ ને પોતાની યાદશક્તિ પણ સોંપી છે..! "ઓકે ગૂગલ કાલ મને ફલાણું કામ યાદ દેવડાવજે" ખરેખર મોબાઇલ સ્માર્ટ થયા ને માણસ મૂર્ખ..! તમે તમારા ઘરમાં એક રૂમ માંથી બીજા રૂમ માં જાવને એ પણ ગૂગલ ટ્રેક કરે છે..! લગભગ માણસ તો ગૂગલના જ કબ્જા માં છે એમ સમજવાનું..! ગૂગલ જો પોતાની સર્વિસ બંધ કરે તો? ભારતની અડધી પ્રજાને બાદી થઈ જાય..!
*****